મેં તમને શાળાના આચાર્યએ જે ટ્યુશનની વાત કરી હતી તે કહી. તમે કહ્યું આ જ સમયમાં જો બધું થઇ જતું હોય તો કર કંઈ વાંધો નહીં. અને મેં બીજા દિવસે ટયૂશન કરાવવા માટે હા પાડી દીધી. મને એ આચાર્ય જાણે ભગવાન લાગ્યા હતા કે મારી દરેક તકલીફનું નિરાકરણ એવું બતાવતા કે મારી પાસે પૈસા આવતા બંધ ન થાય. હા, એમના નબળા વિદ્યાર્થીઓને મારે પૈસા લીધા વગર ભણાવવાના હતા પણ એની સામે મને એમણે એમની શાળાનો એક આખો વર્ગ આપી દીધો હતો ટયૂશન કરાવવા માટે. આજે તો હું જીવનની સંધ્યાએ પહોંચી છું પણ મેં એમના જેવો નિસ્વાર્થી માણસ કોઈ નથી જોયો. કહેવાતા સગાવહાલા પણ નહીં. અને ખરેખર મને વિદ્યાર્થીઓ વધારે મળ્યા હતા ટયૂશન કરાવવા માટે. જેમની ફી પણ એ આચાર્યએ જ નક્કી કરી હતી અને એ પગાર કરતાં ઘણી વધારે હતી. હવે મારી અને દિકરાની જાણે એક નિયમિત દિનચર્યા હતી. રોજ સવારે ઘરેથી નીકળવું અને બપોરે પહોંચવું. તમને ખબર છે આ રૂપિયા હું કમાતી થઈ એટલે મારી અંદર જે ઘરમાં બેસી રહેવાનો અપરાધભાવ હતો એ દૂર થઈ રહ્યો હતો. જે દિવસથી મારી નોકરી છૂટી હતી તે દિવસથી હું તમારી પાસે પૈસા માગી જ નહોતી શકતી. તમે જે આપતા એમાંથી જ ચલાવતી. મારે કંઈ પણ લેવું હોય તો પણ ન લેતી. હવે એ અપરાધભાવ ઓછો થઇ રહ્યો હતો. રક્ષાબંધન આવવાની હતી. મારી પાસે એક સાડી હતી. મેં તમને પૂછ્યું કે એ સાડીને મેચિંગ તૈયાર બ્લાઉઝ મળે છે તે લઈ આવું ? તમે હા પાડી. અને આપણે એ લઈ આવેલા. ને એ જ દિવસે બેન ઘરે આવ્યા હતા. એમના માટે જમવાનું બનાવ્યું ને જમતા જમતા મમ્મીએ એમને પૂછયું કે ભાણીના અલુણા કેવા રહ્યા હતા ? એણે ખાવા માટે જીદ ન કરી હતી ને ? તો બેને કહ્યું કે ના એ તો સારા જ રહ્યા હતા. ભાઈ સૂકો મેવો તો આપી જ ગયો હતો. પણ બનેવીના કોઈ મિત્ર ભાણી માટે સૂકો મેવા, કપડા, રમકડા બધું જ લાવ્યો હતો. એ મને એમ જ કહે કે મને તમારો ભાઈ જ માનવાનો. એટલે મામા તરીકે હું આટલું તો આપી જ શકું ને. આ વાત સાંભળીને મને અને તમને બંનેને ખોટું લાગ્યું હતું કે બેન આ વાત કરીને આપણને કહી ગયા કે તમે કપડા ન આપ્યા હતા. મેં તમને કહ્યું કે કંઈ નહીં આપણે રક્ષાબંધન પર ભાણી માટે કપડા લઈને આપી દઈશું. પણ તમે કહ્યું કે જે પૈસા વધારે લાગતા હતા એમાંથી તો તારા માટે આજે બ્લાઉઝ લઈ આવ્યા. હવે જે છે એમાંથી મહિનો તો કાઢવો પડશે ને. વળી, રક્ષાબંધન આવે છે તે પણ તો ખર્ચો થશે. એ દિવસે આપણે વિચારતા રહ્યા કે હવે શું કરીશું ? પણ બીજા દિવસો હું મારી બ્લાઉઝ લઈ ગઈ અને દુકાનવાળાને પાછી આપી દીધી ને એને કહ્યું કે તમે મને આના પૈસા પાછા આપી દો. એણે કહ્યું કે તમને બીજી જોઈતી હોય તો આપું પણ પૈસા પાછા ન આપું. મેં એને કાલાવાલા કર્યા કે ભાઈ મારે બીજી બ્લાઉઝ નથી જોઈતી પણ તું પૈસા પાછા આપે તો મારે ભાણી માટે કપડા લેવા છે. ને મારી પાસે બીજા પૈસા નથી. એને સમજાવતાં સમજાવતાં હું લગભગ રડી જ પડી હતી. ને એ દુકાનદારે કમને પૈસા પાછા આપ્યા. ને હું એમાંથી ભાણી માટે કપડા લઈ આવી હતી. મેં ઘરે આવીને તમને બતાવ્યા અને કહ્યું કે હવે તમે ટેન્શન ન લેશો. એ દિવસે તમારી આંખમાં પણ પાણી આવી ગયા કે તેં પહેલીવાર કંઈ માગ્યુ ને હું ન આપી શક્યો. પણ મેં સમજાવ્યું કે કંઈ વાંધો નહીં બીજી વખત લઈ લેશું.