મેં કોલેજમાં એડમીશન લઈ લીધું. પપ્પાએ કહયું કે અત્યારે અહીંની કોલેજમાં એડમીશન લઈ લે બીજા વર્ષે માઈક્રોબાયોલોજીની કોલેજમાં એડમીશન લઈ લેશું કારણ કે પહેલું વર્ષ બધે સરખું હોય છે અને માઇક્રોબાયોલોજી ની કોલેજ બીજા શહેરમાં હતી. કોલેજ શરૂ થઈ ગઈ. હું કોલેજ જતી પણ મારી આંખો હંમેશા એમને શોધતી. પણ એ ન દેખાતા. પછી થયું કે કદાચ હવે એ અહીં ન પણ આવતા હોય. ને પછી હું ભણવામાં વ્યસ્ત થઈ ગઈ. ભાઈ કંઈ કરતો ન હતો એટલે પપ્પાએ એને નોકરીએ લગાડી લીધો. બેન પણ શ્રીમંત કરીને ઘરે આવી હતી. ભાઈ રોજ સવારે શેરીના એના મિત્રો સાથે પુલ પર ચાલવા જતો હતો. એક દિવસ ઘરે આવીને મને કહે કે બેન આજે મને પુલ પર એ મળેલાં. થોડીવાર તો મને કંઈ ખબર જ ન પડી પણ પછી તરત જ એણે મમ્મી સાથે વાત શરૂ કરી કે એ પણ પુલ પર ચાલવા આવેલા. એમણે આજથી જ શરૂ કર્યુ. એમણે બધાના ખબર અંતર પૂછ્યા અને મારી સામે જોઈને કહ્યું કે તું શું કરે છે એમ પણ પૂછયું. મને થયું કે મારા કોઈ વર્તન પરથી ભાઈને એવી ખબર પડી ગઈ છે કે એ મને ગમે છે અને એટલે જ આવી વાત કરી. એ દિવસે તો મેં એને કંઈ જવાબ જ ન આપ્યો અને મારું કામ કરવા લાગી. પણ પછી વિચાર્યું કે હવે મારે ધ્યાન આપવું પડશે કે કોઈ બીજાને આ વાતની ખબર ન પડે. અને બીજા જ દિવસે મેં એમને કોલેજમાં જોયા. જ્યાં પહેલાં બેસતાં હતાં એ જ જગ્યા પર. ને જાણે હું આકાશમાં ઉડવા લાગી. એમને જોઈને જ મને શું થઇ જતું ખબર ન પડતી. બસ ખુશ થઈ જતી. પછી તો રોજ હું એમને જોતી. હા, પણ કોઈવાર એમને મારી નજીક આવતા જોઉં તો હું પાછી વળી જતી. એમની નજીક જવાનું ટાળતી. એકવાર મામા ઘરે આવ્યા તો મામાને પૂછયું કે એ કંઈ કામધંધો કરે કે ની રોજ જ કોલેજ પર આવે છે ? મામાએ કહ્યું કે કરે જ છે પણ સવારે રોજ મેચ રમવા આવે ને ત્યાંથી પછી નીકળી જાય નોકરી પર. આ સાંભળીને મને ખાતરી થઇ ગઈ કે એ પણ મને પ્રેમ કરે છે. પણ મારે હજી ભણવાનું બાકી હતું. એટલે વિચાર્યુ કે હવે બે જ વર્ષ છે પછી ઘરમાં કહી દઈશ. આ સમયગાળામાં બેને દિકરાને જન્મ આપ્યો. હું બેન સાથે સવારે હોસ્પિટલમાં રહેતી અને પછી કોલેજ જતી. બે ત્રણ દિવસમાં તો બેન ઘરે આવી ગઈ. એનું સિઝેરિયન થયું હતું એટલે દિકરાને ઘણુંખરું હું જ સાચવતી. ફક્ત ખાવા માટે જ દિકરો બેન પાસે જતો. આમ થોડા જ સમયમાં દિકરો તો જાણે મારું અભિન્ન અંગ બની ગયો. ખૂબ નાનો છતાં જ્યાં જાઉં ત્યાં એને લઈને જાઉં. પણ આ દિવસોમાં એક દિવસ પપ્પા નોકરી પરથી વહેલાં ઘરે આવી ગયા અને મમ્મીને પૂછ્યું કે ભાઈ ક્યાં છે ? મમ્મીએ કહ્યું કે એ તો નોકરીએ ગયો છે. પણ પપ્પાએ કહ્યું કે ના એ નોકરીએ નથી ગયો. એ ચાર પાંચ દિવસથી નોકરીએ જતો જ નથી. જેમને ત્યાં એને પપ્પાએ નોકરીએ લગાડ્યો હતો એ ભાઈનો ફોન આવ્યો હતો કે એ બિમાર છે કે શું ? નોકરી પર કેમ નથી આવતો ? આ સાંભળીને અમે બધા ચિંતિત થઈ ગયા કે જો એ નોકરીએ નથી જતો તો પછી રોજ સવારે ટિફિન લઈને ક્યાં જાય છે ? મમ્મી તો રડવા જ લાગી કે નોકરી પર નથી તો એ ક્યાં છે ? ક્યાં શોધીએ ? પણ સાંજે એના આવવાનો સમય થાય ત્યાં સુધી રાહ જોયા વિના છૂટકો જ ન હતો.