૯ - મેઘાર દાદા
નાઘેર પંથકના દરિયા કાંઠાના ગામ, વેલણની ઉગમણી દિશાની સીમમાં, એક ખેતરના શેઢે, એક નાનકડું દેરું આવેલું હતું. લોકો તેને મેઘાર દાદાના દેરા તરીકે ઓળખતા હતા. આ દેરા વાળા ખેતરથી થોડે દૂર આવેલાં એક ખેતરમાં, પોતાની સાતેક વરસની છોકરી રૂપાને લઈને ખેતરે આવેલી લીલી, બાજરો પારવવામાં અને નેદવામાં મશગુલ હતી. ત્રણ બેડીયા લઈને, નકામા ઉગેલા કૂચાને દાંતરડીની ધારે મૂળમાંથી ઉખેડતી અને એકસાથે ઉગેલા બાજરાના છોડવાઓને એકબીજાથી દૂર પારવતી, વર્તમાને વિલુપ્તતાને આરે ઊભેલી અને તત્કાલીને કામઢી કહેવાતી એ નારી, એકધારી કામમાં મથી હતી. શેઢા પાડોશીના બાળકો સાથે રમતી, પોતાની દીકરી રૂપાને, એ વચ્ચે વચ્ચે ટહુકા કરી ટપારતી હતી.
"રૂપા, મડી ક્યાંય સેટી નઈ જાતી, એટલામાં મેધાર બાપાના દેરા પાંહે જ રમજે."
"હા" એવો હોંકારો ભણી, એ નાનકડી દીકરી રૂપા, હોકાના લાલ મીઠા ફળ ચાવતી, ખેતરમાં ઉડતા પતંગિયાઓની પાછળ આમતેમ દોડતી હતી. રમતા રમતા એ થાકી અને બાજુના ખેતરના શેઢા પાસે બનાવેલા ઊંચા ઘાંસ પૂળાના માંચડા પર ચડી ગઈ. થોડીવાર ત્યાં બેસી રમતો કરી અને ઠંડી હવાની અસર અને પતંગિયા પાછળની દોડાદોડીના થાકથી ઝોંકે ચડી અને સૂઈ ગઈ.
સંધ્યાના સમયે જ્યારે આછું અંધારું ફેલાયું ત્યારે લીલી કામમાંથી પરવારી ઊભી થઈ અને રૂપાને હાંકલ કરી,
"રૂપા હાલ હવે ઘેર જા’યે"
પણ રૂપા ક્યાંય દેખાઈ નહી, એ તો માંચડા પર ચડી ઘોર નીંદરમાં સૂતી હતી.
લીલી એ આજુબાજુ જોયું પણ રૂપા ક્યાંય દેખાઈ નહીં. તેણે જોર જોરથી બે ત્રણ બૂમો પાડી પણ રૂપાનો કોઈ હોંકારો ન મળ્યો. રૂપા ઘણીવાર શેઢા પાડોશીના છોકરાઓ સાથે રમતા રમતા, ઘરે પણ જતી રહેતી. એટલે લીલી એ વિચાર્યું કે એ દરેક વખતની જેમ જ પાડોશીના છોકરાઓ સાથે ઘરે જતી રહી હશે.
લીલી તો ઘરે પહોંચીને ખેતરના શ્રમનો પરસેવો લૂછીને રોટલા ટીપવા બેસી ગઈ. એને એમ કે રૂપા, બહાર છોકરાઓ સાથે રમતી હશે અને હમણાં વાળું ટાણે આવી જશે. એમ પણ ગામ સાવ શાંત હતું અને કોઈ અનિચ્છનીય બનાવો બનતા જ નહી એટલે એ કામઢી નારીને બાળચિંતા કરતા ઘરકામ કદાચ વધુ જરૂરી લાગ્યું.
આ તરફ ખેતરમાં રાત્રિનો અંધકાર જામ્યો એ પછી રૂપા જાગીને બેઠી થઇ. આંખો ખોલીને જોયું તો ચારે કોર અંધકાર વ્યાપી ગયો હતો, આકાશમાં ચંદ્ર અને તારા સિવાય આજુબાજુ કોઈ દેખાતું ન હતું. રૂપાનું બાળમાનસ હેબતાઈ ગયું અને તે એક ચીસ પાડી ઉઠી,
"માં, માં! ક્યાં છે તું? માં?"
પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો, બાળક એવી રૂપા બિચારી ખૂબ જ ડરી ગઈ. તેને તેના દાદા દાદીની વાતો યાદ આવી અને તેને એમ જ લાગ્યું કે અંધારામાં એની માં ક્યાંક અલોપ થઈ ગઈ અને હવે અંધારિયાની માં આવીને તેને ખાઈ જશે. એ તો જોર જોર થી રડવા લાગી.
" માં! તું ક્યાં છે? એ માં??"
બાળ રુદન સાંભળીને દેરાનાં દેવ દ્રવી ઉઠ્યા અને એક ઓળો એ દેરાના ઓટલેથી ઊભો થઈને અંધકારને ચીરતો માંચડાની દિશામાં આગળ વધ્યો. ઠંડો પવન પ્રસરી ગયો અને વાતાવરણમાં સુગંધી ધુમાડો ફેલાઈ ગયો. સફેદ કડિયા ચોરણીમાં સજ્જ એ ઓળાંએ માંચડા નજીક આવીને હાકોટો કર્યો,
"રૂપા, મારી દીકરી રૂપા! ક્યાં સે દીકરી? ઘેર હાલ તારી માં ચંત્યા કરે’શ."
રૂપા એ માંચડાની કિનારીએથી ડોકિયું કરી જોયું તો ચંદ્રના આછાં અંજવાળાંમાં ચોખ્ખા સફેદ કપડામાં સજ્જ તેના મોટાબાપુ દેખાયા. એ રોતા રોતા, એક ડૂસકું અટકાવતા થોડીક ખુશી સાથે બોલી ઊઠી,
"મોટાબાપુ!"
"હાલ મારી દીકરી, હેઠી ઉતર, ઘેર જાયેં."
એ બાળકના અંધકારના ડરને દૂર કરતો, એના મોટાબાપુનો વાત્સલ્ય સભર અવાજ આવ્યો અને બાળક એવી એ રૂપા, માંચડેથી નીચે ઉતરી, મોટાબાપુ ની આંગળી પકડી, તેની કાલી ઘેલી ભાષામાં અલક મલકની વાતો કરતા કરતા, મોટાબાપુ સાથે ઘર તરફ ચાલી નીકળી. મોટાબાપુ આખે રસ્તે, તેની નિર્દોષ વાતો સાંભળતા વચ્ચે વચ્ચે હસીને, તેને મીઠડો પ્રતિસાદ આપતા રહ્યા. હસતી, રમતી રૂપાને લઈને મોટાબાપુ બરાબર ઘરની સામે આવી, અટકી ગયા.
તેમણે કડિયાંના ગજવામાં હાથ નાખ્યો અને કંઇક ફંફોળતા બોલ્યા,
"લે! મારી બીડી તો ખૂટી ગઈ, તું ઘેર જા હું ચોરેની દુકાનેથી બીડી લઈને આવું."
"હા મોટાબાપુ."—કહીને રૂપા ઘરમાં ગઈ અને મોટાબાપુએ ચોરા તરફ ડગલાં માંડ્યા.
જેવી રૂપા ઘરમાં પ્રવેશી કે તરત જ લીલી તાડુકી ઉઠી,
"કાય્ણભાંજી, અટાણ લગી ક્યાં ગુડાણી 'તી?“
"માં વાડીએ હતી, તું મને મેલીને વઈ ગઈ 'તી."
"હેં! મેલીને? તો તું સોકરાવ ભેગી આવી ન’તી?"
"નંઈ, હું તો માંસડે સડીને હુઈ ગઈ ’તી, મોટાબાપુ લેવા આવ્યા’તા."
"કોણ? મોટાબાપુ! ઈ તો હમી હાંજના તાડી પીય ને આંય ખાટલે હુતા'શ!"
"ઈ તો મારી હાય્રે આય્વા, ચોરે બીડીયું લેવા.."
બોલતા, રૂપાનું ધ્યાન બીજા ઓરડામાં સૂતેલાં મોટાબાપુ પર ગયું અને એણે ચમકીને, પાછળ ફરીને, ઘરની બહાર જોયું.
લીલીને પણ કંઈક શંકા ગઈ અને સાથે રૂપાને ભૂલથી ખેતરે એકલી છોડી ઘરે આવ્યાંનો પસ્તાવો પણ થયો. એની આંખમાં ઝળહળીયાં આવી ગયા અને એ હાથમાં લોટનો પિંડો લઈ દરવાજા સુધી દોડી આવી, બહાર આમથી તેમ જોવા લાગી.
રૂપા હજુ પણ આંગળી ચીંધી બતાવતી હતી.
"આંય લગણ તો હું ઈની આંગળી પકડીને આય્વી."
લીલીની આંખોમાંથી આંસુ ટપકી ગયા, બાજરાંના લોટથી ખરડાયેલી એની હથેળી રૂપાના માથા પર ફરી વળી.
બીજે દિવસે દેરે જઈ એમણે મેઘાર દાદાને દીવો કરી દાદાનો આભાર માન્યો.
વાત, વેલણ અને આજુબાજુના ગામમાં પ્રસરી અને લોકોની મેઘાર દાદા પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા, વધુ દ્રઢ બની.
આ મેઘાર દાદાના પ્રાકટ્ય વિશેની જુનવાણી લોકવાયકા કંઇક આવી છે.
વાત એમ બની કે એક ખેડૂતને તેના કૂવા પર રેંટ ચલાવવા માટે એક તોતિંગ લકડું જોઇતું હતું. લાકડા કાપવા માટે તે તેના બે મિત્રો સાથે જંગલમાં ગયો. એક તોતિંગ ઝાડનું થડ રેંટ માટે જોઈતા લાકડાને અનુકૂળ હતું એટલે ત્રણેએ એ ઝાડને કાપવાનું નક્કી કર્યું. એક સાથી જ્યારે ઝાડના થડ પર પહેલો જ કુહાડીનો ઘા મારવા તૈયાર થયો ત્યાં તેને એક ગેબી અવાજ સંભળાયો.
"ભેળો હું પણ આવીશ, હો!"
એ સાથીએ બીજા બંનેને કહ્યું કે કોઈક કંઇક બોલ્યું– "હું પણ ભેળો આવીશ એવું!"
પેલાં બંને સાથીઓએ તેને દારૂડિયો ગણી એની વાતને હંસી કાઢી અને તેઓ એ ઝાડનું થડ કાપી લાકડું લઈ વાડીએ આવ્યા અને રેંટ સાથે એ લાકડું જોડી દીધું.
ચમત્કારોની ઘટમાળ એ પછીથી શરૂ થઈ. ક્યારેક રેંટ સાથે જોડેલું એ લાકડું, બીજે દિવસે સવારે કોઈ જ દેખીતા કારણ વગર, છુટ્ટું પડેલું મળી આવતું. એ લાકડાને ફરી જોડવામાં આવતું તો દિવસે કે રાત્રે રેંટ બળદો વગર એમની મેળે જ ચાલવા માંડતો. ક્યારેક ઊભારમાં વહેતું પાણી, વચ્ચે આવતા વડલા પર એક આછી એવી ધાર રૂપે ચડી જતું અને વડલાના પાંદડાંમાંથી એ પાણીનો વરસાદ થતો.
ખેડૂતે તો ડરીને સાધુ, ભૂવા, ભરાડી સૌને પૂછ્યું. બધાએ એક જ વાત કહી કે રેંટમાં જોડેલા એ થડમાં પ્રેત વાસ છે અને તે સ્થિર થવા ઈચ્છે છે.
એ પછી ભૂવા, ભરાડી, રાવળ સૌ ભેગા થયા. ડાકલાં વાગ્યા, ભૂવાઓ ધુણ્યાં અને એક યુવાનના પંડમાં મેઘાર દાદાએ પ્રવેશી પોતાનો પરિચય આપ્યો. કસોટીઓ આપી અને જનકલ્યાણના વચને બંધાઈ ત્યાં ખાંભી રૂપે સ્થાપિત થયા. એ પછી ઉપરોક્ત કહેલી લોકવાયકા જેવી અનેક વાયકાએ આકર લીધો, જે આ વિસ્તારમાં ચર્ચાતી રહે છે.
આજે આ દેરાની ઉપર એક નાનું મંદિર ચણવામાં આવ્યું છે અંદરના ભાગે મેઘાર દાદાની ખાંભી અને તેની પાસે પેલું રેંટ સાથે જોડેલું ઝાડનું થડ પણ રાખવામાં આવ્યું છે.
લોકો તેમની આસ્થા પૂર્વક પૂજા કરે છે, માનતાઓ રાખે છે. કાચો કે રાંધેલો ખીચડો ચડે છે અને કાચો ખીચડો માથા પર લઈને જતી સ્ત્રીઓએ, પાછળ વળીને ન જોવું નહી તો ડોક મરડાયેલી જ રહે, એવી એક માન્યતા પણ પ્રવર્તે છે.
તો આ હતી લોકવાયકાઓ માંહેની એક પ્રેતપૂજાની વાત. પ્રેતપૂજા એ આપણી લોકસંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. મોટાભાગે કુળમાં પૂજાતા શુરાપુરાઓ, જે રણક્ષેત્રે કે જનકલ્યાણાર્થે પ્રાણ પાથરી જતા રહ્યા, તેમની આત્માને આપણે પૂજીએ છીએ. આપણી લોકસંસ્કૃતિમાં અનેક એવા વીરોની પણ પ્રેતપૂજા કરવામાં આવે છે. જેમ કે માંગડા વાળો, મામા દેવ, ખીજડીયા બાપા વગેરેની જેમ જ મેઘાર દાદા પણ જનકલ્યાણાર્થે!