MOJISTAN - SERIES 2 - Part 4 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4

Featured Books
  • सुहागरात वेबसीरीज - भाग 1

    सुहागरातपहली रात की उलझनेंशुरुआतशादी की रौनक खत्म हो चुकी है...

  • कीमत

     प्रशांत ने सुबह का अखबार खोला ही था कि उसकी निगाह एक खबर पर...

  • शोहरत का घमंड - 123

    आलिया आर्यन के बारे में सोच सोच कर रो रही होती है।सुबह होती...

  • Nafrat e Ishq - Part 17

    शॉपिंग के बाद जब सभी कैब में बैठे, तो माहौल पहले से ही मस्त...

  • अनोखा विवाह - 13

    अनिकेत को पता था कि सुहानी छोटी छोटी बातों पर भी रो पड़ती है...

Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4

જાદવાએ બાબાનું અસલી રૂપ જોયું. અત્યારસુધી નીકળી રહેલા વિનંતીના સુર એકદમ આક્રમક બની ગયા. બાબો ક્યારનો જાદવભાઈ જાદવભાઈ કરતો હતો પણ જાદવો એવા માનને લાયક હતો નહિ. શિષ્ટ ભાષાથી ટેવાયેલો નહોતો એટલે બાબા સાથે દલીલબાજીમાં ઉતર્યો. 

બાબાએ એને ગુંચવ્યો એટલે એણે મગજ ગુમાવ્યો હતો. બાબો પણ અસલ રૂપમાં પ્રગટ થયો હતો.

"તારી જાતના જાદવા..ક્યારનો સમજાવું છું તોય સમજતો નથી. તારે જાણવું જ છે ને? તો લે કહી દઉં કે તારા બાપનું છોલાવવા હું એ ખેતરમાં ગયો હતો. જા તારે જ્યાં ડૂચા મારવા હોય ત્યાં મારી દેજે. તારી વાત ગામમાં કોઈ માનશે તો ને! જા હાળા હાલતીનો થઈ જા.."

બાબાએ જાદવાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યો. જાદવો રાતોપીળો થતો,  ભાભા સામે ડોળા કાઢતો બહાર નીકળી ગયો. જતા જતા એ બોલ્યો,

"તું ભણ્યો પણ ગણ્યો નય. મને ઈમ હતું કે સાસ્તરી થયન આયોસ અટલે બુધી આવી હસે. પણ તું તો ઈનો ઈ બાબલો સો. ભાભા તમારું મોત આ તમારો નપાવટ પૂતર બગાડસે ઈ પાકું સે."

"જા ને જ્યાં જાતો હોય ત્યાં. સાલા તારી જાતના જાદવા..." બાબાએ ફરી ડોળા કાઢ્યા. જાદવો પણ વધુ માર ખાવાની બીકે ઝડપથી ડગલાં ભરતો ચાલ્યો ગયો.

"અરે પુત્ર બાબાશંકર. આ નાલાયક શું કહેતો હતો? તું ઘરે આવતા પહેલા કંઈ તોફાન તો નથી કરીને આવ્યો ને? જો કે મને એ જાદવા કરતા તારા પર વધુ ભરોસો છે." ભાભાએ બાબો ઘરમાં આવ્યો એટલે પૂછ્યું.

"પિતાજી, એ નાલાયક મારા જેવા કોઈને જોઈ ગયો હશે. એટલે એ અહીં દોડી આવ્યો હશે. હું તો ટેમુના ઘરેથી સીધો જ આપણા ઘરે આવ્યો હતો. હું એને એ જ પૂછવા માંગતો હતો પણ એ પોતે જ ગોટે ચડ્યો હતો એટલે મારો મગજ પણ છટક્યો." બાબાએ ભાભાને ગોળી પીવડાવી.

ભાભા ખુશ થઈને હસી પડ્યા. "પુત્ર બાબાશંકર તેં ઠીક જ કર્યું. આવા દુષ્ટ લોકોનો ઉદ્ધાર કરવા જ તારું આ ધરતી પર અવતરણ થયું છે. તું કોઈ સામાન્ય પુરુષ નથી. ચાલો જમી લઈએ, પછી તું આરામ કર બેટા." 

 

"હા પિતાજી. હું ગામનો ઉદ્ધાર અવશ્ય કરીશ." કહી બાબો અંદર ગયો. ગોરાણીમાએ થાળીઓ પીરસી અને ત્રણેય જમવા બેઠા.

*

ટેમુની દુકાનેથી ટોળું માંડ વિખેરાયું હતું. પણ ટેમુના ઘરે કોઈ મોટા શાસ્ત્રી આવ્યા હોવાની વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી. સાંજે એ શાસ્ત્રી સભા કરવાના હતા. ગામમાં લગભગ બધાને કંઈનું કંઈ દુઃખ હતું.

એ દુઃખનું નિવારણ દરેકને જાણવું હતું. હબો અંદરથી હલી ગયો હતો. લખમણિયા ભૂતનો રોલ કર્યા પછી હબાને ઘણીવાર ભૂતના સપના આવતા હતા. આજે શાસ્ત્રીજીએ એના માથા પર ભૂતનો પડછાયો હોવાની વાત કરી એટલે એ ગભરાયો હતો. બપોરે એના ગળે કોળિયો પણ ઉતર્યો નહિ. બપોર પછી એ દુકાને પણ ગયો નહિ.

*

 

  હુકમચંદ હવે તખુભાનો દોસ્ત બની ગયો હતો. પણ રાજકારણ એણે છોડ્યું નહોતું. ગામના સરપંચ તરીકે હવે કંઈ મજા આવતી નહોતી એટલે હુકમચંદ હવે વધુ ઊંડો ઉતરવા માંગતો હતો. હવે એને તાલુકા પંચાયતમાં ને પછી જિલ્લા પંચાયતમાં ઝંપલાવવું હતું. સ્ટેપ બાય સ્ટેપ ચડીને છેક ટોચે પહોંચવાના અભરખા હુકમચંદ સેવતો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જનતાની સેવા કરીને દેશના વડાપ્રધાન બનવાની અબળખાના બીજ હુકમચંદે એના દિલની ધરતીમાં ધરોબ્યા હતા. જો કે એ બીજમાંથી અંકુર ફૂટીને વૃક્ષ થશે કે નહીં એની ખબર તો હુકમચંદને પણ નહોતી!

 સાંજે ચાર વાગ્યે હુકમચંદ એની ડેલીમાં બેસીને ચા પીતો હતો. એ વખતે એનો ખાસ ચમચો ચંદુ ચાર મિનાર એટલે કે આપણો ચંચો હુકમચંદના ઢોલિયા પાસે ઉભડક બેસીને ચાના સબડકા બોલાવી રહ્યો હતો. એક બે બીજા નવરીબજાર પણ રોજ સાંજે હુકમચંદની ડેલીમાં ચા પીવા પહોંચી જ જતા. 

"સર્પસ હોય તો હકમસંદ જેવા હોવા જોવે. દેશ માથે મોદી ને ગામ માથે હકમસંદના રાજ સે તાં લગી ઈની બેંહને દવ જલસા જ સે હો.

હું તો કવસુ હકમસંદ તમે હવે મોર્ય ડગલું ભરો. ચ્યાં લગી ગામમાં ને ગામમાં પડ્યા રેહો. હાવજ કાંય બોડમાં જ પડ્યો રેહે? ઈની બેંહને દવ ડણકું મારો અટલે આખો રાણપર તાલુકો તમારી હેઠે આવી જાય ઈમ સે. અતારના પરમુખમાં ઇની બેંહને દવ તાણીન વા સૂટ કરવાનોય વેંત નથી. બોલે તોય બકરી ઘોડ્યે બેં બેં થઈ જાય સે. ઈ હોદા ઉપર્ય તો હકમસંદ જેવો હાવજ ગરજતો હોય તો ઠેઠ ગાંધીનગર હુંધી ઈની બેંહને દવ..."

  ઓધા પોપટ પાંચેક વિઘા જમીન ખેડી ખાતો ખેડુ હતો પણ એનેય હુકમચંદની જેમ રાજકારણમાં જબરો રસ હતો. વાતવાતમાં એ 'ઈની બેંહને દવ.' એમ કહેતો. ગામડામાં આવા અમુક શબ્દો સાવ કારણ વગર બોલાતા હોય છે. એનો અર્થ તો નીકળતો જ હોય છે પણ આપણી વાર્તામાં 'ઇની બેંહને દવ..' નો અર્થ જાણવાની આપણે કંઈ જરૂર નથી.

આ ઓધો બપોરે એની ખડકીમાં ખાટલો નાંખીને સુઈ જતો. ચાર વાગે એટલે મોઢું ધોયા વગર જ હુકમસંદની ડેલીએ આવી જતો. ચંચો ચા લઈને આવે ત્યાં સુધી ઓધો ઈની બેંહને દઈને હુકમચંદને માખણ લગાવતો રહેતો. વખાણ તો ભાઈ કોને ન ગમે? હુકમચંદના દિલમાં પડેલી મહેચ્છાઓ ઓધો જાણી ગયો હતો. એ મહેચ્છાઓને પંપાળી પંપાળીને ઓધો હુકમચંદ નામના ઝાડનો છાંયો મેળવવામાં સફળ થયો હતો. પણ ઓધો ખાલી છાંયો પામીને તૃપ્ત થાય એમ નહોતો. હુકમચંદ આગળ વધે તો એની પાછળ પાછળ એને પણ ચાલવુ હતું. ઓધો હુકમચંદની પેનલમાં જ ગ્રામ પંચાયતના સભ્ય  તરીકે ચૂંટાયો હતો. ચંચો પણ હુકમચંદની મહેરબાનીથી જ  પંચાયતનો પટ્ટાવાળો બન્યો હતો . હુકમચંદે આવા ચમચાઓને તૈયાર કર્યા હતા. જે રોજ આવીને ગામના સમાચાર આપતા અને વખાણ કરી કરીને દિલમાં જલતી મહત્વકાંક્ષાઓની આગને ફૂંક મારતા રહેતા.

ઓધાએ હુકમચંદને રાણપુરના રાજવી તરીકે ગર્જના કરવાની વાત કરી એટલે હુકમચંદના ચહેરા પર ખુશીની લહેરખી ફરી વળી. મૂછ પર હાથ નાંખીને એણે ઓઘા સામે જોયું.

"ઓધા.. રાણપુર તો ઠીક હવે. મારું નિશાન ઊંચું છે સમજ્યો? હું જ્યાં ને ત્યાં પોચકા પડનારું જનાવર નથી. આપણે બેહવી અટલે ઢગલો જ કરવી હમજ્યો?" 

"મને ચ્યાં ખબર્ય નથી. પણ કાંક એવું કરો ને કે તમારું નામ સાપામાં આવે. તાલુકામાં તમે જાણીતા થાવ તો ઈની બેંહને દવ મેળ પડી જાય." કહી ઓધો હસ્યો.

"આજ તો બોપોરે ભારે તિખલ થિયું. કે સે કે ઓલ્યા ટેમુડાનો કોક ભયબન મોટો સાસ્તરી સે. ને ઈ આપડા ગામમાં આયોસ. ટેમુડો ઈને લયન હબલાની દુકાને જ્યો'તો તે હબલાનું કપાળ જોયન ઈ સાસ્તરી બોલ્યા સે કે લખમણિયા ભૂતનો પડસાયો હબલા માથે ઝળુંબે સે. પસી ગામના ઘણા માણહ ટેમુડાની દુકાને તંબે થિયા'તા. હાંજે ઈ સાસ્તરી સભા કરવાના સે. ઈમાં જેને જે પુંસવું હોય ઈના જબાપ દેવાના સે." ચંચાએ માહિતી આપીને ચાનો સબડકો બોલાવ્યો.

હુકમચંદ ચંચાની વાત સાંભળીને ચમક્યો પછી તરત હસી પડ્યો.

"ભૂંડા ટેમુડો ગામને ઉઠાં ભણવતો હશે. ઈનો ભાઈબંધ તો એક જ છે. ભાભાનો બાબલો! પણ ઈતો ભાભાને હેઠું જોવડાવીને કાશીએ ભણવા ગયો છે. ચ્યાંક ઈ બાબલો જ શાસ્ત્રી બનીને નથી આવ્યો ને? ઈની સિવાય લખમણિયા ભૂતની કોને ખબર્ય હોય? લખમણિયો ભૂત હકીકતમાં હતો જ ક્યાં? ઈતો પોચા માસ્તરે ગામને ધંધે લગાડ્યું હતું.''

"પણ બાબલાને તો બધા ઓળખે નય? હબલો તો તરત ઓળખી નો જાય? આ સાસ્તરી તો દાઢીવાળા હતા ને ધોળા લૂગડાં પેર્યા હતા એવું હાંભળ્યુ સે." ચંચાએ કહ્યું.

"તો જા તું ટેમુડાને બોલાવી લાવ્ય. કેજે કે સર્પસ બોલાવે છે ખાસ કામ છે." હુકમચંદે કહ્યું.

"ઈ નવરીનો ઈમ આવશે નય. સતાં તમે કો સો તો જાવ. સાસ્તરી ઈના ઘરે હોય તો દરસન કરતો આવું. સનામાના એક ફોટોય પાડતો આવું. પસી સાંજે સભા ભરવાના સે કે  નય ઈ શોતે પાકું કરતો આવું.'' કહીને ચંચો ઉઠ્યો.

"લે હુંય તારી હાર્યે આવું. ઈની બેંહને દવ મારેય થોડુંક પુંસવું સે." કહીને ઓધો પણ ચંચા સાથે જવા લાગ્યો.

*

 તખુભા બપોરની વામકુક્ષી કરીને ડેલીમાં બેઠા હતા. જાદવો પાંચ વાગે એટલે આવી જતો. ભીમો અને ખીમો પણ આવીને બેસતા. તભાભાભા પણ સાંજની ચા તખુભાની ડેલીએ જ પીતા. રોજની જેમ જાદવો આવ્યો પણ આજ એના મોં પર ગુસ્સો હતો. એ જોઈ તખુભાએ હસીને કહ્યું, "કેમ જાદવ, આજ ઘરે કાંય ડખો કરીને આવ્યો છો કે શું? જડી વહુએ ખાવા નથી દીધું? મોઢા ઉપર્ય કેમ ફ્યુઝ ઉડી ગયો છે?"

"બાપુ ડખો મારા ઘરે નથી થ્યો. ગામમાં હવે થાવાનો સે." કહી જાદવો ચા બનાવવા ઢાળીયામાં ગયો.

"ગામમાં હવે શેનો ડખો થાય ભૂંડા. તું આજ ડુંગળી લહણ ખાયને આવ્યો લાગે છે. નો સદતું હોય તો નો ખાવું ભૂંડા.." તખુભા ફરી હસી પડ્યા.

"ઈમ તમે દાંતમાં કાઢી નો નાંખો. પેલા હું સા બનાવી લાવું પસી વાત કરું." કહીને જાદવો ચા બનાવવા ઢાળીયામાં ગયો. 

તખુભાના ઢાળીયામાં ચુલો હતો. ચા ખાંડના ડબલા અને વાસણો પણ ત્યાં જ પડ્યા રહેતા. રસોડામાં ફ્રીજ હતું એમાં દૂધની તપેલી પણ ભરેલી જ રહેતી. તખુભાના દીકરાવહુ ઘરે જ રહેતા હોવા છતાં ડેલીમાં થતા ડાયરા માટે ચા તો જાદવો જ બનાવતો. જાદવો આવે એટલે ફ્રીજમાંથી દૂધની તપેલી દીકરાવહુ આપી જતાં.

જાદવો પોતે પણ ચાની સાથે જ ઉકળી રહ્યો હતો. બપોરે બાબલાને વેશ બદલતો નજરોનજર જોયો હતો તો પણ એ માનવાને બદલે મારવા માંડ્યો. તભોડોસો અમથે અમથો આ નપાવટ બાબલાને ભગવાનનો અવતાર ગણી રહ્યો હતો. જાદવાથી હવે બાબલો સહન થતો નહોતો.

 જાદવો ચા ઉકાળતો હતો એ જ વખતે તભાભાભા આવીને તખુભાના સામેના ખાટલે બેઠા. એમની નજર ઢાળીયામાં ગઈ, જાદવાને ચા બનાવતો જોઈ તેઓ હસ્યાં,

"અલ્યા જાદવ, ચા જરા કડક બનાવજે આજ. શું છે કે તને ચિતભ્રમ થયું છે ને! સાલાઓ નકરી ડુંગળી જ દાબે છે. પછી પેટમાં વાયુ થાય ને એ વાયુ ક્યારેક મગજમાં ચડી જાય તો ન દેખાવાનું દેખાય!"

કહીને ભાભા તખુભા સામે જોઈ બોલ્યા, "તખુભા આજે મારો પુત્ર કે જે સાક્ષાત સત્યનારાયણદેવનો અવતાર છે એ કાશીએથી ભણીને આવી ગયો છે. ખરેખર તો ગામે એનું સામૈયું કરવું જોવે. વાજતે ગાજતે એનું સ્વાગત કરવું જોવે. આ ગામને એક મહાન શાસ્ત્રી મળ્યો છે. મારો બાબાશંકર મહાન પંડિત થયો છે. વેદો ને ઉપનિષદો એણે કંઠસ્થ કર્યા છે. શાસ્ત્રોનો ગહન અભ્યાસ એણે પરિપૂર્ણ કર્યા છે. આવા શાસ્ત્રીની પદરજ અતિ પવિત્ર ગણવામાં આવી છે. પૃથ્વી પર જ્યાં જ્યાં આવા શાસ્ત્રીઓ પાક્યા છે એ સ્થાને દેવોનો વાસ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અતિ પવિત્ર એવા મારા પુત્ર શાસ્ત્રી બાબા શંકરના આગમનને તમે અનેરું બનાવશો તો સપ્તજન્મકૃતમ્ પાપમ્ વિનશ્યતમ્" 

 તભાભાભાની વાત સાંભળીને તકીયને ટેકે બેઠેક તખુભા ટટ્ટાર થયા.

એ જોઈ તભાભાભાએ ઝભ્ભાના ખિસ્સામાંથી તમાકુની ડબલી કાઢી.

"બવ સારું કર્યું બાબાએ, ભાભા. મેં આવું ધાર્યું નો'તું. તમારો અપલખણો ને વાંદરાની સળી કરે એવો બાબો ભણ્યો ઈ બવ સારું કર્યું. શાસ્ત્રી બાસ્ત્રી તો ઠીક છે, ભાભા પણ ગામનું કામ રડે એવું કરે તોય ઘણું. તમે હવે ખાઈ પી રહ્યા છો તો તમારી જગ્યા હંભાળી લે તો તમારે પાછલી અવસ્થામાં ઉપાધિ નહિ." 

 તભાભાભાને તખુભાના આવા જવાબની અપેક્ષા નહોતી. તમાકુની ડબલીમાંથી એમણે હાથેળીમાં કાઢેલી તમાકું ઢોળી નાંખી. ક્રોધથી એમની આંખો લાલ થઈ ગઈ.

"તખુભા તમે સાવ આવો જવાબ દેશો એની મને ખબર નહોતી. નહિતર હું બાબાના સામૈયું કરવાની તક તમને ન આપત. ગામમાં બીજા ઘણા ખમતીધર માણસો છે. પણ મને એમ થયું કે આ લાભ તો તમને જ દેવો પડે. પણ તમારા ભાગ્યમાં આ મહાપુણ્ય લખાયું જ નહીં હોય એટલે જ તમને કમતી સુજે છે અને આવા અતિ કટુવચન તમે મારા મહાન પુત્ર માટે ઓચરી રહ્યા છો. બાબાના જ્ઞાનનું તેજ તમે હજી જોયું નથી. તમે ઈશ્વરીય અંશ એવા શાસ્ત્રી બાબાશંકરને વાંદરાની સળી કરનારો અને અપલખણો કહ્યો. ઘોર પાતકના તમે અધિકારી બન્યા." કહી ભાભા ઊભા થઈ ગયા.

"તખુભાએ બરોબર કીધું સે. ઈ બાબલો હજાર વખત અપલખણો સે. ખાલી વાંદરાની હળી કરનારો નય પોતે જ એક વાંદરૂ સે વાંદરૂ. ઈ કાસીએ જઈને ભણ્યો જ નય હોય. આળવીતરું સે એટલે હંખણુ નો રિયું હોય. આવતાવેંત વરતાણું સે ભાભા. તમારો બાબલો લોંકડીનો અવતાર મુવો સે. પણ તમારી આંખ્યું જ ઉઘડતી નથી. ધરુતરાશ જિમ દૂરયોધનના પૂતરપરેમમાં આંધળો હતો ઈમ તમેય આંધળા જ સવો."

ચાની કિટલી અને રકાબીઓ લઈને આવેલા જાદવાએ ભાભાના અંતરમાં પ્રગટેલી આગમાં ઘી રેડયું. એ જોઈ તખુભા ખડખડ હસી પડ્યા.

તભાભાભાની ચોટલી ઊભી થઈ ગઈ. ક્રોધથી ધ્રુઝતાં ધ્રુઝતાં એમણે જાદવાને બાળીને ભષ્મ કરી નાંખતી નજરે જોયો.

"નીચ જાદવા..તારી જેવા અલ્પમતિ સાથે હું જીભાજોડી કરવા નથી માંગતો. દુષ્ટ તેં તારા નીચ અને અધમ કૃત્યોથી તખુભાને અભડાવી નાખ્યા છે. તારી જેવા હલકટ ક્યારેય બાબાની મહત્તાને સમજી ન શકે. જેમ ઘુવડને સૂર્યના તેજની ખબર નથી હોતી..ભૂંડને સ્વચ્છતા શું કહેવાય એની ભાન નથી હોતી અને બાવળના ઠુંઠા પર બેસીને ઘુઘુ ક ઘુ કરતા હોલાને આમ્રકુંજની કલ્પના પણ નથી હોતી એમ હે નીચ જાદવા તું બાબાની ચરણરજને પણ લાયક નથી. દુષ્ટ તું અને તારા સંગે મતિ ગુમાવી બેઠેલો આ તખુ સાત જન્મો સુધી અતિ પીડાના અધિકારી થશો. આ એક પિતાનો, અપમાનિત થયેલ બ્રાહ્મણનો શ્રાપ છે જે કદી મિથ્યા નહિ થાય." કહી ભાભા તખુભાની ડેલીમાંથી ચાલતા થયા. 

ભાભાના કટુવચનોથી તખુભા વ્યથિત થઈ ગયા. ચા પીવાનો મુડ સાવ બગડી ગયો. ભાભાએ કંઈ પહેલીવાર શ્રાપ નહોતો આપ્યો. ગમે ત્યારે એમને ન ગમે એવી વાત બને કે તરત ભાભા શ્રાપ વરસાવી દેતા. પણ હજી સુધી કોઈ બળીને ભષ્મ થયું નહોતું. છતાં તખુભાને ભાભાની લાગણી દુભવવી ગમતી નહોતી.

"જાદવા...તારે આ બામણ હાર્યે બાપે માર્યા વેર છે? કાયમ શીદને ઈમને ખીજવ્યા કરછ! ક્યારેક ઈમના વેણ સાચા પડશે તો હેરાન થઈ જાશું.." તખુભાએ બીડી સળગાવતા કહ્યું.

'બાપુ હું કાંય ખીજવતો નથી. આજ જી બન્યું સે ઈ લ્યો કવ તમને. પેલા સા પી લ્યો.." કહી જાદવાએ ચાની રકાબી છલોછલ ભરીને તખુભાને આપી. 

 તખુભા ચાના સબડકા બોલાવવા લાગ્યા એટલે જાદવાએ બપોરે જે બન્યું હતું એ કહી સંભળાવ્યું. પછી કહે, "તમે જ કયો તખુભા, બાબલાને વેહ બદલવાની શું જરૂર હશે? નક્કી કાંક ભવાડો કરવાનો સે. તોય આ ડોહો ઈને ભગવાનનો અવતાર કેય સે ઈ મારથી સહન નથ થાતું. આનું કાંક કરવું જોશે."

"આ પેલા તું ઈનું કાંક કરવા જ્યો'તો ઈ વખતે તમને ચાર જણને એકલા હાથે બાબાએ ઢીબ્યા'તા ઈ ભૂલી ગ્યો? બવ તાકાતવાન છે ઈ બાબલો, અટલે ઈની હળી કરવાની રહેવા દે. ને જેમ થતું હોય ઈમ થાવા દે ને ભૂંડા. આજેય માર ખાઈને આવ્યો ને?"

"પણ તમે કાંય નો કરી હકો? તમારી નજર હામે ગામને ઉઠાં ભણાવવા દેશો? હંધુય જાણો સો તોય મૂંગા રેશો?" જાદવાએ નિરાશ થઈને કહ્યું.

''ઠીક છે જાદવ, જોવી તો ખરા કે બાબો શું ખેલ કરે છે! પછી વાત."

 

 જાદવાને એમ હતું કે તખુભા બાબલાને બોલાવીને બપોરે જે થયું હતું એની ચોખવટ કરશે. પણ તખુભાએ સાવ ઠંડો પ્રતિસાદ આપ્યો. વળી ભાભા ખરા સમયે આવીને રાડો પાડી ગયા. વધેલી ચા તપેલીમાંથી કિતલીમાં નાંખીને જાદવાએ ચૂલાના ભઠ્ઠામાં કિતલી મૂકી દીધી.

 થોડીવાર બેસીને જાદવો ઘરે આવ્યો. આજ એના મન પર બાબો હાવી થઈ ગયો હતો. બાબાને ગમેતેમ કરીને પાઠ ભણાવવો હતો. તખુભાએ બાબાના કેસમાં ઢીલું નાડ્યું એ જાદવાને ગમ્યું નહિ. 

'હકમસંદ વગર્ય નકામું. તખુભા હવે ઘયડા થય જ્યાં સે. બાબલાના ડબલા ડુલ કરી હકે એવો એક જ માણહ સે..હકમસંદ.' 

જાદવો બીડી ચૂસતા વિચારતો હતો. એ વખતે એના ડેલાની સાંકળ ખખડી. જડીએ જઈને બારી ખોલી તો બાબો બહાર ઊભો હતો!

(ક્રમશઃ)