38. ચાલો આપણે ઘેર રે..
તમે નીચે અમને જોઈ ઉતરો ત્યાં પહેલું પ્લેન તમારી તરફ ઘસ્યું. હવામાં જ ઊડાડી દેવા. એ પહેલાં તો અમારી ઉપર આવતાં તમારાં પ્લેનમાંથી ગોળીઓ છૂટી પહેલાં પ્લેનને ઉડાડી દીધું. ત્યાં નજીકમાં જ દરિયા પર છેલ્લે છેલ્લે દિવાળી થઈ ગઈ. આગના ગોટેગોટા સાથે એ પ્લેન દરિયામાં પડ્યું.
તમારું મીલીટરીનું પ્લેન ફરીથી એક રાઉન્ડ મારી અમારી ચાંચ વાળી જેટી પાસેથી ઉડી જુના રસ્તે જ ઉતર્યું.
***
અમારા સહુના હર્ષનો પાર ન હતો. ચિચિયારીઓ પાડતાં, તાળીઓ પાડી નૃત્ય કરતાં અમે એ પ્લેનને ઘેરી વળ્યાં.
તો મારું કાર્ય સાર્થક થશે. હવે મને બાળપણથી ગમતાં આ ગીતની આખરી કડી પણ જેમ તેમ જીવ્યો-
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”
સલામત ઉતાર્યા તો ખરા. હવે મારા પ્રિય ગીતની એક જ આખરી કડી મારે જીવવાની બાકી રહી-
“વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું.”
દૂર દેશ, કોઈ અજાણ્યા, કદાચ કોઈ પણ દેશ નથી તેવા દેશે કે સ્થાને તો સહુને પહોંચાડયા. હવે સમય સાથે નહિ તો મોડામોડા પણ, મારી સાથે ઉડે એને ઘેર જરૂર પહોંચાડવા માટે આ ઉડાન તો હું જ ભરીશ.
જો બધી કડીઓ જીવ્યો તો આ છેલ્લી કડી કેમ બાકી રહેશે?
લાંબા સમયથી હું એકલો અટુલો રાહ જોયે રાખતો હતો. ઉપરથી વિમાનો પસાર થયેલાં પણ મેં આગ સળગાવવા છતાં એમનું ધ્યાન ગયું ન હતું. ગઈકાલે થોડી વાર માટે પણ સંદેશો જતાં મદદ મળી ખરી.
સમયે આખરે મને સાથ આપ્યો. હું બાકીનાને હવે તો જરૂર સુરક્ષિત મુકામે પહોંચાડીશ.
અને.. બસ, મારી આખરી કડી પણ જીવવાનો મને મોકો મળ્યો. તમે મારી ફરકાવેલી ધજા જોઈ. તમે પ્લેન હજી નીચે, અમારી નજીક લાવ્યા. મેં ફરી પ્લેનનાં પતરાં પર ઢોલ વગાડ્યો. નર્સે મેગાફોન જેવું બનાવેલું તે શંકુ આકારનું ભૂંગળું વગાડ્યું. મારી પત્ની નર્સે જોરજોરથી શંખ પણ ફૂંક્યો.
સામેથી આગ દેખાઈ. દરિયામાં ઝડપથી ભાગતો તરાપો અને એની ઉપર અજાણ્યા કલરની ધજા જેવું! અરે, આ તો પેલા લશ્કરી મહાશય સાથે ગયેલા તેમાંના ત્રણ! તેઓ તો જીવે છે! સાથેના ટેકરી ઉતરતા પુરુષોને પણ નર્સે અને શિક્ષિકાએ પોતાની આગવી સીટી વગાડી બોલાવી લીધા.
જોતજોતામાં બધા ઉતારુઓ એકઠા થઈ ગયા. ઉપડી ગયેલી હોસ્ટેસો, ઉંમરલાયક સ્ત્રીઓ અને થોડા સિવાય બચેલા પુરૂષો. બે કિશોરો. બસ, લગભગ બધા તો બચેલા.
અને તમે અમારી મદદ માટે વિમાન બોલાવ્યું. વિશ્વ માનતું નહીં હોય કે અમે જીવીએ છીએ. ફ્લાઇટ MH370 નું પ્લેન હજી છે. એ તો અમારાં સાહસની યાદ અપાવતું આ પડ્યું. નવાં, લશ્કરનાં પરંતુ મને પરિચિત સિસ્ટમ વાળાં વિમાનના પાઈલોટ એવા આપને મેં વિનંતી કરી કે અહીંથી બૈજિંગ તો હું જ ઉડાડીશ. તમે પ્લીઝ, મારા કોપાઈલોટ બનો. તો જ મારી આ આખરી કડી ,
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.” - એ પણ સાર્થક થાય, જીવાઈ જાય.
જે જીવવા હું એટલું મથ્યો, તે પણ પુરી થાય.
તમે નજીક એટલે ત્રણ હજાર કિમી દૂર ઓસ્ટ્રેલિયાના કોઈ એર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક કર્યો, મેં મારા પાકીટમાંથી મારું લાયસન્સ બતાવ્યું, પરમિશન મળી.
મારા આનંદનો પાર ન રહ્યો. મારી મને ગમતાં બાળગીતની એક એક કડી હું જીવ્યો તો અંતે સહુ સારું જેનું છેવટનું સારું. હું આ આખરી કડી પણ જીવી રહ્યો છું.
સાથે હવે તો મારી જીવનસંગિની પણ છે..
મલય લાડી અને ગુજરાતનો વર!
પરમિશન મળતાં જ મીલીટરી પાયલોટ ખસી ગયા. હું પાયલોટની સીટ પર બેઠો. એક આખરી નજર પ્લેન MH370 ના ભંગાર સામે નાખી, ઈશ્વરને પ્રાર્થના કરતાં કી ઘુમાવી. જોરદાર અવાજ થયો, પંખાઓ ફર્યા, જાળવીને હું કડક જમીન પર પ્લેનને દોડાવી ધીમેધીમે ઝડપ વધારતો ગયો. સામે ટેકરી અને વૃક્ષોની ઝાડી આવે એ પહેલાં તો ટેક ઓફ નું લીવર ખેંચ્યું અને.. ટાપુ નીચે દેખાવા લાગ્યો. એને આખરી સલામ કરી મનોમન સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરી મેં વિમાનને એરબોર્ન કર્યું અને.. આ હવામાં.
શાંતાનુકુલ પવનશ્ચ શિવશ્ચ પંથા:
ક્રમશ: