Parampara ke Pragati? - 18 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 18

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 18

આગળ આપણે જોયું કે જેન્સી અને નીતા બંને પોતાના રૂમમાં જાય છે. પછી બંને ફ્રેશ થઈ અને ડિનર કરવા બેસે છે, ત્યારે નીતા કહે છે, "જેન્સી, આજે મને પેલી લેડી ઇન્સ્પેક્ટર હોસ્પિટલની બહાર મળી હતી."

તો જેન્સી કહે છે, "નીતા, ડોન્ટ ટેલ મી... કે તે પાછું કંઈક કર્યું છે! તને મેં કેટલી વાર ના પાડી છે કે તું કોઈ પણ ઊંધા ધંધા ન કર. તારું ફોકસ ભણવા ઉપર હોવું જોઈએ."

તો નીતા કહે છે, "અરે મારી મા, મારો ફોકસ તો ભણવા ઉપર જ છે. આ તો એ બીજા કંઈક કામ માટે મને મળવા આવી હતી. બસ, તને તો હું જ બધે દેખાવ છું, મારી તો વેલ્યૂ જ નથી...."

જેન્સી કહે છે, "તે ઇન્સ્પેક્ટર તને કેમ મળવા આવી હતી? એને તારું શું કામ પડ્યું વળી?"

તો નીતા કહે છે, "તારી હોસ્પિટલમાં તારો પેશન્ટ મિસ્ટર જાન નથી, જેની તું સારવાર કરી રહી છો. તેના વિશે પૂછપરછ કરવાનું મને એણે કીધું. એને શંકા છે કે મિસ્ટર જાનનું એક્સિડન્ટ નથી થયું, પણ તેને મારવાની કોશિશ કરી છે. એટલે તે તેના વિશે ઇન્ફોર્મેશન કાઢવા માંગે છે. પણ હજી સુધી મેં તેમને કંઈ જવાબ નથી આપ્યો. શું આપણે તેને કહી દેવું છે કે તેના મેનેજરે આપણને એક ચિઠ્ઠી આપી છે મિસ્ટર જાનને આપવા માટે? તેનો જીવ જોખમમાં છે."

જેન્સી કહે છે, "આપણે આ બધામાં પડવાની જરૂર નથી. ખાલી તું એના વિશે જે ઉપરની ઇન્ફોર્મેશન હોય તે તેને આપી દે. એક કામ કર... હું તને એક કાગળમાં લખી દઉં છું. એટલું તું તેને આપી દે બસ. એથી વધુ કંઈ કરવાની જરૂર નથી. જો આપણે આમાં ઊંડા ઊતરશું અને પોલીસની મદદ કરશું તો આપણે હેરાન થઈ જઈશું. આ આપણો દેશ નથી, નાહકના હેરાન થાશું. એટલે આપણે કંઈ વચ્ચે પડવાની જરૂર નથી. મને તો આ લોકો બધા ડેન્જરસ માણસો લાગે છે. પૈસાવાળા માણસોના દુશ્મનો ઘણા હોય."

નીતા કહે છે, "ઠીક છે, તું મને જે ઇન્ફોર્મેશન લખી દઈશ તે હું તેમને આપી દઈશ. અને હા, તારી બેન પ્રિયાનું કામ થઈ ગયું છે. મેં આજે ઘણી ઇન્ફોર્મેશન વિન્ટર કલેક્શન માટે ભેગી કરી લીધી છે. લેપટોપમાં તેના ફોટા અને તેનું મટીરીયલ હમણાં જ તૈયાર કરી દઈશ એટલે તું તેને પીડીએફ કરી દેજે."

જેન્સી નીતાની સામે જોઈને કહે છે, "થેન્ક યુ નીતા. પ્રિયા બહુ ખુશ થઈ જશે."

નીતા જેન્સીનો હાથ પકડતા કહે છે, "પ્રિયા ખુશ થશે એટલે તું પણ ખુશ થઈ જઈશ ને? એટલે જ મેં આ તારા માટે કામ કર્યું છે, તેના માટે નહીં. હું તને ખુશ જોવા માગું છું."

જેન્સી સ્માઈલ કરતા કહે છે, "તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે."

તો નીતા કહે છે, "આ પ્રિયાની જગ્યાએ હું તારી નાની બેન હોત તો કેવું સારું હતું! તે કેટલી લકી છે કે એને તારા જેવી બેન મળી છે."

જેન્સી કહે છે, "હું લકી છું કે મને તારા જેવી ફ્રેન્ડ મળી છે, બહેનથી પણ વિશેષ."

નીતા કહે છે, "બસ હવે આપણે વધારે સેન્ટિમેન્ટ થવાની જરૂર નથી. ચૂપચાપ ડિનર કરી લઈએ. પછી હું તને પીડીએફ બનાવી દઉં અને તું મને લેટર લખી દે એટલે કાલ સવારે પહેલી લેડી ઇન્સ્પેક્ટર મારો પીછો છોડે."

ડિનર પછી બંને જણા પોતપોતાના કામે લાગી જાય છે. નીતા પ્રિયા માટે સરસ મજાનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા લાગે છે. જેન્સી પણ જાન વિશે જેટલી ખબર ઇન્સ્પેક્ટરને આપવાની જરૂરી લાગતી હોય છે તેટલી લખી નાખે છે.

લેટર લખાઈ ગયા પછી, જેન્સી કહે છે, "નીતા, તું આ લેટર સરખી રીતે બે વાર વાંચી લેજે. પહેલી ઇન્સ્પેક્ટર તને આડોઅવળો સવાલ કરે તો તને એમાંથી જવાબ આપવાની ખબર પડે. અને મારું પૂછે તો ફોનમાં વાત કરાવી દેજે. હું તેને રૂબરૂ મળવા નથી માગતી. તે ઇન્સ્પેક્ટર બહુ હોશિયાર છે. મને જોશે તો તેને ખબર પડી જશે કે કંઈક ગડબડ છે કે આપણે કંઈક છુપાવી રહ્યા છીએ. એટલે બને તો ફોનમાં જ વાત કરાવવાનો પ્રયત્ન કરજે. ઠીક છે?"

નીતા કહે, "ઠીક છે, હું તેમ જ કરીશ."

પછી પ્રિયા લેપટોપમાં વ્યસ્ત થઈ જાય છે. અને જેન્સી ફ્રી હોવાથી તે પોતાની ડાયરી ખોલીને બેસે છે. નીતા જુએ છે કે જેન્સી આજે તેની ડાયરી ખોલીને બેઠી છે, તો તે જેન્સીને પૂછે છે, "આજ ડાયરીમાં કંઈક ખાસ લખાવાનું છે? આજ તો તે ઘણા દિવસે ડાયરી બહાર કાઢી છે."

તો જેન્સી હસતા કહે છે, "તું બેઠી હોય અને હું બહાર ડાયરી કાઢું લખવા માટે એટલે હું કોઈ દિવસ કંઈ લખી શકતી નથી. તું મને ડિસ્ટર્બ કરે છે. જા, મારે કંઈ નથી લખવું."

નીતા કહે છે, "ઉફ... યાર, સોરી.... હવે હું તને ડિસ્ટર્બ નહીં કરું... તું તારે લખ, જે લખવું હોય તે લખવા મંડ... જા, ખોવાઈ જા તારા સપનાઓમાં... જતી રહે... ગુમ થઈ જા... એમાં હું તને ડિસ્ટર્બ નહીં કરું..."

જેન્સી નીતાની સામે જોઈને ડોળા કાઢે છે અને કહે છે, "હવે તું બંધ થઈશ? વિચારવા દે..."

ત્યાં ફોનની રિંગ વાગે છે. નીતા ફોન ઉપાડે છે, સામેથી ઇન્સ્પેક્ટરનો ફોન હોય છે. ઇન્સ્પેક્ટર કહે છે, "કાલ સવારે હું હોસ્પિટલ આવું છું. મારે મિસ્ટર જાનની નર્સ સાથે વાત કરવી છે."

તો નીતા કહે છે, "તમારે એની સાથે શું વાત કરવી છે? મેં એની સાથે વાત કરી લીધી અને લેટરમાં બધી ઇન્ફોર્મેશન લખીને રાખી છે."

ઇન્સ્પેક્ટર માની જાય છે અને કહે છે, "ઠીક છે, સવારે તું લેટર આપતી જજે."

નીતા કહે છે, "ઠીક છે ઇન્સ્પેક્ટર, કાલે મળીએ." એમ કહીને નીતા ફોન મૂકે છે અને જેન્સીની સામે જુએ છે.

નીતા કહે છે, "લેટરથી વાત નહીં બને. તે તને મળશે તો ખરી જ એટલે તું પહેલેથી પ્રિપેર રહેજે."

જેન્સી કહે છે, "ઠીક છે, આવા દે. જોયું જાશે."

જેન્સી ઊભી થઈ અને ગેલેરીમાં વિન્ડો પાસે જઈને બેસે છે અને આકાશમાં જોવા લાગે છે. જેન્સી વિન્ડોની બારીમાંથી આકાશમાં તારા જોતા જોતા તે જાનના વિચારમાં ખોવાઈ જાય છે અને પોતાના વિચારો ડાયરીમાં ઉતારવા લાગે છે.

"કાલે તો... મિસ્ટર જાન જતા રહેશે. ક્યારેક કોઈ વ્યક્તિને આપણે બિલકુલ ઓળખતા ન હોઈએ છતાંય તે આપણને પોતાનું લાગે છે. તેનું દુઃખ-દર્દ પોતાનું લાગે છે. તેની પીડા આપણને પણ પીડા પહોંચાડે છે. કેવો વિચિત્ર અહેસાસ છે આ... આટલા બધા ચહેરાઓમાં તેનો ચહેરો આપણને યાદ રહી જાય છે. તેની આંખો આપણને આકર્ષક અને સુંદર લાગે છે. કદાચ હોસ્પિટલમાં આ પાંચ દિવસ આ દર્દી સાથેના... આજીવન હું નહીં ભૂલુ.

જીવનના માર્ગમાં ક્યાંક તમે

લલચાવનારાઓને મળશો,

પરંતુ જીવનની સફરમાં તમારું

હૃદય તમને જે કહે તે સાંભળો,

તમારા સંસ્કાર જ તમને આ

બધી વસ્તુમાંથી ઉગારશે

તે હંમેશા યાદ રાખો.

એટલું લખીને જેન્સી પોતાની ડાયરીને બંધ કરી દે છે અને આકાશ તરફ તારાઓને જોવા લાગે છે.

નીતા લેપટોપમાં પોતાનું કામ કરતા કરતા જેન્સી તરફ જુએ છે અને મનમાં વિચાર કરે છે, "કેટલી મજબૂત છોકરી છે." અને પછી પાછું લેપટોપમાં કામ કરવા લાગે છે.

જેન્સીના હવાથી વાળ ઉડવા લાગે છે. તેના વાળ હવાથી ઉડીને ગાલ ઉપર ઘડી ઘડી આવી જતા હોય છે. તે તેના વાળને હાથની આંગળીઓથી પોતાના કાન પાછળ કરી દે છે.

હોસ્ટેલની બીજી તરફ રોડ પર જ્યાંથી હોસ્ટેલનો રૂમ અને બારી દેખાતી હોય છે, ત્યાં રોડ પર એક માણસ ઊભો રહી અને ગેલેરીમાં ઊભેલી જેન્સીનો ફોટો પાડે છે.

ફ્લેશ લાઇટથી જેન્સીને ખબર પડે છે કે કોઈ અહીં નીચે ઊભો રહી અને તેનો ફોટો પાડ્યો. તે તરત જ નીતાને કહે છે, "નીતા, જલ્દી આવ અહીં. જો, અહીં કોઈ નીચે ઊભો રહી અને મારો ફોટો પાડ્યો."

નીચે ઊભેલો માણસ ભાગે છે. નીતા દોડતી ગેલેરીમાં આવે છે ત્યાં સુધીમાં તે માણસ થોડો દૂર જતો રહે છે. નીતા તેને જુએ છે અને રાડ પાડે છે, "ઊભો રહે, કોણ છે સાલા! ઊભો રહે. છોડીશ નહીં તને હાથમાં આવવા દે. છોકરીઓના ફોટા પાડે છે! ઊભો રહેજે......"

શું નીતા તે અજાણ્યા માણસને પકડી શકશે?

શું જેન્સી ઇન્સ્પેક્ટરથી બધું છુપાવી શકશે?

તે બધું આગળ જોઈશું 19 માં ભાગમાં

રાઇટર: ઢમક

The story book, ☘️