32. એક પછી એક..
મેં નર્સને નીચે મૂકી. એમ તો ઘણાખરા યાત્રીઓ મારી સામે ટોળે વળીને ઊભેલા પણ અમુક ચહેરા ન દેખાયા.
તેમનું શું થયેલું તેની મને ચિંતા થઈ. અમે અહીં જેટી જેવું બનાવેલું અને એક ચાંચ જેવો ભાગ દરિયામાં જતો હતો ત્યાંથી ખોરાક માટે માછલાં પકડવાં, દરિયાઈ વનસ્પતિ લાવવી વગેરે માટે જવા અનુકૂળતા હતી. અહીં સપાટ જમીન અને થોડે જ દૂર જંગલી કેળનાં વન જેવું પણ હતું જે ઓળંગી અમે બે અંધારે અહીં આવેલાં.
હમણાં ખરાબ વાવાઝોડું પણ પસાર થયું હતું એટલે અમને છૂટાં પડી ગયેલાં બે ને બાકીના લોકોની ચિંતા હતી તે મેં કહ્યું.
એક પ્રોફેસર કે શિક્ષક જેવા યાત્રી હતા એમણે આગળ આવી કહ્યું કે અહીં પ્લેન પાસે હતી એના પ્રમાણમાં સલામતી હતી પણ સતત સતર્ક રહેવું પડતું હતું. બે પુરુષો ચોકી કરતા અને આઠ દસ સ્ત્રીઓ મળી જે મળ્યું એ પકાવતી. અગ્નિ પ્રગટાવવા અહીં એમને પથ્થર મળેલા એ કામ આવતા હતા.
પ્લેન બાજુ માંડ આવા પથ્થર મળેલા એ પણ બે જ. અહીં કેવી રીતે?
જે હતું તે. એમણે પોતાની આ એકાદ અઠવાડિયાંની જિંદગી વર્ણવી એ ખરેખર દર્દનાક વૃતાંત હતું.
એમણે કહ્યું કે “વૃદ્ધ સ્ત્રીઓ સહુને કઈંક પણ રાંધી આપવા લાગી અને જંગલમાં જવાય એટલે અંદર જઈ લાકડાં વગેરે લાવવા લાગી. પણ એક પછી એક તેઓમાંથી સાત આઠ સ્ત્રીઓ જંગલમાં કાં તો સાપ જેવું કઈંક કરડવાથી, થોડા દિવસે કહોવાયેલા મૃતદેહના સ્વરૂપે મળી, કાં તો ભૂલી પડવાથી ગુમ થઈ ગઈ. બની શકે કે આદિવાસીઓની નજીક જઈ ચડી હોય અને એમને આદિવાસીઓએ મારી નાખી હોય.
ખોરાકના અભાવે, જંતુ કે સાપ કરડવાથી કે કોઈ પણ કારણે બાકીના અમુક ઓછી ઇમ્યુનિટી વાળા ઉતારુઓ ઝડપથી મરવા લાગ્યા. એમની ઝડપથી કહોવાતી લાશોને દરિયાને હવાલે કર્યા સિવાય મારે છૂટકો ન હતો.”
અહીં કોઈ જંતુ તો દેખાતાં ન હતાં. સાપ ચોક્કસ ક્યાંક ફરતા હશે, અમને પણ મળેલ. મેં એમને એ પૂછ્યું. હવે શિક્ષિકા બહેન કહે “આ કાંઠા પાસે અત્યંત ખારી હવા ને દિવસમાં એક બે વાર ફૂંકાતા ભારે પવનને લીધે જંતુઓ નથી પણ જે લોકો જંગલમાં અંદર તરફ ગયા એમાંના અમુક લોકોની લાશ મળી જે કશું કરડવાથી પણ હોય કે બીજી રીતે પણ હોય, લાશ ગંધાય એટલે ખબર પડે. કેવી રીતે તેઓ મર્યા એ ખબર પડી નથી.”
બચેલી એક માત્ર એરહોસ્ટેસ કહે “બચેલા ઉતારુઓ બીજી તરફ કોઈ આવે છે એવું લાગતાં એ તરફ જોવા ગયા અને પાછા જ ન આવ્યા. હા, કિનારાથી દૂર આ તરફ આ દસેક દિવસમાં ત્રણેક વખત કોઈ દૂરથી આવે છે એવું ચોકસ લાગેલું.”
તો મારી શંકા પાક્કી નીકળી. આ લોકો ભોળા અબૂધ કે રક્ષણ પૂરતા આક્રમક આદિવાસીઓ નથી. કોઈ ખતરનાક, ચેતીને રહેવા જેવા લોકો છે. એ અમારું કોઈ મળી જાય તો મારી જ નાખે છે. પણ માનવભક્ષી ન લાગ્યા. નહીતો લાશ ફેંકી ન દે.
આવી જગ્યાએ પણ કોઈ ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. મને ખાતરી થઈ.
તેમની ઉપર કોઈ આદિવાસી કે એની ટોળીએ સીધો હુમલો કર્યો ન હતો પણ જે કોઈ અંદર કેળનું વન વીંધી કે કિનારે કિનારે થઈ સમુદ્રમાં થઈ એ ટેકરી તરફ જતું એ ભાગ્યે જ પાછું આવેલું.
એ લોકોએ અમારી ચિંતા કરેલી અને પેલા ચીની સૈનિક વરસાદ રોકાતાં પ્લેન હતું એ તરફ આવવા નીકળેલા.
મેં કહ્યું કે અત્યારે એમના જેવા વ્યૂહરચનાઓ સમજનારા અને લડી શકે એવાની જરૂર છે. એમને બોલાવો, ક્યાં છે?
સહુ એક બીજા સામે જોઈ રહ્યાં.
કોઈ કહે “પરમદિવસે રાતે તેઓ નીકળેલા.
તરાપા પર મોટું મોજું, શાર્ક કે કઈં પણ ત્રાટક્યું હોય, પેલા ચીના જેવા તાઇવાનના સૈનિક કદાચ ડૂબી ગયા હોઈ શકે અને એનો કે તેની સાથે ગયેલા પાંચ પુરૂષોનો કોઈ પત્તો જ ન મળ્યો નથી.”
કોઈ એમને નજીકમાં ગોતવા ગયું. એમના નામની એક સૈનિકે બૂમો પાડી પણ જવાબ ન મળ્યો.
મારું હૃદય બે ધબકારા ચૂકી ગયું.
મેં કહ્યું કે મને આગળ આ જગ્યાએથી માનવ હાડપિંજર મળેલ. ખુબ ખરાબ હાલતમાં.
શિક્ષિકા, એ સૈનિક અને અમુક રોજ ચોકી કરતા યાત્રીઓ એકદમ શોકમાં આવી ગયા.
ચીની સૈનિકે કહ્યું કે લાશ ઓળખાય તો ખબર પડે પણ એ ચીની લશ્કરના અધિકારી જ હોવા જોઈએ, હતા!
ક્રમશ: