MOJISTAN - SERIES 2 - Part 11 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 11

Featured Books
  • जा, डिप्टी बनेगा

    जा, डिप्टी बनेगा                               -देवेन्द्र कु...

  • तस्वीर - भाग - 5

    धीरे-धीरे अनुराधा के मन में मिलन के विवाह को लेकर लालच बढ़ता...

  • भूत लोक -16

    तांत्रिक भैरवनाथ  जी युवराज दक्ष  की आत्मा को कुछ इशारा करते...

  • महाशक्ति - 6

    महाशक्ति – छठा अध्याय: शिवनील मणि की रक्षागुफा के भीतर चारों...

  • Nafrat e Ishq - Part 21

    सोनिया के जन्मदिन को हुए एक हफ्ता बीत चुका था। पार्टी की चमक...

Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 11

 "અલ્યા આ ભગાલાલે તો ભારે કરી હો ટેમુ. બસમાંથી ઉતરીને મુંજાય જ્યા'તા. તે મને દયા આવી એટલે હું ઈમને તમારા ઘરે મુકવા આયો. ભારે કોમેડી કરે સે હો.."

 ટેમુએ ચંચાને સાદ પાડીને બોલાવ્યો એટલે એણે ઓટલો ચડીને હસતા હસતા કહ્યું. પણ ટેમું હસ્યો નહિ.

"ગામમાં વિદેશી આઈટમ કોણ રાખે છે ચંચિયા? મારા ભગા અંકલને જોશે. તારે જ લાવી આપવી પડશે."

"અટલે તું સું કેવા માંગેસ? આયટમ અટલે માલને? આપડા ગામમાં એવી વિદેશી આયટમ થોડી આવે ભૂંડા.. તારા ભગાકાકા ઈમની બયરીને તો હાર્યે લાયા સ. ઈ હજી તો હાલે ઈમ સે કાંય ગઢા નથી. તોય શોખ તો હોય હો. દેશી મળી રેહે. ચનાનું બયરૂ આમ તો હાલશે. હું ચનાને વાત કરું. પણ મારું કમિશન થાશે હો. પેલા કય દવ સુ.'' કહી ચંચો હસ્યો.

"તારી જાતના ચંચિયા. હું ઈ માલનું નથી કેતો. સાલા ડફોળ હું આ માલનું કહું છું." કહી ટેમુએ મુઠી બંધ કરી અંગૂઠો હોઠ તરફ લઈ જઈ પીવાનો ઈશારો કર્યો.

"લે..એ...એ...ઈ માલની વાત કરશ. હું ઊંધું હમજ્યો. ઈ માલ તો હુકમસંદ સર્પસ પાંહે મળે. બાકી ગામમાં તો પોટલીયું આવે સે. તું કેતો હોય તો હુકમસંદના ઘરે હાથ મારું. રૂપિયા દેવા પડે, બોલ..!" ચંચો હવે સમજ્યો હતો કે ટેમુ વિદેશી શરાબની વ્યવસ્થા કરવાનું કહેતો હતો. 

"તું જા. ભગાકાકા કહેશે તો હું તને ફોન કરીશ. સાંજ સુધીમાં લાવી આપજે." કહી ટેમુએ ચંચાને વિદાય કર્યો. 

  ચંચો ગયો એટલે ટેમુએ હુકમચંદને ફોન કર્યો. હુકમચંદ એ વખતે જીપ લઈને બરવાળા કંઈ કામે જઈ રહ્યા હતા. 

"હેલો હુકમચંદકાકા કેમ છો?" થોડું કામ હતું.. વાત થાય એમ છે?" 

"કોણ ટેમુડો? બોલ ને શું વાત છે?" ટેમુએ હુકમચંદને આ પહેલા ક્યારેય ફોન કર્યો નહોતો. છતાં એનો અવાજ હુકમચંદ ઓળખી ગયો.

"કાકા, મારા ઘરે વીઆઈપી મેમાન આવ્યા છે. મારા બાપાના જુના ભાઈબંધ છે. બવ મોટી પાર્ટી છે કાકા.  ઘણો સમય વિદેશમાં વસવાટ કર્યો છે. હમણાં જ ઈન્ડિયા આવ્યા એટલે મારા બાપાને મળવા આવ્યા છે. એમનો ક્યાંક મોટો ધંધો નાખવો છે. વીસ પચ્ચીસ ખોખા રોકાણ થાય તોય વાંધો નહિ. તો પૂછતાં હતા કે તમારા ગામમાં કોઈ વિશ્વાસુ માણસ હોય તો. એટલું મેં તમારું નામ દીધું છે. તમારી ઈચ્છા હોય તો આજ રાતે મુલાકાત કરાવું."

  વીસ પચ્ચીસ ખોખા (કરોડ) શબ્દ સાંભળીને હુકમચંદથી જીપને બ્રેક મરાઈ ગઈ. સરખી વાત કરવા સાઈડમાં જીપ ઊભી રાખી દીધી.

"અરે ટેમુ..આપડા ગામમાં મારી જેવો બીજો કોઈ હોય ખરો? સારું થયું તેં મારું નામ આપ્યું. કોણ છે એ ભાઈ..શેનો ધંધો નાંખવો છે. હાલમાં ક્યાં ને શેનો બીજનેશ કરે છે?" 

"એ બધી વાત રાતે થશે. તમે જો મુલાકાત કરવા આવો તો થાય. નકર પછી મારા બાપા રવજીકાકા ને સવજીકાકાને કહી જોવાનું કહેતા હતા." ટેમુએ ચોગઠું ફિટ કરવા માંડ્યું.

"અરે એમ તે હોય કંઈ? એમ કર હું હમણાં જ આવું. બરવાળે જાતો'તો પણ પછી જાશ. લે જીપ પાછી વાળું.." હુકમચંદને હાથમાં આવેલી તક સારી જતી જણાઈ.

"અરે એમ નહિ કાકા. તમે એવી ઉતાવળ કરશો તો મારા અંકલને ડાઉટ પડશે. એમ કરો તમારા ઘરે રાત્રે પાર્ટી ગોઠવી નાંખીએ. પેલું પડ્યું  હશે ને કાકા? વાત પણ થઈ જાય ને..!" કહી ટેમુ હસ્યો.

"અરે હા હા..હોય જ ને! પણ તને કેમ ખબર પડી?" હુકમચંદને નવાઈ લાગી. પોતાના ઘરે વિદેશી દારૂ છે એની માહિતી આ ટેમુડો કેવી રીતે જાણી ગયો હશે? 

"કાકા એ બધી વાત જવા દો ને! મારા અંકલને ખુશ કરી દેજો એટલે નવા પ્રોજેકટમાં તમારું પાક્કું. આફ્રિકામાં બહુ મોટો બિઝનેસ છે એમનો. તમને એક બે ટકા ભાગ આપે તોય તમે તરી જશો કાકા. પાછું  ગાંધીનગરથી દિલ્હી સુધી એમના છેડા અડે હો. તમારું ધારાસભામાં લડવાનું પણ ગોઠવી દે એવા છે. પણ એમને મજા આવવી જોઈએ. મારા બાપાને તો બહુ કહે છે ધંધામાં આવી જવાનું. પણ મારા બાપા તાવેથો હલાવવામાંથી નવરા જ ન પડ્યા."

"એવું છે? તો તો ટેમુ આપણે આજે રાતે જ ગોઠવી નાખીએ. ધરમના કામમાં ઢીલ નહિ. ને નફા વગરની ડીલ નહિ! લે હું નવો સ્ટોક મંગાવી રાખું. સાંજે મળવા આવીશ. પછી રાતનું પાકું કરી નાખીએ. એવું હોય તો ભજીયાનો કાર્યક્રમ જ રાખી દઈએ." હુકમચંદ રાજી રાજી થઈ ગયો. મોટા ઉધોગપતિને મળવાનું હોય તો તો મેળ પડી જ જાય ને!

"હા મંગાવી રાખો કાકા અને ગોઠવી નાંખો ભજિયાનું. પણ બીજા કોઈને કહેતા નહિ. પણ જોજો હો મોળી વસ્તુ નો આવે. કારણ કે કાકાને જો મજા નહિ આવે તો એમનો મૂડ બગડી જશે. તમે સમજી ગયા ને?"

"ઈ તું શું બોલ્યો ટેમુ? આમાં બીજા કોઈને થોડું કહેવાય? ઊંચામાં ઊંચી વસ્તુ છે આપણી પાસે. તું ચિંતા નો કરતો. પણ તું કોઈને કહેતો નહિ હો. આમાં શું છે કે ગામમાં ખબર પડે તો નકામું થાય. આપણી છાપ ખરાબ થાય. તું તો ડાયો માણસ છો. શું નામ છે તારા એ કાકાનું.."

"એ બધું તમે સાંજે આવો ત્યારે પૂછી લેજો ને! હું તો કહું છું કે તમારા ઘરે જ એમની સુવાની વ્યવસ્થા કરી નાંખજો. કારણ કે એસી વગર એમને ઊંઘ નહિ આવે, અમારા ઘરે તો મછરા તોડી નાંખશે. મારા બાપાના નાનપણના ભાઈબંધ નો હોત તો તો ગામડામાં તેઓ પગ પણ નો મૂકે. પણ મારા બાપા ઉપર એમને ભાવ જ એવો છે એટલે ખાસ મળવા આવ્યા. પાછા કોઈને ખબર ન પડે એટલે બસમાં આવ્યા. નકર એમની પાસે ત્રણ તો મરસિડિયું ને ચાર ઓડિયું છે લગભગ. ફોર્ચ્યુનર અને એક ઘરની લકઝરી બસ છે. તોય સરકારી બસમાં મારા બાપાને મળવા આવ્યા. હવે તમે જ વિચારો કેવા માણસ હશે! એમની પાસે કેટલા રૂપિયા છે એની એમને પોતાને ખબર નહિ હોય તોય અભિમાન તો ઠામકું નહિ બોલો. ચાલો હવે હું ફોન રાખું છું. તમે બધું ગોઠવીને સાંજે અમારા ઘરે આવી જાજો." 

"હા હા ટેમુ, તું તારે બધું ગોઠવી નાંખીશ. આપડે હમણે જ એસી મુકાવ્યા છે. મહેમાનને મારે ત્યાં જ સુવાની વ્યવસ્થા કરશું તું તારે. સાંજે હું મળવા આવી જઈશ." 

 ટેમુએ ફોન મૂકયો. ભગાકાકાની વ્યવસ્થા બારોબાર થઈ ગઈ હતી.

મીઠાલાલે એમના આ મિત્રની વાત ઘણીવાર ટેમુને કરેલી. પોતે નાનપણમાં ભગાની દુકાને મીઠાઈ ને ફરસાણ બનાવતા શીખેલા. ભગો એક નંબરનો આળસુ અને લબાડ હતો. વાતવાતમાં એનો મગજ છટકતો એટલે બધા એને ભગો ભુંરાટો કહેતા. એકવાર કોઈ ગ્રાહક સાથે માથાકૂટ કરીને માર ખાધો હતો. પછી એને અમદાવાદની દુકાને મોકલી દીધેલો. ત્યાં ભગો દારૂ પીવાના રવાડે ચડી ગયેલો. એક દિવસ દારૂ પીને દુકાને બેઠેલો એમાં કોઈ બે જણ નાસ્તો કરવા આવેલા એ લોકો સાથે ગાળી ગલોચ કરેલો. પેલા બેઉએ ભગાને સારી પટ ધોઈને બધો નશો ઉતારી નાખેલો. પણ મીઠાલાલનો ભાઈબંધ પાક્કો! ભગાના બાપને દુકાનોમાંથી કમાણી ધમધોકાર થતી એટલે મીઠાલાલની ઘણી મદદ એણે કરેલી. વળી ભગો ઘરેણાં પહેરવાનો શોખીન આદમી હતો. એક બે વાર લૂંટાઈ ગયા પછી ખોટા ઘરેણાં પહેરીને ફરતો. ભગાએ ભવાડા પણ ઘણા કરેલા એટલે એના બાપે કંટાળીને એને પરણાવી દીધો. એ પછી ભગો થોડો ગંભીર બન્યો. હાલમાં એ મુંબઈની એક ઝૂંપડપટ્ટી પાસે ફરસાણની દુકાન સંભાળતો હતો. આવક સારી હતી એટલે મુંબઈમાં એને જે જોઈતું હતું એ મળી રહેતું હતું. મીઠાલાલને અવારનવાર ફોન કરતો રહેતો એટલે ટેમુ પણ એને સારી રીતે ઓળખતો હતો. ભગો આવવાનો હતો એની મીઠાલાલને ખબર જ હતી. એટલે ટેમુને કંઈક વ્યવસ્થા થાય તો કરવાનું પણ કહેલું. ટેમુએ ભગો આવ્યો કે તરત એ વ્યવસ્થા કરવા ચંચાને સાદ પાડેલો. ચંચો રખડેલ હતો એટલે એને પીવાનું ક્યાં ક્યાં અને કેવું મળે છે એની માહિતી હશે જ એ ટેમુ જાણતો હતો.

ભગો એક નંબરનો ફેંકુ હતો. એવી રીતે વાત કરતો કે સામેવાળાને બધું સાચું જ લાગે. હુકમચંદના ઘરે પરોણાગતનો ઘાટ ટેમુ કરી રહ્યો હતો  ત્યારે દુકાનના દરવાજામાં જ ભગો અને મીઠાલાલ ઊભા હતા. એ બેઉં ટેમુની વાત સાંભળીને હસી પડ્યા.

"દીકરા ટેમુ..ભારે માયલી ખોપરી છે હો તારી. કાકા માટે બધી વ્યવસ્થા કરી દીધી એમ ને! હું એટલે જ મીઠાને કહેતો હતો કે મીઠીયા તારો દીકરો મીઠાની તાણનો હોય જ નહીં. મારી કંકુડી માટે ટમટમતા દિવડા જેવો મુરતિયો દીવો લઈને ગોતવા જાઉં તોય નો મળે. બેટા હું આજ એ માટે જ આવ્યો છું. તું એકવાર કંકુને જોઈ લે. તને ના ગમે તો મારો કોઈ ફોર્સ નથી હો.."

"અલ્યા ભગા..તું કંકુ દીકરીને સાથે લેતો આવ્યો હોત તો? મેંય સાવ નાની હતી ત્યારે જોઈ'તી. તું ઈને આંય ગામડામાં મારા ઘરે દઈશ? મુંબઈમાં રહીને મોટી થઈ છે, તો ઈને આંય ગામડામાં ગમશે?" મીઠાલાલે ઓસરીમાં ઢાળેલા ખાટલે બેસતા કહ્યું.

"કોણે કીધું કંકુને આંય ગામડામાં રહેવાનું? અલ્યા હું ટેમુને મુંબઈ લઈ જઈશ. મારે કંકુ સિવાય ક્યાં કોઈ બીજું સંતાન છે? આપણી દુકાનમાં ધમધોકાર કમાણી છે. મુંબઈમાં આપડા પોતાના બે ફ્લેટ છે. લગન પછી તુંય આવી જા મુંબઈ..એક ફ્લેટ ઈ માટે અલગ જ લીધો છે. હેયને રોજ મજા કરશું. કેમ બરોબરને સંતુજી?'' ભગાએ એની પત્ની સામે જોઈને છેલ્લું વાકય કહ્યું.

"તમે કયો ઈ બરોબર જ હોય ને! મને તો ટેમુ જોતાવેંત જ ગમી ગયો. કંકુ સાથે જોડી થાય એવો જ છે હો.

એકવાર કંકુડી હા પાડે એટલે બસ, સગા થઈ જાવી.."

"પણ ભગા, ટેમુ ઘરજમાઈ થાવા રાજી નહિ થાય. મનેય ઈ બરોબર નથી લાગતું.." મીઠાલાલે કહ્યું.

"ઘરજમાઈનું કોણે કીધું? અલ્યા મેં જે બીજો ફ્લેટ લીધો છે ઈ હું કંકુને કરિયાવરમાં આપવાનો છું. તમે લોકો ત્યાં અલગ રહેજો બાપા. અમે તમને નડવા નહિ આવવી..બસ? હવે તો ખુશ ને?" કહી ભગો હસ્યો.

"એ બધું પછી વિચારશું હવે! પણ તું કંકુને લાવ્યો કેમ નહિ સાથે?" મીઠાલાલે પૂછ્યું.

"કોલેજમાંથી ક્યાંક ફરવા ગઈ છે. બળ્યું મને તો નામેય યાદ નો રિયું." સંતોકે રસોડામાંથી કડવીને મદદ કરતા કહ્યું.

  થોડીવારે મીઠો અને ભગો તને સાંભરે..રે...મને કેમ વીસરે..રે..એવી બાળપણની વાતોએ વળગ્યા. ટેમુએ દુકાનમાં બેઠાબેઠા બેઉ મિત્રોની વાતો સાંભળી. 

'આ ભગોકાકો સાચું તો બોલતો હશે ને! ફેંકુ છે એટલે કંઈ નક્કી નહિ. કંકુને એકવાર જોઈ લઉં. બાબાને એની કુંડળી પણ બતાવવી પડશે. ક્યાંક કુંડાળામાં પગબગ તો પડ્યો નહિ હોય ને!  ઈ પણ જોવું પડશે. સાલું બાબો તો મોટો પંડિત થઈને આવ્યો છે. મારું ભવિષ્ય શું છે એ પૂછવું પડશે. મુંબઈમાં આપણો યોગ છે કે નહીં એ બાબો જરૂર કહી આપશે.' ટેમુએ ભાવિ વિચારવા માંડ્યું.

*******

  સાંજે ફળિયામાં ખાટલા ઢાળીને મીઠાલાલ અને ભગાલાલ બેઠા હતા. ટેમુ દુકાનમાં બેઠો હતો. બપોરે ટેમુએ બાબાને ફોન કરીને સાંજે આવવા કહ્યું હતું.

  હુકમચંદને બપોરે ઊંઘ આવી નહોતી. 'મીઠાલાલનો મિત્ર મોટો ઉધોગપતિ છે અને આજ એને મળવા આવ્યો છે. વીસ પચ્ચીસ ખોખાનું રોકાણ કરવા માંગે છે. નવો ધંધો નાંખવો છે. ઠેઠ દિલ્હી સુધી એના છેડા અડે છે. બે ચાર મરસિડિયું ને ઓડિયું ઘરે પડી છે તોય બસમાં આવ્યો. બાકી કેવું પડે! આવો કોઈ માણસ હોય તો નહીં આજના જમાનામાં! સુદામો કર્ષણ પાસે જાતો સાંભળ્યો છે: પણ કર્ષણ સામે ચાલીને સુદામા પાસે આવે તો તો ઈને જોવો જ પડે. ટેમુડો કેતો'તો ઈ પ્રમાણે હોય તો તો સબંધ રાખવા જેવો હશે.'

 હુકમચંદે સાંજની પાર્ટીની વ્યવસ્થા કરી રાખી હતી. ઘરે ભજીયા બનાવવાનું કહી દીધું હતું. બરવાળાથી એકજણને  ધારાસભ્ય ધરમશી ધંધુકીયાની ઓફિસે મોકલીને ખાસ એક બોટલ મંગાવી પણ લીધી હતી. ફ્રિજમાં બરફની ડિશો અને તીખા ચેવડાની પણ વ્યવસ્થા કરી હતી. ચનાને બોલાવીને એની વહુને આજ નાહીધોઈને તૈયાર રહેવા પણ કહી દીધું હતું. મહેમાનની ખાતીરબરદાશ્તમાં કોઈ ખામી રહેવી ના જોઈએ. જો એ ખુશ થઈ જશે તો પછી આપણે તો બખ્ખા જ છે!' હુકમચંદે પડખા ફરી ફરીને આખી બપોર કાઢી. સાંજ પડતા જ એ મીઠાલાલના મિત્રને મળવા એનું બુલેટ લઈને નીકળ્યો.

આજ રાતે હુકમચંદના ઘરે પાર્ટી જામવાની હતી. ટેમુને રહી રહીને મનમાં એક શંકા હતી કે ક્યાંક નશામાં ભગાકાકા ભાંડો ફોડી ન નાંખે તો સારું!

(ક્રમશ:)