સાંજ પડી. ભાઈ રોજ આવે એ સમયે ઘરે આવ્યો. મમ્મીને રડતી જોઈ પૂછ્યું શું થયું ? પપ્પાએ કહ્યું તું ક્યાં હતો ? ભાઈએ કહ્યું નોકરી પર હતો. પપ્પાએ કહ્યું પેલા ભાઈનો ફોન હતો. તું ચાર પાંચ દિવસથી નોકરી પર નથી જતો એમ કહ્યું તું ક્યાં હતો ? તો ભાઈએ એકદમ નફ્ફટાઈથી કહ્યું હા, મારે આ નોકરી નથી કરવી. હું તો આખો દિવસ બગીચામાં બેસી રહેતો હતો. આ સાંભળીને બધા અવાક થઇ ગયા. આખો દિવસ બગીચામાં બેસી રહે ને કોઈ કંઈ ભોળવીને એને લઈ જતે તો ? મમ્મી તો વધારે રડવા માંડી. ને કહેવા લાગી કે સારુ તારે ના જવું હોય તો નોકરીએ ના જતો પણ આવી રીતે આખો દિવસ ક્યાંય બહાર રખડવાની જરૂર નથી. પપ્પાથી પણ ત્યારે કંઈ ન બોલાયું. અમને બધાને કંઈ સમજ જ ન પડી કે હવે શું કરવાનું ? ભાઈને તો મજા પડી ગઈ. નોકરીએ જવાનું નહીં ને બસ શેરીમાં મિત્રો જોડે બેસી રહેવાનું. પપ્પાનું પ્રેશર પાછું વધી ગયું. ડોક્ટરે ફરીથી એમને આરામ કરવા કહ્યું. હું કોલેજ જતી. બેન હજી અમારા ઘરે જ હતી દિકરાને લઈને. વળી, પાછી નવરાત્રિ આવી. મને ફરી એમને જોવાની તાલાવેલી જાગી. અમે ગયા. ત્રણ દિવસ. અને એ ત્રણે દિવસ મેં એમને જોયા. દિવસે નોકરી પર જતા આવતા જોયા. રાત્રે ગરબા રમતા જોયા. અને ફરી ઘરે આવી ગયા. થોડા દિવસ પછી પપ્પાએ ફરીથી નોકરીએ જવાનું શરૂ કરી દીધું. બેનને પણ થોડા સમયમાં દિકરા સાથે સાસરે વળાવી દીધી. એનું સાસરું તો અમારી શેરીમાં જ. એટલે જેને જ્યારે મન થાય ત્યારે એના ઘરે જઈને ભાણ્યાને લઈ આવે. માટે ભાગે ભાણ્યો અમારા ઘરે જ રહેતો. ફક્ત ખાવા માટે જ એને અમે ત્યાં મોકલતા. બેનની નોકરી છૂટી ગઈ હતી તો એણે સિવણકલાસ કર્યા અને પપ્પાએ કહ્યું કે સિલાઇ મશીન અહીં આપણા ઘરે મૂકી દે તારું કામ પણ થશે ને દિકરો પણ સચવાશે. પણ મારા કાકીએ ના પાડી. કે ના એવું મશીન અહીં આ ઘરમાં નથી મૂકવાનું. એણે કામ કરવું હોય તો એના ઘરે કરે અહીં નથી કરવાનું. કાકીએ ના પાડી એટલે મમ્મી કે પપ્પાથી કશું જ ન બોલાયું કારણ કે જો કંઈ બોલતે તો કાકી કાકાને કહેતે ને કાકા પછી ઘરમાં ખૂબ જ ગાળાગાળી કરતે. એટલે મમ્મી પપ્પા બંને ચૂપ જ રહ્યા. આમ જ મારું કોલેજનું એક વર્ષ પૂરું થઈ ગયું. વેકેશનમાં અમે મામાના ઘરે ગયા. પણ આ વખતે એ મને વધારે જોવા ન મળ્યા. વાતવાતમાં મામાને બધા મિત્રો વિશે પૂછતાં પૂછતાં એમનું પણ પૂછી લીધુ તો મામાએ કહ્યું એનો નોકરીનો સમય બદલાય ગયો છે. રાતે મોડેથી આવે છે. ઓવરટાઇમ કરીને. ને હું એ રાતે બેસી રહી એ આવે તેની રાહ જોવા. ખૂબ મોડી રાતે એ ત્યાંથી પસાર થયા. મેં એમને જોયા. ચહેરા પર જાણે ચમક આવી ગઈ. એમણે પણ મને જોઈ. મારા જેવી ખુશી મેં એમના ચહેરા પર પણ જોઈ. અને બે ત્રણ દિવસમાં તો અમે ઘરે આવી ગયા. આ વખતે મને એમને જોયાનો સંતોષ ન હતો. હવે એ કોલેજ પર પણ આવતા ન હતા. પણ કોલેજ શરૂ થવાની હતી એટલે ઘરે આવી ગયા. મારું કોલેજનું બીજું વર્ષ શરૂ થઈ ગયું. ભાઈ હજી પણ કંઈ કરતો ન હતો. કોલેજમાં મારી સાથે એક છોકરી હતી જે અમારી નજીકમાં જ રહેતી હતી. અમે સાથે જ જતાં. એને ભરત ગુંથણ સારું આવડતું હતું. હું કોલેજમાં ફ્રિ પિરિયડમાં એ શીખતી હતી. એ વર્ષે ખૂબ વરસાદ પડ્યો. અને શહેરમાં રોગચાળો ફેલાઈ ગયો. કોલેજમાં રજા આપી દીધી થોડા દિવસ માટે. થોડા સમયમાં બધું નોર્મલ થઈ ગયું પણ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ આવી ગયો. એટલે કે કોઈ પણ જગ્યાએ ગણપતિ કે નવરાત્રિની ઉજવણી ન થઈ શકે એવું સરકારી ફરમાન આવી ગયું હતું. ને મને જાણે આંચકો લાગ્યો કે નવરાત્રિ ન ઉજવાશે તો હું એમને જોઈશ કેવી રીતે ?