આગળ
હોસ્પિટલના શાંત કોરિડોરમાં ડોક્ટર સાહેબ અને જેન્સી ઊભા હતા અને જાનના રિપોર્ટ પર ગહન ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર સાહેબે ગંભીર સ્વરે કહ્યું, "મને લાગે છે કે આ પેશન્ટને ભૂતકાળમાં કોઈ તકલીફ થઈ હોય તેવું જણાય છે. તે અચાનક ગભરાઈ જાય છે અને પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. માત્ર એક અકસ્માતને કારણે આવું વર્તન કરે તેવું લાગતું નથી. આનું બીજું શું કારણ હોઈ શકે તે તપાસવું પડશે."
જેન્સીના મનમાં એક વિચાર આવ્યો. તેને યાદ આવ્યું કે જ્યારે જાન અર્ધબેભાન અવસ્થામાં હતો ત્યારે તે કંઈક બબડી રહ્યો હતો, "આંટી મને છોડી દો... આંટી મને છોડી દો... મને અંધારાથી બીક લાગે છે..."
તેણે ડોક્ટર સાહેબને કહ્યું, "ડોક્ટર સાહેબ, પેશન્ટ જાન બેભાન અવસ્થામાં રડતાં રડતાં કંઈક બોલતો હતો. 'આંટી મને છોડી દો' એવું કંઈક..."
ડોક્ટર સાહેબે જેન્સીની વાત સાંભળીને કહ્યું, "કદાચ એવું પણ બને કે બાળપણમાં તેમની સાથે કોઈ એવી ઘટના બની હોય જે તેમના મનમાં ઘર કરી ગઈ હોય."
જેન્સીએ સહમત થતાં કહ્યું, "હા, એવું હોઈ શકે. પણ આટલી યુવાન ઉંમરે આટલો બધો ડર લાગવો તે ખરેખર વિચારવા જેવું છે."
એટલામાં ધનરાજ ઉતાવળે જાનના રૂમમાં દાખલ થયા અને ડોક્ટર સાહેબને પૂછ્યું, "ડોક્ટર સાહેબ, હું આવી ગયો. મારા દીકરા જાનને કેમ છે? તમારે મારા દીકરા વિશે શું વાત કરવી હતી?"
ડોક્ટર સાહેબે કહ્યું, "ચાલો, આપણે મારી ઓફિસમાં બેસીને શાંતિથી વાત કરીએ." પછી ડોક્ટર સાહેબ અને ધનરાજ તેમની ઓફિસ તરફ ગયા.
આ બાજુ જેન્સી જાન પાસે બેઠી હતી. થોડી જ વારમાં મિસ તારા અને જાનનો સેક્રેટરી ત્યાં આવી પહોંચ્યા. સેક્રેટરીએ જેન્સીને પૂછ્યું, "હવે જાન સરને કેમ છે? તેમની તબિયતમાં કોઈ સુધારો છે?"
જેન્સીએ જવાબ આપ્યો, "હા, તેમને પહેલાં કરતાં ઘણું સારું છે."
મિસ તારાએ આતુરતાથી પૂછ્યું, "શું જાન ભાનમાં આવ્યા?"
જેન્સીએ કહ્યું, "બે-ત્રણ વાર ભાનમાં આવ્યા હતા. પરંતુ તેમને માથામાં ટાંકા આવ્યા હોવાથી તેમને ઇન્જેક્શન આપીને સુવડાવી દેવામાં આવ્યા છે, જેથી તેમના મગજ પર કોઈ તાણ ન આવે."
મિસ તારાએ જેન્સીને ઉપરથી નીચે સુધી જોઈ અને સવાલ કર્યો, "તમે કોણ છો?"
જેન્સીએ શાંતિથી જવાબ આપ્યો, "હું અહીં હેડ નર્સ છું."
મિસ તારાએ કહ્યું, "ઓહ, સારું. શું મિસ્ટર ધનરાજ આવી ગયા છે?"
જેન્સીએ કહ્યું, "હા, તેઓ ડોક્ટર સાહેબ સાથે ઓફિસમાં પેશન્ટ જાનની તબિયત વિશે ચર્ચા કરી રહ્યા છે."
"ઠીક છે, ચાલો સેક્રેટરી, આપણે ધનરાજભાઈને મળી લઈએ," એમ કહીને તેઓ ડોક્ટરની ઓફિસમાં ગયા.
આ બાજુ જેન્સીને સાંજે જાનકીનો ફોન આવ્યો. જાનકીએ ચિંતાતુર અવાજે પૂછ્યું, "તો તું પાછી કઈ તારીખે આવવાની છે? એ પ્રમાણે તારા લગ્નની તારીખ નક્કી કરવાનું ખબર પડે. તારી થનાર સાસુને બહુ ઉતાવળ છે. અહીં ગામમાં ઘણી વાતો થાય છે એટલે તે લોકો જેમ બને તેમ જલ્દી લગ્ન કરવા માંગે છે."
જેન્સીને જાનકીની વાત જરા પણ ગમી નહીં, પરંતુ તેણે શાંતિથી જવાબ આપ્યો, "મા, હું બે મહિના પછી ઇન્ડિયા આવું છું. તું ચાર મહિના પછી લગ્નની તારીખ જોવરાવજે, મને કોઈ વાંધો નથી. અને બીજાઓની વાતો સાંભળીને પોતાને દુઃખી કરવાની જરૂર નથી. તને મારા પર વિશ્વાસ હોવો જોઈએ, હું તારી દીકરી છું."
જાનકીએ નિઃસાસો નાખતા કહ્યું, "એવું નથી બેટા, પણ હું શું કરું? સમાજના મોઢે તાળાં દેવાતાં નથી. એટલે એનો એક જ ઉપાય છે, તારા લગ્ન..."
જેન્સીએ કંટાળીને કહ્યું, "ઠીક છે... ઠીક છે... તને જેમ ઠીક લાગે તેમ કરજે. હવે હું ફોન મૂકું છું, મારી નોકરી ચાલુ છે." એમ કહીને જેન્સીએ ફોન મૂકી દીધો અને એકલી એકલી બોલવા લાગી, "આખા ગામને મારી ચિંતા છે! મારો બોયફ્રેન્ડ કોણ જાણે ક્યાંથી ઊગી આવ્યો છે? મા પણ મારી પાછળ પડી ગઈ છે, પરણાવવા સિવાય કંઈ સૂઝતું જ નથી..."
તેને જાનકીની વાત બિલકુલ ગમતી નહોતી. એક દસ નાપાસ અને દેખાવે સ્થૂળ, જેને જોવો પણ ન ગમે તેવો માણસ, ગામડાનું જીવન જીવતો અને સમાજના ખોખલા રિવાજોનું પાલન કરતો, જેને તે પ્રેમ પણ નથી કરતી તેવા માણસ સાથે પરણવું એ સહેલી વાત નહોતી.
આ બાજુ પ્રિયા રોજ શહેરમાં જઈને બધા ક્લાસીસ કરે છે. તેને ફેશન ડિઝાઇનિંગમાં ખૂબ રસ હોય છે, તેથી તે રસપૂર્વક વધુ શીખે છે. તે શહેરના ટોચના ફેશન ડિઝાઇનર પાસે ટ્રેનિંગ લેવા લાગે છે. તેને આ બધું ગમતું હોય છે. તે સાથે સાથે બ્યુટીનો પણ કોર્સ કરી રહી હોવાથી તેના ઘણા મોટા પૈસાદાર ઘરના મિત્રો પણ બની જાય છે. ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી હોવાથી તેનું એક સારું ગ્રુપ બની ગયું હોય છે. ત્યાંના હેડને ધનરાજ ગ્રુપ અને મેડમ તારા વિશે ખબર હોવાથી પ્રિયાને પહેલી પસંદગી આપતા તે તેમને બધું શીખવાડે છે. પ્રિયા ખૂબ જ ટેલેન્ટેડ અને હોશિયાર છોકરી હોવાથી તે પ્રિયાને એક નવા ઇવેન્ટમાં કામ કરવાની તક પણ આપે છે.
આ તરફ જાનકીની સાસુ યમુના જેન્સીનું સગપણ તોડાવવા માટે કાવતરાં કરી રહી હોય છે, જેનાથી જાનકી ખૂબ પરેશાન રહેતી હોય છે. અને ઉપરથી તેનો દીકરો રોજ કોઈના કોઈ સાથે ઝઘડો કરીને આવતો. જાનકી આ બધી વસ્તુઓથી કંટાળી ગઈ હોવાથી એક દિવસ તે તેના દીકરાને બેસાડીને સમજાવે છે, "આમ રોજ અને રોજ તું કોઈને કોઈની સાથે બાઝીને આવીશ તો બધા તારા દુશ્મન થઈને બેસશે. એટલે તું તારા મગજને શાંત રાખ. હજી તારા ઉપર તારી બેન-બહેનોની જવાબદારી છે."
છોકરો કંઈ સમજતો નથી, પણ જાનકીનું માન રાખવા તે કહે છે, "હા મા, હવેથી હું કોઈ સાથે નહીં બાઝું." એમ કહીને તે પાછો પોતાના કામ પર ચાલ્યો જાય છે.
અને જાનકી યમુના પાસે જઈને તેને સમજાવે છે, "તમે આ બધા કાવતરાં કરવાના ક્યારે બંધ કરશો? હું તમને રોજ સમજાવી સમજાવીને થાકી ગઈ છું. તમે ગમે તે કરશો પણ હું તમારી સાથે શહેરમાં નહીં આવું. હું વર્ષોથી અહીં જ રહું છું અને આજ મારું ઘર છે. અહીં જ મારા લગ્ન થયા હતા અને મરીશ પણ અહીં જ. એટલે શહેરનું સપનું જોવાનું બંધ કરો અને કોકના જીવનમાં આગ ન લગાડો. આ બધી વસ્તુઓથી મારી દીકરીના જીવનમાં ફરક પડશે, એટલે શાંતિથી રહો."
આ બાજુ મિસ તારા ડોક્ટરની કેબિનમાં જવા માટે જાય છે તો ત્યાં બહાર ઊભેલી નર્સ તેને રોકી દે છે.
મિસ તારાએ ગુસ્સામાં પૂછ્યું, "મારે મિસ્ટર ધનરાજ અને ડોક્ટર સાહેબ સાથે વાત કરવી છે. શું તે લોકો અંદર છે?"
નર્સે નમ્રતાથી જવાબ આપ્યો, "તેઓ અંદર છે, પણ બીજા કોઈને અંદર જવાની પરવાનગી નથી. તમે અહીં થોડીવાર રાહ જુઓ."
મિસ તારાએ અધીરાઈથી કહ્યું, "હું ધનરાજ શેઠની બહેન છું એટલે હું અંદર જઈ શકું." પણ નર્સે તેમને અંદર જવા દીધા નહીં. તેથી મિસ તારા ગુસ્સામાં તે નર્સને ધમકાવતાં બોલી, "તમારી એટલી હિંમત કે મને અંદર નથી જવા દેતી? હું તમારી કમ્પલેન્ટ કરીશ!"
નર્સે વિનમ્રતાથી કહ્યું, "માફ કરજો મેડમ, હું નિયમોનું પાલન કરી રહી છું. મારું તે કામ છે. તમને કોઈ મારાથી તકલીફ થઈ હોય તો આઈ એમ સોરી, પણ તમારે રાહ જોવી પડશે."
મેડમ તારાને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તે કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ એક તરફ ધનરાજ શેઠની રાહ જોવા લાગ્યા.
Writer, Heena Gopiyani
The Story Book, ☘️