બધા ઘરે ગયા પછી આપણે ફરવા ગયેલા તે કપડા ધોઈને ઈસ્ત્રી કરીને કબાટમાં મૂકવા મેં કબાટ ખોલ્યો તો કબાટ હું જે રીતે ગોઠવીને ગયેલી એ રીતે ન હતો. છતાં હું કંઈ બોલી નહીં ને મેં આપણા કપડાં અંદર ગોઠવી દીધા. ને એટલામાં મમ્મી બોલ્યા કે આપણી બે ચાદર મળતી ન હતી તે મને એમ થયું કે કદાચ તમારા કબાટમાં મૂકાઇ ગઈ હશે એટલે મેં તમારો કબાટ ખોલ્યો હતો પણ મારાથી એ ન ખૂલેલો એટલે સામેવાળા બેનને બોલાવીને ખોલાવેલો. પણ પછી એ ચાદર તો મારા જ કબાટમાંથી મળી. તમે કહ્યું કંઈ વાંધો નહીં. પણ મને જરા ખટક્યું. કે કબાટમાં દરેક વસ્તુ બધાની સામે જ મૂકી હતી જે આપણી જ હતી છતાં એ કેવી રીતે કહી શકે કે આપણા કબાટમાં ચાદર શોધવા કબાટ ખોલ્યો. ને એવું જ હતું તો બે દિવસ આપણે ફરીને આવીએ ત્યાં સુધી રાહ કેમ ન જોઈ ? કેમ બીજા કોઈ પાસે કબાટ ખોલાવ્યો. અને એ ઉપરાંત મેં જે પ્રમાણે ગોઠવેલો હતો તે એમણે બદલવાની જરૂર કેમ પડી ? પણ આ બધું હું ફક્ત વિચારી જ શકી બોલી ન શકાયું. પછી મારી નોકરી ચાલુ થઈ ગઈ. મારે સવારે વહેલા જવાનું હોય તો હું કહું એમને કે મારું ટિફિન હું બનાવી લઈશ પણ એ ન માને અને મારા કરતા પહેલાં ઊઠીને ટિફિનિ બનાવી દે. મને ન ગમે. કારણ કે આપણે ત્યાં કામવાળી તો હતી નહીં બધું જ કામ જાતે કરતા. મારે સવારે વહેલું જવાનું હોય એટલે હું બીજું કોઈ કામ કરી ન શકું એટલે મને એમ કે હું ટિફન બનાવું તો સાથે બધાની રસોઈ થઈ જાય એટલે એમને એટલું કામ ઓછું થાય પણ એ મને બનાવવા જ ન દેતા. એ જાતે જ વહેલાં ઉઠીને બનાવી દેતા. પછી હું છેક સાંજે આવું. એેટલે હું એમને કહું કે હું સાંજનું ખાવાનું બનાવી દેવા પણ એ ના જ પાડતા. મને કંઈ કરવા જ ન દેતાં. કહેતા તું નોકરી કરીને આવે થાકી જાય આરામ કર. ત્યારે તમારી શિફ્ટ ડ્યુટી આવતી હતી. ફર્સ્ટ, સેકન્ડ અને નાઈટ. ગામથી હું બસમાં આવતી એટલે મને ઓફિસ પહોંચતા લગભગ એકાદ કલાક થતો. તમે શીફ્ટ પ્રમાણે મને લેવા મૂકતા. લગભગ પંદરેક દિવસ તમે આવ્યા મને લેવા મૂકવા પછી એક દિવસ તમે નોકરી પર હતા એટલે મમ્મીએ મને કહ્યું કે તું એને ના પાડી દેજે કે એ તને લેવા મૂકવા ન આવે. પેટ્રોલનો ખર્ચો કેટલો બધો આવે. અને મેં કહ્યું છે એવું એને ન કહેતી. એમણે કહ્યું તે પ્રમાણે મેં તમને કહી દીધું કે તમે મને લેવા મૂકવા ન આવતા તમે થાકી જશો. હું જાતે આવી જવા. તમે મને બસ સ્ટોપ પર લેવા આવજો. અમારા ઘરથી ગામનું બસ સ્ટોપ લગભગ એકાદ કિમી. દૂર હતું. એટલે મેં એમને કહ્યું તમે મને બસ ત્યાં લેવા આવી જજો એટલે મારે ચાલવું ન પડે. આમ મેં મમ્મીએ કહ્યું તે પ્રમાણે કર્યુ. તમે મને એક વાર પણ એમ ન પૂછયું કે કેમ તું અચાનક આવી રીતે ના પાડે છે. મમ્મી મને રોજ બસ ભાડાના પૈસા ગણીને આપતા. વધારાનો એક રૂપિયો પણ ન આપતા. મને આ બધું કંઈક વિચિત્ર લાગતું. મારા ઘરે પપ્પાએ કોઈ દિવસ મને ગણીને પૈસા આપ્યા ન હતા અને આપ્યા પછી હિસાબ પૂછ્યો ન હતો. અહીં તો મમ્મી મને બસના ને રિક્ષાના કેટલા થાય એમ પૂછીને રોજ એટલા જ પૈસા આપતા. તમે પણ મને કોઈ દિવસ પૂછયું નહીં કે તને આટલા પૈસા ચાલે છે કે બીજા આપું? આમ જ મારો પગાર થવાનો દિવસ આવી ગયો.