Soulmates - 6 in Gujarati Short Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 6

Featured Books
Categories
Share

સોલમેટસ - 6

એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ અને રુશીને દુરથી જુએ છે. આરવે રુશીનો હાથ પકડેલો હોય છે. એ જોઈ અને કોન્સ્ટેબલ અર્જુન અવાચક થઇ જાય છે અને વિચારી લે છે કે નક્કી આ બંને સાથે છે અને આ કેસમાં સંડોવાયેલા પણ છે.

એસપી ઝાલા એમને બોલાવેલા બીજા એક પોલીસકર્મી કે જે સાદા પહેરવેશમાં એમની પત્ની સાથે આવ્યા હતા એમને ઇશારાથી કાઈક સુચના આપે છે અને ત્યાંથી રવાના થાય છે.

ગાડીમાં બેસતાની સાથે જ કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને કહે છે, ‘સર, નક્કી આ કેસતો પેલા મધુકાન્તા જેવો થયો. એમના હસબંડ અને એમની બેસ્ટફ્રેન્ડ વચ્ચે લફરું હતું અને એટલે મધુકાન્તાબેનને રસ્તા માંથી હટાવવા માટે ઘરમાં ગેસના બાટલાને ચાલુ કરી ઘર સળગાવી મુક્યું જેથી મધુકાન્તાબેન રસ્તામાંથી હટી પણ જાય અને કોઈને શક પણ ના જાય.’

એસપી ઝાલા પણ એ કેસ જયારે ચાલતો હતો ત્યારે ગાંધીનગર ફરજ બજાવતા હતા એટલે એમને આ કેસ બરાબર યાદ હતો. આ કેસને સોલ્વ કરવાના લીધે એમને રાજકીય રીતે ઘણું પ્રેશર ભોગવ્યું હતું છતાં ન્યાય અપાવીને જ રહ્યા હતા.

‘આપડે આ કેસને કુદરતી મોતમાં ગણાવી અને ફાઈલ બંધ કરવાના જ હતા પણ તમે ખબર નઈ ક્યાંથી ખબર પડી અને પછી તો જે થયું એ તો એક ઈતિહાસ બની ગયો.’ કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને માખણ ચોપડી અને અદિતિના કેસની આજે ફોનમાં અને અત્યારે બધું શું ચાલી રહ્યું છે એ વાત કઢાવવા માંગતા હતા.

એસપી ઝાલા (હસીને)-‘એ દિવસે મને ત્યાના સિક્યોરીટીવાળા સાથે વાત કરતા ખબર પડી કે એમના હસબંડ એટલે કે મી.પટેલને મધુકાન્તાબેનની ખાસ મિત્ર સાથે અફેર છે અને બંને ક્યારેક મધુકાન્તાબેન ના હોય ત્યારે એમના બંગલામાં સાથે સમય પસાર કરતા.’ એ કેસને લગતી માહિતીને યાદ કરતા એસપી ઝાલા આગળ જણાવે છે કે, ‘મને ત્યારે થોડો ડાઉટ ગયો પણ મેં જયારે વધુ વાત જાણવાની ટ્રાય કરી ત્યારે મને જાણવા મળ્યું કે રોજ મી. પટેલ બપોરના ટાઈમે ઘરે નથી આવતા. જે દિવસે આ ઘટના બની ત્યારે એ ઘરે આવ્યા હતા અને એ પણ ૨:૩૦ વાગ્યે. એટલે મી. પટેલની વધુ જયારે પૂછપરછ કરી ત્યારે અસલી માહિતી સામે આવી.’

કોન્સ્ટેબલ અર્જુન-‘તો સર આ કેસમાં પણ એવું જ થયું ને કે આરવ અને રુશી સાથે હતા પણ અદિતિ એમના પ્રેમની વચ્ચે આવતી હશે એટલે આરવ અને રુશીએ આવો પ્લાન બનાવ્યો હશે. જેથી કોઈને શક પણ ના જાય.’

એસપી ઝાલા- ‘અચ્છા, તો મી.અર્જુન તો તમે જ મને જણાવો કે આમાં આવું જ હશે એવું તમને કેમ લાગે છે?’

કોન્સ્ટેબલ અર્જુન- ‘અરે સિમ્પલ સર. એ દિવસના સીસીટીવી ફૂટેજ પણ આપડે જોયા. એમાં તમે જોયું જ ને કે રુશી ૧૫ મિનીટ પહેલાજ રૂમમાં આવી હતી અને તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. એટલે નક્કી આમાં રુશીનો હાથ હશે જ. અને બીજું કે આપડે હમણાં ગાર્ડનમાં જોયું ને કેવા આરવ અને રુશી હાથ પકડીને બેઠા હતા! એટલે નક્કી થઇ જાય કે આરવ અને રુશી બંને સાથે છે અને એમણેજ અદિતિને રસ્તામાંથી કાઢી નાખવા માટે મેસેજ મોકલ્યો હોઈ.’

કોન્સ્ટેબલ અર્જુનની વાત સાંભળતાજ એસપી ઝાલા થોડા ગુસ્સામાં આવી જાય છે અને કોન્સ્ટેબલ અર્જુનને ખખડાવે છે,

એસપી ઝાલા- ‘અર્જુન, મેં હમણાજ તમને શીખવાડ્યું કે પરિસ્થિતિને જોઇને એક વત્તા એક એમ તાળો નઈ લગાવવાનો. તમે ત્યાં જોયું ને કે બીજું પણ કોઈ બેઠું હતું. મને શંકા એના ઉપર છે.’

***

કોણ હશે એ ત્રીજું માણસ અને એનો આ કેસ સાથે શું મતલબ હશે? એસપી ઝાલાને કેમ એની ઉપર શંકા છે?