આપણે જે પ્રમાણે નક્કી કર્યુ તે મુજબ તમે સવારે ભાણીને મૂકી આવતા. હું થોડી વહેલી શાળાએ જતી અને દિકરો પણ મારી સાથે મારી શાળાએ આવતો. હું દસમા ધોરણવાળા વિદ્યાર્થીઓને એક પીરિયડ વહેલા બોલાવી લેતી અને એમને ભણાવીને પછી હું દિકરાને એની શાળાએ મૂકવા જતી અને ત્યાંથી ભાણીને લેવા જતી. મારી શાળાથી દિકરાની શાળા સુધી ચાલીને જ જતી નહીંતર રિક્ષાભાડું વધારે આપવું પડે કારણ કે ત્યાં સુધીની પેસેન્જર રિક્ષા મને મળે નહીં. પણ મારું અને દિકરાનું ચાલવાનું વધી ગયું. પહેલાં તો હું દિકરાને એની શાળાએ મૂકીને આવતી પણ હવે મારે એને મારી સાથે મારી શાળાએ લાવવો પડે પછી એને મૂકવા જવું પડે. હું તો ચાલી લેતી. પણ દિકરો તો હજી નાનો. એને પણ ચાલવું જ પડે. એને મૂકીને હું ભાણીને લેવા જતી. પણ પેસેન્જર રિક્ષામાં જાઉં એટલે મુખ્ય રસ્તા પર ઉતરીને પછી એની શાળા સુધી તો ચાલવુ જ પડે અને આવતી વખતે મારે સાથે ભાણીએ પણ ચાલવું પડે. ત્યાંથી પાછા ફરીએ ત્યારે પણ રિક્ષામાંથી ઉતરીને મારી શાળા સુધી તો ચાલવું જ પડે. ભાણી તો કોઈ દિવસ આટલું બધું ચાલી જ ન હતી એટલે એને જરા અઘરું લાગતું હતું. મારી શાળા પર આવીને એ હું જમવાનું લાવી હોઉં તે જમી લેતી અને પછી એનું ગૃહકાર્ય પૂરુ કરી દેતી. સાંજે શાળા છૂટે એટલે ફરી મારી શાળાથી દિકરાની શાળા સુધી ચાલવાનું અને પછી બસ સ્ટોપ સુધી ચાલવાનું. અને ગામ પહોંચીએ પછી બસમાંથી ઉતરીને આપણા ઘર સુધી ચાલવાનું. હું અને દિકરો તો ટેવાય ગયા હતા પણ ભાણી તો આટલું બધું ચાલીને આવ્યા પછી ઘરે આવીને ખાઈને સૂઈ જ જતી. મારે એને ભણાવવી હોય તો પણ એ સૂઈ ગઈ હોય તો કેવી રીતે ભણાવું. મને કંઈ સમજ ન પડતી હતી કે હવે હું શું કરું? લગભગ એકાદ અઠવાડિયું આમ જ ચાલ્યું. પછી એક દિવસ મમ્મીએ તમને મને ટુ વ્હીલર ગાડી અપાવી દેવા કહ્યું અને કહ્યું કે ભાણી તો ચાલીને જ થાકી જાય છે ભણશે કેવી રીતે ? ટુ વ્હીલર ગાડી અપાવી દે એટલે ભાણીને ચાલવું ન પડે અને થાકી ન જાય એટલે ઘરે આવીને ભણી શકશે. તમે કહ્યું કે પણ ગાડી લેવા જેટલા પૈસા નથી મારી પાસે. હોતે તો મેં ક્યારનું અપાવી દીધું હોતે. તો ત્યારે મમ્મીએ કહ્યું કે આ વખતના ખેતરના જે પૈસા આવ્યા છે એમાંથી અપાવી દે. પછી ઘર તો તમે ચલાવો જ છો. ને તમે બીજી જ દિવસે મારા માટે ટુ વ્હીલર લઈ આવ્યા. ને મને એમ કહ્યું હતું કે તારે વધારે ચાલવું ન પડે એટલે તારા માટે ગાડી લઇ આવ્યો. મને પણ ગમ્યું કે ચાલો મારા વિશે આટલું તો વિચાર્યું. આમ, હવે ટુ વ્હીલર હોવાથી સમય ઓછો બગડતો અને ભાણી પણ હવે ઘરે આવીને થોડીવાર મારી પાસે બેસીને ભણતી. દિકરાને અને ભાણીને ભણાવતી ત્યારે દિકરી તો મારા ખોળામાં જ બેઠેલી હોય. હું એ ત્રણેયને સાચવી લેતી. એક દિવસ રજાના દિવસે બેન બનેવી ગામ આવ્યા હતા. એમને વાત વાતમાં મમ્મીએ કહ્યું કે મેં જ કહ્યું કે ખેતરના પૈસા છે એમાંથી ગાડી લઈ આપ ભાણી તો થાકીને આવે એટલે સૂઈ જ જાય છે તો ભણશે ક્યારે ? એમની વાત સાંભળીને મને જરા આંચકો લાગ્યો. તમે તો મને એમ કહ્યું હતું કે તારે વધારે ચાલવું ન પડે એટલે ગાડી લીધી. પણ મમ્મીની વાત કંઈ જુદી જ હતી. એમની વાતમાં હું કે દિકરો ચાલીએ એનું દુઃખ ન હતું પણ ભાણીને ચાલવું પડતું હતું એ દુઃખ હતું અને એને ન ચાલવું પડે એ માટે મને ગાડી અપાવી હતી. મને ત્યારે થયું કે હું કેટલી મૂર્ખી હતી કે મને સમજ જ ન પડી કે હું અને દિકરો તો છેલ્લા ચાર વર્ષથી ચાલીએ છીએ તો અત્યારે એમને કેમ મારી ફિકર થઈ ? પણ આ ફિકર અમારી નહીં ભાણીની હતી એ મને તે દિવસે સમજાયું.