Redhat-Story ek Hacker ni - 36 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 36

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 36


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:36

      સ્થળ:સૂર્યાનો બંગલો
      સમય: બપોરના બાર

         સૂર્યાના કોમ્પ્યુટર વાળા રૂમમાં ખુરશીની ગોઠવણ કઈક આ મુજબ હતી.ચાર ખુરશી કોમ્પ્યુટરની સામે રૂમની મધ્યમાં મુકાઈ હતી. તેમાં કિંજલ,આરવ,રિયા અને ઈન્સ્પેકર વિક્રમ બેઠા હતા.સામેની તરફ તે કોમ્પ્યુટરના કાટખૂણે એક એક બન્ને તરફ ખુરશી હતી તેમાં સૂર્યા અને ગુરુ બેઠા હતા.સૂર્યાએ મુખ્ય કોમ્પ્યુટર ઓન કર્યા બાદ સામાન્ય રીતે પાંચેય સ્ક્રીન પર અલગ અલગ કામ ચલતા પણ આજે તેને એ સ્ક્રીનને એક કરી અને તે એક સિનેમાની સ્ક્રીન જેવું બની ગયું.તેમાં એક ફોલ્ડર ખોલ્યું અને બોલ્યો "સો હું મારી વાત બધાને કહેવામાં માનતો નથી એટલે જ આજ સુધી આ વાત કોઈને કહેવામા આવી નથી પણ આજે હું તમને એ વાત કહું છું એમાં ગુરુ તારા માટે પણ કેટલીક વાતો નવી હશે પણ એ પહેલાં તમે મને વચન આપો કે તમે કોઈ પણ કિંમત પર કોઈને પણ આ વાત નહીં કહો"

         "સૂર્યા તું ટેંશન ન લે અમે કોઈ દિવસ એ વાત અમારાથી બહાર નહિ આવે એનું વચન આપીએ છીએ" બધાએ વારાફરતી વચને બંધાતા કહ્યું.

            પછી સૂર્યાએ તેના જીવનની વાત કહેવાનું શરૂ કર્યું અને તે વાતના સંદર્ભ મુજબના ફોટોઝ અને વિડિઓઝ જે પણ તેની પાસે હાજર હતા તે કોમ્પ્યુટર પર બતાવવાના શરૂ કર્યા,અને ઉજાગર થયો એક ધફનાયેલો જાજરમાન ભૂતકાળ.

***********************

     સ્થળ: સુરત,ગુજરાત
     સમય: આજથી ચૌદ વર્ષ પહેલાં

        એક ચાર પાંચ વર્ષનું બાળક એક આંગણામાં રમી રહ્યું હતું,.સુરતના પશ્ચિમ ઝોનમાં રિંગરોડથી આગળ,ભાગ્યવતી બંગલોવ્સમાં આવેલ એ મકાનમાં અત્યારે શાંતિ હતી.તે બાળક એક નાની સફેદ રંગની ટોપીથી રમી રહ્યું હતું.તે તેને પહેરી કાઢી મોઢામાં નાખી દૂર ફેંકી અને પાછી તેને પકડી વિવિધ ચેનચાળા કરી રહ્યું હતું.ત્યાં જ એક અવાજે તે બાળકને ડરાવ્યો "સૂર્યા એ ગંદી ટોપી મોઢામાંથી કાઢ,ખબર નહીં તારા દાદા પણ શું શું લઈને આવે છે તારા માટે"તે અવાજ તેની મમ્મીનો એટલેકે રૂપાલીબેનનો હતો.તે જ સમયે સૂર્યાના પપ્પા એટલેકે અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટના એકના એક દીકરા સત્યમૂર્તિ બ્રહ્મભટ્ટ બહાર આવ્યા અને કહ્યું "રૂપાલી રમવા દે એને નહિતર પાછો કોમ્પ્યુટરમાં ચોંટી જશે"

        "એ આદત પણ એના દાદા એ જ પાળી છે" રૂપાલીબહેને કહ્યું.

          "દાદા-પૌત્ર કરતા તે મિત્રો વધુ છે.તો ચાલ્યા કરે,પણ તે હજી પહોંચ્યા નહિ.. મને લાગે છે કે આવવા જોઈએ હવે" સત્યમૂર્તિએ કહ્યું.

          "તમારે હવે એમને પૂછવું જોઈએ કે તે શું કામ કરી રહ્યા છે? તમે કાઈ ઓછું નથી કમાતા.તો એમને આ ઉંમરે કામ કરવું પડે એ કામ કરે છે એ મને નથી ગમતું.તેઓ વર્ષમાં માંડ અઠવાડીયું આવે છે અને રશિયામાં જ રહે છે અને તે દિવસે તેમની પાસે ગન જોઈને તો મારા હાજા ગગડી ગયા હતા.તેઓ જીવના જોખમે કામ કરી રહ્યા હોય એવું લાગે છે" રૂપાલીએ કહ્યું.

          "જો રૂપાલી મને પણ ખબર નથી કે તે શું કરી રહ્યા છે અને તું તેમના સ્વભાવને જાણે છે ને કે તે કશું નહીં સાંભળે" 

          "અરે સૂર્યા ક્યાં જતો રહ્યો? સૂર્યા સૂર્યા.." કહી રૂપાલી અંદરના રૂમમાં ગઈ.સૂર્યા ખૂબ જ ધ્યાનથી કોમ્પ્યુટરમાં કઈક જોઈ રહ્યો હતો તેના નાના હાથ કોમ્પ્યુટર પર ફરી રહ્યા હતા અને તેની બાજુના તેની બહેન ઊર્મિ બેઠી હતી તેં અને સૂર્યા બન્ને ટ્વિન્સ હતા.તે સૂર્યા તરફ અને કોમ્પ્યુટર તરફ તાકી તાકીને જોઈ રહી હતી.

             રૂપાલી અને સત્યમૂર્તિ ત્યાં પહોંચ્યા ત્યાં જ ઘરમાં કેટલાક મોઢા પર માસ્ક પહેરેલા અને બંધુકધારી લોકો ઘુસ્યા,આ અવાજ સાંભળી રૂપાલી અને સત્યમૂર્તિ ત્યાં પહોંચ્યા. "ઓય કોણ છો તમે?" સત્યમૂર્તિ વાક્ય પૂરું કરે તે પહેલાં સામે ઉભેલા લોકોએ ગોળીબાર શરૂ કર્યો હતો અને તેમને એક રાઉન્ડ પૂરું ન થયું ત્યાં સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો.તેમાં સત્યમૂર્તિના માથા પર ગોળી વાગી હતી અને થોડીવાર કણસ્યા બાદ તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું.રૂપાલીને બન્ને પગ અને હાથ પર એમ કુલ ત્રણ ગોળી વાગી હતી.તે હજી કણસી રહી હતી.આ સાંભળી ઊર્મિ અને સૂર્યા કુતુહલ પૂર્વક બહાર આવ્યા હતા.ત્યારે રૂપાલીબહેને ચીસ પાડી હતી "સૂર્યા,ઊર્મિ બેટા અંદર..અંદર જાવ" તે કણસી રહ્યા હતા.સૂર્યા અને ઊર્મિના નાના સરખા મગજમાં આ બધું શુ ચાલી રહ્યું છે તે સમજાય રહ્યું નહોતું.

          એક બંધુકધારીએ ગન પોઇન્ટ પર સૂર્યાને લીધો.આ રૂપાલીબહેને જોયું તેમના હાથ અનાયાસે જ જોડાઈ ગયા અને આજીજીના સ્વરમાં કહ્યું "હું તમારી આગળ હાથ જોડું છું કૃપા કરી મારા આ બન્ને બાળકોને છોડી દો એમને તમારું કશું નથી બગાડ્યું ભગવાન તમારું ભલું કરશે" સૂર્યા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો બરાબર જોઈ રહ્યો હતો.

        "આ બાઈ કહે છે તો સાચું,આ બન્નેને મારવા કરતા બોસને આપી દઈએ તો કેમ રહે? વધારે પૈસા મળશે."તેમાંથી એકે કહ્યું અને રૂપાલીબહેનને એક ગોળી માથાના ઉપરના ભાગમાં મારી.પીડાની ચરમસીમા બાદ તેમની પીડાનો અંત આવ્યો.સૂર્યાએ આ શબ્દ સાંભળ્યા હતા અને તેને એટલો ખ્યાલ આવ્યો હતો આ લોકો તેની સાથે કંઈક ખોટું કરવા માંગે છે.આથી તે ભાગ્યો હતો તેમાંથી બે લોકો તેની તરફ ભાગ્યા હતા અને બે લોકો ઊર્મિને પકડવા માટે આગળ વધ્યા હતા.સૂર્યા બહાર નીકળી એક બાંકડાની નીચે ઘૂસ્યો હતો.તે પહેલાં બંધુકધારી જોઈ શક્યા નહોતા તે તેને ગોતવા મથી રહ્યા હતા પણ આ તરફ ઊર્મિ પકડાઈ હતી. તેને લઈને પેલા બહાર આવ્યા હતા. આ સમયે બીજી એક ઘટના બની હતી.દૂરથી અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ ત્યાં પહોંચ્યા હતા. બંધુકધારીઓની નજર તેમના પર ગઈ હતી તેમનો એક બોલ્યો હતો "ઓય એ છોકરાને મુકો અને ભાગો આ તો બોસે બતાવ્યો હતો એ જ બુઢ્ઢો છે" આટલું કહી તે લોકો ઊર્મિને લઈને ભાગ્યા હતા.આ દ્રશ્ય જોઈ અનિરૂદ્ધ પણ સામેથી ભાગ્યા હતા.જે લોકો ઊર્મિને લઈને ભાગ્યા હતા તે તો બીજી તરફથી નીકળી ગયા હતા પણ સૂર્યાને જે લોકો ગોતી રહ્યા હતા તે તેમની નજર સમક્ષ હતા તેમને પોતાની ગન કાઢી અને પેલા કાઈ વિચારે એ પહેલાં અનિરૂદ્ધ ની ગોળી તેમના મસ્તીસ્કની આરપાર થઈ ચૂકી હતી.અનિરૂદ્ધ ઊર્મિ પાછળ ગયો પણ તે કોઈ વાતે હાથે ચડે તેમ નહોતા કેમ કે જો તેમની પાસે વ્હીકલ હોય અરે હશે જ કાઈ આમ મુખવટા પહેરીને રસ્તા પર ચાલતા ન આવે,તો તે વ્હીકલે હાઇવે પકડી લીધો હશે.

            અનિરૂદ્ધને એ ખ્યાલ નહોતો કે સૂર્યા બાંકડા નીચે સંતાયો છે.તે સીધા અંદર ગયા પણ સૂર્યાએ તેમને જોયા હતા એટલે તે ધીરેથી તેમની પાછળ ગયો.અનિરૂદ્ધ અંદરનું દ્રશ્ય ફાટી આખે જોઈ રહ્યો.તેની સાથે આ મક્કમ દિલના આદમીમાંથી એક અફાટ રુદન સરી પડ્યું તે રડી રહ્યા હતા ત્યારે સૂર્યાએ પાછળથી આવીને કહ્યું "દાદુ તમે કેમ રડી રહ્યા છો?"

             અનિરૂદ્ધ એકદમ તેની પાસે ગયો અને બોલ્યો "સૂર્યા તું અહીં જ છે ભગવાન તારો લાખ લાખ આભાર" કહી સુર્યાને ચૂમવા લાગ્યા અને પછી તેને ગળે લગાવી રડવા લાગ્યા.

*******

     સ્થળ: સેન્ટ પીટર્સબર્ગ,રશિયા
     સમય: ઘટનાના પંદર દિવસ બાદ

      અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ હવે તેમના વહુ,દીકરાની અંતિમ ક્રિયા પતાવીને રશિયા પાછા ફર્યા હતા. તે ખૂબ ફોલાદી મગજના માનવી હતા તેમ છતાં તેમનું દુઃખ ઓછું થઈ રહ્યું નહોતું.તેમને ઊર્મિ માટે પણ ખૂબ ચિંતા થતી હતી તેમને આખું સુરત,સેન્ટ પીટર્સબર્ગ અને મુખ્ય તો મોસ્કોના પોતાના તમામ સોર્સને કામે લગાડ્યા હતા,પણ ઊર્મિની જરા સરખા એંધાણ પણ મળ્યા નહોતા.તેમને માટે સૂર્યા સુરક્ષિત હતો તે મહત્વનું હતું.તેને જોઈને પણ તે ભગવાનનો આભાર માની લેતા.તેઓએ હવે પોતાનું નિત્ય કામ શરૂ કર્યું હતું.જોકે તે તેમના માટે ખૂબ અઘરું બની રહ્યુ હતું.સત્યમૂર્તિનો સુલજેલો સ્વભાવ,રૂપાલીની તેમના પ્રત્યેની ચિંતા,ઊર્મિની દાદુ દાદુ કહી સૂર્યા વિશે થતી ફરિયાદ બધું યાદ આવી રહ્યું હતું.સૂર્યા ચાર વર્ષની ઉંમરે માં અને બાપ બન્નેનો આધાર ખોયો હતો.સૂર્યા તેમને કહેતો કે "દાદા અહીંયા મારે નથી રહેવું,મને ઠંડી લાગે છે મારે મમ્મા પાસે જવું છે" ત્યારે તેમના આશુઓ સુકાતા નહીં પણ તેની અસર તેમને એસેમ્બલી પર થવા દીધી નહોતી.અરે તેમને સમીર તથા એક વ્યક્તિ સિવાય કોઈને જાણસુધ્ધા નહોતી કરી કે તેમની સાથે શુ થયું હતું.તે તેને એક દીકરીની જેમ રાખતા તેમના માટે તે બહુ ખાસ હતી.તે હાલ લોસ એન્જલસમાં હતી.

         એક દિવસ સાંજે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરમાં સૂર્યાને જોઈને તે ચોંકી ઉઠ્યા હતા.તે કોમ્પ્યુટર પર કઈક ખૂબ ઝડપથી ટાઈપ કરી રહ્યો હતો.તેની બાજુમાં બેસેલ મીસ.સાલીયા પણ તેને કુતુહલથી જોઈ રહ્યા હતા.જ્યારે તે નજીક ગયા ત્યારે તેમની આખો ફાટી જ રહી ગઈ સૂર્યા તેમાં પાયથનની કોર્ડિંગ કરી રહ્યો હતો."સૂર્યા આ શું કરી રહ્યો છું" બ્રહ્મભટ્ટે સહેજ કડક અવાજે કહ્યું. સૂર્યા ચોકીને ઉભો થયો અને તેના દાદા તેના પર ગુસ્સે થશે એમ સમજી નીચે માથું કરી ઉભો રહ્યો.તેની જગ્યાએ મિસ.સાલીયાએ જવાબ આપ્યો "એ માસ્ટર મેં એને કહ્યું કે મારે કંપની તરફથી કોલ બહુ આવી રહ્યા છે તો તેને મને કઈ કહ્યા વગર આ તમારા કોમ્પ્યુટરમાં કઈક કરવા લાગ્યો."

       "સૂર્યા શુ કરી રહ્યો હતો તું? મને કહે હું ગુસ્સે નહિ થાવ"અનિરૂદ્ધ કંઈક આશ્ચર્યથી બોલ્યા.
  
     "એ દાદા હું આપણા વિસ્તારનું નેટવર્ક જામ કરી રહ્યો હતો જેથી આંટીને કોઈ કોલ જ ના આવે"સૂર્યાએ તેના મુંડન કરાવેલ માથા પર હાથ ફેરવતા કહ્યું.

      "હાહાહા...હાહા.. તું એવું નહીં કરી શકે સૂર્યા એના માટે ઘણી સ્કીલ જોઈએ ઘણું વાંચવું અને સમજવું પડે.તારે ટાવરના નેટવર્ક વિશે સમજવું પડશે" તેઓએ ખડખડાટ હસતા કહ્યું.કદાચ પંદર દિવસમાં તે પહેલીવાર આટલું જોરથી હસ્યા હશે.તેમ છતાં તેઓ ખૂબ જલ્દી એ સદમાંમાંથી બહાર આવ્યા હતા.

       "પણ દાદુ મેં તો કરી દીધું તમારો મોબાઈલ ચેક કરો" સૂર્યાએ કહ્યું.

        અનિરૂદ્ધે કઈક કુતુહલથી કઈક જીજ્ઞાસાથી કઈક અવિશ્વાસથી કઈક ગુંચવાતા મોબાઈલ કાઢ્યો અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.તેમના મોબાઈલમાં સાચેજ નેટવર્ક નહોતું.તેમને સાલીયા તરફ નજર કરી તેને પણ તેનો મોબાઈલ બતાવ્યો તેમાં પણ નેટવર્ક નહોતું.તેઓની આંખમાં આશ્ચર્યનો પાર નહોતો જે કામ તેમના પંદર વર્ષના કાબેલ સ્ટુડન્ટોને શીખવાડવામાં તેમને પાણી આવી જતું તે કામ એક ચાર પાંચ વર્ષના બાળકે લગભગ અડધી કલાકમાં કર્યું હતું.

          "સૂર્યા તું આ બધું ક્યાં શીખ્યો પપ્પા એ શિખવાડ્યું?"

          "ના દાદુ એમને તો હેલો વર્લ્ડ કમાન્ડ લખતા પણ નથી આવડતી હું તો ઓનલાઈ શીખ્યો એક વર્ષથી શીખું છું"

          "મને કહે તો તે આ કઈ રીતે કર્યું" 
  
        "દાદુ સહેલું છે આપણે કોલ કરીએ છીએ ત્યારે તે 'ઇલેકરોમેનગનેટિલ વેવ' થી મેસેજ જાય છે અને ત્યાંથી ટાવર પાસે ત્યાંથી તે પ્રોસેસિંગ કરી 'બેઝ રેટેપટર' સુધી,તે પ્રોસેસિંગ થોડો સમય લે એમાં જો પાયથન અને જાવા સ્ક્રીપટનો ઉપયોગ કરી પ્રોક્ષી એનોનેમસ કોલ એ હદે કરવામાં આવે તો નેટવર્ક જામ થઈ જાય પણ એમાં થોડી સ્પીડ રાખવી પડે." સૂર્યા હજી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અને રિસેપ્ટર સરખી રીતે નહોતો બોલી શકતો.

          બ્રહ્મભટ્ટ સ્તબ્ધતાથી જોઈ રહ્યા.

********
ક્રમશ: