આસ્થાના મનમાં એના પપ્પા કેવા દેખાતા હશે એ કલ્પના ખૂબ જોર પકડી રહી હતી. અનેક ગણો અજંપો અને પપ્પાને મળવાનો ઉત્સાહ આસ્થાના ચહેરા પર વર્તાય રહ્યો હતો.
આસ્થા એના કલ્પનાની દુનિયામાં એના પપ્પાને કોઈક સુંદર હીરો સમાન જોઈ રહી હતી. મેન્ટલ હોસ્પિટલના ગેટની અંદર ગાડી પ્રવેશી અને આસ્થાની કલ્પના પર અચાનક એક બ્રેક લાગી, મમ્મી તરફ એણે નજર કરી પૂછ્યું, "આપણે અહીં કેમ આવ્યા? પપ્પા પાસે જવું હતું ને!!"
"હા બેટા! હું તને તારા પપ્પા પાસે જ લાવી છું."
આસ્થાનું મન હવે થોડું વ્યાકુળ થયું. "તારા પપ્પા કામ પર છે." એ શબ્દો યાદ આવતા ફરી એને થયું પપ્પા ડૉક્ટર હશે. છતાં મનનો મૂંઝારો હજુ યથાવત હતો એણે પૂછી જ લીધું "પપ્પા અહીં ડૉક્ટરની કાર્યવાહી કરે છે?"
"અરે મારી દીકરી! તું શાંત રહે તને તારા દરેક પ્રશ્નનો જવાબ હમણાં મળી જશે."
અનુરાધાએ આસ્થાને ઓફિસની બહાર બાકડા પર બેસાડી, પોતે અંદર ગિરિધરને મળવાની અનુમતિ લેવા ગયા. ગિરિધરની હાલત અત્યંત નાજુક હતી આથી વારંવાર જો અનુરાધા એની સામે આવે તો ગિરિધરને અપાઈ રહેલ ટ્રીટમેન્ટની અસર નહીવત સમાન થતી હતી. આથી અનુરાધાને ફક્ત મહિને એકવાર જ અહીં આવવાની છૂટ હતી, સમય મર્યાદા હજુ થઈ ન્હોતી આથી અનુરાધાએ ઓફિસમાં પહેલા મંજૂરી લેવી આવશ્યક હતી.
અનુરાધા ઓફિસમાં પ્રવેશીને મગનભાઈને નમસ્કાર કરતા બોલ્યા, " કેમ છો મગનભાઇ? હું માફી ચાહું છું કે, સમય મર્યાદા પહેલા જ હું ગિરિધરને મળવા આવી છું. તમે તો જાણો જ છો કે હું હંમેશા આપની સૂચનાને અનુસરતી આવી છું, પણ આજે મારે એમને મળવું આવશ્યક છે હું મારી સાથે આસ્થાને લાવી છું. જે મારા જીવનમાં કોઈક ઋણાનુબંધથી જ આવેલ છે. એ એના પપ્પાને મળવા ઈચ્છે છે. હું આશા રાખું કે આપ મારી પરિસ્થિતિ સમજીને મને સાથ આપશો."
અનુરાધાની વાત સાંભળી મગનભાઇના ચહેરા પર અનેક પ્રશ્નોના ભાવ છવાઈ રહ્યા, પણ ખૂબ સમજદાર અને પરિપક્વ એવા મગનભાઈએ પોતાના પ્રશ્ન દૂર હડસેલી માનવતા નિભાવતા અનુરાધાને કહ્યું, "આપ એને અવશ્ય મળી શકશો."
અનુરાધા એમનો આભાર માની ઓફિસમાંથી નીકળી ગયા. આસ્થાને પોતાની સાથે લઈને એ મુલાકાત માટેના રૂમમાં ગયા.
આસ્થા આ જગ્યાને ખૂબ વ્યાકુળ મને અવલોકન કરી રહી હતી. એક મોટો હોલ હતો, સામાન્ય જરૂરી ફર્નિચર સિવાય કંઇ જ ન્હોતું. રૂમમાં એકદમ નિરવ શાંતિ હતી. દસ મિનિટ પછી એક અસ્પષ્ટ અવાજ એના કાને સંભળાયો. એ અવાજ તરફ મીટ માંડી એ જોઈ રહી હતી. જેમ જેમ એ અવાજ નજીક આવી રહ્યો હતો એમ એમ આસ્થાના ધબકાર તેજ થઈ રહ્યા હતા. અનુરાધા આસ્થાના હાથને પોતાના બંને હાથમાં લઈને સાંત્વના આપી રહી હતી એનો પણ આસ્થાને ખ્યાલ નહોતો. એ અસ્પષ્ટ અવાજ હવે ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. એ શબ્દો કંઈક આવા હતા, "મને ધરારથી ન લઈ જાવ મારે નથી આવવું, મારે મારી અનુ માટે રાહ જોવી છે. એને કંઈ જ નહી થાય!" આ શબ્દોમાં પારાવાર વેદના અને તીવ્ર મિલનની આતુરતા આસ્થાને સોસરવી હૃદયે ઘા કરી ગઈ! ત્યાં જ રૂમમાં બે વ્યક્તિઓ કોઈક એક વ્યક્તિને પકડીને લઈને આવતા નજરે ચડ્યા! આસ્થા આ દૃશ્ય જોઈ એકદમ હેબતાઈ ગઈ, એ પોતાનો હાથ અનુરાધાના હાથમાંથી છોડાવી ઊભી જ થઈ ગઈ!
એ બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પકડીને લાવનાર વ્યક્તિ પોતાના પપ્પા જ છે, એ સમજતા આસ્થાને વાર ન લાગી. પપ્પા શબ્દનું સંબોધન એના ગળામાં જ અટવાઈ ગયું, એના ગળે ડૂમો ભરાઈ ગયો. આંખના આંસુ સાચવવા એ અસમર્થ રહી! એના પપ્પા વારંવાર પોતાની જ વાતનું જોરજોરથી રટણ કરી રહ્યા હતા અને એમને સાચવનાર વ્યક્તિથી પોતાને છોડાવવા હાથપગ હલાવી ધમપછાડા કરી રહ્યાં હતા. એમનો ચહેરો એકદમ દર્દથી પીડાયેલ દેખાઈ રહ્યો હતો, ચહેરા પર પોતાના જ હાથના નખથી થયેલા ઉઝરડાં, અસ્તવ્યસ્ત વાળ, લઘરવઘર કપડાં!!! પપ્પાની વાસ્તવિકતા એની કલ્પના કરતા ખૂબ જ અલગ હતી જે એના માટે સ્વીકારવી અસહ્ય હતી. એના મગજ પર ખૂબ ટ્રેસ થતા, એને ચક્કર આવવા લાગ્યા, એ પડી જ જાત જો અનુરાધાએ પોતાના હાથપર ઝીલી ન હોત! આસ્થા આ પરિસ્થિતિને સ્વીકારી ન શકી અને બેભાન થઈ ગઈ.
અનુરાધાએ એના ગાલ પર સહેજ થબથબાવ્યું પણ આસ્થા મૂર્છિત થઈ ચૂકી હતી. તેઓ મૂંઝાણા આસ્થાને સાચવે કે ગિરિધરની સામે જોવે! એમણે પોતાના પર્સમાં રહેલ પાણી આસ્થાના ચહેરા પર છાંટ્યું, આસ્થા હજુ ભાનમાં આવે ત્યાં સુધીમાં ગિરિધરની નજર અનુરાધા પર પડી!
ગિરિધરે રીતસર અનુ નામની ત્રાડ જ પાડી. એના અવાજના ઘોંઘાટથી આસ્થા ભાનમાં તો આવી પણ ખૂબ જ ગભરાટમાં થરથવા લાગી એણે પોતાના બંને હાથ કાન પર મૂકી એ અસહ્ય અવાજ ધીરો કરવાનો પ્રયાસ કર્યો. પપ્પાની સ્થિતિ જોઈ એ ખૂબ દુઃખી અને ભયભીત થઈ ગઈ હતી, એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા!
ગિરધરનું જેવું અનુરાધા પર ધ્યાન ગયું કે એ અનુરાધા પાસે આવવા બેબાકળો થઈ ગયો. બે બે ફૂટ ઊંચા કૂદકા મારતો ગિરિધર એને સહાય કરનારા ભાઈઓથી માંડ પકડાઈ રહ્યો હતો. એ કહેવા લાગ્યો, "અનુ મારે તારી સાથે જ આવવું છે. હું તારા વગર પાગલ થઈ જઈશ! તું મને તારાથી દૂર ન કર! અનુ આપણા બાળકના જન્મ વખતે મારે તારી સાથે રહેવું છે. સૌથી પહેલા મારે એને મારા ખોળામાં લેવું છે. ગિરિધરના મગજ પર એ વાતે હંમેશની જેમ ખૂબ ટ્રેસ આપ્યો અને આ વિલાપ કરતા જ એ અચાનક બેસુધ્ધ થતા જમીન પર બેસી ગયો. વાતાવરણમાં અચાનક ફરી નીરવ શાંતિ થઈ ગઈ પણ આસ્થાના મનમાં ગભરાટ અને અનેક પ્રશ્નોની ગડમથલ તેના મનને વ્યાકુળ કરવા લાગી.
ગિરિધર બેસુધ્ધ થઈ ગયો એ જોઈ આસ્થા અત્યાર સુધી ગળામાં અટવાયેલ ડૂમો ઠેલવતા બોલી, "પપ્પાઆઆ.."આસ્થા મમ્મીને ભેટીને રડવા લાગી.
અનુરાધા ખુદને કઠણ કલેજે રાખી આસ્થાની પરિસ્થિતિને સાચવી રહી. આસ્થાનું રડીને થોડું મન શાંત થયું એટલે અનુરાધા બોલી, બેટા આ છે તારા પપ્પાની હકીકત!
આસ્થાને બાંકડા પર બેસાડી એ ગિરિધરની નજીક ગઈ. એ બંને ભાઈઓ એ ગિરિધરને પોતાના હાથથી મુક્ત કર્યો, અનુરાધા પોતાના હાથનો સહારો આપતા ગિરિધરની બાજુમાં બેઠી! તેના ચહેરા પર ફેલાયેલ વાળ દૂર કર્યા, અને એની સામે એકનજરે જોઈ રહી. પળ પળ જે ચહેરાને જોવાની ઈચ્છા એને થતી હોય એ ચેહરો જોવા એણે અનુમતિ લેવી પડે છે એ વિચારની પીડા એની આંખમાં આંસુ લઈ આવી! અનુરાધાની આંખનું આંસુ સરીને ગિરિધરના ચહેરા પર પડ્યું અને એનામાં ચેતના જાગી!
ગિરિધરે આંખ ખોલી એની સામે અનુરાધાનો ચહેરો જોઈ એ થોડો ખુશ થઈ ગયો! હરખમાં જ એ બોલ્યો, "તું આવી ગઈ? બહુ રાહ તે જોવડાવી!! સારું થયું તું આવી, હું તારા વગર નહિતો પાગલ જ થઈ જઈશ! તું મને છોડીને નહી જાય ને! બોલને અનુ??"
અનુરાધાને પોતાના હાથથી ઝંઝોરતા એ બોલ્યો, અનુ ચુપ હતી એ એનાથી સહન નહોતું થતું. એ ઝડપથી અનુરાધાના ટેકણથી અળગો થયો અને અનુરાધાને પોતાના બંને હાથથી ખૂબ જોરથી પકડી પૂછવા લાગ્યો. એના હાથની ભીસ એટલી વેધક હતી કે નખ અનુરાધાના બાવડાંમા ખૂચવાથી સહેજ લોહી બહાર આવવા લાગ્યું, એ જ ક્ષણે પેલા બંને ભાઈઓ એની પકડ છોડાવવા પ્રયાસ કરવા લાગ્યા, પણ ગિરિધર એની પકડ છોડતા ન્હોતા. મહામહેનતે એની પકડ છોડાવી શક્યા, ગિરિધર ફરી એ જ એનું જોર જોરથી રટણ કરવા લાગ્યો અને એના અવાજમાં રહેલી પીડા આખા રૂમને કરુણ વાતાવરણમાં પલટાવી ગઈ.
આસ્થા એના પપ્પાને રૂમની બહાર જતા જોતી રહી, એની આંખના આંસુ બંધ થવાનું નામ જ ન્હોતા લેતા.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻