૨. ઓકીકુ
ભૂતકાળમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો નદીઓ, વાવો, કૂવાઓ અને તળાવો હતા. આ સ્ત્રોતો સાથે મોટાભાગે કોઈ ને કોઈ લોકવાર્તા જોડાયેલી હોય છે. ગુજરાતમાં આવા વાવ, કૂવા કે તળાવો સાથે અનેક લોકવાર્તાઓ જોડાયેલી છે. રાણકી વાવ, અડીકડી વાવ અને નવઘણ કૂવો, સાહિત્ય ક્ષેત્રે અનેક અને મે લખેલી જાની વાવની કથા, ભૂતાવળ તળાવ વગેરે.
નાનાં ગામડાંઓ કે નગરોના વાવ અને કૂવાઓ આવી વાર્તાઓનું મુખ્ય ઉદ્ગમ સ્થાન બનતા હતા. પણ આવી લોકવાર્તાઓ ફક્ત ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત નથી—તે સર્વવ્યાપી છે.
વિશ્વભરમાં અનેક વાવ કે કૂવાઓ સાથે આવી અસંખ્ય લોકકથાઓ પથરાયેલી પડી હોય છે. આ કથાઓ એક મુખેથી બીજા મુખ સુધી પહોંચતી, લોકજીભે જીવંત રહેતી હોય છે. ભાગ્યે જ કોઈ લેખક તેને શબ્દોમાં ઉતારીને અમરત્વ આપતા હોય છે.
આજની આપણી કથા તો અમરત્વ પામેલી છે! માત્ર લેખન ક્ષેત્રમાં જ નહીં, આ કથા પરથી અનેક નાટકો પણ રચાયા છે, ખાસ કરીને જાપાનમાં.
ચાલો, આજે આ કથાને આપણે અહીં, આપણી ભૂમિ પર આમંત્રીએ અને માતૃભાષામાં તેની મજા માણીએ.
ઓકીકુ!
ના, ના! આ પેલી ઢીંગલી ઓકીકુ નથી, જેને આઇકેઝી સુઝુકી નામના સત્તર વર્ષના છોકરાએ પોતાની નાની બહેન કિકુકો માટે ખરીદી હતી. કિકુકોના મૃત્યુ બાદ તે ઢીંગલીના વાળ કોઈ અજાણ્યા કારણોસર વધતા હતા અને છેવટે તેને સપ્પોરો નજીકના મનેજી બૌદ્ધ મઠમાં રાખવામાં આવી.
આ ઓકીકુ બીજી છે! આ ઓકિકુ જાપાનના હ્યુગો પ્રાંતમાં આવેલા હિમેજી શહેરના, હિમેજીના રાજવી કિલ્લા સાથે સંકળાયેલી છે, જે કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકેનો દરરજો પણ ભોગવે છે.
સત્તરમી કે અઢારમી સદીના ઈડો સમયગાળામાં આ રાજવી કિલ્લામાં ઓકીકુ નામની એક સુંદર નોકરાણી કામ કરતી હતી. તેને શાહી ખાનદાનની નિશાની ગણાતી દસ પોર્સેલિનની ડીશ સાચવવાનું કામ સોંપાયું હતું. આ ડીશો શાહી ખાનદાનનું પ્રતીક હતી અને અત્યંત મૂલ્યવાન મનાતી હતી.
ઓકીકુનું રૂપ એટલું મોહક હતું કે અપ્સરાઓ પણ ઝાંખી પડે. જેમ આજે સોશિયલ મીડિયા પર કોઈ મોહિનીની તસ્વીર સાથેની "હાઈ" જેવી તુચ્છ કોમેન્ટ પર લંપટ લોકોની લાઇક્સ અને કુકર્મીઓની કોમેન્ટ્સનો વરસાદ થાય છે. તેમ એ સમયે સોશિયલ મીડિયા તો ન હતું પણ સીમાઓ ઓળંગનારા લંપટ અને કુકર્મી લોકો તો અનાદી કાળથી અસ્તિત્વ ધરાવે છે અને એ સમયે પણ સર્વત્રે હતા. ઓકીકુ આસપાસ પણ આવા અનેક લંપટ હતાં.
બિચારી ઓકીકુ! તેના અનુપમ રૂપને લીધે, તેની આસપાસના લંપટ માંહેના એક મહાલંપટના પ્રપંચનો ભોગ બની. એ મહાલંપટ હતો તેનો રાજવી માલિક આઓયામા ટેસન! જે તેના રૂપ પર મોહી પડ્યો હતો. તેણે ઓકીકુને પોતાની બનાવવા અનેક પ્રયત્નો કર્યા પણ ઓકીકુના હૃદય પર કદાચ કોઈક બીજાનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું! ઓકીકુએ દરેક વખતે નનૈયો જ ભણ્યો.
પેલા કારસ્તાની મહાલંપટે પ્રપંચ રચ્યું, ઓકીકુ જે દશ ડીશ સાચવતી હતી તેમાંથી એક ડીશ ચોરીને છુપાવી દીધી. હવે, એ સમયે ચોરીની સજા મૃત્યુદંડ હતી! ઓકીકુ ફસાઈ ગઈ, ઓકીકુ બિચારી ગભરાઈ ગઈ. એ તો વારે ઘડીએ ડીશ ગણે,—એક.. બે...ત્રણ થી નવ સુધી અને પછી પાગલની જેમ ચીસ પાડે દસમી ક્યાં??
તેના પર ડીશ ચોરીનો આરોપ મુકવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. પેલા મહાલંપટે આવીને ઓકીકુને કહ્યું કે જો તું મારી બને તો તને સજામાંથી મુક્તિ અપાવું પણ ઓકીકુએ ફરી નનૈયો ભણ્યો. અનેક પ્રયાસો કરવા છતાં ઓકીકુ એકની બે ન થઈ!
છેવટે પેલા નિર્દય રાક્ષસે, ઓકીકુને મારીને મહેલના પ્રાંગણમાં આવેલા કૂવામાં નાખી દીધી.
થોડા દિવસો પછી કૂવામાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા. કોઈક સ્ત્રી જે એક.. બે...ત્રણ એમ નવ સુધી ગણીને પછી જોર જોરથી ચીસો પાડી પૂછતી હતી, દસમું વાસણ ક્યાં છે!
ઘણા લોકોએ કૂવાની ઉપર ઓકુકીની આકૃતિ પણ જોઈ, જે કૂવા ઉપર લટકતી હતી તેના વાળમાંથી પાણી ટપકતું હતું અને તે ચીસ પાડીને —દસમું ક્યાં છે એવું પૂછતી હતી.
પેલો નિર્દય રાક્ષસ આઓયામા ટેસન, એ પણ ઓકીકુની ચીસો સાંભળી સાંભળીને પાગલ થઈ ગયો અને એક દિવસે એ જ કૂવામાં કુદી જઈને તેણે આત્મહત્યા કરી લીધી.
આજે પણ હિમેજીના કિલ્લાના પ્રાંગણમાં આવેલો એ કૂવો હયાત છે અને લોકોને તેની સાથે જોડાયેલી કથા કહેતો રહે છે. ઘણા લોકો ત્યાં રાત્રે — એક... બે...ત્રણ થી લઈ ને નવ સુધીની ગણત્રી અને દસમું ક્યાં એવી કોઈક સ્ત્રીની ચીસો સાંભળી હોવાનો દાવો પણ કરે છે.
તો આ હતી આજની લોકવાર્તા, આગળની લોકવાર્તાની તુલનાએ આ વાર્તામાં પ્રેતતત્વ સિવાય પણ ઘણા તત્વો જોવા મળે છે. જેમ કે મોહ, કુવિચાર, ચોરી, આળ, પ્રપંચ જેવા અવગુણ, એક નિર્દોષને ઉત્પીડન અને છેલ્લે તેનું ફળ!
કહેવાય છે ને કે જાપાનીઓ બુદ્ધિશાળી હોય! જોયું ને એક જ વાર્તામાં પ્રેત તત્વ સાથે અનેક તત્વો ઉમેરી સાથે નિર્દોષને કષ્ટ ન આપવાનો નૈતિક સંદેશ!!