World's Short Ghost Stories (Folktales) Part-8 Yurei's warning in Gujarati Short Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | વિશ્વની ટુંકી પ્રેતકથાઓ(લોકવાર્તાઓ) ભાગ-૮ યુરેઇની ચેતવણી

Featured Books
Categories
Share

વિશ્વની ટુંકી પ્રેતકથાઓ(લોકવાર્તાઓ) ભાગ-૮ યુરેઇની ચેતવણી

૮-યુરેઇની ચેતવણી

જાપાનનું એક નાનકડું દરિયાકાંઠાનું ગામ હતું. ગામની એક બાજુએ દરિયાનો ઘૂઘવાટ સંભળાતો, જ્યારે બીજી ત્રણ બાજુએ ઊંચા પહાડો અને ખડકો હતા, જેમની વચ્ચેથી પસાર થતી હવાના સૂસવાટા સંભળાતા. ગામમાં લાકડાના ઘરોની હારમાળાઓ હતી, અને આ ઘરોથી થોડે દૂર દરિયાની સામે એક પૌરાણિક મંદિર આવેલું હતું. લોકો તેને શિન્ટો મંદિર તરીકે ઓળખતા. આ મંદિર યુરેઇની દંતકથાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ઘણાં વર્ષો પહેલાં એક માછીમારની સ્ત્રી દરિયામાં તણાઈને મૃત્યુ પામી હતી, અને તેની આત્મા યુરેઇ બનીને ભટકે છે. તે ગામવાસીઓને ખતરાઓ અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ સામે ચેતવે છે.

ગામના દરિયાકાંઠે એક સામાન્ય લાકડાનું ઘર હતું, જે અન્ય ઘરો જેવું જ લાગતું હતું. આ ઘરમાં તારો નામનો એક યુવાન માછીમાર રહેતો હતો. તેની એક નાની બહેન હતી, જેનું નામ આયા હતું. આયા ખૂબ ધાર્મિક હતી અને પૌરાણિક માન્યતાઓ પર ખૂબ વિશ્વાસ રાખતી હતી. તે તારોની ખૂબ લાડલી હતી અને ભાઈ-બહેન એકબીજા પર ખૂબ પ્રેમ રાખતા હતા.

તારો દરરોજ પોતાની નાની હોડી લઈને દરિયામાં માછલી પકડવા જતો હતો. તે માછલીઓ વેચીને પોતાનું અને આયાનુ ગુજરાન ચલાવતો હતો. તેની હોડી જૂની હતી, પણ તેના માટે તે અમૂલ્ય હતી, કારણ કે તેનું જીવન દરિયા પર આધાર રાખતું હતું.

એક રાત્રે આયાને એક અનોખું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને એક સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી સ્ત્રી દેખાઈ. તેના લાંબા કાળા વાળ લહેરાતા હતા, ચહેરો ઝાંખો હતો, અને આંખોમાં ઊંડી ઉદાસી દેખાતી હતી. તે સ્ત્રી, જે યુરેઇ હતી, આયાને કહેવા લાગી,

"તારા ભાઈ તારોને કહેજે કે એક-બે દિવસ માછલી પકડવા ન જાય. દરિયો થોડા સમયમાં તોફાની થવાનો છે."

આયા ગભરાઈને જાગી ગઈ. તેની ઊંઘ ઉડી ગઈ, અને આખી રાત તે પડખા ફેરવતી રહી, તે ચિંતામાં પડી ગઈ.

સવારે જયારે તારો ઊઠ્યો, ત્યારે આયાએ તેને સ્વપ્નની વાત કરી. તારો, જે અંધશ્રદ્ધામાં માનતો ન હતો, તેણે હસીને કહ્યું,

"આયા, તું બાળકોની વાતોમાં માને છે. દરિયો આજે શાંત લાગે છે, અને મારે માછલી લાવવી જ પડશે. નહીં તો આપણું ઘર કેવી રીતે ચાલશે?"

આયાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તારો તેની વાતને ગંભીરતાથી લેવાનો ઇનકાર કર્યો.

આ દિવસની સાંજે તારો માછલી પકડીને કિનારે પાછો ફર્યો. તે દરિયાકાંઠે પોતાની હોડી બાંધવા ગયો ત્યારે ત્યાં ઝાકળની વચ્ચેથી એક સફેદ આકૃતિ દેખાઈ. તે યુરેઇ હતી—તેના વાળ ભીના અને લહેરાતા હતા, ચહેરો ઝાંખો હતો, અને તેનો અવાજ ધીમો પણ ગંભીર હતો. યુરેઇએ તારોને કહ્યું,

"કાલે દરિયામાં જઈશ નહીં, મોટું તોફાન આવશે. તારું જીવન ખતરામાં પડી શકે છે."

તારો ગભરાઈ ગયો. તેના હાથમાંથી દોરડું છૂટી પડ્યું, અને તે ડરથી ઘરે ભાગી ગયો. ઘરે પહોંચીને તેણે આયાને આ ઘટના કહી, પણ બીજે દિવસે સવારે તેનો જિદ્દી સ્વભાવ ફરી જીતી ગયો. તેણે વિચાર્યું કે કદાચ આ બધું આયના સ્વપ્નની વાતોની અસરને લીધે કોઈ ભ્રમ હશે, અને તેણે ફરીથી એ દિવસે માછલી પકડવા જવાનું નક્કી કર્યું.

આયાએ તેને રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તારો માનવા તૈયાર ન હતો. એ દિવસે પણ તે હોડી લઈને દરિયામાં ગયો. શરૂઆતમાં દરિયો શાંત લાગતો હતો, પણ થોડી વારમાં આકાશ કાળું થઈ ગયું. પવનની સીટીઓ ગૂંજવા લાગી અને મોટી-મોટી લહેરો તેની હોડીને ઉછાળવા લાગી. તારોએ તોફાન સામે લડવાનો પ્રયાસ કર્યો, પણ હોડી તૂટી ગઈ, અને તે પાણીમાં પડી ગયો. ખડકોને પકડીને તે કોઈક રીતે કિનારે પહોંચ્યો. તે ભીનો, થાકેલો અને ડરેલો હતો. તે સમજી ગયો કે યુરેઇની ચેતવણી સાચી હતી, અને તેની જિદ્દને લીધે તેણે તેનું જીવન જોખમમાં મૂક્યું હતું.

તે રાત્રે તારો દરિયાકાંઠે ગયો અને યુરેઇને શોધવા લાગ્યો. યુરેઇ ફરી દેખાઈ, અને તેનો અવાજ લહેરોમાં ગૂંજતો હતો,

"મેં તને ચેતવ્યો હતો. પણ તું માન્યો નહી."

તારોએ તેની સામે માથું નમાવીને આભાર માન્યો. આ ઘટના ગામમાં ફેલાઈ ગઈ, અને લોકોએ યુરેઇને રક્ષક તરીકે સન્માન આપવાનું શરૂ કર્યું.

જાપાનના ઘણા દરિયાકાંઠાના ગામોમાં યુરેઇની માન્યતા પ્રચલિત છે. લોકો તેને એક માનવમિત્ર એવા એક પ્રેત માને છે અને તેની પૂજા પણ કરે છે.