આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની
દાદી યમુના બંને ટ્રેન પકડીને મુંબઈ સ્ટેશન પર પહોંચે છે.
યમુના અને પ્રિયા બહાર નીકળીને પન્નાને ફોન કરે છે.
પન્નાબહેન કહે છે, "તમે સ્ટેશનની બહાર નીકળશો એટલે એક લાંબી કાળી વેન ઊભી હશે, તેમાં બેસી જાવ. ડ્રાઇવરનું નામ યાદવ છે, તે બ્લેક સૂટમાં ઊભો હશે. તેને મારું નામ કહેશો એટલે તમને અહીં ઘર સુધી લઈ આવશે."
પ્રિયા બહાર નીકળતા એક તરફ જુએ છે તો એક કાળી વાન ઊભી હતી અને તેની બહાર બે બ્લેક સૂટવાળા માણસો હતા. પ્રિયા તે માણસ પાસે જાય છે અને પન્નાનું નામ આપીને કહે છે, "અમે તેમના ગેસ્ટ છીએ."
ડ્રાઇવર કહે છે, "વાનમાં બેસી જાવ." પછી યમુના અને પ્રિયા બંને વાનમાં બેસે છે.
પ્રિયા વાનને અંદરથી જોતી હોય છે, એકદમ લક્ઝરી વાન! ખૂબ સરસ એસી, બેઠક, ઠંડા પીણા વગેરે બધી વ્યવસ્થા વાનમાં હોય છે, એકદમ નીટ એન્ડ ક્લીન. યમુના દાદી કહે છે, "જોયું, વાન કેવી છે?"
પ્રિયા દાદીને કહે છે, "ખૂબ સરસ છે! જો વાન આવી છે તો એ લોકોની પર્સનલ ગાડી તો કેવી હશે?"
દાદી કહે છે, "હું બહુ એક્સાઇટેડ છું તે ઘર અને છોકરો જોવા માટે."
"સોરી... ઘર નહીં, તે બંગલો જોવા માટે," પ્રિયા ઉમેરે છે.
દાદી પ્રિયાને ખીજાય છે, "બસ બસ! હવે બહુ ઘેલછા વેળા કરતી નહીં અને ચૂપચાપ શાંતિથી અવાજ કર્યા વગર બેસ. ત્યાં એક શબ્દ પણ મોઢામાંથી કાઢતી નહીં જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. પહેલાં હું તેને મળીશ, પછી... પછી હું તને તેમને મળવા બોલાવીશ. થોડીક ધીરજ રાખ," એમ કહીને દાદી ખીજાય છે અને પ્રિયા સામે ડોળા કાઢે છે.
પ્રિયા કહે છે, "ઠીક છે... ઠીક છે... એટલું બધું ગુસ્સો કરવાની જરૂર નથી, હું મારું મોઢું બંધ રાખીશ, બસ."
આ બાજુ ગામડામાં જાનકી પોતાના રોજિંદા નિયમ મુજબ બીજાના ઘરે રસોઈ કરવા જઈ રહી છે. ત્યાં રસ્તામાં તેને જેન્સીની થનાર સાસુ રૂડીબેન મળી જાય છે અને તે જાનકીને ઊભી રાખીને સવાલો પૂછવા લાગે છે, "જેન્સી ક્યારે આવશે, જાનકી?"
"કે પછી તેણે ત્યાં પોતાના માટે બોયફ્રેન્ડ શોધી લીધો છે?" રૂડીબેન પૂછે છે. "તને ક્યાંથી ખબર હોય? એણે તો શોધી લીધો હશે. તને થોડી કહેશે કે મારો બોયફ્રેન્ડ છે. આજકાલની છોકરીઓનો ભરોસો ન કરવો જોઈએ, એમાં ખાસ કરીને વિદેશ જતી છોકરીઓ અને વિદેશમાં રહેતી છોકરીઓનો તો બિલકુલ ભરોસો ન કરવો જોઈએ," એમ કરીને જાનકીને ખૂબ સંભળાવે છે.
જાનકી ચૂપચાપ રૂડીબેનના મહેણાં-ટોણાં સાંભળતી હોય છે. પછી તેનાથી રહેવાતું નથી એટલે તે કહે છે, "રૂડીબેન, મારી દીકરી એવી નથી. તે એક મહિનામાં જ પાછી આવતી રહેશે, હવે તેનો ડિપ્લોમા પૂરો થવા આવ્યો છે. આટલા દિવસ ધીરજ રાખી છે તો પછી હવે હજી થોડાક દિવસ ધીરજ રાખો, મારી વિનંતી છે."
જાનકી એમ કહી હાથ જોડે છે અને કહે છે, "મને મોડું થાય છે, મારે રસોઈ કરવા બે-ચાર ઘરે જવું છે. ચાલો, હું નીકળું," એમ કહીને ચાલવા લાગે છે.
પાછળથી રૂડીબેન જોરજોરથી બોલે છે, "મારા નિમેષ માટે 17 છોકરીઓ લાઈનમાં ઊભી છે. હું હવે ખાલી એક જ મહિનો રાહ જોઈશ, નહીં તો હું સગાઈ તોડી નાખીશ..."
જાનકી રૂડીબેનની વાતો સાંભળતી સાંભળતી પોતાના કામ તરફ ચાલવા લાગે છે, તેને ખબર હોય છે આ રોજનું છે...
જાનકીનો દીકરો હિતેન પ્રાઇવેટ ટેક્સી ડ્રાઇવરની નોકરી કરતો હોય છે. તે દિવસે હિતેનને પણ પેસેન્જરને લઈને મુંબઈ જવાનું થાય છે. હિતેનનું કામ હોય છે કે પેસેન્જરને મુંબઈમાં પ્રખ્યાત અલગ અલગ સ્થળો બતાવી અને રાત્રે પાછા ત્યાની હોટલમાં એ લોકોને ડ્રોપ કરી અને પાછું આવતું રહેવાનું. જો કોઈ બીજા સ્ટેશનેથી ચારકી ગામમાં પાછા જવા માટેની સવારી મળે તો તેમને બેસાડી અને પાછા લઈ આવવા.
આ બાજુ યમુનાની ગાડી એક મોટા મહેલ જેવા ઘરની બહાર ઊભી રહે છે. ત્યાં મોટી નેમ પ્લેટ ઉપર લખ્યું હોય છે, "સુવર્ણ પેલેસ." પછી ગાડી અંદર જાય છે અને ઊભી રહે છે. યમુના અને પ્રિયા બહાર નીકળીને માથું ઊંચું કરે છે તો એટલું મોટું મહેલ જેવું ઘર જોઈને ચકિત થઈ જાય છે.
પ્રિયાથી રહેવાતું નથી અને જોરથી બોલી પડે છે, "દાદી, આ બંગલો નથી, આ મહેલ છે, મહેલ..."
યમુના પાછી પ્રિયાને ખીજાય છે, "તારું મોઢું બંધ રાખ." ત્યાં પન્નાને બહાર ઊભેલા ચાર ગાર્ડમાંથી એક ગાર્ડ ફોન કરે છે.
પન્ના કહે છે, "હું હમણાં બહાર આવું છું, તમે તેમને ત્યાં જ ઊભા રાખો."
પન્ના (ધનરાજ) શેઠને ફોન કરીને જાણ કરે છે, "તે લોકો આવી ગયા છે, સર. મેં તેમને બારણે ઊભા રાખ્યા છે." શેઠ કહે છે, "તમે ત્યાં જાવ, હું આવું છું. તમે તેમને બહારની ઓફિસમાં બોલાવો, ઘરમાં વાત કરવી ઠીક નથી."
પન્ના નીચે જઈને યમુના અને પ્રિયાને ધનરાજ શેઠની ઓફિસ તરફ લઈ જાય છે અને ત્યાં તેમને રાહ જોવાનું કહીને બેસાડે છે. તે બોડીગાર્ડ યાદવને કહે છે, "આ લોકોને ચા, પાણી વગેરે પીવડાવો. ત્યાં સર આવી જશે. જ્યારે સર આ લોકો સાથે વાત કરતા હોય ત્યારે અહીં કોઈની હાજરી ન હોવી જોઈએ."
પન્નાની વાત યાદવ સાંભળે છે અને કહે છે, "ઠીક છે, તમે બેફિકર રહો, હું ધ્યાન રાખીશ."
યમુના પરાણે ગળે મળે છે અને કહે છે, "પન્ના, તું તો કેટલા મોટા મહેલમાં કામ કરે છે, તેં કોઈ દિવસ મને કહ્યું નહીં."
પન્ના કહે છે, "યમુના, હું તો તને દર વખતે કહું છું કે તું તારા પરિવારને લઈને અહીં આવતી રહે. અહીં શહેરમાં સારું કામ છે, પૈસા સારા મળશે, તમારું ઘર પરિવાર સારી રીતે ચાલશે."
યમુના કહે છે, "તારી વાત સાચી છે, પણ વહુ જ માનતી નથી. જાનકી માને તો થાય ને! વર્ષો થયાં ત્રણ બાળકોને લઈને ચારકી જેવા નાનકડા ગામડામાં પડી રહી છે. એના મનમાં એવું છે કે શહેરમાં મારા છોકરાઓ જશે તો બગડી જશે, છોકરાઓ તેના નહીં રહે, તેનું નહીં માને. એ ગામડામાં રહેતી જાનકીને શહેરની મજાની શું ખબર," એમ કહીને યમુના મોઢું બગાડે છે.
પન્ના કહે છે, "ઠીક છે, આટલી બધી ફાલતુ વાત કરવાની જરૂર નથી. સર આવે એટલે મોઢું બંધ રાખજો અને પૂછે એટલો જ જવાબ આપજો," એમ કહીને પન્ના ત્યાંથી જતી રહે છે.
પછી ધનરાજ શેઠ ત્યાં પહોંચે છે અને યાદવને કહે છે, "છોકરીની દાદીને અંદર મોકલ." યાદવ ખાલી દાદીને જ કહે છે, "તમે અંદર જાવ." પ્રિયા દાદી સાથે જવા માટે કરે છે પણ યાદવ પ્રિયાને રોકી દે છે અને કહે છે, "તમે અહીં જ બેસો, તમારી દાદી સાથે સરને વાત કરવી છે તેથી ઓફિસની અંદર માત્ર યમુનાને જ વાત કરવા બોલાવે છે."
(દાદી સાથે ધનરાજ શેઠની શું વાત થાય છે? જેન્સી ઓસ્ટ્રેલિયામાં શું કરે છે? તે હવે આપણે આગળ ચોથા ભાગમાં જોશું.)
લેખક: હીના ગોપિયાણી
ધ સ્ટોરી બુક ☘️