આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને જે વિધિ હોય તે પતાવી અને પછી સૂવાની તૈયારી કરી. પણ આપણા ઘરે તો તમારા માસી માસાજી, બેન બનેવી રોકાયલા હતા એટલે આગળના રુમમાં બેન બનેવીને પથારી કરી આપી અને વચ્ચેના રુમમાં આપણે, મમ્મી પપ્પા અને માસી માસાજી બધા સાથે સૂઇ ગયા. મને થયું કે મને તો એમ કહ્યું હતું કે ઉપરનો રુમ તૈયાર કરાવવાનો છે તો એ કેમ હજી સુધી નથી થયો. મારાથી તો પૂછાયું પણ નહીં. પણ આવી રીતે બધાની સાથે સૂવામાં જરા સંકોચ થયો. એક તો સાડી પહેરીને સૂવાનું. ફાવે પણ નહીં. એવું લાગ્યું જાણે આખી રાત જાગતી જ રહી. બીજા દિવસે મારા ઘરેથી ભાઈ લેવા આવ્યો હતો. સાથે મારા ઘરેથી કરિયાવરમાં જે કબાટ અને પલંગ આપવાના હતા એ લાવ્યો હતો. એ બધું મમ્મીએ વચ્ચેના રુમમાં જ મૂકાવી દીધું કે ઉપરના રુમમાં વજન થઈ જાય એટલે ત્યાં ન મૂકાય અને હું એ ઘરે મૂકાવીને હું એની સાથે મારા પિયર ગઈ. ધરે જઈને મને ફરીથી તાવ આવ્યો એટલે હું તો સૂઈ જ ગઈ. તમે સાંજે મને લેવા આવ્યા. પાછા આવતી વખતે મેં તમને પૂછયું કે ઉપરના રુમમાં કંઈ કરાવવાનું બાકી છે હજી ? તો તમે કહ્યું ના , ત્યાં શું કરાવવાનું છે ? ત્યારે મેં તમને કહ્યું કે મમ્મી તો કહેતા હતા કે આપણા માટે ઉપરનો રુમ તૈયાર કરાવી દેશે. તમે કંઈ જવાબ ન આપ્યો એટલે હું સમજી ગઈ કે મમ્મીએ ખાલી જ કહ્યું હતું. ત્યારે મને કાકીએ કહેલી વાત યાદ આવી કે એમણે ખાલી મારી પાસેથી વાત કઢાવવા માટે જ કહ્યું હશે. સાંજે ઘરે આવીને મેં કબાટમાં મારા ને તમારા કપડાં ગોઠવી દીધા. મારા ઘરેથી કન્યાદાનમાં જે વસ્તુઓ આવી હતી એ પણ કબાટના લોકરમાં મૂકી દીધી. ને પછી મમ્મીએ કહ્યું કે તાળું મારીને એ ચાવી મારા કબાટમાં મૂકી દેજે કારણ કે કાલે તો તમે ફરવા જવાના પછી એનું શું કામ ? ને મેં એ કબાટની ચાવી મમ્મીના કબાટમાં મૂકી દીધી. પછી બીજા દિવસે તો આપણે તમારા બેન બનેવી ને કાકા કાકી સાથે ફરવા નીકળી ગયા. તમારા બનેવીની ગાડી લઈને ગયા હતા કે જે ખર્ચો આવે તે ત્રણ ભાગે વહેંચી દઈશું. પણ ત્યાં તો તમે મારી સાથે ફરવાને બદલે તમારા બેન બનેવીની આગળ પાછળ જ ફર્યા કર્યુ. એમને જે જોઈએ તે હાથમાં લાવીને આપ્યું. એવું લાગ્યું કે જાણે એમના નવા નવા લગ્ન થયા છે. તમને તો ત્યાં પણ મારી જરુર ફક્ત રાતે જ પડી. આખો દિવસ બેન બનેવી કર્યા કર્યુ. એક દિવસ તમારા બનેવીએ મને કહ્યું કે તમને માવા ખાવાની ટેવ છે. મને કહે કે તું છોડાવી દેજે. મને તો ખબર જ ન હતી કે તમે માવા ખાઓ છો. મને તો આ વસ્તુની ખૂબ જ ચીડ હતી. આપણે લગ્ન પહેલાં સાથે જતા ત્યારે તમે કોઈ દિવસ માવો ખાધો ન હતો એટલે મને કેવી રીતે ખબર પડે. એટલે બનેવી એ કહ્યું ત્યારે તો મને એમ જ લાગ્યું કે એ મારી સાથે મજાક કરે છે. જ્યારે કાકાએ પણ કહ્યું ત્યારે મને લાગ્યું કે આ વાત સાચી હશે અને મેં તમને પૂછયું તો તમે હા પાડી કે હા તમે માવા ખાઓ છો. આ સાંભળીને તો હું અવાક જ થઈ ગઈ કે જે વસ્તુની મને ચીડ છે તમે એ વસ્તુ કરો છો. પણ તમે મને કહ્યું કે તમે માવો છોડી દેશો ને મેં તમારા પર વિશ્વાસ કરી લીધો. ને આપણે ફરીને આવી ગયા. બેન બનેવી માસી માસાજી બધા પોતાના ઘરે ચાલ્યા ગયા.