Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 17

Featured Books
Categories
Share

સોલમેટસ - 17

મનન હજુ બેડ પર આરામથી ઊંઘી રહ્યો હતો. આરવ સવારમાં વહેલો ઉઠી, નાહીધોઈને તૈયાર થઇ ગયો હતો. એણે ઓલરેડી રુશી સાથે ફોન પર વાત કરી અને ‘કેફે કોફી ડે’માં ૧૦:૩૦ વાગ્યે મળવા બોલાવી હતી.
આરવ નાહીને આવી ગયો તો પણ મનન હજુ ઊઠવાનું નામ નહોતો લે’તો એટલે આરવે બાજુમાં પડેલા ઓશિકાનો મનનના ફેસ પર ઘા કર્યો. મનન પણ ઊંઘમાં હોવાથી ઓશીકું હાથમાં લઇ અને ઊંઘું ફરીને પાછો સુઈ ગયો.
આરવ મનનની આવી હરકતથી હસવા માંડ્યો અને દયા પણ આવી કે બિચારાને ઘણા ટાઈમ પછી સરખું સુવા મળ્યું લાગે છે બાકી કોમ્પીટીશનની તૈયારીમાં આ ભાઈ ઊંઘે એવા છે નહિ. છતાય મોડું થતું હોવાથી એણે ફરી મનનને જગાડવા પ્રયત્ન કર્યો.
“એ મનન, ઉઠને યાર. ઘડિયાળમાં જો ૮:૩૦ થવા આવ્યા. ઉઠ, રુશીને મળવા જવાનું છે.” એમ કહી અને મનનને આમથી તેમ હાથથી ઢંઢોળતો રહ્યો.
“યાર આરવ, સુવા દે ને હજુ. કેટલા ટાઈમે સુવા મળ્યું છે સરખું અને રુશીને તું જ મળી આવને, હું ત્યાં જઈને શું કરું?” મનન બીજી બાજુ સુવા માટે ફર્યો.
“પણ હું એકલો ત્યાં શું કરીશ? તું આયને તો હું થોડું સરખી રીતે વાત કરી શકીશ. મને નથી ખબર કે હું રુશીને જોઇને કેવું રીએક્ટ કરીશ? મારાથી વધુ બોલી ગયું તો એ છોકરીને?” આરવ વિચારતો વિચારતો બોલવા લાગ્યો.
“ચીલ બ્રો, તું એવું કાઈક નહિ કરે મને ખબર છે. અને જો હું આવીશ તો રુશી મને જોઇને તારી સાથે સરખી રીતે વાત નહિ કરી શકે.” મનન આરવને સમજાવી રહ્યો હતો.
થોડું વિચારીને આરવ બોલ્યો, “હમમ, એ વાત સાચી. મારે કોઈપણ જાતના નિર્ણય પર નથી આવી જવું કે રુશી સાચી કે ખોટી. મારે પહેલા એની વાત સાંભળવી છે પછી જોઈએ.” એમ બોલતો એ મનનની સામે જોઇને બોલ્યો, “તો તું શું કરીશ ત્યાં સુધી એકલો? કંટાળો નહિ આવે તને?”
“અમમ, હું વાંચીશને” મનન બબડ્યો.
“શું વાંચીશ?” આરવ મનન સામું જોઇને બોલ્યો.
સહેજ ભોઠો પડતા મનને વાત વાળી લીધી, “કાઈ નઈ મારી બુક્સ બીજું તો શું.” એમ કહી ખભા ઉલાળતો એ વોશરૂમ તરફ ગયો.
“સારું તો હું હમણાં નીકળું, તું નાસ્તો કરી લેજે તારી રીતે. મમ્મીએ મસ્ત આલુપરોઠા બનાવ્યા છે” એમ કહી ચાવી ફેરવતો નીચે જવા લાગ્યો.
“સારું છે હું આવ્યો બાકી આ ભાઈ દેવદાસ બનવાના મૂડમાં હતા.” એમ બબડતો એ વોશરૂમમાં ગયો.
નાસ્તો કરી અને સાઈડટેબલ પરથી અદિતિની ડાયરી લઇ રૂમમાં રાખેલા બીનબેગ પર બેઠો. આરવ સાથે પણ એ અદિતિની ડાયરી વાંચવા માટે ના ગયો પણ એવું સીધું ના કહેતા એણે રુશીનું બહાનું બનાવ્યું.
જ્યાંથી બાકી હતી ત્યાંથી એણે ડાયરી વાંચવાની શરૂઆત કરી.
૦૪/૦૮
જુનાગઢ આવી એને આજે ૩ દિવસ થઇ ગયા. આરવ પણ એના ઘરે જતો રહ્યો એટલે એના ફોન અને મેસેજીસ પણ ખુબ ઓછા થઇ ગયા. બાકી બાપા એ તો જીવવાજ નથી દેતો એટલા ફોન અને મેસેજીસ કરે છે. પણ સાચું કવને તો એનું આવું બાળક જેવું વર્તન મને ખુબ ગમે છે. ક્યારેક સવાર સવારમાં કોલેજમાં આવી અને મને વળગી પડશે. સાવ નાના બાળક જેવી જીદો કરશે. બે દિવસ પહેલા એવું કે’તોતો કે જલ્દી આય હવે કેટલું રે’વાનું જુનાગઢ. હજુ આવી એને એક જ દિવસ થયો હતો તો પણ! અત્યારે આવું કરે છે પછી શું કરશે આ! કોલેજમાં બધા એવું કહે છે કે અમે બંને પ્રેમમાં છીએ. અમને પણ ખબર છે કે અમે છીએ પણ શું પ્રેમનો ઈઝહાર કરીએ તો જ પ્રેમમાં છીએ એવું કહેવાય? અત્યારે આ ટાઈમ મારે એની સાથે મન ભરીને જીવી લેવો છે. અને બધા એવું બોલતા હોય છે કે પહેલા પ્રેમ કરતા છેલ્લો પ્રેમ ખુબ મહત્વનો હોય છે. કોઈનો છેલ્લો પ્રેમ બનવું એ ખુશનસીબીની વાત છે તો હું અને આરવ કેટલા નસીબવાળા છીએ કે અમારો પહેલો અને છેલ્લો પ્રેમ પણ એકબીજા માટે અમે બે જ છીએ.
જો હજુ લખતી’તી ત્યાં આરવનો ફોન આવ્યો. એ મારી વગર કેમ રેશે યાર. Love him…
૦૫/૦૮
કાલે હવે પાછુ ગાંધીનગર જવાનું. અત્યારે ફેસ્ટીવલ સીઝન હોવાથી બસ એય માંડ માંડ મળી છે. આરવ પણ કાલે નીકળવાનો છે એવું કેતો’તો. સારું એ હું પહોચું એ પહેલા પહોંચી જાય તો મને અમદાવાદથી લેવા તો આવી શકે. હવે આરવને મળવું છે મારે અને કહી દેવું છે કે નથી રેવા’તું એના વગર સેજ પણ.
૦૬/૦૮
ઓહ! માંડ હોસ્ટેલ પર આવી! થોડા દિવસોજ હવે મારે અહિયાં રહેવાનું છે બાકી અહીયાતો બધાતો હિટલર જેવા છે. આરવ ખબર નહિ ક્યાં હતો ફોન કે મેસેજના જવાબ પણ નથી આપતો. વાત છે કાલે એની.
આ દુનિયામાં કેટલા સારા માણસો હોઈ છે. હું જુનાગઢ જતી હતી ત્યારે પેલા કાકા આટલી મોટી ઉમર હતી તોઈ શેમલેસ હતા અને અત્યારે અમદાવાદથી ગાંધીનગર આવી તો લગભગ મારી જ એઇજ નો છોકરો કેટલો સારો કહેવાય કે એણે અને એની મમ્મીએ મને અહિયાં સુધી પહોચવામાં હેલ્પ કરી. એક તો રસ્તાના બસ ખોટવાય ગઈ એટલે ૬ વાગ્યાના બદલે બસે ૧૦ વાગ્યે અમદાવાદ પોચાડ્યા અને ત્યાંથી બીજી બસ પણ ના મળી. આટલી રાત્રે ઇકોમાં બેસવું પણ સેફ નહોતું લાગતું. આરવ પણ ફોન નહોતો ઉપાડતો. ત્યાં આ ભાઈ અને એની મમ્મીએ મને બેસવા કહ્યું. એ આન્ટીએ મને કહ્યું પણ ખરી કે ટેન્શન ના લઈશ જો તને હોસ્ટેલમાં એન્ટ્રી ના મળે તો તું અમને ફોન કરી દેજે, અમે ત્યાં જ હઈશું. તું આવી જજે મારી ઘરે અને મારી દીકરી જોડે સુઈ જજે અને કાલે સવારે અહિયાં પછી આવી જજે.
આ તો ભગવાનની દયા કે મને હોસ્ટેલમાં એન્ટ્રી મળી ગઈ પણ તોય આ લોકો કેવા સારા કહેવાય.
૦૭/૦૮
હુહ, આરવ તો જો, જાણે હું એ છોકરા સાથે ડેટ પર ગઈ હોવ એમ રીએક્ટ કરતો હતો. એક તો કોઈએ આટલી રાતે મને સેફ્લી ઘરે પહોચાડી એ અગત્યનું કહેવાય કે આ બધું વિચારવું. હુહ.
સાચું કવ તું મારી સોલમેટ છે. કેમકે મને જજ કાર્ય વગર મારી બધી વાતો સાંભળે છે. ક્યારેક મને એમ થઇ જાય છે કે આરવને બધું શેર કરું કે ના કરું? કેમકે એ મને તરત જજ કરી લે છે મારી સિચ્યુએશન જાણ્યા વગર. જયારે તું, મારી ડાયરી, તું મને સાંભળે છે કાઈ પણ જજ કર્યા વગર.
મનનને સમજાય ગયું આરવ કેમ એમ કહેતો હતો કે આરવ કરતા ડાયરી એની ‘સોલમેટ’ છે. હજુ એ આગળ વાંચવા જતો હતો ત્યાં આરવનો ફોન આવ્યો. જલ્દી તું નીચે આવ.
“હવે પાછું શું આવ્યું?” એમ બબડતા એ ડાયરી પાછી જગ્યાએ મૂકી અને નીચે ઉતાર્યો.
***
શું આરવ રુશીને મળી આવ્યો? એ કેમ આટલો જલ્દી પાછો આવી ગયો?