Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 19

Featured Books
Categories
Share

સોલમેટસ - 19

મનન અને આરવ સાંજે ઘ-૪ના ગાર્ડનમાં બેઠા હતા. મનન ઘણા ટાઈમ પછી આવી રીતે સુર્યાસ્ત નિહાળતો હતો અને એમાય ઘ-૪ ના ગાર્ડનની વાઈબજ કાઈક અલગ હતી એવું એ મહેસુસ કરી રહ્યો હતો. આજે આમેય મનન કંટાળી ગયો હતો. એકતો રાત્રે અદિતિની ડાયરીના લીધે મોડે સુધી જાગ્યો હતો. એમાય સાઈડલેમ્પ ના આછાં પ્રકાશમાં વાંચવાના લીધે એની આંખો પણ ભારે થઇ ગઈ હતી. ઉપરથી હોસ્પિટલનો દેકારો અને રુશીની આવી હાલત. બપોરે મોડું થતા બાર જ એ બંને એ હળવો નાસ્તો કર્યો હતો એટલે ગાર્ડનમાં આવતા પહેલા એ બંને ચા પીને જ આવ્યા હતા.
થોડીવાર આમતેમ નજર કરી અને એનું ધ્યાન આરવ પર પડ્યું. આમ તો એ જાણતો જ હતો કે આરવ અત્યારે રુશીના વિચારોમાં હશે. કોણ જાણે કેમ પણ પહેલી વાર રુશીને મળ્યો હોવા છતાં પણ એને રુશી માટે સહાનુભુતિ થઇ. મનમાં એ પણ એના વિષે જ વિચારી રહ્યો હતો કે રુશી આવું કામ ના જ કરી શકે.
થોડી મીનીટો એમ જ જવા દીધા પછી આખરે આરવ બોલ્યો, “ખબર છે મનન, આ અદીની ફેવરીટ જગ્યા હતી. જયારે પણ એને મારી સાથે રહેવું હોય ત્યારે એ મને અહિયાં જ લઈને આવતી. અને એમાય પાછો આ સુર્યાસ્ત અને આ જગ્યા. આ જગ્યાએથી સુર્યાસ્ત નિહાળવો એકદમ આહ્લાદક છે હે ને?”
મનનને એમ હતું કે રુશીને મળ્યા પછી આરવ રુશી વિષે જ વિચારતો હશે પણ આરવ જયારે આ જગ્યા વિષે બોલ્યો એટલે સમજી ગયો કે આ જગ્યા આરવ માટે કેટલી મહત્વની છે.
“તને ખબર છે? આ જગ્યા એ જ મેં એને પ્રોપોઝ કર્યું હતું. આ જગ્યાએ જ બેસીને અમે અમારું ફ્યુચર સાથે બેસીને જોયું હતું.” આરવ થોડું મલકાઈને બોલ્યો, “બધા કહેતા એ સાચી જ વાત છે. અમે અમારું ફ્યુચર સાથે બેસીને જોયું હતું પણ ક્યારેય એકબીજાને આઈ લવ યુ નહોતું કહ્યું....કદાચ..અમારે એ કહેવાની જરૂર પણ નહોતી પડી ક્યારેય.”
મનન બધું સાંભળતો રહ્યો. એ જાણતો હતો કે અત્યાર સુધી આરવ એકલો જ બધી પરિસ્થિતિથી લડતો આવ્યો છે. એના મનમાં અને હ્રદયમાં અદિતિ માટે જે ફીલિંગ્સ છે એ બહાર નીકળવી એટલી જ જરૂરી છે નહીતર એ ક્યારેય આ પરિસ્થિતિને સ્વીકારી નહિ શકે.
“એને.. સાવ ગાંડી હતી એ...એણે મને એ પણ કહી દીધું હતું કે એને તો એક સરસ નાની દીકરી જોઈએ છે. એકદમ ભૂરી આંખો અને ગોળમટોળ હસતો ચહેરો.” આટલું બોલતા આરવની આંખો ભીની થઇ ગઈ.
મનન આરવની વાતો સાંભળતો હતો. એ જોઈ રહ્યો કે અદિતિ જે ચહેરા વિષે વાતો કરતી હતી એ ચહેરો એકદમ આરવને મળતો આવતો હતો. ભૂરી આંખો અને ગોળમટોળ ચહેરો હતો આરવનો. અદિતિને એની દીકરી એકદમ આરવ જેવી જ જોતી હશે એવો મનનને ખ્યાલ આવી ગયો. એ કશું જ ના બોલ્યો.
“અને તને ખબર છે એને બાયોફાર્મા કંપની ખોલવી હતી મારી સાથે. અમે અમારું રીસર્ચ પણ પૂરું કરી દીધું છે એના માટેનું. પેટેન્ટ પણ રજીસ્ટ્રેશન કરાવી દીધી છે અમે. જગ્યા પણ નક્કી જ છે મારા પપ્પાની ગીફ્ટ સીટી આગળની જમીન. બધું જ નક્કી હતું મનન. અમે એના જોયેલા સપના પુરા કરી રહ્યા હતા. એટલે જ અમે ક્યારેય એકબીજાને અમારા પ્રેમ અંગે કોઈપણ ફીલિંગ શેર કરવાનું મનોમન નક્કી કરી લીધેલું જેથી અમારું ફોકસ ક્યારેય ના હટે. પણ.. હવે આ બધાનું હું શું કરીશ?” આરવ રીતસરનો રડી પડ્યો.
મનને આરવના પીઠ પર હાથ ફેરવ્યો. થોડું આરવ સ્વસ્થ થયો એટલે મનન બોલ્યો, “આરવ, મને ખબર નહોતી કે તું અદિતિને આટલો બધો પ્રેમ કરતો હઈશ. અત્યારના જમાનામાં આટલું કોણ પ્રેમ કરે યાર. ખરેખર અદિતિ નસીબવાળી હતી.”
“ના હું નસીબવાળો હતો મનન.” થોડું વિચારીને એ બોલ્યો, “એણે મને જેવો હું હતો એવો અપનાવી લીધેલો. ક્યારેય એણે મને એમ નહિ કીધું કે તું આમ કર,તેમ કર, આની સાથે બોલ, આની સાથે નહિ...હું જયારે બીજી છોકરીઓ જોડે વાત કરતો ત્યારે એ ગુસ્સે થવાનો દેખાવ કરતી પણ એણે મારી પર ટ્રસ્ટ હમેશા કર્યો.” ઉપર આકાશ તરફ નજર કરતા જાણે એ અદિતિને કહી રહ્યો હતો, “પણ એ મારી પર ટ્રસ્ટ ના કરી શકી. એ બધું એની ડાયરીમાં લખતી ગઈ પણ મને ના કહી શકી ક્યારેય.” થોડું એ હસ્યો, “અને કે પણ કઈ રીતે, જો કદાચ શેર કરત તો હું એણી વાતને સમજી પણ ના શક્યો હોત અને એને જજ કરીને સૂચનો આપતો રહેત.”
મનનને લાગ્યું કે આરવે અદિતિની ડાયરી વાંચી લીધી હશે. એટલે એ ચુપ જ રહ્યો.
“કેવું હે મનન, આપણને અમુક વસ્તુ ખુબ મોડી સમજાય છે. એટલી મોડી કે પછી આપણે એના વિષે કશું જ કરી શકતા નથી.” આરવ મનન સામે જોઈ બોલી રહ્યો હતો.
“દોસ્ત, જે થઇ ગયું એને તું ભૂલી જા. અદિતિ સાથે નથી પણ એની યાદો, એના ડ્રીમ્સ તો તારી સાથે જ છે ને. એના ડ્રીમ્સ તો હવે તારે જ પુરા કરવાના છે. ચલ ઉભો થા અને વળગી પડ એના સપનાઓ પાછળ. આવી રીતે રોદીયાની જેમ રઈશ તો આટલું બધું કામ કોણ કરશે?” આરવને ખભે હાથ મૂકી અને મનન એનું ધ્યાન બીજી તરફ વાળવા પ્રયત્ન કરતો હતો.
“હા યાર, હવે આજથી અદિતિનું ડ્રીમ એ મારું ડ્રીમ. તું જોજે એ જ્યાં પણ હશે ત્યાંથી એ ખુશ થશે કે એના આરવે એના ડ્રીમ્સ પુરા કર્યા છે.” આકાશ સામે જોતા આરવ બોલ્યો.
પાછુ મનન સામે જોતા એણે મનનને કહ્યું, “પણ, રુશી જે છુપાવે છે એ સત્ય તો હું જાણીને જ રહીશ. જેણે અદિતિ સાથે આવું કર્યું છે એને સજા તો મળશે જ.” ઉભો થઇ અને એ ગાર્ડનની બહાર નીકળવા ચાલતો થયો.
***
શું સત્ય હશે જે રુશી છુપાવી રહી છે?