મને ચિંતા થવા લાગી. નવરાત્રિ ન ઉજવાશે તો હું એમને જોઈશ કેવી રીતે ? હવે તો એ કોલેજ પર પણ નથી આવતા. મને જાણે ડ૨ લાગ્યો એમને ખોવાનો. મને ત્યારે ખબર ન પડતી હતી કે મારી આ લાગણીને જ પ્રેમ કહેવાય. બસ એટલી જ ખબર હતી કે એમને જોઉં ને મારા દિલમાં કંઈક અલગ જ ખુશી થાય. કોઈ વખત નહીં પણ આ વર્ષે મારા કાકીના પિયરમાં પણ માતાજીની માટલી મુકાઈ હતી. કાકીનું પિયર પણ અમારી શેરીમાં જ હતું. એ વર્ષે દર્શેરાની બે તિથિ હતી. પહેલી તિથિએ અમે મામાના ઘરે ગયા હતા. એ વર્ષે ખરેખર મામાને ત્યાં નવરાત્રિની ઉજવણી ન થઈ. પણ અમે ત્યાં ગયા હતા કારણ કે મામાના ઘરે માતાજીની માટલી મૂકાતી એટલે એ વળાવવા. મામાનું આખું ફળિયું સૂમસામ. જ્યાં દશેરાના દિવસે માણસ સમાતું ન હોય એ ફળિયું આ વખતે વેરાન હતું. અંધકાર હતો ફળિયામાં જાણે કોઈ મરી ગયું હોય એમ ફળિયું પણ જાણે શોકમગ્ન હતું. અમે માતાજીની માટલી વળાવીને આવી ગયા. મને એ જોવા ન મળ્યા. અંદરથી હું ખૂબ જ દુઃખી હતી. પણ કોઈને કહી ન શકતી હતી. બીજા દિવસે દશેરાની બીજી તિથિ હતી. કાકીના પિયરમાં રાતે માતાજીની માટલીની વિદાય હતી. અમે સાંજે ઘરમાં જ્યારે જમવા બેઠા હતા ત્યારે મમ્મીએ પપ્પાને કહ્યું કે મામાના ગામમાં બે ત્રણ છોકરાના લગ્ન નક્કી થઈ ગયા જેમાં એમનું પણ નામ હતું. આ સાંભળીને હું જમતી જમતી અટકી ગઈ. ફરી મમ્મીને પૂછયું કે કોના લગ્ન નક્કી થયા ત્યારે મમ્મી બે ત્રણ નામ ગણાવ્યા એમાં એમનું પણ નામ હતું. મારાથી કશું પણ બોલાયું નહીં જેમ તેમ જમવાની થાળીમાંનું ખાવાનું પૂરું કર્યું ને ઊભી થઈ ગઈ. મને રડવું આવતું હતું પણ રડી ન શક્તી હતી. પરવારીને મમ્મીએ કહ્યું ચાલ કાકીના ઘરે જવાના માતાજીની માટલી વળાવવા. પણ મેં ના પાડી કે મારું માથું દુખે છે હું નથી આવતી. મમ્મીએ ખૂબ કહ્યું પણ હું ન ગઈ. એ દિવસે પહેલીવાર મમ્મી મને ખીજવાયા કે મામાના ગામ સુધી જઈએ છીએ ત્યાં આવે છે આ તો શેરીમાં જ જવાનું છે તો કેમ નથી આવતી. ખૂબ ખીજવાયા પણ હું ન ગઈ. બધા ઘરમાંથી જાય તો મારે રડવું હતું ખૂબ રડવું હતું અને એટલે જ ના ગઈ. બધા ગયા ને હું એકલી પડી ઘરમાં ને રડી ખૂબ રડી. કોઈ દિવસ કોઈ ન રડ્યું હોય એટલું બધું રડી. મને શું કામ આટલું બધું રડવું આવતું હતું ખબર ન હતી. પણ મારી આંખમાંથી સતત આંસુ નીકળતા હતા. કાકીના ઘરેથી માટલી વળાવીને બધા આવી ગયા. મેં ચાદર ઓઢીને સૂવાનો ઢોંગ કર્યો. મમ્મીએ મને જગાડવાની કોશિશ કરી પણ હું ઊઠી જ નહીં ને બધા સૂઈ ગયા. હું આખી રાત ચાદર ઓઢીને રડતી રહી. સવારે ઉઠી ત્યારે મારી આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. પપ્પાએ પૂછયું કે કામ આંખો સૂઝી ગઈ છે તો મમ્મીએ કહ્યું એ તો કાલે હું ખીજવાઈ હતી ને એટલે એણે રડ્યા કર્યું બીજું શું ? મને થયું કે ચાલ મારે કોઈ વાત કરવાની જરૂર જ ન પડી. મમ્મીને એમ જ હતું કે એ ખીજવાયા હતા એટલે હું રડી હતી. એટલે મારે કંઈ કહેવું જ ન પડ્યું ને મારી વાત મારા દિલમાં જ રહી ગઈ. હું કોલેજ જવા નીકળી ગઈ મારી બહેનપણી સાથે. આખા રસ્તે હું કંઈ બોલી જ નહીં. કોલેજ જઈને પણ મેં કોઈ વાત જ ન કરી. બસ લેક્ચર ભરીને અમે આવી ગયા. કોલેજમાં પણ બે ત્રણ વખત મારી આંખમાંથી આંસુ આવી ગયા. પણ મેં એમ કહી દીધું કે મારું માથું ખૂબ દુખે છે એટલે. આવું બે ત્રણ દિવસ ચાલ્યુ.