પપ્પાને રડતા જોઈને મને કંઈક ભાન આવ્યું. મેં એમને પૂછ્યું તમે કેમ રડો છો ? શું થયું ? પપ્પાએ મને કહ્યું તું લગ્ન માટે કેમ ના પાડે છે ? તું જાણે છે કે તારો ભાઈ કંઈ કરતો નથી તો આગળ જતાં એ ક્યાંથી અમને સાચવશે? તું લગ્ન કરીશ તો આગળ જતાં તું અમને સાચવી શકીશ. આ છોકરો સારો છે. કંપનમાં નોકરી છે. જમીન છે અને ઓળખાણમાં જ છે એટલે ભવિષ્યમાં વાંધો ન આવે. વળી, તમારી બેનના સસરા એટલે કે મારા પપ્પાના મિત્રએ એમને કહ્યું હતું કે તેઓ મને સરકારી નોકરી અપાવવામાં મદદ કરશે. એટલે પપ્પાએ કહ્યું તું લગ્ન કરી લે તો તારા અને અમારા ભવિષ્ય માટે સારું છે. એ સમયે મને વિચાર આવ્યો કે પપ્પા કેમ આટલું બધું વિચારે છે ? ભાઈ નોકરી તો કરે જ છે ને ? એ શું કામ પપ્પાને ના રાખે? વળી, હું લગ્ન ન કરું તો પણ મારી નોકરી તો ચાલુ જ છે તે પછી કેમ કંઈ વાંધો આવે. મને આ બધું કંઈક વિચિત્ર લાગ્યું. અને મને કંઈ સૂઝયું જ નહીં. મેં કંઈ જવાબ ન આપ્યો. પણ મેં કહ્યું કે મેં લગ્ન માટે ક્યાં ના પાડી છે ? એટલે પપ્પા સમજી ગયા કે આટલા દિવસમાં શું થયું મને કંઈ ખબર નથી. અને એ વાત પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. અને ઘરમાં આપણા ચાંલ્લા વિધિની વાત શરૂ થઈ ગઈ. ચાંલ્લા વિધિ માટે અમારે ત્યાંથી તમારે માટા વીંટી લીધી. અમે શહેરમાં રહેલાં એટલે અમને બધા રીત રિવાજો ખબર ન હતી. પપ્પાએ એમના માસી જે તમારી બેનના સાસરાની બાજુમાં રહે એમને પૂછીને બધું કર્યુ. તમારે ત્યાંથી તમારા મમ્મી, બેન ને કાકી મારા માટે સાડી લેવા આવેલાં. મને પણ બોલાવેલી. મને એમ કહ્યું કે તને જે ગમે તે સાડી લઈ લે. મેં બે ત્રણ સાડી બતાવેલી કે એમાંથી તમને જે ગમે તે રાખો મને આ ગમે છે. ને મમ્મીએ બેનને પૂછ્યું કે આમાંથી કઈ સાડી રાખીએ તો બેને એ બધી બાજુમાં મૂકી દીધી અને બીજી એમને ગમે એ કલરની કઢાવી અને કહ્યું કે આ રાખો આ સારી છે. એવું ન હતું કે મેં જે સાડી બતાવેલી તે મોંઘી હતી એના કરતાં તો બેને બતાવી એ સાડી મોંઘી હતી. પણ મારી પસંદ કરેલી સાડીના કલર બેન ને ગમતા ન હતા એટલે એ ન લેવા દીધી. એમણે જે કલરની સાડી બતાવી એ કલર તો મેં કોઈ દિવસ પહેર્યો જ ન હતો. મેં એક બે વાર ના પાડી કે ના મને આ કલર નથી ગમતો પણ એ ન માન્યા અને એ જ સાડી લેવડાવી. મારાથી એ સમયે વધારે કંઈ બોલાયું નહીં. તમે આવેલા મળવા ને તમે મને પૂછેલું કે જે લીધું તે તને ગમ્યું છે ને ? મેં તમને પણ વાત કરેલી. તમે પણ એમ જ કહ્યું કે મમ્મી ને અને બેન ને જે ગમ્યું તે લેવાનું એમાં શું થઈ ગયું. અત્યાર સુધી અમારા ઘરે એવું હતું કે મને જે ગમે તે જ થતું ને હવે તમારા ઘરના ને ગમે તે કરવાનું હતું. મને એ સમયે આ સ્વાભાવિક લાગ્યું હતું કે લગ્ન થાય એટલે થોડું તો બદલાવું જ પડશે. ત્યાં પણ હું કહું તે થોડું થશે. મને તો પહેલીવાર ઘરે ગઈ હતી ત્યારે જ કહી દીધું હતું કે મમ્મી જે કહેશે તે જ થશે. ને મેં એ સ્વીકારેલું જ હતું. અને આપણા ચાંલ્લા થઈ ગયા. એ દિવસે મમ્મીએ તમારા ઘરે મને રોકી લીધી હતી કે કાલે મૂકી જઈશું. અને મારા ઘર ના બધા ગયા પછી મારા ઘરેથી શું લાવ્યા એ જોવા બેઠા ને મમ્મી એક પછી એક વસ્તુ બોલતા ગયા કે અમે તો બેન ના સાસરે ચાંલ્લા માં આ બધું આપ્યું હતું. મારા પપ્પાએ પણ પૂછયું હતું કે અમને કંઈ ખબર ન પડે તો તમે કહી દેજો કે અમારે શું વ્યવહાર કરવાનો હોય. ત્યારે તો એમ કહી દીધુ હતું કે ના અમારે તો કંઈ ના જોઈએ. મને એ સમયે શું બોલવું કંઈ ખબર જ ન પડી ફક્ત એ બોલ્યા તે સાંભળ્યા કર્યું.