મમ્મીએ કહ્યું કે પપ્પાને ઘણા સમય પહેલાથી ખબર હતી કે બેને પેલા છોકરાને મળવાનું બંધ નથી કર્યુ. એટલે એકવાર પપ્પા ફુઆજી પાસે ગયેલા અને એમને બધી વાત કરી હતી અને કહ્યું હતું કે બેન માટે કોઈ સારો છોકરો બતાવે તો બેનના લગન કરાવી દઈએ. તો ફુઆજીએ એમને કહ્યું હતું કે તમે દહેજમાં કેટલા રૂપિયા આપશો એ કહો તો આપણે એના માટે છોકરો શોધીએ. પપ્પાએ કહ્યું કે એમની પાસે દહેજમાં આપવા માટે કોઈ રૂપિયા નથી. અને હવે તો એ બધા રિવાજ નીકળી ગયા છે તો પછી કેમ આપવું પડે ? ફુઆજીએ કહયું કે ના તમારી પાસે દહેજ આપવાની તૈયારી હોય તો જ મને કહો નહીંતર જાતે જ એના માટે છોકરો શોધી લો. ફુઆજીની વાત સાંભળીને પપ્પાને નવાઈ લાગી કે કેમ એમણે આવી રીતે કહી દીધું. પપ્પા તો આખો દિવસ નોકરી પર રહેતા સમાજમાં કોઈને ઓળખાતા ન હતા તો કોને કહેવા જાય કે એમની દિકરી માટે છોકરો બતાવે. પણ પપ્પા સમજી ગયા કે ફુઆજી બેન ના લગન કરાવવા ઇચ્છતા જ ન હતા અથવા તો એમને એવું હતું કે બેનના લગન એમના કોઈ ઓળખીતામાં કરાવશે તો એમની બદનામી થશે. એેટલે પપ્પા તો પછી ત્યાંથી ચાલ્યા આવ્યા. પપ્પાએ અમારા નાના ફુઆજીને પણ વાત કરેલી કે બેન માટે છોકરો બતાવે પણ એમણે પણ એ વાત ઉડાવી દીધી હતી. પછી પપ્પાએ બીજા કોઈને પણ બેન માટે છોકરો જોવાનું ન કહ્યું. મમ્મી કહેતી તો પણ એમ કહેતા કે શોધાશે કંઈ ઉતાવળ નથી કરવી. એ અત્યારે નોકરી કરે છે કરવા દે. પછીની વાત પછી. પપ્પાએ જાતે છોકરા શોધવાનું શરૂ તો કર્યુ પણ વધારે કંઈ કરતા ન હતા અને કોઈ મળે એ પહેલાં જ બેને લગન કરી લીધા. મને એવું લાગ્યું કે પપ્પા પણ ઈચ્છતા હતા કે બેન આ રીતે લગન કરી લે જેથી લગનનો ખર્ચો બચી જાય. મને એ સમયે એવું લાગ્યું કે હું જ્યારથી સમજણી થઈ ત્યારથી જોયું છે કે પપ્પા ફોઈ ફુઆજી ને વાર તહેવારે આમંત્રણ આપતા, જમાડતા, ભેટ સોગાદ પણ આપતા. ભાઈ તરીકેની દરેક ફરજ નિભાવી હતી. કાકા તરફ્થી આવું કોઈ દિવસ થતું ન હતું. પણ હું દરેક સમયે જોતી હતી કે બધા ભેગા થયા હોય ત્યારે બા અને કાકી બધા સાથે બેસીને વાતો કરતા અને મમ્મી બધાને જમાડીને વાસણ, રસોડું બધું સાફ કરવામાં જ વ્યસ્ત રહેતી. હું કરવા લાગતી પણ એ પરવારે એટલીવારમાં બધા ઘરે જવાની તૈયારી કરી દેતાં. કોઈ પણ દિવસ મેં મારી મમ્મી સાથે કોઈને પણ વાત કરતાં જોયા ન હતા. આજે જ્યારે મમ્મીએ આ બધું કહ્યું ત્યારે થયું કે મમ્મી પપ્પા બધા માટે આટલું બધું કરે છે તો પણ કેમ એમની કોઈ ગણતરી નથી. આ વાત તો મને મારી જીંદગી પૂરી થવા આવી છતાં નથી સમજાઈ રહી. એ વખતે હું કદાચ વધારે પડતી નાદાન હતી કે પછી દુનિયાદારી મારી સમજમાં ન આવી હતી. પણ હકીકત એ હતી કે મારી બેને ભાગીને લગ્ન કરી લીધાં હતા અને ઘરમાં કાકા કાકી ફોઈ ફુઆજી કોઈ એને પાછી બોલાવવા માગતા ન હતા. મારા મમ્મી પપ્પા એને પાછી બોલાવવા માગતા હતા. મારે પણ મારી બેન મને પાછી જોઈતી હતી. ભાઈ પણ પપ્પાને કહેતો કે પપ્પા બેન ને બોલાવી લો. આ એક એવો સમય હતો કે બધા સગા એક હતા ને અમે ચાર બધાથી અલગ થઈ ગયા હતા. મારી મમ્મીને સૌથી વધુ દુઃખ હતું. એને મન તો બધા એનો પરિવાર હતા અને હંમેશા સાથે રહેશે એવો વિશ્વાસ હતો. પણ એ વિશ્વાસ તૂટી ગયો હતો. ફક્ત એક કાકાનો દિકરો હતો એણે મમ્મીને કહ્યું હતું કાકી ફિકર ના કરતાં હું બેનને રોજ મળું છું સારી છે અને ખુશ છે એ. એને પણ આ રીતે ભાગી જવાનું દુઃખ છે પણ છતાં ખુશ છે. અને મમ્મીને થોડી રાહત થઈ હતી.