૩ શ્રાપિત બેલ
ઇટાલીના વેનીશ શહેરની પાસે લગૂનની ખાડીમાં એક ટાપુ આવેલો છે— પોવેગ્લિયા. આ ટાપુ પર હાલ કોઈ માનવ વસ્તી નથી અને તે ભૂતિયા ટાપુ તરીકે નામચીન છે. પણ એક સમયે ત્યાં માનવ વસાહત હતી અને તે વેપારના એક મુખ્ય સ્થળ તરીકે પ્રખ્યાત પણ હતું.
વાયકાઓની ઘટમાળ શરૂ થઈ અઢારમી સદીના મધ્ય ભાગથી. અને એ ઘટમાળના કારણ સાથે જોડાયેલો હતો એક બેલ ટાવર!
પોવેગ્લિયા ટાપુ પર એક ચર્ચ હતું અને આ ચર્ચ ઉપર એક વિશાળ બેલ લટકાવેલો હતો. આ બેલ ખાસ હતો કારણ કે તેને કોઈક સ્થાનિક કારીગરે બનાવ્યો હતો અને તેમાં ધાતુ તરીકે ટાપુ પરના ખોદકામ દરમિયાન મળેલા સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદકામ દરમિયાન મળેલા આ સિક્કાઓ રોમન કાળના હતા. જ્યારે બેલ વાગતો ત્યારે તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થતો હતો અને એ મધુર ધ્વનિ વેનીસના દૂરના દરિયા કાંઠે પણ સંભળાતો હતો. પરંતુ લોકો આ બેલને અપશુકનિયાળ કે શ્રાપિત ગણતા હતા, કેમ કે જે વખતે રોમન સામ્રાજ્ય પડી ભાંગ્યું ત્યારનો તેનો અંતિમ જનરલ, ઐતિહાસિક રીતે શ્રાપિત ગણવામાં આવતો હતો. આ બેલને બનાવવામાં એ જ જનરલના સમયના સિક્કાઓ વપરાય હતા.
અઢારમી સદીના છઠ્ઠા કે સાતમા દાયકા આસપાસ, જ્યારે આ ટાપુ પર બ્લેક પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે હજારો લોકોને પોવેગ્લિયા પર કવોરન્ટાઈન કરવામાં આવ્યા, અને તેમાંથી મોટા ભાગના મૃત્યુ પામ્યા. આ બેલ રોજ રાત્રે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાગતો હતો. પણ એક દિવસ એક માછીમારે જોયું કે બેલ કોઈ દેખીતા કારણ વગર જ વાગી રહ્યો હતો. તેની દોરી કોઈ ખેંચતું ન હતું છતાં તેનો અવાજ ગુંજતો હતો. તેણે ગામમાં જઈ લોકોને આ વાત કરી, પણ બીજે દિવસે તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. થોડા સમય પછી, ટાપુ પર રહેતા થોડા લોકો કહેવા લાગ્યા કે બેલનો અવાજ રાત્રે સાંભળાય છે, અને તેની સાથે વિચિત્ર આવજો જેવા કે, ચીસો અને રડવાનો અવાજ આવે છે. જેઓ આ અવાજ સાંભળતા, તેઓ વારંવાર બીમાર પડતા કે અચાનક મૃત્યુ પામતા. ટાપુના એક પાદરીએ નક્કી કર્યું કે આ બેલ શ્રાપિત છે અને તેને ઉતારીને દરિયામાં ડૂબાડી દેવો જોઈએ. આખરે એ બેલને ઉતારીને લગૂનની ઊંડી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો.
એ પછી પણ રાત્રિની નિરવ શાંતિમાં એ બેલનો અવાજ સંભળાતો રહ્યો. જેને આ અવાજ સંભળાતો, તે રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં અથવા મૃત્યુ પામતા. છેવટે લોકોએ એક પછી એક કરી, કદાચ એ ટાપુને ત્યજી દીધો. પણ અઢારમી સદીના શ્રાપિત બેલની વાર્તા અહીં અટકતી નથી.
ઓગણીસમી સદીમાં આ ટાપુ પર માનસિક રોગીઓની એક હોસ્પિટલ શરૂ કરવામાં આવી. થોડા સમય પછી હોસ્પિટલના દર્દીઓ ફરિયાદ કરવા લાગ્યા કે તેઓને રાત્રિની નિરવ શાંતિમાં અચાનક બેલનો અવાજ સંભળાય છે અને વિચિત્ર અનુભવો થાય છે. જો કે એ સમયે ત્યાં કોઈ બેલ હતો નહીં અને ત્યાંના ડોકટરે એ વાતને નકારી કાઢી. પણ એક દિવસ ડોક્ટરને પોતાને પણ એ બેલનો અવાજ સંભળાયો. ડોક્ટરે ચર્ચના બેલ ટાવર પર જઈને ખાતરી કરી પણ ત્યાં કોઈ બેલ હતો નહીં.
બીજા દિવસની રાત્રે ડોક્ટરે બેલ ટાવરની ટોચ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેના હાથમાં એક કાપલી હતી, તેમાં લખ્યું હતું
."Bell is Calling Me!"
આજે આ ટાપુ માનવ વસ્તી વિહીન છે. ત્યાં જવા માટે પણ ખાસ સરકારી પરવાનગી લેવી પડે છે. પણ, આજે પણ એ ટાપુ પાસેથી પસાર થતા કેટલાક માછીમારો રાતની નિરવ શાંતિમાં લગૂનની ખાડીમાંથી કોઈક બેલનો ધીમો અવાજ આવતો હોવાના દવાઓ કરે છે. ૨૦૧૦ માં એક ઇટાલિયન મરજીવાએ લગૂનની ખાડીમાં ધાતુની કોઈક મોટી વસ્તુ જોઈ હોવાનો દાવો કર્યો હતો, પણ એમના ઓક્સિજનના સિલિન્ડરમાં ખામી સર્જાઈ અને તે વધુ નજીક ન જઈ શક્યો.
બોલો! અઢારમી સદીના મધ્યભાગમાં સર્જાયેલું ભૂત આજે પણ જીવિત છે?
ના! કોઈક રોગચાળો અને ત્યારબાદના ઘટના ક્રમને અપશુકનિયાળ રોમન જનરલના સિક્કાઓ સાથે જોડવામાં આવ્યા. અને પછીના ઘટનાક્રમો કદાચ આ જોડાણને હકારાત્મક પોષણ આપતા રહ્યા અને જુદી-જુદી લોકવાયકાઓ આકર લેતી થઈ.
***માનસિક રોગીઓની હોસ્પિટલ ૧૯૨૨ થી ૧૯૬૮ સુધી ચાલી. લોક ચર્ચાઓ મુજબ સત્યતઃ કદાચ અંતિમ ડોક્ટર ક્રૂર, ઘાતકી અને અમાનવીય અખતરાબાજ કે વિકૃત માનસિકતા વાળો પણ હોય! વસ્તુસ્થિતિ જે હોય તે પણ લોકવાયકાઓ અસ્તિત્વ ધરાવે છે. જેમાં ઇતિહાસની કોઈક ઘટના સાથે જોડાયેલી એક માન્યતા અને ડર સિવાય કોઈ તત્વ જોવા મળતું નથી!***