મને એ દિવસે ખબર પડી કે મમ્મી ધારતે તો મને ક્યારનીયે ગાડી અપાવી જ શકતે પણ નહીં એમણે અત્યારે અપાવવાનું કહ્યું કારણ કે અત્યારે તકલીફ એમની દિકરીની દિકરીની હતી અને એને તકલીફ ન પડે એ માટે એમણે ગાડી અપાવી. ઘર તો આપણે આપણી કમાણીમાંથી જ ચલાવતા હતા અને એમાંથી ગાડી લઈ શકીએ એટલી બચત હજી સુધી થઈ ન હતી. ખેતરની આવકનો હિસાબ તમે મમ્મીને આપતા. એમાંથી આપણે ઘર ખર્ચ માટે એક રૂપિયો પણ વાપરતા ન હતા બસ એમાંથી મમ્મી જે કહે તે પ્રમાણે બેનને આપતા અને ખેતીનો જે ખર્ચ થાય તે લેતા. મને ગાડી અપાવવા માટે એ પહેલા પણ કહી જ શકતા હતા. મારો વિચાર ન કર્યો હોય વાંધો નહીં પણ દિકરાનોય વિચાર ન કર્યો. અમે ચાલીને આવતા જતા હતા. એ નર્સરી, જુનિયર માં હતો ત્યાં સુધી ઠીક કે હું એને ઊંચકી ને ચાલી લેતી પણ પછી સિનિયર કે.જી. માં આવ્યો, પહેલા ધોરણમાં આવ્યો ને ત્યારે તો એણે પણ મારી સાથે ચાલવું જ પડતું કારણ કે પછી મારાથી એને ઉંચકાતો નહીં. એટલે એ પણ લગભગ રોજનું બે થી અઢી કિલોમીટર જેટલું ચાલતો ત્યારે એમને એમ ન થયું કે આ નાના છોકરાને કેટલું બધું ચાલવું પડે છે. પણ એમણે ન જ વિચારેલું ને ભાણી ફક્ત એક અઠવાડિયું ચાલી તેમાં એમનો કેટલો જીવ બળી ગયો કે તરત જ મને ગાડી અપાવી દીધી. મેં મારી જાતને એમના માટે સોંપી દીધી હતી કે એમને દુઃખ થાય તેવું કંઈ ન કરું પણ મને એ લોકો દુઃખી કરી દેતા. આ વાતે મને ખોટું તો લાગ્યું પણ એનું કરવાનું શું ? તમને કહેવાનો અર્થ ન હતો અને એ સમજવાના ન હતા. એટલે ફરી મેં મારા મનને સમજાવ્યું કે છોડ તું તારી રીતે કોશિશ કર કે એ લોકોને દુ:ખ ન થાય બીજું બધું વિચારવાનું બંધ કરી દે. અને મેં ફરીથી મારી રીતે મારું કામ ચાલું કરી દીધું. દિકરાને લઈને મારી શાળાએ જાઉં, પછી દિકરાને એની શાળાએ મૂકું, પછી ભાણીને લઈને મારી શાળાએ જાઉં ને સાંજે અમે ત્રણેય ઘરે આવીએ. ઘરે આવીને જે પણ થોડું ઘણું કામ હોય તે દિકરીને લઈને કરું અને પછી સાંજે જમીને દિકરાને ને ભાણીને ભણવા બેસાડું. એ સમયે દિકરી તો મારા ખોળામાં હોય જ. આમ કરતાં કરતાં શાળામાં બીજી પરીક્ષાઓ આવી ગઈ. આ વખતે રિઝલ્ટ આવ્યું તો ભાણી ના માર્કસ ઓછા હતા પણ એક વાતનો સંતોષ હતો કે એ નાપાસ ન થઈ. એટલે મને પણ થોડી હાશ થઇ કે મારી મહેનત એળે નથી ગઈ. મમ્મીને પણ ગમ્યું કે અહીં આવીને ભાણી નાપાસ નથી થઈ. એટલે એ પણ ખુશ હતા. આમ જ દિવસ પસાર થતા હતા. દિકરી ત્રણ વર્ષની થવાની હતી એટલે એનું શાળામાં એડમીશન કરાવવા માટે તપાસ શરૂ કરી દીધી હતી. પણ દિકરી માટે હવે એવું વિચારવાનું હતું કે મારો, દિકરાની શાળાનો અને દિકરીને જે શાળામાં મૂકું તેનો સમય એક જ હોય કારણ કે દિકરીની શાળાનો સમય જો અલગ હોય તો પાછું એને લેવા મુકવાનો અલગ સમય કાઢવો પડે જે એ સમયે કોઈ પણ રીતે શક્ય ન હતું અને શાળા પણ સારી હોય એ જોવાનું હતું. દિકરાની શાળાની નજીક જ એક મોટી સારી શાળા હતી. પણ ત્યાં દિકરીનું એડમીશન કરાવવા માટે ડોનેશન આપવું પડે એમ હતું જેના માટે આપણી પાસે પૈસા ન હતા. પણ મારી શાળામાં કોઈકે એમ કહ્યું કે સાંજે ત્યાં કોઈ મોટા મેડમ બેસે છે એમને મળો તો કદાચ કંઈ કામ થઈ જાય. આપણે ત્યાં ફોર્મ તો ભરી દીધું હતું અને એની ઝેરોક્ષ પણ કરાવી લીધી હતી જેથી મેડમને મળવા જઈએ તો એમને બતાવી શકાય. હવે દિકરો શાળાએથી છૂટે એટલે અમે ત્રણેય પેલી શાળાના ગેટ પર ઊભા રહેતા કે જેથી મેડમ આવે તો એમને મળી શકાય. મેડમની રાહ જોવા માટે ઘણો સમય રાહ જોવા પડતી એટલે હું ભાણીને અને દિકરાને ત્યાં બજારમાંથી કેળું કે પછી બીજું કોઈ ફળ લઈને ખવડાવી દેતી જેથી તેઓ ભૂખથી કંટાળી ન જાય. આમ જ મેડમને મળવા માટે ઊભા રહેતા લગભગ એકાદ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હતો. મેડમ મળવા માટે સમય જ આપી ન રહ્યા હતા. હવે શું કરીએ એ કંઈ સમજાતું જ ન હતું. એટલામાં ત્યાં ઉભા રહેતા વોચમેને એ શાળાના બીજા ટ્રસ્ટીનું નામ આપ્યું અને કહ્યું કે એમને મળી આવો.