MOJISTAN - SERIES 2 - Part 18 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 18

Featured Books
  • Back for Revenge - 6

    उसे इस तरह तड़पते हुए देख सभी घबरा से गये थें। पार्टी-वार्टी...

  • मैं हो रहा हूॅं

    कहते है जीवित बचे रहना बहुत बड़ी बात है पर कोई ये नहीं जानता...

  • इस घर में प्यार मना है - 15

    उस दिन मनमोहन और प्रार्थना किसी काम से गाँव के दूसरे छोरगए ह...

  • पर्दे के पीछे - 3

    सब औरतों की हँसी-मज़ाक चल रही थी।किसी के नए सूट की बात…किसी...

  • The Marriage Mistake

    भाग 1दिल्ली की ठंडी रात, चमकती रोशनी, और शाही होटल "रॉयल क्र...

Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 18

હુકમચંદે લાંબો વિચાર કર્યા વગર ભગાલાલને પાંચલાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. કારફેક્ટરીમાં ભાગીદાર બનવા અને આખા જિલ્લાની એજન્સી લેવા તલપાપડ થયેલા હુકમચંદે વિચારવા માંડ્યું. લોકો પૈસા રોકે તો એને પાંચ ટકા કમિશન મળવાનું હતું એટલે ગામમાં કોણકોણ પૈસા રોકી શકે એમ છે એનું લિસ્ટ પણ બનાવી નાંખ્યું.  હુકમચંદને મીઠાલાલના ઘરે મૂકીને એ સીધો જ વજુશેઠને મળવા ગયો. હુકમચંદને ખબર હતી કે વજુશેઠ પાસે ઘણી મૂડી છે.    

વજુશેઠે હુકમચંદની વાત શાંતિથી સાંભળી. ધંધુકા જેવા વિસ્તારમાં આવો મોટો ઉદ્યોગ સ્થપાવાનો હોય તો એના વિશે કેમ કંઈ સાંભળવા મળ્યું નથી એ સવાલના જવાબમાં ભગાલાલે જે કહ્યું હતું એ હુકમચંદે જણાવ્યું. પણ વજુશેઠને એ ગળે ઉતર્યું નહિ."જો ભાઈ હુકમચંદ, તું જે કહે છે એ વાતમાં મને ભરોસો પડતો નથી. ધાર કે આ ભગાલાલ રૂપિયા લઈને ભાગી જાય તો તું શું કરીશ? મીઠાલાલનો મિત્ર હશે કદાચ. પણ મીઠો એની જવાબદારી લે છે ખરો? તેં મીઠાને પૂછ્યું છે? મીઠો કદાચ એના મિત્રની જવાબદારી લે તોય આટલા બધા રૂપિયા એના ભરોસે રોકી શકાય નહિ. ભગાલાલ ફ્રોડ નીકળે તો મીઠો ક્યાંથી આપણને રૂપિયા લાવી આપશે? એ આખેઆખો વેચાઈ જાય તોય કંઈ વળે નહિ. એટલે મને આ સ્કીમમાં જરાય રસ નથી. મારા છોકરાઓ તો મુંબઈ રહે છે. અમે બાપ દીકરો તો ખર્યું પાન કહેવાઈએ. થોડીક મરણમૂડી છે એટલે છોકરાઓ આગળ હાથ લાંબો કરવો પડતો નથી. આ ઉંમરે હવે કોઈ ફેકટરીમાં આપણે ભાગીદાર થવું નથી. પ્રભુએ ખાઈ પીને આનંદ કરીએ એટલું આપ્યું છે. હવે વધુ મેળવવાની કોઈ લાલસા નથી. હાથે કરીને 'ઉઠ પાણા પગ ઉપર પડ' એવું કરવું નથી. તને ભરોસો હોય તો તું કર તું તારે!" 

વજુશેઠે કોઈ રસ ન બતાવ્યો. છતાં હુકમચંદે એમને સમજાવવા પ્રત્યન ચાલુ રાખ્યો, "વજુકાકા તમારી વાત સાચી છે. પણ આવી તક વારંવાર આવતી નથી. હું ક્યાં કહું છું કે તમે બધી મૂડી રોકો. પાંચ દસલાખમાં તમને કંઈ ફેર પડવાનો નથી. આ હાટડીમાં શું આવક છે. થોડીક મૂડી આવા ઉધોગમાં રોકો તો બેઠી આવક થશે. દાન ધરમ કરશો તો નામ અમર થાશે. હું માણસને બરાબર ઓળખું છું; ભગાલાલને મેં ફેરવી ફેરવીને બધું જ પૂછ્યું છે. એ ખોટો માણસ નથી. મીઠાલાલ એનો બાળપણનો મિત્ર છે. એટલે ફ્રોડ કરીને મીઠાલાલને મુશ્કેલી થાય એવું એ ન કરે. એની એકની એક દીકરી ટેમુ સાથે પરણાવવાનો છે. હવે તમે જ કહો, પોતાની દીકરી જેના ઘરમાં આપવાની હોય એના માટે કોઈ તકલીફ ઊભી થાય એવું ભગાલાલ કરે ખરો? એટલે ફેક્ટરી બનવાની છે એ પાક્કું છે. નહિતર હું છેતરાઉં ખરો? તમે મારા મુરબ્બી છો. આપણે કુટુંબ છીએ એટલે આ લાભ તમને પણ મળે એવું હું ઈચ્છું છું, બાકી રોકાણકારોની તો લાઈન લાગવાની છે. લોકો મિકલતો વેચીને આ સ્કીમમાં રૂપિયા રોકશે. હજી શરૂઆત છે એટલે ઓછા રોકાણે વધુ ભાગ મળે તેમ છે. પછી યુનિટનો ભાવ વધી જાવાનો. આજે એક લાખનો એક યુનિટ છે. પછી બે લાખ દેતાય એક યુનિટ નહિ મળે. મેં અત્યારે પાંચ યુનિટ લખાવ્યા છે. પચ્ચીસેક યુનિટ લેવા છે. જો તમને બહુ ભરોસો ન હોય તો ફેક્ટરી શરૂ થાય એ પહેલા યુનિટ વેચીને નફો લઈ લેવાનો." 

હુકમચંદની વાત સાંભળી વજુશેઠ વિચારમાં પડ્યા. એમનું અનુભવી દિમાગ આવી સ્કીમનો ભરોસો કરવાની ના પાડતું હતું. પણ હુકમચંદ જેવો ખંધો માણસ રૂપિયા રોકતો હોય તો જરૂર ફાયદાવાળી વાત હોવી જોઈએ એવો વિચાર ભરોસાને તોડી રહ્યો હતો. રૂપિયા કમાવાની લાલચ શંકાની સોયને બુઠ્ઠી  કરી રહી હતી. "તમારું મન વધતું ન હોય તો રહેવા દો. પણ પછી પસ્તાશો એ નક્કી છે. પાંચ દિવસ પછી મને આ ભાવમાં યુનિટ આપવાનું કહીને શરમાવતા નહિ. એક વખત ગામમાં આ સ્કીમ જાહેર થશે પછી જોજો. ચાલો ત્યારે હું જાઉં. લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા નો જવાય એ તમે જ શીખવાડ્યું છે. પણ અત્યારે તો તમે માત્ર મોં ધોવા જવાને બદલે નહાવા જતા રહ્યા છો.જેવી તમારી ઈચ્છા." હુકમચંદે ઊભા થતા કહ્યું."તું આટલું કહે છે તો પછી લખ મારા પાંચ બીજું શું! પણ તારા ભરોસે હું કામ કરૂં છું હોં! કંઈપણ ગોટાળો થાય તો જવાબદારી તારી. કારણ કે તને આમાં કમિશન તો મળતું જ હશે ને." વજુશેઠે કહ્યું.

"તમે રહેવા દો કાકા. લાભ મળે તો પૂરેપૂરો તમારો. ને નુકશાન આવે તો મારી માથે! એવું તે કંઈ હોય? આ તો ધંધો છે, લાભ પણ થાય ને નુક્સાનેય જાય. મને કંઈ કમિશન નથી મળતું. આ તો મને એમ થયું કે પાછળથી તમને ખબર પડે તો તમે મને વઢો કે અલ્યા આવા ફાયદાવાળું હતું તોય કહ્યું નહિ? તમારી સાત વખત ઈચ્છા હોય તો જ રોકો. મેં તો તમને જાણ કરી છે. ફાયદો જોઈતો હોય તો નુકસાની લેવાની પણ તૈયારી રાખવી જોઈએ. વેપાર તમને શીખવાડવાનો નો હોય કાકા."  હુકમચંદે જવાબદારીનું પલ્લું ઝાટકી નાંખતા કહ્યું.

વજુશેઠે તરત ઘરમાં જઈ પાંચ લાખ કાઢી આપ્યા. હુકમચંદે રૂપિયા. ભરેલી થેલી બુલેટની ડીકીમાં નાંખીને કીક મારી.   હુકમચંદના લિસ્ટમાં બીજું નામ પોચા માસ્તરનું હતું. પોચા સાહેબે પગાર ઉપરાંત ઘણા આડા અવળા બીઝનેસ કરીને ખાસ્સી મૂડી જમા કરી હતી એની ખબર હુકમચંદને હતી.

*   

બાબાએ ભાખેલું ભવિષ્ય ભગાલાલને અંદરથી હલાવી ગયું. પણ એ ખંધો આદમી એમ પાછો પડે એવો નહોતો."તારી જેવા તો ઘણા રોડે રખડે છે જોળી લઈને! એમ તું ભવિષ્ય જોઈ શકતો હોય તો તારું ભવિષ્ય જો ને ભાઈ. આવા નાના ગામમાં કથા વાર્તા કરીને પેટ ભરો છો. ભોળા માણસોને ખોટા નડતર બતાવીને જાતજાતની વિધિ કરવાના નામે લોકોને ખંખેરો છો. આવી રીતે મેળવેલું ધન લક્ષ્મી કહેવાય કે અલક્ષ્મી? બીજાને સલાહ આપતા પહેલા જાત સામેં જોવાનું રાખો મહારાજ! તું ટેમુનો દોસ્ત છો એટલે વધુ કંઈ કહેતો નથી." ભગાલાલે સહેજ ગુસ્સે થઈ કહ્યું. 


બાબો ડોળા કાઢીને ભગાલાલને તાકી રહ્યો. કંઈક વિચારીને એણે કહ્યું, "તમે જે કહ્યું એ કંઈ ખોટું નથી. અમારામાં ઘણાંખરાં એવા છે ખરા. થોડુંઘણું ભણીને ધર્મનો ધંધો કરતા હોય છે. આવા લોકોને કારણે જ સાચા અને જ્ઞાની જ્યોતિષ શંકાના દાયરામાં આવી જતા હોય છે. દુધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે છે. પણ એટલું ચોક્કસ છે કે જ્યોતિષ એ કંઈ જેવીતેવી વિદ્યા નથી. એક વિજ્ઞાન છે. પણ એનો પૂરો અભ્યાસ કરીએ તો સચોટ ભવિષ્ય ભાખી શકાય છે. મેં એ વિદ્યા હાંસલ કરી છે. તમને ભરોસો ન પડે તો મારી વાત માનવાનો મારો કોઈ આગ્રહ નથી સમજ્યા? તમે ટેમુના મહેમાન છો એટલે હું પણ તમારું માન જાળવું છું. બાકી જવાબ દેતા તો મનેય આવડે છે."

  "ઠીક છે ભાઈ. મને તો એ બધું ગપ્પા જ લાગે છે. કાલની ખબર તો કોઈને હોતી નથી. તમે લોકો પેટ ભરવા માટે લોકોની આસ્થા સાથે ખેલ ખેલો છો એ વાત પાક્કી છે. અમે ધંધો કરીને તનતોડ મહેનત કરીને કમાઈએ છીએ. બીજાને ફાયદો થાય એવા બીઝનેસ ઊભા કરીએ છીએ, લોકોને રોજગારી આપીએ છીએ. એટલે અમે પેદા કરેલું ધન હંમેશા લક્ષ્મી જ હોય. અલક્ષ્મી નહિ." ભગાલાલે કહ્યું."સારું તો પછી એમ રાખો. હું તમારી સાથે આ વિષય પર ચર્ચા કરવા માંગતો નથી." કહી બાબાએ ટેમુને કહ્યું, "ચાલ હવે હું જાઉં."

"હા બાબા. પછી વાત કરીશું." કહી ટેમુએ બાબાને રજા આપી. 

બાબો ગયો એટલે ભગાલાલે ટેમુને કહ્યું, "ટેમુ આ તારો દોસ્ત વધારે પડતો વાયડો લાગે છે. મને નથી લાગતું કે એ જ્યોતિષવિદ્યા જાણતો હોય. આવા માણસની દોસ્તી બહુ રાખવી નહિ, કારણ કે નકામા આપણને અવળા રવાડે ચડાવી દે."  

ભગાલાલનો બાબા વિશેનો આ અભિપ્રાય ટેમુને બિલકુલ ન ગમ્યો. કારણ કે બાબો એનો દિલોજાન દોસ્ત હતો. બાળપણનો ગોઠીયો હતો. ભગાલાલની ઓળખાણ તો હજી ગઈ કાલે જ થઈ હતી.

 "તમે હજી બાબાને ઓળખતા નથી અંકલ. એ કાશીએ જઈને ભણ્યો છે. હજી થોડા દિવસો પહેલા જ પંડિતની પદવી એણે મેળવી છે. મારો આ દોસ્ત એકદમ બુદ્ધિશાળી અને હોંશિયાર છે. એના જેવો દોસ્ત મળવો એ તો સદનસીબ કહેવાય."

 "ઠીક છે. તું કહે છે તો એમ જ હશે. બાકી હું તો આવા જોશીફોશીઓ જોડે વધુ નાતો જ ન રાખું. આ લોકો કાં તો માંગે નહિતર મંગાવે! એટલે ચેતતું રહેવું." ભગાલાલે બાબા વિશે અભિપ્રાય ચાલુ રાખ્યો.'

"બસ કરો અંકલ હવે. તમે જે માનતા હોવ એ. પણ મારા દોસ્ત વિશે હવે હું વધુ કંઈ સાંભળવા માંગતો નથી. પ્લીઝ તમે બીજી કોઈ વાત કરો ને! હા, તમે જે કાર ફેક્ટરીની વાત કરો છો એના વિશે માહિતી આપો. મને તમારી આ સ્કીમ બહુ સમજાતી નથી." ટેમુએ અકળાઈને કહ્યું.

"તારે એમાં કંઈ સમજવાની જરૂર નથી. તું બસ જોયા કર. સરપંચ હુકમચંદને મેં બરાબર સમજાવ્યું છે. હુકમચંદે કામ ચાલુ પણ કરી દીધું છે.  હુકમચંદ ખરેખર હુકમનો એક્કો છે." કહી ભગાલાલ હસ્યો. 

ટેમુ ભગાલાલને હસતો જોઈ રહ્યો. એ હાસ્યમાં લુચ્ચાઈ ટપકતી હતી.

'મારે કંઈક કરવું પડશે. આ ભગોકાકો નક્કી ભગો કર્યા વગર રહેશે નહીં. હુકમચંદ પણ ખરા માણસ છે; આ ભગાકાકાની જાળમાં ફસાઈ ગયા લાગે છે.' ટેમુએ મનોમન વિચાર્યું. 

 મીઠાલાલ આવ્યો એટલે ભગાલાલ ઉઠીને ઘરમાં ગયો. ટેમુએ તરત જ બાબાને ફોન કર્યો.

"હેલો બાબા, આ ભગાકાકાએ જે ખેલ ચાલુ કર્યો છે એમાં હુકમચંદને પણ સામેલ કર્યા છે. આપણે આ ખેલમાં ભાગ લેવો પડશે. ભગાકાકા ભોપાળુ કરવાના હોય એવું લાગે છે.તું અત્યારે જ હુકમચંદને પકડ. એણે શું ધંધો ચાલુ કર્યો છે એ જાણવું પડશે."

"મને તો એમનો ચહેરો જોઈને જ શંકા પડી છે ટેમુ. નક્કી આ માણસ કંઈક ગોટાળો કરવાનો છે એ પાક્કું છે. હું હમણાં જ હુકમચંદની ખબર લઉં છું." કહી બાબાએ ફોન મુક્યો.બાબો હજી ઘરે પહોંચ્યો નહોતો.  

ચંચો એની સાયકલ રીપેર કરાવીને આવતો હતો. બાબાએ ચંચાને જોયો કે તરત ચંચાએ સાઈકલની સ્પીડ વધારી.

 "એય ચંચા ઊભો રે..મારે તારું કામ છે." કહી બાબાએ ચંચા તરફ ઉતાવળે પગ ઉપાડ્યા."મારે તારું કાંય કામ નથી બાબાલાલ." કહી ચંચો ભાગ્યો. એ જાણતો હતો કે બજાર વચ્ચે બાબા સાથે બબાલ થાય તો શું પરિણામ આવે. હજી બે દિવસ પહેલા ચંચો પોચા સાહેબ સાથે ભટકાયો હતો. પછી રઘલા સાથે બથોબથ આવીને માર પણ ખાધો હતો!

"અલ્યા કહું છું કે ઊભો રહે. મારે કામ હોય તો તારે ઊભું જ રહેવું પડે." કહી બાબાએ ચંચા પાછળ દોટ મૂકી.   

 ચંચાએ આવી રહેલી આફતને પારખી પેડલ પર જોર લગાવ્યું. પણ એનું જોર કંઈ કામ આવે એ પહેલાં બાબો આંબી ગયો. ચંચાની સાયકલનું પાછળનું કેરિયર પકડીને સાઈકલ ઊભી રાખી દીધી.

"જો બાબાલાલ તું આવી દાદાગીરી નો કર્ય. ભલો થયન મને વયો જાવા દે. મેં કાંય તારું બગાડ્યું નથી. તેં મને હેરાન કરવામાં કાંય બાકી રાયખું નથી. હવે તો તું ભણીગણીને મોટો પંડિત થિયો સો. હવે તો હમજ અલ્યા..!" ચંચાએ જોરજોરથી રાડો પાડતા કહ્યું.

"રાડો ન પાડ ચંચા. હું તને હેરાન કરવાનો નથી. તારી સાયકલ મારે જોઈએ છે. કલાક પછી તું મારા ઘરેથી લઈ જજે. ચલ અત્યારે મને સીધી રીતે તારી સાઈકલ આપી દે."કહી બાબાએ ચંચાની બોચી પકડી.

  "જોવો જોવો ભાયું..આ બાબો કેવી દાદાગીરી કરે સે. મારી સાયકલ આંસ્કી લે સે. બસાવો..મને કોક બસાવો..ઓ...ઓ..!" ચંચાએ બજારે જતા એક બે જણ તરફ રાડો પાડીને મદદનો પોકાર કર્યો.

"હવે વાયડીનો થયા વગર નીચે ઉતરને! મારે તને મારવો નથી પણ તું માર ખાધા વગર નહિ રહે." કહી બાબાએ ચંચાને સાયકલ પરથી ઉતારી મુક્યો. ચંચો કંઈ સમજે કરે કે પેલા બે જણ ચંચાની મદદે પહોંચે એ પહેલાં બાબો સાયકલ પર સવાર થઈ ગયો, 

"ચુપચાપ ઘર ભેગીનો થઈ જા. કલાક પછી મારા ઘરેથી તારું આ ઠોઠીયું લઈ જજે." કહી બાબાએ પેડલ માર્યું. પેલા બંને બાબા આડે ઊભા રહ્યા એટલે બાબાએ ડોળા કાઢીને કહ્યું,

"તમે બેય જ્યાં જતા હોય ત્યાં જાવ. મારે એક ખૂબ અગત્યનું કામ છે એટલે આની સાયકલ લેવી પડી છે. એકબાજુ ખસો ને હાલતીના થઈ જાવ."  પેલા બેઉ તરત ખસી ગયા. કદાચ ગામના એ બેઉ આદમીઓ જાણતા હતા કે ચંચા માટે થઈને બળુકા બાબા સાથે બાથ ભીડીને ખોટું ભરાઈ પડવા જેવું નહોતું.

 ચંચો બાબાની પાછળ દોડ્યો. પણ તરત એ સમજી ગયો કે બાબાને પહોંચાય તેમ નથી. એટલે બબડતો બબડતો બાબાને ગાળો દેતો ભાભાને ફરિયાદ કરવા ઉપડ્યો. આમેય કલાક પછી બાબાએ સાયકલ લઈ જવાનું કહ્યું હતું.

*

 બાબો સીધો જ હુકમચંદના ઘરે પહોંચ્યો હતો. હુકમચંદ તો સવારથી જ ગામમાં ભગાલાલની સ્કીમ વેચવા નિકળી ગયો હતો. એના ઘરેથી 'મીઠાલાલના મેમાન સાથે ગયા છે' એવો જવાબ મળતા બાબાએ હુકમચંદને ફોન લગાડ્યો.  

હુકમચંદ એ વખતે પોચા સાહેબના મગજમાં ભગાલાલની સ્કીમ ઘુસાડવાની મહેનતમાં લાગેલો હતો. બાબાનો નંબર એના ફોનમાં સેવ નહોતો. એટલે અજાણ્યો નંબર જોઈ હુકમચંદે ફોન કટ કરી નાંખ્યો.પણ બાબો એમ છોડે તેમ નહોતો. એણે ફરી રીંગ મારી. 

"ભાઈ જે કામ હોય તે. કલાક પછી ફોન કરો. અત્યારે હું નવરો નથી." હુકમચંદને કોનો ફોન છે એ પણ જાણવાની ફુરસદ નહોતી. 

હુકમચંદ ફોન કટ કરે તે પહેલાં પોચા સાહેબ બોલ્યા,  "હુકમચંદજી, વાત કરી લો ને ભાઈ. બીજીવાર કોલ આવ્યો છે એટલે કોઈને ખાસ કામ હશે. આપણી વાત તો લાંબી ચાલશે એવું લાગે છે."   

બાબાએ પોચા સાહેબનો અવાજ સાંભળ્યો. એ તરત સમજી ગયો કે હુકમચંદ પોચા સાહેબને ગોળી પીવડાવવા પહોંચેલા છે. હુકમચંદે પોચા સાહેબની સલાહ માન્ય રાખીને ફોનમાં કહ્યું,

'હેલો ભાઈ કોણ બોલો છો?'  પણ બાબાને હવે વાત કરવાની જરૂર નહોતી. એને તો એ જ જાણવું હતું કે હુકમચંદ ક્યાં રળે છે!  બાબો હવે ભગાલાલની યોજનામાં ભંગાણ પાડવાનો હતો.

 (ક્રમશ:) 

 શું લાગે છે મિત્રો? બાબો અને ટેમુ ભગાલાલનું ભોપાળું પકડી પાડશે?પોચા સાહેબ સ્કીમમાં પૈસા રોકશે ખરા? થોડા અંતરાલ પછી હવે મોજીસ્તાન ભાગ 2 પાટે ચડાવી રહ્યો છું. વાચક દોસ્તો આપ સૌને રાહ જોવડાવવા બદલ ક્ષમા યાચુ છું.🙏🙏