Bhool chhe ke Nahi ? - 22 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 22

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 22

એક દિવસ મારી બહેનપણીએ મને પૂછી જ લીધું કે સાચું બોલ શું વાત છે ? તું આમ વારે વારે રડે કેમ છે ? મેં એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. બસ એટલું જ કહ્યું કે મારું માથું દુખે છે ઉતરતું જ નથી. આજે દવા લઈ આવા સારું થઇ જશે. હું એને શું કહેતે ? એને સાચી હકીકત કહેતે ને કદાચ એ કોઈ દિવસ મારા ઘરમાં કોઈને કહી દે તો ? અને એેટલે જ મેં એને કંઈ ના કહ્યું. ને હવે મને લાગ્યું કે મારે મારી જાતને સંભાળવી પડશે નહીંતર ઘરમાં પણ કોઈને શંકા જશે. મેં મારી જાતને સંભાળી લીધી. હવે ઘરમાં કે કોલેજમાં હું ખુશ જ રહેતી. ને રાતે રડી લેતી. દિવાળી વેકેશન પડ્યું. મામા ઘરે આવ્યા ને મમ્મીએ પૂછ્યું કે તારા બધા મિત્રોના લગ્ન ક્યારે છે ? ને મામાએ ચાર પાંચ તારીખ કહી એમાંથી એક તારીખ એમના લગ્નની હતી. મને લાગ્યું જાણે મારું બધું જ લુંટાઈ ગયું. મામાએ કહ્યું ચાલ ઘરે રહેવા આમ પણ કોલેજમાં રજા છે. પણ હું ન ગઈ. હવે ત્યાં જઈને શું કરું ? જેના માટે જતી હતી એ તો હવે મારા થવાના જ ન હતા. પછી વિચાર આવ્યો કે મેં તો એમને કોઈ દિવસ કંઈ કહ્યું જ ન હતું. પરંતુ એ જ્યારે મારી નજીક આવવાનો પ્રયત્ન કરતા તો હું એમનાથી દૂર જતી રહેતી હતી. પછી એ ક્યાં સુધી મારી આગળ પાછળ ફરતે ? મેં એમને મારી લાગણીઓ જણાવી હોત તો કદાચ એ રાહ જોતે પણ મેં તો કંઈ કહ્યું જ ન હતું.  વળી, મને તો એ પણ ખબર ન હતી કે એમને હું મારી લાગણી જણાવતે તો એની પણ એ જ લાગણી હતે કે નહીં ? પણ હું મામાના ઘરે ન ગઈ. પણ જાણે રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે એમના લગ્ન હું ભણી રહું ત્યાં સુધી અટકી જાય. આમ કરતાં કરતાં એમના લગ્નની તારીખ નજીક આવી ગઈ. હવે એ લગ્ન પાછા ઠેલાવાની કોઈ શક્યતા ન હતી. પણ એમના લગ્નના ચાર દિવસ પહેલાં કોમી રમખાણ ફાટી નીકળ્યા. બધા શહેરમાં કરફ્યુ લાગી ગયો. મને જાણે એમ લાગ્યું કે એમના લગ્ન રોકવા માટે જ ભગવાને આ કર્યુ. લગભગ પંદરેક દિવસ આ કરફ્યૂ રહ્યો હતો. ને જાણે હું નિશ્ચિત થઈ ગઈ હતી કે હવે તો એમના લગ્ન ન જ થયા હોય. પણ મારી એ ખુશી થોડા જ સમય માટેની હતી. કરફ્યૂ ઉઠ્યા પછી મામા ઘરે આવ્યા તો મેં મામાને પૂછી જ લીધું કે મામા તમારા પેલા મિત્રના લગ્ન તો નહીં થયા હોય ને ? પણ મામાએ કહ્યું કે ના એ તો થઈ ગયા. ઘરે જ લગ્ન કરાવી લીધા. અને જાણે મારી છેલ્લી આશા પર પાણી ફરી વળ્યું. હું એ દિવસે ફરી એકવાર અંદરથી તૂટી ગઈ હતી. મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો. એમના લગ્ન થઇ ગયા. મારા ભણી રહેવાની રાહ ન જોઈ એમણે. પણ એમાં એમનો શું વાંક હતો ? મારાથી કંઈ ન કહેવાયું એ મારી ભૂલ હતી. મારી લાગણીને જ પ્રેમ કહેવાય એવું મને ત્યારે સમજાઈ રહ્યું હતું. મારું મન ક્યાંયે લાગતું જ ન હતું. કોલેજ જાઉં તો ફક્ત કલાસમાં બેસી રહું લેક્ચરમાં શું શીખવ્યું કંઈ પણ ખબર ન પડતી હતી. મારું મગજ જાણે એકદમ કોરું થઈ ગયું હતું. બહેનપણી કહેતી કે ચાલ ઘરે જવાના ને હું એની સાથે આવી રહેતી. ઘરે પણ કોઈ કામમાં મન ન લાગતું. બસ રાત પડવાની રાહ જોતી અને રાતે કોઈને ખબર ન પડે એવી રીતે રડી લેતી.