Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 18

Featured Books
Categories
Share

સોલમેટસ - 18

આગળના ભાગમાં તમે જોયું કે આરવ રુશીને મળવા ગયો હતો અને મનન અદિતિની ડાયરી વાંચી રહ્યો હતો ત્યાંજ આરવનો ફોન આવે છે અને મનનને ફટાફટ નીચે આવવા કહે છે.
મનન નીચે આવ્યો એટલામાં જ આરવ પણ એના ઘર પાસે આવી ગયો હતો. દુરથી આવતો જોઇને મનનને લાગ્યુ કે કાઈક બન્યું જરૂર છે એટલે આટલો ટેન્શનમાં દેખાય છે.
જેવો આરવ આવ્યો એવો એણે મનનને બેસવા કહ્યું. મનન પણ પરિસ્થિતિ સમજીને કાઈપણ પૂછ્યા વગર એની પાછળ બેસી ગયો.
આજે આરવ બાઈક થોડું ઝડપી ચલાવી રહ્યો હતો. મનનને લાગ્યું કે આ બરાબર ટાઈમ નથી પૂછવા માટે. નક્કી એ કાઈક બતાવવાજ મને લઇ જાય છે. ત્યાં જઈને ખબર પડે શું છે એ.
થોડીવારમાં બંને સિવિલ પહોંચી ગયા. આરવે મનનને ગેટ પાસે ઉતારી અને બાઈક પાર્કિંગ કરવા ગયો. પાર્કિંગ કરી અને બંને જણા હોસ્પીટલમાં દાખલ થયા.
હોસ્પિટલમાં ચારે તરફ કોલાહલ હતો. એકબાજુ વેઈટીગ એરિયામાં ચિક્કાર ભીડ હતી. કેસ એન્ટ્રી કરવાવાળી લાંબી લાઈન લાગી હતી. ત્યાં મુકેલા ટીવીમાં કેસની વિગતો મુકાતી હતી એટલે દર્દીઓને તેમના વારાની ખબર પડે. અત્યારે યુઝ થતી આધુનિક ટેકનોલોજીના કારણે આટલી ભીડ પણ વ્યવ્થીત રીતે પોતપોતાનું કામ કરી રહી હતી. આટલી ભીડ વચ્ચે પણ ત્યાં થોડી શાંતિ વર્તાતી હતી.
આરવ મનનને ફટાફટ આઈ.સી.યુ. વોર્ડ તરફ લઇ ગયો. ત્યાં દર્દી સિવાય કોઈને એન્ટ્રી ણા હોવાથી એક વેઈટીગ રૂમ અલગથી બનાવવામાં આવ્યો હતો જેથી દર્દી સાથે રોકાયેલા સ્નેહીજનો ત્યાં રોકાઈ શકે. વેઈટીગ એરિયા ખાસ્સો મોટો હતો. લાઈનબદ્ધ મુકેલી ખુરશીઓ અને સામે મુકેલું એક વિશાળ ટીવીમાં ત્યાં રહેલી નર્સ વારેઘડીએ ચેનલ બદલાવી રહી હતી.
મનન હજુ પણ આરવ અહિયાં કેમ લઇ આવ્યો એ વિચારી રહ્યો હતો. છેવટે આરવે મનનને ત્યાં ખુણાની એક ચેર પર એક છોકરી તરફ આંખથી ઈશારો કર્યો. મનને તે તરફ જોયું અને દુરથી જોતા થોડી જાડી, શ્યામ પણ દેખાવે નમણી એક છોકરી બેઠેલી જોઈ. તેણે હાથમાં ફાઈલ પકડી રાખી હતી અને ટેન્શનમાં ઉચીનીચી થતી હતી. હજુ મનનને સમજાતું નહોતું કે આરવ એને અહી આ છોકરી બતાવવા શું કામ લઈને આવ્યો હશે. એક નર્સ એ છોકરી પાસે આવી અને કાઈક કહ્યું અને પેલી છોકરી પણ ત્યાંથી ઉભી થઈને એની પાછળ ગઈ.
મનનની ધીરજ ખૂટતા એણે એ છોકરીની પાછળ જતા આરવને ઉભો રાખીને પૂછ્યું, “શું છે આ બધું યાર? તું મને અહીયા કેમ લઈને આવ્યો? પેલી છોકરી કોણ હતી? અને...અને તું તો રુશીને મળવા ગયો હતોને? શું થયું તેનું?” મનને એકસાથે પ્રશ્નો પૂછી નાખ્યા.
“અમમ...હા...હું રુશીને મળવાજ ગયો હતો. એ થોડી મોડી આવી અમે નક્કી કર્યું એના કરતા અને...” જાણે સામે જ એ બધું એ જોઈ રહ્યો હોય એમ, “અને એ આવી ત્યારે એ ટેન્શનમાં હતી...મેં...એને પૂછ્યું પણ ખરા પણ...પણ એ બસ એવું જ કહેતી રઈ કે મેં અદીને નથી મારી... અને હજુ હું એને બેસાડવા જ જતો હતો ત્યાં જ એના પર કોઈનો ફોન આવ્યો અને ઉતાવળમાં જતી રઈ.” આરવ આટલું એકીશ્વાસે બોલી ગયો પછી ફરી મનન સામે જોઈ અને બોલ્યો, “મને ખબર નઈ કેમ એને જોઇને લાગ્યું કે એ કાઈક તકલીફમાં છે એટલે હું એને હજુ કાઈક પુછુ એ પહેલાતો એ જતી રઈ. હું..હું એની પાછળ ગયો તો એ સિવિલ તરફ આવી અને એકટીવા પાર્ક કરીને આઈ.સી.યુ બાજુ વળી.”
મનને આરવના ખભા પર હાથ મુક્યો, “હોઈ શકે એના નજીકના ફેમીલીમાંથી કોઈ હોય” થોડું વિચારતા મનને આરવને કહ્યું.
“ના..એવું તો અશક્ય છે યાર...” આરવ મનન સામે જોઈ રહ્યો.
હજુ મનનના મનમાં પ્રશ્ન ઉદ્ભવે ત્યાંજ ફરી આરવ બોલ્યો, “રુશી તો અ...અનાથ છે. એ નાનપણથી એના કાકાને ત્યાં રહેતી અને પછી એ લોકો પણ યુ.એસ. શિફ્ટ થઇ ગયા એટલે એ આમ રૂમ રાખીને જ રહે છે.” થોડું અટકીને આરવ ફરી બોલ્યો, “એનું પોતાનું કહી શકાય એવું તો કોઈ નથી. ધવલ છે એ તો જેલમાં છે અને અદી...” એનાથી વાક્ય પૂરું ના થઇ શક્યું. એની આંખમાં ફરી આંસુના લીધે ઝાંખપ આવી ગઈ. આંખની કિનારી પર હાથ મૂકી અને એણે એના આંસુ લુછી લીધા અને ફરી સ્વસ્થ થતા બોલ્યો, “એ તકલીફમાં છે મનન. એને હું મારી બહેન પણ માનતો...એ દોષી છે કે નઈ એ તો મને નથી ખબર પણ અત્યારે એ તકલીફમાં છે... મારે એની પાસે જવું જોઈએ.”
મનનને પણ આરવની વાત સાચી લાગતા બંને વેઈટીગ રૂમમાં બેઠા બેઠા રુશી આવે એની રાહ જોઈ રહ્યા.
લગભગ અડધો કલાક જેવું બેઠા હશે ત્યાં રુશી વેઈટીગ રૂમમાં આવી. આરવને જોઇને એ રડું રડું થઇ ગઈ અને દોડીને આરવની પાસે આવી અને એને હગ કરી લીધું અને રડવા માંડી.
“આ..ર...વ... મેં ...મેં... કઈ નથી કર્યું...તું...તું...તને સાચે લાગે છે...મેં...મેં એની સાથે...આવું કર્યું હોય? હે?” રુશી રડતા રડતા અટકી અટકીને બોલી રહી હતી.
આરવે એને રડવા દીધી. પોલીસસ્ટેશનમાં જયારે એસપી ઝાલાએ રુશીનું નામ લીધું ત્યારે પણ એને વિશ્વાસ નહોતો આવતો પણ પછી સેક્ટર-૨૮માં જે દિવસે એ રુશી અને ધવલને મળ્યો ત્યારે એના ગયા પછી જે વાત થઇ એના આધારે એને એસપી ઝાલાની વાત પર વિશ્વાસ કરવો પડ્યો હતો. છતાય એના હ્રદયે આ વાતનો ધરાર અસ્વીકાર કર્યો હતો. એના બે રીઝન હતા. એક તો રુશી અદિતિની ખાસ ફ્રેન્ડ હતી અને આરવે એને બહેન પણ ગણી હતી. એનું ધવલ અને આ બંને સિવાય પોતાનું કઈ શકાય એવું લગભગ કોઈ નહોતું. અને બીજું કે એ કોઈનું ખરાબ કરી શકે, વિચારી પણ શકે એવી નહોતી. એ જે હોઈ એ મોઢા પર બોલી દેતી પણ કોઈનું ખરાબ એણે ક્યારેય ઈચ્છ્યું નહોતું.
રુશી ખાસ્સી વાર સુધી રડતી રહી. આરવે એને રડવા દીધી. થોડીવાર પછી જયારે રુશી રડતી શાંત થઇ એટલે આરવે એને ચેર પર બેસાડી. ત્યાં ઉભેલા મનને વેઈટીગ એરિયામાં રાખેલા પાણીના જગમાંથી પાણી લાવી અને રુશીને આપ્યું. પાણી પીધા પછી રુશીના ડુસકા બંધ થયા અને એણે આર્વનો હાથ પકડી અને બોલવાનું શરુ કરી દીધું.
ત્યાં બેઠેલા બધા લોકોની નજર આ રુશી અને આરવ પર હતી પણ એ બંનેને અત્યારે એ કોઈની પડી નહોતી. આરવ ચેર પર બેસેલી રુશીના સામે નીચે ગોઠણ પર બેઠો અને એનો હાથ હાથમાં લઈને રુશીને બોલવા દીધી.
“આ..રવ.. મેં..મેં..સાચે..અદિતિ...આપણી...અદીને..કશું...નહિ કર્યું...તું...તું...વિશ્વાસ કર મારો...” રુશી આરવની આંખમાં આંખ નાખીને બોલતી રહી, “ધવલ...ધવલે પણ...કશું નહિ કર્યું...ઉલટાનું એ...એતો...અ...” આટલું બોલ્તાજ એ ચુપ થઇ ગઈ અને ફરી નીચું જોઈ ગઈ.
“બોલ...બોલ રુશી, તું અને ધવલ નિર્દોષ છે તો અદિતિ...અદિતિ સાથે આવું કોને કર્યું?” પછી રુશીના ફેસને ઉચું કરી અને આંખમાં આંખ નાખીને એને પૂછ્યું, “તને? તને ખબર છે ને કોણ છે આ પાછળ?”
રુશી ફરી નીચું જોઈ ગઈ. “આરવે બંને હાથ એના ખભા પર રાખી અને એને હલબલાવી દીધી અને એટલા મોટેથી બોલ્યો કે આજુબાજુ બેસેલા લોકોનું ધ્યાન ફરી એ બંને તરફ ગયું. “બોલ રુશી, કોણ છે મારી અદી... કોણ છે જેણે મારી અદીને મારાથી છીનવી લીધી?”
રુશી કાઈ જ બોલી ના શકી. એ ફક્ત આરવ સામે જોઈ રહી. એની આંખમાંથી આંસુ ટપ ટપ પડવા માંડ્યા.
“હેલ્લો, અહી અવાજ કરવાની મનાઈ છે. તમારે જે વાત કરવી હોઈ એ બહાર જઈને કરો” નર્સ ત્યાંથી પસાર થતી એ બંનેને ઠપકો આપતી ગઈ.
“ચલ, તું બહાર ચલ, જે પણ હોઈ એ મને સાચેસાચું કહી દે રુશી. હું...હું...તારો ભાઈ છું ને? હે? પ્લીઝ મને કઈદે રુશી બધું પ્લીઝ...” આરવ રુશીનો હાથ પકડી ઉભા થઇ અને એને લઇ જવા ખેચ્યો.
રુશી ત્યાં જ બેસી રહી. એણે ફક્ત માથું નકારમાં હલાવ્યું. “હું અહીંથી ક્યાય નઈ જઈ શકું, તું મને દોષી માની શકે છે આરવ. પણ અત્યારે તું અહીંથી જા. મારાથી નહિ અવાય. મારી અહિયાં જરૂર છે.”
ત્યાં જ એક નર્સ આવી અને રુશીને એની સાથે આવા જણાવ્યું.
“અહિયાં કોણ છે રુશી આઈ.સી.યુ. માં? તું જે હશે એ કહીદેને. હું પ્રોમિસ કરું છું બસ કે તને કે અહિયાં જે પણ છે એને કશું જ નહિ થવા દવ. હું તારી સાથે જ રહીશ બસ. પ્લીઝ મને તું કે યાર.” આરવ આજીજી કરતો રહ્યો.
“તું જા આરવ. અહિયાં મારી જરૂર છે. તું જા.” રુશીએ કાઈ પણ ભાવ વગર આરવને કહી અને નર્સની પાછળ જતી રહી.
***
કોણ હશે આઈ.સી.યુ. માં? જેના માટે રુશી પોતાની ઉપર લાગેલા બધા આરોપો સ્વીકારવા તૈયાર હતી?