જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે આપણી આજ માં મળેલા સુખને માણી નથી શકતા.
આગળ તમે જોયું કે આરવ અદિતિની ડાયરી વાંચે છે. એમાં અદિતિએ જે રીતે એના ડ્રીમ પ્રોપોઝલનું વર્ણન કર્યું હતું એવી રીતે જ આરવે અદિતિને પ્રોપોઝ કર્યું હતું. એ રાત્રે મોડો સુતો હોવાથી સવારે એનાથી મોડું ઉઠાણું. ઉઠીને બાજુમાં મુકેલી ડાયરી હાથમાં લીધી અને ફરી એ અદિતિના વિચારોમાં ખોવાય ગયો.
આરવ એ દિવસને યાદ કરતો હતો જયારે એ અને અદિતિ થોળના તળાવમાં ફરવા માટે આવેલા. અદિતિની ખુબ ઈચ્છા હતી ત્યાં ફરવા જવાની એટલે અદિતિ અને આરવ એમના ૩-૪ મિત્રો સાથે ફરવા ગયા હતા. બધા ફોટોઝ ખેચવામાં બીઝી હતા જયારે અદિતિ અને આરવ તળાવ ના કિનારે બેઠા બેઠા આસપાસનું દ્રીશ્ય નિહાળી રહ્યા હતા. આસપાસનું વાતાવરણ એકદમ આહ્લાદક હતું. ઘટાદાર વૃક્ષો, પક્ષીઓનો કલરવ, ક્યાંક કોઈ બેસીને પુસ્તક વાંચી રહ્યું હતું, કોઈક પ્રકૃતિના સુંદર દ્રીશ્યોને કેમેરામાં કેદ કરી રહ્યું હતું. આ બધાથી થોડે દુર એક પાર્કમાં આવીને અદિતિ અને આરવ પાણી પીવા માટે આવ્યા.અને એક બેંચ પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. ત્યાંથી થોડે દુર એક કપલ એકબીજાના હાથમાં હાથ નાખી અને બેઠું હતું. આરવ સતત એ કપલને જોઈ રહ્યો હતો. અદિતિ એ નોટીસ કરતી હતી.
આરવને માથામાં ટપલી મારીને અદિતિ આરવને ખખડાવે છે, ’એ આરવ, શરમ કર. આ રીતે તું શું જુએ છે ક્યારનો.’
આરવ અદિતિનો હાથ પકડીને કહે છે, ’યાર સાચે મારી આવી ઈચ્છા છે આમ હાથમાં હાથ રાખી અને આમ હું બેસું. મારી ગમતી વ્યક્તિ મારી પાસે રે અને હું એની આમ લહેરાતી લટોને કાન પાછળ કરું અને એ શરમાય.’ એમ કરી અને એણે અદિતિની ઉડતી લટોને કાન પાછળ કરી.
અદિતિ શરમાયને હજુ કઈ કહેવા જાય ત્યાં આરવ મોઢું ફુલાવીને અદિતિને કહ્યું, ‘પણ યાર મારા આવા નસીબ ક્યાં! મારે તારી સાથે જ રેવાનું અને તું સાથે છે ત્યાં સુધી કોઈ છોકરી મારા નસીબમાં થોડી કે જેની સાથે હું પણ આમ રહી શકું.’
‘આરવિયા, મેં તને ક્યારે કીધું કે તું મારી જોડે જ રહે. સારું ચલ, તને એવું લાગતું હોઈ કે મારા લીધે કોઈ છોકરી તારી પાસે નથી આવતી તો તું રે એકલો. હું જાવ છું બીજા ફ્રેન્ડસ જોડે. અહિયાં ખોટી તારી પાસે બેઠી છું હું.’ આરવનો હાથ મુકીને અદિતિ ઉભી થઈને જવા જાય છે. ત્યાજ આરવ અદિતિનો હાથ પકડીને અદિતિને બેસાડે છે. અદિતિ હજુ ગુસ્સામાં હોઈ છે એ આરવ જોઈ રહે છે.
સિમ્પલ બ્લેક શોર્ટ કુર્તી અને બ્લુ જીન્સ, ઓક્સોડાઈઝના નાના ઈઅરિન્ગ અને કપાળે નાની બ્લેક બિંદી અદિતિના ચહેરાને વધુ સુંદર બનાવી રહી હતી. ગુસ્સામાં અદિતિનો ચહેરો એકદમ સુંદર લાગી રહ્યો હતો. આરવ બસ અદિતિના ચહેરાને જોઈ જ રહ્યો. અદિતિ હજુ ગુસ્સામાં જ હતી એટલે એણે ફરી આરવને કહ્યું, ‘આરવ, જો તું મારો બેસ્ટફ્રેન્ડ છે અને મારા માટે ખુબ મહત્વનો પણ. જો તને ક્યારેય એવું લાગ્યું હોઈ કે મારા લીધે તારી લાઈફમાં તકલીફ થઇ હોઈ તો હવેથી હું તારી સાથે ક્યારેય નઈ બોલું. તને તકલીફ પડે એવું હું જરાય નથી ઈચ્છતી. એટલે આજથી હવે હું તારી પાસે પણ નઈ આવું.’ આટલું બોલતા અદિતિની આંખમાંથી આંસુ આવવા માંડ્યા.
આરવે અદિતિના આંસુ લૂછ્યા અને પાણી આપ્યું. આરવે અદિતિને કહ્યું, ‘અદી, મારા માટે તું ખુબજ ઈમ્પોર્ટન્ટ છે. તું છે મારી સાથે તો મને કોઈની પણ જરૂર નથી. છોકરીઓ તો શું બીજા કોઈ ફ્રેન્ડની પણ નઈ.’ અદિતિને કોણી મારતા આરવે કહ્યું, ‘અને જો મારે કોઈ જી.એફ. જ જોઈતી હોઈ તો તું શું ખોટી છે.’
અદિતિ થોડી વાર આરવને જોઈ રહી અને પછી બાંકડા પરથી ઉભી થઈને જવા લાગી. જતા જતા એણે આરવને કહ્યું, ‘આરવ, તું મારા માટે ઘણો મહત્વનો છે પણ એનાથી વધુ મહત્વનું મારી માટે મારું કેરીઅર છે. આપણે હજુ ભણવાનું છે અને આગળ વધવાનું છે યાર. હજુ નઈ પડવું આપણે આમાં.’
આરવ પોતાની જગ્યા પરથી ઉભો થાય છે અને અદિતિના ખભ્ભા પર હાથ મુકે છે. ‘અદી, મને ખબર છે કે તારા સપના ખુબ ઊંચા છે અને હું એ સપના પુરા કરવા માટે હમેશા તારી સાથે જ ઉભો રહીશ. હજુ આપણે સાથે મળીને એક બાયોફાર્મા કંપની પણ ખોલવાની છે એટલે ત્યાં સુધીતો તું મારી બેસ્ટફ્રેન્ડ જ રહીશ.’
આરવ આ બધું યાદ કરી રહ્યો હતો ત્યાં જ એસપી ઝાલાનો ફોન આવ્યો અને એમણે આરવને ફટાફટ પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું.
***
એસપી ઝાલાએ આરવને પોલીસ સ્ટેશન કેમ બોલાવ્યો હશે? શું કોઈ માહિતી મળી હશે?