ઈડો સમયગાળાની વાત છે. એ સમયે જાપાનમાં, યોત્સુયાની ધુમ્મસ ભરી શેરીઓમાં, ઓઈવા નામની એક નમ્ર અને સુંદર સ્ત્રી રહેતી હતી. તેના લાંબા, રેશમી વાળ અને નરમ અવાજે ગામના લોકોનું દિલ જીતી લીધું હતું. યુવાનો અને પરણેલાઓ પણ, તેની એક ઝલક જોવા માટે પાગલ થતાં હતાં. ઓઈવાએ ઈયેમોન નામના એક ગરીબ સમુરાઈ સાથે લગ્ન કર્યા, શરૂઆતમાં તો બંને વચ્ચે સારો એવો પ્રેમ પાંગર્યો પણ એ પછી ઈયેમોનનું હૃદય સંપતિ તરફ આકર્ષિત થયું. એમને એવું લાગતું કે હું એક શૂરવીર સમુરાઇ થઈ ગરીબીમાં જીવી રહ્યો છું મારી શૂરવીરતા પર તો અનેક મોભાદાર ઘરની સ્ત્રીઓ ઓળઘોળ થાય છે. શા માટે હું કોઈક અમીર ઘરની સ્ત્રી સાથે લગ્ન કરી લઈ, અમીર ન બની જાઉં. લોભ, લાલચ અને દંભથી ભરેલું તેનું મન, આવા સપનાઓ સેવવા લાગ્યું. પણ એ રીતે શ્રીમંત અને શક્તિશાળી બનવામાં ઓઈવા તેના માટે અવરોધ બની ગઈ કારણ કે તે ઓઇવાને પરણી ચૂક્યો હતો.
એક દિવસ, ઈયેમોનને એક શ્રીમંત વેપારીની પુત્રી મળી અને તે પરણિત હોવા છતાં તેના તરફથી તેને લગ્નની ઓફર મળી. પણ પેલી શ્રીમંત સ્ત્રીનું કહેવું હતું કે જો તે ઓઇવા ને છોડી દે તો જ તે તેની સાથે લગ્ન કરે.
પોતાના સ્વપ્નને સાકર કરવા માટે, ઇયેમોન માટે ઓઈવા, તેના રસ્તા નો કાંટો બની ગઈ હોય એવું તેને લાગ્યું. ઓઈવાને રસ્તામાંથી હટાવવા, તેણે એક યુક્તિ વિચારી. તેણે એક ઝેરી દવા ખરીદી, જે ઓઈવાને ધીમે-ધીમે મારી નાખે. આ દવાને ઓઇવાના ખાવાના સાથે ભેળવી રોજ તે તેને આપવા લાગ્યો.
ઓઈવા, જેણે નિષ્કપટ રીતે, ઈયેમોનની સેવા સ્વીકારી હતી, તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેના પર પૂરેપૂરો વિશ્વાસ રાખતી હતી તેણે ઈયેમોન તેની સાથે આવું કરશે એવું તો સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.
થોડા દિવસોમાં, ઝેરની અસરથી તેનો ચહેરો વિકૃત થઈ ગયો. તેની એક આંખ લટકી ગઈ, અને તેના ગાલ પર કરચલીઓ પડી ગઈ. તે અકાળ વૃદ્ધ એવી ખૂબ જ નિર્બળ બની ગઈ. ગામના લોકો જેઓ એની એક ઝલક જોવા તરસતા હતા તેઓ તેને જોતાં ડરી જતા. કોઈ ઓઈવાની નજીક ન જતું કે કોઈ તેની સાથે વાત પણ ન કરતું. ઈયેમોન પણ તેને – "તને કોઈક ગંભીર ચેપી રોગ થયો છે." એવું કહી તેનાથી દૂર રહેવા લાગ્યો આમ, ઓઈવા એકલતામાં ડૂબી ગઈ.
એક રાત્રે ઈયેમોને, તેના પર એક ઠંડી નજર નાખી તેને કહ્યું,
"હું ક્યાં સુધી તારા જેવી રોગી સાથે રહીશ. મારું પણ પોતાનું જીવન છે અને તું મારા માટે ભારરૂપ બની ગઈ છો, તું હવે બિનજરૂરી છે,"
ઈયેમોનના આ શબ્દો ઓઈવાના હૃદયને વીંધી ગયા. તે રડતી-રડતી નદીના કિનારે ગઈ અને પોતાનો જીવ આપી દીધો.
પરંતુ ઓઈવાની આત્મા શાંત ન થઈ. તે "ઓનર્યો" બની, એક ભયાનક પ્રેત જે બદલો લેવા ભટકે છે.
ઈયેમોન, જે હવે નવી પત્ની સાથે આનંદમાં રહેતો હતો, અચાનક રાત્રે અસ્વસ્થ થવા લાગ્યો. તેને અરીસામાં ઓઈવાનો વિકૃત ચહેરો દેખાતો, જેની એક આંખ તેને ઘૂરતી હતી.
"મને દગો આપ્યો..."
એવો ધીમો અવાજ ઘરમાં ગુંજતો. એક રાત્રે, ઈયેમોન ગભરાઈને તલવાર લઈને ઊભો થયો, કારણ કે તેને ઓઈવાની હાજરી અનુભવાઈ. અંધારામાં તેણે તલવાર ચલાવી, પરંતુ તેની નવી પત્નીનું માથું જમીન પર પડ્યું.
ઓઈવાનું ભયાનક હાસ્ય ગુંજી ઉઠ્યું, જાણે તેનો બદલો પૂરો થયો હોય.
આજે પણ, ટોક્યોના યોત્સુયામાં, લોકો રાત્રે એકલા ચાલવાથી ડરે છે. ઓઈવાની આત્મા, સફેદ કીમોનોમાં, ધુમ્મસવાળી શેરીઓમાં દેખાય છે, તેના વિકૃત ચહેરા સાથે!
જાપાની નાટકો અને ફિલ્મોમાં ઓઈવાની વાર્તા અમર છે, પરંતુ આ નાટકમાં ભાગ લેનારા કલાકારો પણ તેની આત્માને શાંત રાખવા માટે યોત્સુયા ઓઈવા ઇનારી મંદિરમાં પ્રાર્થના કરે છે.
ઓઈવાની વાર્તા ભોળી રૂપવાન યુવતીઓને દગાબાજીની ચેતવણી આપે છે, અને દગાબાજી કરનાર સાથે અંતે શું થાય તેની ઝાંખી પણ આપે છે. વાર્તામાં ઓઈવાની ભયાનક હાજરી અને બદલો, દગાબાજી ન કરવી જોઈએ એવો એક સંદેશ આપે છે, જે જાપાની સંસ્કૃતિની સંદેશસભર લોકવાર્તાઓનો એક ભાગ છે.