આમ, જાણે જીવનની બીજી ઈનિંગ શરૂ થઈ હતી. પણ હવે, મમ્મીની કોઈ પણ વાતથી હું દુઃખી થતી ન હતી. અને શાંતિથી આપણા જીવનની ગાડી ચાલ્યા કરતી હતી. પણ, શાળામાં પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું જેમાં બેનની દિકરી નાપાસ થઈ હતી. એ સાતમા ધોરણમાં હતી. બેને ઘરે ફોન કર્યો હતો અને તમને કહ્યું હતું કે દિકરીની શાળામાં જવાનું છે તો એમની સાથે તમે જાવ. તમે હા પાડી હતી. અને બીજા દિવસે તમે બેન સાથે ગયા હતા જ્યાં દિકરીના દરેક વિષયના શિક્ષકોએ ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે એના પર થોડું ધ્યાન આપો. બેને કહ્યું હતું કે એને ટયુશન પણ મુકી છે હવે એનાથી વધારે તો શું કરી શકીએ ? ત્યારે તો તમે પણ શાળામાં એમ કહીને આવી ગયા કે ધ્યાન આપીશું. બીજું તો શું કહેવાય ? તમે ઘરે આવીને વાત કરી હતી. ને મેં તમને કહ્યું હતું કે એને અહીં લઈ આવો. આપણે અહીંથી ભણાવીશું. તમે પણ જાણે મારા આ કહેવાની જ રાહ જોતા હોય એમ તરત જ કહી દીધું કે હા એમ જ કરીએ. મમ્મીને પણ કહી દીધું કે આપણે ભાણીને અહીં લાવીને અહીંથી ભણાવીશું. તમે બેનને ફોન કરીને જણાવી દીધું હતું કે તમે ભાણીને આપણે ત્યાં લઇ આવશો અને બીજા દિવસે તમે ભાણીને શાળાએથી જ આપણે ત્યાં લઇ આવ્યા. બેન પછી એનો સામાન આપવા ઘરે આવ્યા હતા. ભાણી તો ખુશ હતી. આપણે ત્યાં રહેવાનું હતું એટલે. એ સમયે વિચાર ન કર્યો હતો કે કેવી રીતે કરીશું ? પણ મનમાં એક જ વાત હતી કે ભાણી ભણવી જોઈએ. આમ નાપાસ થાય તે ન ચાલે. પણ હવે ફરીથી આપણે સમય સાચવવાના હતા કારણ કે ભાણીની શાળાનો સમય સવારનો અને અમારી શાળાનો સમય બપોરનો. વળી એની શાળા સુધી પહોંચતા આપણા ઘરેથી ગાડી પર લગભગ ૪૫ મિનિટ લાગે. ફરીથી તમે કહ્યું કે તમે શિફ્ટ બદલી લેશો. છતાં ભાણી છૂટે પછી એને લઈને ઘરે પહોંચતા તમને લગભગ બે વાગી જાય એટલે બપોરની શિફ્ટમાં પણ તમે ન પહોંચી શકો. મેં કહ્યું તમે એને સવારે મૂકી આવજો. બપોરે એ છૂટે ત્યારે હું લઈ આવીશ અને મારી શાળાએ એ બેસી રહેશે. એનું જે પણ ગૃહકાર્ય હોય તે એ પતાવી દેશે. તમે કહ્યું હતું કે તું કેવી રીતે જશે એની શાળા સુધી ? રિક્ષા ભાડું ઘણું વધારે થશે. મેં કહ્યું ના હું તો પેસેન્જર રિક્ષામાં જવા અને એમાં જ આવા થોડું ચાલવું પડશે તો વાંધો નહીં હું ચાલી લેવા. અને ભાણી સાથે હશે ત્યારે એનું બેગ હું ઊંચકી લેવા એટલે એને વધારે થાક નહીં લાગે. પણ આમ કરવા જતાં મારે મારી શાળામાં બે પિરિયડ ગુમાવવા પડે જેના માટે મેં શાળામાં વારી કરી કે હું રોજ શાળામાં વહેલી જવા અને એક પિરિયડ લઈ લેવા અને બીજા પીરીયડ માટે હું શનિવાર આખો દિવસ ભરીને વિદ્યાર્થીઓને ભણાવી લેવા જેથી એમનું ભણવાનું બગડે નહીં. મારી શાળા એક નાની શાળા હતી જ્યાં મોટેભાગે બધા મજૂરવર્ગના છોકરાઓ ભણવા આવતા હતા જેથી તેઓ હું કહું એમ ભણવા આવવા માટે તૈયાર હતા. અને મારું ભણાવવાનું પણ સારું હતું જેથી સંચાલકશ્રી કે વાલી બધા એમ જ ઈચ્છતા કે હું કોઈ પણ રીતે એ શાળા ન છોડું એટલે હું ધારું એ રીતે સમય આપીને મારી નોકરી ચાલુ રાખી શકતી હતી. પણ એનો મતલબ એવો ન હતો કે હું મારું ભણાવવાનું ગમે તેમ પતાવી દઉં. હું ખૂબ જ નિષ્ઠાથી મારું ભણાવવાનું કામ કરતી જેથી વિદ્યાર્થી આગળ જઈને બરાબર ભણીને કંઈ બની શકે.