Bhool chhe ke Nahi ? - 14 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 14

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 14

આખરે પપ્પાએ નક્કી કર્યું કે એ બેનને બોલાવી લેશે. એટલે મેં એકવાર પપ્પાને કહ્યું કે મારે બેન ને મળવું છે અને પપ્પા મને લઈ ગયા હતા એને મળવા માટે. મેં જોયું બેન ખુશ હતી. જેની સાથે એણે લગ્ન કર્યા તે છોકરો જેને હવે મારે જીજાજી કહેવાનું હતું એ પણ હતો. એ બંનેને સાથે ખુશ જોઈને મને ખુશી થઇ. પણ એમની ખુશીએ મારા પપ્પાને કેટલું દુઃખ આપ્યું એ હું ભૂલી શકતી ન હતી. હું ઘરે આવી, પણ મારા મગજમાં એક જ વાત ચાલતી હતી કે આવી ખુશીને શું કરવું કે જેમાં પપ્પાને આટલું બધું દુઃખ થતું હોય. આ વાત જાણે મને મારા નિર્ણય પર અડગ રહેવાનું કહેતી હતી. ઘરે બેનને ક્યારે બોલાવવી એ વાત અંગે ચર્ચા થવા માંડી. કાકા અને કાકીએ વિરોધ કર્યો પણ આખરે પપ્પા નો નિર્ણય એ લોકો માનવો પડ્યો. બંને ફુઆજીએ પણ એ નિર્ણય માનવો જ પડે કારણ કે આ અટકાવવા માટે પપ્પાએ એમની મદદ માગી હતી પણ એમણે કરી ન હતી. પપ્પાએ કાકાને કહ્યું આપણે છોકરાના ઘરે જઈને એમને મળીએ અને આગળ એ લોકો શું વિચારે છે તે વિશે જાણીએ. પપ્પા અને કાકા એમના ઘરે ગયા, વાત કરી કે અમે એ બંનેને સ્વીકારવા તૈયાર છે તમારો શું વિચાર છે ? તો એેમના મમ્મી પપ્પાએ કહ્યું કે એ તો અમારો લાડકો દિકરો છે અમે તો સ્વીકારીશું જ. બસ તમારી રાહ જોતા હતા. અને પછી ઘરે બેન ને અને જીજાજીની સાથે એમના ધરવાળાને પણ બોલાવવાની વાત થઈ. મમ્મીએ પપ્પાને કહ્યું દિકરી લગ્ન કરીને પહેલી વખત ઘરે આવશે એને માટે સોનાના ઘરેણાં કરાવવા પડશે. વધારે નહીં તો પણ દિકરીને થોડું તો આપવું પડશે ને. કાકાએ ના પાડી. કે અત્યારે કશું જ ન આપો આગળ જતાં કોઈ પ્રસંગ આવે ત્યારે આપજો. પણ મમ્મી અને પપ્પાનું મન ન માન્યું. એમણે બેન માટે સેટ કરાવ્યો અને જીજાજી માટે વીંટી કરાવી. એવું નક્કી થયું કે મારી પરીક્ષા પતી જાય પછી એમને બોલાવીશું. મારી પરીક્ષા શરૂ થઈ. જ્યાં પરીક્ષા આપવા જવાનું હતું એ શાળા અમારા ઘરથી ખૂબ દૂર હતી. જીજાજીએ પપ્પાને કહ્યું હતું કે તમે ફિકર ન કરતાં હું મારી રિક્ષામાં એને લઈ જવા અને મૂકી જવા. લગ્ન પછી જીજાજી રિક્ષા ચલાવતા હતા એ અમને ખબર હતી પણ હજી તો અમે એમને ઘરે બોલાવ્યા પણ ન હતા અને છતાં  એ આવું કહેશે એવું તો અમે વિચાર્યું જ ન હતું. પપ્પાએ કહ્યું ના એ અમને સારું ન લાગે તમે તો અમારા જમાઈ કહેવાવ. પણ એ ન માન્યા. એમનું કહેવું હતું કે હું પણ તો એમની બહેન જ કહેવાઉં ને બહેન માટે તો આટલું બધા જ કરે. અને મારી પરીક્ષામાં એ મને લેવા મૂકવા આવતા. આમ મારી પરીક્ષા પૂરી થઈ. અને બેન ને અને જીજાજીને એમના ઘરવાળા સાથે એક દિવસ ઘરે બોલાવ્યા અને બધાને જમાડીને મમ્મીએ જે રિવાજ હોય તે પ્રમાણે કવર આપ્યા. જીજાજીના ઘરવાળાએ તો ના પાડી પણ મારી બા એ કહ્યું કે આજે પહેલીવાર તો તમારે લેવું જ પડે. બેનને અને જીજાજીને બોલાવ્યા એ દશેરાનો દિવસ હતો. આ વખતે નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ હું મામાને ત્યાં ન ગઈ. પણ એ દિવસે મામા પણ ઘરે આવ્યા હતા અને બધા જમીને ગયા પછી મામાએ મમ્મીને કહ્યું મોટીબેન હવે ઘરે ચાલો. માતાજીની માટલી વળાવવાની છે અને આજની આરતી આપણે આની પાસે એટલે કે મારી પાસે કરાવવાની છે. હું થોડીવાર માટે ખુશ થઈ ગઈ કે વાહ આજે ફરી મને એ જોવા મળશે પણ તરત જ મને યાદ આવ્યું કે ના મારે આ બાબતે વિચારવાનું જ નથી. મેં ના પાડી મામાને ત્યાં જવા માટે પણ જીજાજીએ કહ્યું કે ના આજે તો જઈશું હું પણ તો જોઉ મામાને ત્યાં કેવા ગરબા થાય છે કે તમે દર વર્ષે ત્યાં જાવ છો ? પણ મારા મનમાં કંઈક બીજું જ ચાલતું હતું.