MOJISTAN - SERIES 2 - Part 10 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 10

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 10

દવાખાનામાં મચેલું દંગલ આખરે શાંત પડ્યું હતું. તખુભા અને હુકમચંદે ઉગલા, જાદવા અને રઘલાને દવાખાને લઈ આવનાર અરજણ વગેરેને બીજા દિવસે પંચાયતમાં હાજર થવાનો આદેશ આપીને મામલો થાળે પાડ્યો હતો.

 દવાખાનામાં બનેલી ઘટનાની તપાસ પદ્ધતિસર કરવાની હતી. જેનો વાંક હોય એને સજા કરવાની હતી. આવી નાની વાતમાં કેસકબાલા ન થાય એ માટે પંચાયતમાં જ સમાધાન કરી નાંખવાનું હતું.

****

"ઓ ભાઈ, આ મીઠાલાલ મીઠાઈવાળા ક્યાં રહે છે? એમનું ઘર કઈ બાજુ આવ્યું?" બસમાંથી ઉતરેલા એકજણે ચંચાને પૂછ્યું. 

 સવારના અગિયાર વાગ્યા હતા. ચંચો સાવ નવરો હોય ત્યારે બસસ્ટેન્ડ પર આવીને બેસતો. ફુલાએ ત્યાં પાનનો ગલ્લો કર્યો હતો. માવો ચડાવીને બાંકડે બેઠેલા ચંચાને બસમાંથી ઉતરેલા એક પેસેન્જરે મીઠાલાલના ઘર વિશે પૂછ્યું.

   બેઠીદડી, માત્ર કાન ઉપર ગોળાઈમાં બચી ગયેલા વાળવાળી વિશાળ ટાલ, જાડા નેણ નીચે ઊંડા ખાડામાં મોટીમોટી આંખો, ઘોલર મરચા જેવું મોટું નાક, એ નાક નીચે જાડી કલર કરેલી કાળી મૂછો, ઉપરનો પાતળો અને નીચેનો બહાર આવીને લબડતો જાડો હોઠ. ટૂંકી ગરદન પર લબડતો કાળો મસો, મોટી ફાંદ નીચે જાડા પગ! 

  પચાસ વટાવી ગયેલા એ માણસે પીળા ટીશર્ટ નીચે જીન્સનું વાદળી પેન્ટ અને પગમાં સ્પોર્ટશૂઝ પહેર્યા હતા. એની ટૂંકી ગરદનમાં જાડો ચેન અને એ ચેનમાં વાઘના મોઢાવાળું ગોળ પેન્ડલ લબડતું હતું. લગભગ બધી આંગળીઓ પહેરેલી જાડી વીંટીઓમાં સોના, ચાંદી અને તાંબાની વીંટીઓનો પણ સમાવેશ થતો હતો. વાને એકદમ કાળા  એ આદમી સાથે એક જાડી સ્ત્રી પણ બસમાંથી ઉતરી હતી. એ સ્ત્રીએ પીળા ફૂલની ડિઝાઈનવાળી સાડી પહેરી હતી. એના ગળામાં સોનાનો હાર અને મંગળસૂત્ર હતું. નાકમાં મોટી ગોળ નથડી, બાજુબંધ અને સોનાની બંગડીઓ અને આંગળીઓમાં વીંટીઓ પહેરેલી એ સ્ત્રીનું મોં એકદમ ગોળ હતું. એ સ્ત્રી જુવાનીમાં એકદમ રૂપાળી હશે એવું એને જોતાવેંત લાગતું હતું. એનો વાન એકદમ ઉજળો હતો. એની આંખોમાં ન જાણે કેમ એક અનેરું આકર્ષણ હતું. ચંચો ઘડીભર એ સ્ત્રીને તાકી રહ્યો. 

  ચંચાને એ સ્ત્રી તરફ તાકી રહેલો જોઈ એ આદમીએ ચપટી વગાડીને ચંચાનું ધ્યાન પોતાની તરફ દોરતા કંઈક નારાજગીથી ફરી પૂછ્યું,

"એ ભાઈ, મેં પૂછ્યું ઈનો જવાબ દે ને! ઈને શું તાકી રિયો છો?" 

  "હેં? કોના ઘરે જાવું સે? કિયે ગામથી આયા છવો.." ચંચાએ પેલી સ્ત્રી તરફથી નજરને વાળી લઈને કહ્યું.

"મીઠાલાલ મીઠાઈવાળાના ઘરે જાવું છે. ઈમનું ઘર કી બાજુ આવ્યું?" પેલા આદમીએ કહ્યું.

"મીઠાલાલના ઘરે જાવું સે ઈમ? કિયે ગામથી આયા છવો. માલદાર પાલટી લાગો સો." ચંચાએ કહ્યું.

"હા. તું જરાક રસ્તો ચીંધી દે ને ભાય."

"પણ ગામનું નામ તો કયો. મીઠાલાલના ઘરે ચીમ પધરામણી કરી સે? કાંય ખાસ કામે આયા હસો. તમારે ઈ સું સગા થાય સે?" 

"અલ્યા અમે જે ગામેથી ને જે કામેથી આયા હોય ઈનું તારે શું કામ છે? તું ઝટ રસ્તો દેખાડને? આ ગામમાં તારી જેવા દોઢડાયા કેટલાક સે?'' પેલો આદમી હવે કંટાળ્યો.

"અલ્યા ચંચિયા મેમાનની પત્તર ઠોક્યાં વગર મીઠાલાલના ઘરનો રસ્તો દેખાડી દે ને. તારે ઈ હંધુય પુસીને કામ સુ સે?" ગલ્લામાં બેઠેલા ફુલાએ ઊભા થઈને કહ્યું. પછી મહેમાન તરફ જોઈને બોલ્યો, "આંયથી સીધા ગામમાં વયા જાવ. આગળ જયને ડાબા હાથે વળી જાજો. પસી થોડાક સીધા જાસો એટલે ચોરો આવશે. ન્યાથી જમણી બાજુ વળી જાજો. થોડાક હાલશો એટલે બીજો ચોક આવશે. ઈ ચોકની બાજુમાં એક નાની ગલીમાં થઈને બાર નીકળી જાસો એટલે બીજી એક સાંકડી શેરી આવશે. ઈ શેરીમાં નો જાતા. કારણ કે ઈ શેરીમાં કાદવ બવ થિયો સે. આગળ જઈને પસી ડાબા હાથે બીજી શેરી આવશે. ઈ શેરીમાં થોડાક આગળ જાસો એટલે માતાજીની દેરી આવસે. ઈ દેરીની બાજુમાં મોટી બજાર પડશે. ઈ બજારે આગળ વયા જાજો એટલે ચાર રસ્તા આવસે. પસી ન્યા કોકને પુસી લેજો અટલે મીઠાલાલનું ઘર દેખાડી દેશે. માતાજીની દેરીએ દર્શન કરતા જાજો અટલે તમારું કામ સફળ થઈ જાશે. દેરીના ઓટલે ચારપાંચ કૂતરા સુતા હશે ઈને વતાવતા નય નકર વાંહે થાશે. લાવો દહ રૂપિયા સુટા હોય તો દયો, હું બિસ્કિટના બે પેકેટ આપું. કૂતરા અજાણ્યા માણહ જોઈને ભંહે તો બિસ્કિટ નાખવા થાહે."

 ફુલાએ મીઠાલાલનું ઘર બતાવીને મહેમાન પાસેથી વેપાર કરી લેવાનું પણ વિચારી લીધું. 

"કૂતરાં તો અમારા ગામમાંય એ રિયા. ઈમ અમે કાંય કુતરાથી બીતા નથી. પણ તમે કીધું ઈમાં કાંય હમજાણું નય." પેલા આદમીએ કંટાળીને કહ્યું. પછી પેલી સ્ત્રી તરફ ફરીને બોલ્યો, "હાલ અલી, ગામમાં પુંસતા પુંસતા ગોતી લેશું." કહી એ ચાલતો થયો. પેલી સ્ત્રીએ એ આદમી પાછળ પગ ઉપાડ્યો કે તરત ચંચો ઊભો થયો.

"મેમાન, ઊભા રિયો. હું હાવ નવરો જ સુ. તમને ઈમ નય જડે. હાલો હું તમને  ઈ મીઠાલાલના ઘરે મૂકી જાવ."

"તો પેલા જ ઊભો થિયો હોત તો? ઠીક સે, હાલ તારે.."

 ચંચો ફરી પેલી સ્ત્રી તરફ એક નજર નાંખી એ આદમી જોડે ચાલવા લાગ્યો.

"મેમાન તમે ગામનું નામ નો કોધુ હો. પણ કાંય વાંધો નય. નો કેવાય ઈમ હોય તો મારે જાણવુંય નથી. લ્યો હાલો.." ચંચાએ હસીને કહ્યું.

"ઈમાં નો કેવાય એવું શુ હોય. અમે ચંદરપુરથી આવ્યા છીએ." 

"સંદરપુરથી? હંકઅ..તે આ મીઠાલાલ તમારે શું સગા થાય સે? નો કેવાય એવું હોય તો કાંય નય હો. આ તો અમથા પુસું સું." 

"ઈમાં નો કેવાય એવું શું હોય. મીઠાલાલ મારો ભાઈબંધ સે. અમારે પેલા ધંધુકે દુકાન હતી ભાગીદારીમાં. ઘણા વરસ પહેલાં." 

"ઈમ? શેની દુકાન હતી? નો કેવાય ઈમ હોય તો રેવા દેજો તમતમારે. આતો હાર્યે હાલ્યા જાવી છી તે કીધું બે વાત કરવી ઈમ." ચંચો વાત કઢાવવાનો કિમિયો જાણી ગયો હતો.

"લે ઈમાં નો કેવા જેવું શું હોય. આ મીઠાલાલને મીઠાઈનો ધંધો જ મેં શીખવાડેલો. મારા દાદા વખતથી અમારે ધંધુકામાં મીઠાઈની ને ફરસાણની દુકાન છે. આ મીઠો અમારે ત્યાં કામ કરતો. હું ને મીઠો પસી ભાયબંધ થઈ ગયા'તા. મારું નામ ભગાલાલ. મારો સ્વભાવ થોડોક તીખો છે. સારું થિયું તેં બવ માથાકૂટ નો કરી નકર મારો મગજ જાત તો તું મારા હાથની બે ખાત. આ તો ઠીક સે તું મીઠાનું ઘર બતાડવા હાર્યે આવ્યો અટલે તને વાત કરું. બાકી આ વાત તો હું કોઈને નો કવ હમજ્યો?" કહી એ આદમીએ ચંચાના કાન પાસે એનું મોં લાવીને હળવેથી કહ્યું, "મને બધા ભગો ભુરાંટો કેય છે. મારી સળી કરતા બે વાર વિચાર કરવો પડે સમજ્યો?"

"ઓહો હો..ઈમ વાત સે? મારા ભાયગ સારા તે હું બસી જ્યો. પણ તમે લાગો સો માલદાર. મીઠાલાલના ઘરે મેમાન થિયા સો તે જરૂર કાંક ખાસ કામે આયા હસો. કેવાય એવું નો હોય તો..." ચંચાએ વાક્ય અધૂરું છોડ્યું એટલે પેલો તરત બોલ્યો,

"મીઠાને ને મારે નાનપણમાં નક્કી થિયેલું..અમારી ભાઈબંધી પાક્કી એટલે..."

"બરોબર..મીઠાલાલના ઘરે મેમાન થાવાનું નક્કી થિયું હસે. પણ ઘણે વરસે આયા લાગો સો. આ પેલા કોય દી તમને જોયા નથી.."

"હવે તારી આગળ શું છુપાવવું. તું આમ તો માણહ સારો લાગે છે. હું બે મહિના પહેલા જ છૂટ્યો. જેલમાં હતો ને! દસ વરસની પડેલી ભૂંડા. તારી જેવો એક નંગ દુકાને આવીને વાયડીનો થાતો'તો તે ઠોકયો'તો માથામાં એક તાવેથો. તે હહરીનો કોમામાં વ્યો જ્યો. ઈ પેલા આફ્રિકા હતો ને! મારા બાપાએ રવાંડામાં ફરસાણની દુકાન ખોલી'તી. તેં ન્યા હું ધંધો સાંભળવા ગયેલો. એક દી બે કાળીયા આવીને ઈની ભાષામાં મને ગાળ્યું દેવા માંડેલા. મને બધુંક દેખાડીને ગલ્લામાં જેટલા હોય એટલા રૂપિયા આપી દેવાનું કીધું. તેં શું ઝાપટ મારીને આપડે ઈની બંધુક ઝુંટ્વી લીધી, પસી બેયને બગલમાં દબાવી દીધા. ઈમાં એક મરી ગ્યો.. એટલે આપડે ભાગીને ભારત આવતા રિયા. બોલ હવે કાંય પૂછવું સે?"

  છેલ્લું વાક્ય બોલતી વખતે ભગાલાલે અવાજ થોડો મોટો કરીને ડોળા કાઢ્યા, "મારી કોક અણી કાઢવાની ટ્રાય કરે એટલે હું ભુરાંટો થાઉં છું. પછી આપણને કંઈ ભાન રહેતું નથી, સમજ્યો? તને બહુ ખંજવાળ આવતી લાગે છે. તું મીઠાલાલનું ઘર બતાડવાના બાને બધું જાણવા માંગે છે ને? મારે છે ને મીઠાલાલને સરપરાઈઝ આપવાની છે નકર આ રહ્યો ફોન, હું ફોન કરું એટલે ટેમુ દીકરો બસ સ્ટેન્ડે આવીને મને લઈ જાય. મારે તારી જેવા લબાડનું મોઢું બોલાવવુ નો પડે સમજ્યો?"

 એકાએક ભગાલાલનો બદલાયેલો રંગ જોઈ ચંચો એકદમ ડરી ગયો. એની હોંશિયારી ભારે પડી જવાની બીક પણ એને લાગી. 

"અરે..બાપુ..હવે કાંય પુસે ઈ બેબાપનો હોય ભલામાણહ. તમે ઈમ આકરા નો થાવ..હાલો હું તમને ઠેઠ મીઠાકાકાના ઘરે મૂકી જાવ. ટેમુ ને હું બેય પાકા ભયબન છવી." ચંચાએ ડરીને કહ્યું.

"ટેમુ તારો ભાઈબંધ છે એમ? તારી જેવા લબાડ સાથે ટેમુ ભાઈબંધી કરે? છાનોમાનો હાલવા મંડ. જરાક આમ આઘો રેજે. મારી સાથે ચાલવાની તારી ઓખાત નથી સમજ્યો?"

"હા બાપુ હયસે હવે. તો ઈમ કરો તમે તમારી મેળે જ વ્યા જાવને. મારે એક કામ સે, જાવ તમે..!" ચંચાને ભગાલાલ હવે ભયજનક લાગવા લાગ્યો હતો. એની સાથે આવવા બદલ પસ્તાવો થવા લાગ્યો.

"હમણે તો તું કેતો'તો કે તું સાવ નવરીનો છો. ને હવે પાછું તારે કામ છે ઈમ? હવે તો મીઠાલાલના ઘર સુધી તારે આવવું જ પડશે. સીધીરીતે આવવું કે બે અડબોથ ખાઈને આવવું ઈ તારે નક્કી કરવાનું છે. બોલ શું વિચાર છે?'' ભગાલાલે ડોળા કાઢ્યા. 

બિચારો ચંચો! હોંશિયારી કરવા જતાં હવે સલવાયો હતો. ભગાલાલ ભુરાંટો થાય એ પહેલાં ચંચો ચુપચાપ ભગાલાલ આગળ ચાલવા લાગ્યો.

 ભગાલાલ એની બૈરી સામે જોઈને હસ્યો. પેલી પણ હસીને મીઠા સ્વરે બોલી, "ખરો બીવરાવ્યો હો. ક્યારનો ટેંટેં કરતો'તો. તમેય ખરા છો હો.. ભારે માયલો પરિચય આપી દીધો. હેહેહે!''

 ટેમુ દુકાનમાં જ બેઠો બેઠો કોઈ પુસ્તક વાંચતો હતો. ચંચાએ દૂરથી જ દુકાન અને બાજુમાં આવેલું મીઠાલાલનું ડેલું બતાવી દીધું.

''લ્યો મેમાન, આ દુકાન ને ઘર બેય આવી જયું. હવે હું છુટ્ટો ને?"

"એમ ક્યાંથી છુટ્ટો થાતો'તો. જા જઈને ડેલું ખોલ. મીઠાલાલ ઘરે હોય તો એમને જાણ કર કે એમના દોસ્ત આવ્યા છે."

"દુકાનમાં ટેમુ બેઠો છે..લ્યો હું સાદ પાડું." કહી ચંચાએ સાદ પાડવા મોં ખોલ્યું.

"એ..ઈ... ચૂપ રે. એમ સાદ પાડવાનો નથી. તું જઈને ડેલું ખોલ." મહેમાન આકરા પાણીએ હતા.

ચંચાને કંઈ છૂટકો હતો? તરત એણે ઉતાવળા ચાલીને ડેલું ખોલ્યું. મીઠાલાલ ઓસરીમાં બેસીને મીઠાઈ બનાવવાની તૈયારી કરતા હતા.

 "મીઠાકાકા તમારા મેમાન આયા સે. હું ઈમને તમારા ઘરે મુકવા આયો.."

ચંચાએ જોરથી સાદ પાડ્યો.

 મીઠાલાલ ચમકીને તરત ઊભો થયો. એ વખતે ભગાલાલ અને એની પત્ની ડેલામાં આવ્યા. એ લોકોને જોઈ મીઠાલાલ દોડ્યો.

"અરે આવ આવ આવ..ભગા. મારા વાલીડા..આમ અચાનક આટલા વરસે આવી પુગ્યો ખરો હો." 

 મીઠાલાલની પત્ની પણ રસોડામાંથી બહાર આવી. મીઠાલાલ ભગાલાલને ગળે વળગ્યો. કડવીબેન પણ રાજી થઈને ભગાલાલની વહુને ગળે મળી. ટેમુ દુકાનમાંથી આવીને ભગાકાકાના ચરણોમાં નમ્યો. ભગાલાલે ટેમુને બથમાં લીધો. 

 એ તકનો લાભ લઈ ચંચો પાછો વળીને જવા લાગ્યો. એ જોઈ ભગાલાલે રાડ પાડી.

"અલ્યા એઈ.. આંય આવ. ભગાલાલ કોઈને મફતમાં કામ કરાવતો નથી." પછી મીઠા તરફ ફરીને કહ્યું, "આ નોળિયું બસ સ્ટેન્ડે બેઠું'તું. મારી પૂછ પરછ કરતું'તું. તે હું  ઈને સાથે લેતો આવ્યો. ઈને કાંક બક્ષીસ આપવી જોશે."

મીઠાલાલે તરત દસ રૂપિયા કાઢીને ચંચા તરફ ફેંક્યા.."લે અલ્યા ચંચિયા..તારી બક્ષીસ. આ ભગાલાલને મારુ ઘર બતાડવાનું ઈનામ."

 ચંચાને મનમાં દાઝ ચડતી હતી. પણ કંઈ બોલાય એમ નહોતું. દસની નોટ લઈને એણે ખિસ્સામાં મૂકી. ભગાલાલ હજી એને તાકી રહ્યો હતો. 

"કાંયપણ કામ હોય તો કેજો હો બાપુ. લ્યો હવે હું જાવ ને?'' 

"કેમ કરવું છે? જાવા દેવુ છે ને આને? કે કંઈ કામ છે?" ભગાલાલ એની પત્નીને પૂછીને  હસ્યો.

"હવે જાવા દયો બચાડા ને." કહી ભગાલાલની પત્ની હસી પડી.

"હવે બસ સ્ટેન્ડે કોઈ મેમાન આવે તો  તરત ઘર બતાવીશ કે પૂછપરછ કરીશ? આ તો હું સારો માણસ છું. વળી તારા નસીબ પણ સારા છે નકર આજ તું માર ખાત ખરો.." ભગાલાલે કહ્યું.

"હવે બસ સ્ટેન્ડે બેહે ઈ બે બાપનો હોય..હાલો હું જાવ. મને માફ કરો માઈબાપ.." ચંચાએ બે હાથ જોડયા. ભગાલાલ કંઈ બોલે એ પહેલાં એ ડેલામાંથી બહાર નીકળી ગયો. 

મીઠાલાલ અને ભગાલાલ એને જતો જોઈ હસી પડ્યા.

  એ વખતે ટેમુએ દુકાનમાં જઈ ચંચાને સાદ પાડ્યો. 

(ક્રમશ:)