જંગલ અને પહાડોથી ઘેરાયેલા ગામડાઓમાં સમાન પ્રકારની વાર્તા શૈલી જોવા મળે છે. એ વાર્તાઓમાં ભૂત-પ્રેતની વાત દ્વારા એક ડર ફેલાવવાની વૃત્તિ પ્રતિબિંબિત થાય છે. કદાચ એ એટલા માટે કે જેથી કરીને રખડું પ્રકૃતિના યુવાનો, કિશોરો કે બાળકોની રાત્રિના સમયે જંગલ અને પહાડોમાં રખડવાની પ્રવૃત્તિને અંકુશિત કરી શકાય.
ચાલો આજે આપણે આવા બે અલગ અલગ દેશોની પહાડી જંગલોના ગ્રામ્ય વિસ્તારમાં સાંભળવા મળતી બે લોકવાયકાઓ માણીએ.
૭.૧ નેપાળની બનઝાતની આત્મા.
ગગનચુંબી પહાડોથી ઘેરાયેલા, પોતાની ચોતરફ ઘાંટા લીલોતરીસભર વનરૂપી વસ્ત્ર પરિધાન કરેલા અને ધુમ્મસની ચાદર ઓઢી ઉભેલા, નેપાળના એક ગામમાં કમલ ગ્યાનું નામનો એક યુવાન રહેતો હતો. એ રોજ જંગલમાં લકડા કાપવા જતો. ગામના લોકો કહેતા કે જંગલમાં બનઝાતની આત્મા રહે છે. બનઝાત એટલે એક લાંબા વાળવાળી સ્ત્રી જે રાત્રે ફરે છે અને સંધ્યા બાદ સૂતેલા જંગલની નિંદ્રામાં ખલેલ પહોંચાડનાર લોકોને ભટકાવી દે છે. કમલ લાકડાં કાપવા રોજ જંગલમાં જતો, અને તેને આ બધું અફવા લાગતું.
એક રાત્રે કમલને મોડું થઈ ગયું અને જંગલમાં રહી ગયો. તેને દૂરથી એક સ્ત્રીનું રુદન સંભળાયું. તેણે નજીક જઈને જોયું તો એક યુવતી ઝાડ પાસે બેઠી હતી—સફેદ વસ્ત્રોમાં, ચહેરો ઝાંખો અને વાળ ચહેરા પર ઢંકાયેલા. તેણે કમલને મદદ માટે બોલાવ્યો, પણ જેવો તે નજીક ગયો, તે અદ્રશ્ય થઈ ગઈ. કમલે ઘરે જવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો, પણ તે જંગલમાં જ ચક્કર ફરતો રહ્યો. તેને ઘરનો રસ્તો, અનેક કોશિશો કરવા છતાં પણ ન મળ્યો. બીજે દિવસે ગામલોકોને કમલ જંગલમાં બેહોશ મળ્યો, તેના હાથમાં એક સફેદ ફૂલ હતું, જે બનઝાતનું પ્રતીક માનવામાં આવે છે. તે જાગ્યો ત્યારે તેણે કહ્યું,
"તે મને જંગલમાં રાખવા માગતી હતી."
ગામમાં એવું માનવામાં આવે છે કે બનઝાત જંગલની રક્ષક છે. તે રાત્રે જંગલની નિન્દ્રાનું રક્ષણ કરે છે અને જે રાત્રે જંગલમાં ભટકતો હોય, તેની નજીક જઈ તેને ભટકવાનો શાપ આપે છે.
એ ગામડાઓમાં રાત્રે જંગલમાંથી બનઝાતનો ખડ-ખડ એવો હસવાનો અવાજ હજી સંભળાય છે.
૭.૨ તાઇવાનની ભૂતની વહુ
તાઇવાનના પહાડોની ગોદમાં આવેલા એક નાનકડા ગામમાં, ચિયાંગ નામનો યુવાન રહેતો હતો. ગામમાં એવી માન્યતા હતી કે રાત્રે પહાડોમાં "ગ્વેઇ પો" (ભૂતની સ્ત્રી) ફરે છે. એક સુંદર આત્મા જે એકલા માણસોને લલચાવીને પોતાની સાથે લઈ જાય છે. ચિયાંગ ગરીબ હતો અને લગ્ન માટે સ્ત્રી શોધતો હતો, પણ તેને કોઈ મળતી નહોતી.
એક રાત્રે ચિયાંગ પહાડી રસ્તે ઘરે જતો હતો ત્યારે તેને એક સુંદર યુવતી મળી. લાંબા વાળ, સફેદ ઝભ્ભો અને નાજુક ચહેરો. તેણે પોતાનું નામ "લી-યી" કહ્યું અને ચિયાંગને મદદ માટે પૂછ્યું. ચિયાંગ તેના રૂપથી મોહિત થઈ ગયો અને તેને ઘરે લઈ આવ્યો. થોડા દિવસોમાં તેમનાં લગ્ન થઈ ગયાં, પણ ગામલોકોને શંકા ગઈ કે લી-યી કોઈ સામાન્ય સ્ત્રી નથી. દિવસે તેના ઘરનું બધું કામ આપોઆપ થઈ જતું અને રાત્રે તે ઘરમાંથી ઘણા સમય સુધી ગાયબ થઈ જતી હતી. તેનો સ્પર્શ ઠંડો લાગતો અને તેના પગલાં હમેંશા ભીના રહેતા.
એક રાત્રે ચિયાંગે તેની પાછળ જઈને જોયું. લી-યી પહાડમાં એક કબર પાસે ઊભી હતી, અને તેનો ચહેરો ઝાંખો થઈ ગયો હતો. જ્યારે ચિયાંગે તેને અવાજ કર્યો ત્યારે તેણે ચિયાંગને જોઈને કહ્યું,
"હું તારી સાથે રહી શકું તેમ નથી, પણ તને એકલો પણ નહીં છોડું."
બીજે દિવસે ચિયાંગનું ઘર ખાલી મળ્યું, અને તે ગાયબ થઈ ગયો. ગામલોકોને રાત્રે પહાડમાંથી બે અવાજો સંભળાયા છે. એક પુરુષનો અને એક સ્ત્રીનો. એવું માનવામાં આવે છે કે ગ્વેઇ પો ચિયાંગને પોતાની સાથે લઈ ગઈ, અને તે હવે તેનો ભૂત પતિ બની ગયો હતો.
આ વાર્તાઓમાં સંધ્યા બાદ, રાત્રીએ રખડનારા માટે માત્ર ડર જ નથી પણ તેમાં સંસ્કૃતિના મૂલ્યો પણ છુપાયેલા છે. નેપાળની બનઝાત, પ્રકૃતિની રક્ષક તરીકે પણ જોવાય છે, જે જંગલના સન્માન અને તેની સાથેના માનવીય સંબંધને દર્શાવે છે. તાઇવાનની ગ્વેઇ પોમાં એકલતા, પ્રેમની ઝંખના અને મૃત્યુ પછીના જીવનની કલ્પના પણ ઝલકે છે. બંને વાર્તાઓ એ પણ બતાવે છે કે જૂજ વસાહતી પ્રદેશોમાં, પ્રેત તો હોય કે ન હોય! પણ લોકમાનસ કેવી કલ્પનાઓથી પોતાના ભય, આશાઓ અને સંસ્કૃતિને આકાર આપે છે.