બીજા દિવસે તમે મને ઘરે મૂકી ગયા. મમ્મીએ પપ્પાએ બધાએ પૂછયું કે કેવું લાગ્યું ત્યાં ? બધા સારા છે ? મેં એમને કહી દીધું કે તમારા ગયા પછી મને આવું બધું કહ્યું તમારા મમ્મીએ. તો પપ્પા કહે એ તો એમ જ વાત કરી હશે કે અમારી દિકરીને અમે આટલું આપ્યું હતું. આપણી પાસે એમની કોઈ માગણી નથી. મેં પણ પપ્પાએ કહ્યું એટલે માની લીધું કે એવું જ હશે. ફરી મારી નોકરી શરૂ થઈ ગઈ. ભાઈ પણ કોઈક જગ્યાએ જતો હતો. પણ એટલામાં મેં FM Radio માં અરજી કરી ઈન્ટરવ્યુ આપ્યો હતો ત્યાંથી કોલ લેટર આવી ગયો. પણ મારે અમદાવાદ જવાનું હતું. પપ્પાએ કહ્યું તારા સાસરામાં પૂછી જો. એ લોકો જવા માટે હા પાડે તો જા. પછી તમે મને મળવા આવ્યા હતા ત્યારે મેં તમને વાત કરી કે આ રીતે સરકારી નોકરી મળે છે પણ મારે થોડા સમય માટે અમદાવાદ જવું પડશે. તમે કહ્યું મમ્મીને પૂછીને કહીશ ને તમે ઘરે જઈ વાત કરી હશે એટલે તમારી મમ્મીએ ના પાડી. કે ના સુરતમાં હોય તો કરવાની નહીંતર જરૂર નથી. ને તમે મને એ નોકરી સ્વીકારવાની ના પાડી દીધી. મને ખૂબ દુઃખ થયું હતું એ સમયે પણ હું કંઈ ના કહી શકી. થોડા દિવસ પછી મારો જન્મ દિવસ આવ્યો. તમે મને કહ્યું હતું કે મમ્મીએ ઘરે બોલાવી છે એટલે તમે મને ઘરે લઈ જવા આવશો. તમે આવ્યા પણ ખરા. ને હું તમારી સાથે નીકળી ઘરે આવવા માટે. પણ તમે મને તમારા ઘરે નહીં પણ તમારા એક મિત્રના ઘરે લઈ ગયા અને મને કહ્યું જન્મ દિવસની ભેટ આપવા અહીં લાવ્યો છું. થોડી વાર રહીને તમારા મિત્ર ત્યાંથી ચાલ્યા ગયા ને હું અને તમે એકલા જ હતા ને તમે મને પૂછ્યા વગર કે હું કંઈ કહું તે પહેલાં મારી સાથે લગ્ન પહેલાં સંબંધ બાંધી દીધો. હું એ સમયે ખૂબ રડી તો તમે કહ્યું આપણા લગ્ન તો થવાના જ છે ને પછી શું ? તમને આ વાત એકદમ સાહજિક લાગી હતી પણ મને આ બિલકુલ ગમ્યું ન હતું. હું દુનિયાદારીથી એટલી અજાણ હતી કે સ્ત્રી પુરુષના આ સંબંધની પણ મને જાણ ન હતી એટલે આ મારા માટે ખૂબ જ આઘાતજનક હતું. જેમતેમ કરીને ત્યાંથી પછી તમે મને તમારા ઘરે લઈ ગયા. હવે મારી કોઈ જ ઈચ્છા ન હતી તમારા ઘરે જવાની પણ આવવું પડ્યું તમારી સાથે. તમારી મમ્મીએ મને સોનાનું લોકિટ આપ્યું ભેટ તરીકે. ને ત્યાંથી પાછા ફરતી વખતે કહ્યું કે તારે દર બે ત્રણ દિવસે બેનને ફોન કરીને ખબર અંતર પૂછી લેવાના. ને હું ત્યાં એમને હા પાડીને નીકળી ગઈ. તમે ઘરે મૂકી ગયા. પણ મને ઘરે કંઈ ચેન પડતું ન હતું. હું કોને આ વાત કરુ મને સમજ જ ન હોતી પડતી. મોકળા મને રડવું હતું પણ રડી પણ નહોતી શકતી. બીજા દિવસે નોકરી પર ગઈ ત્યાં મારી બહેનપણીને મેં ફોન કરીને બોલાવી ને એને બધી વાત કરીને હું રડી ખૂબ રડી. એ પણ મારી સાથે રડી. મને કહે હવે તું શું કરીશ ? મેં કહ્યું મને નથી ખબર. પણ હવે જો તમારા તરફથી લગ્ન માટે ના આવે તો મારું શું થશે એ વિચાર મને ખૂબ રડાવતો હતો. વળી મારી બહેનપણીએ કહ્યું તું સાચવજે જો આ સંબંધથી પ્રેગ્નન્સી રહી જશે તો શું થશે ? આ વિચાર મને વધારે રડાવતો હતો. કે મેં કોઈ દિવસ પપ્પાને મારા કારણે નીચું જોવું પડે એવું કોઈ કામ કર્યુ નથી હવે જો કંઈ થશે તો હું પપ્પાનો સામનો કેવી રીતે કરી શકીશ ?