Bhool chhe ke Nahi ? - 93 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 93

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 93

પપ્પાનો ફોન આવ્યો ત્યારે મને શાંતિ થઈ. કે હાશ, હવે દિકરો ત્યાં મારા ઘરે રહેશે. મનમાં વિચાર પણ આવ્યો કે એ અહીં એટલો કંટાળી ગયો હશે કે ત્યાં રહી પડ્યો. સાચું પણ હતું. હું એને એટલો સમય ન આપી શકી અને વળી મમ્મી પણ ભાણા સાથે વ્યસ્ત હતા. તમને તમારી નોકરીમાંથી ફુરસત ન મળી ને એટલે જ કદાચ એ અહીંથી જતો રહ્યો. મેં મારા મનને એવી રીતે મનાવ્યું કે આ રીતે એ મારા વગર રહેતા તો શીખશે. બીજા દિવસે સવારે ઉઠીને એણે પપ્પાને કહ્યું કે મમ્મીને ફોન કરો મારે વાત કરવી છે. અને પપ્પાએ ફોન લગાડી આપ્યો. એણે મારી સાથે વાત કરી કે હું તો કાલે ખાઈને બાપા સાથે ફરવા ગયેલો અને આવીને સૂઈ ગયો. હવે વેકેશન પૂરુ થવા આવશે ત્યારે જ પાછો આવીશ. મને અહીં ગમે છે. આમ પણ એને ત્યાં ગમતું જ હતું. ત્યાં બેનના દિકરા દિકરી હતા. વળી, રોજ એને કોઈને કોઈ ફરવા લઈ જાય એટલે એને ગમવાનું જ હતું. આમ કરતાં વેકેશન પૂરુ થવા આવ્યું. બેન બનેવી પણ ફરીને આવ્યા પછી ભાણાને પણ ઘરેથી લઈ ગયા. દિકરો પણ મારા ઘરેથી આવી ગયો. એ આટલા દિવસ મારા ઘરે રહ્યો તો મમ્મીએ એક દિવસ પણ એમ ન કહ્યું કે એને લઈ આવ હું એને અને ભાણાને બંનેને રાખીશ. ઉલ્ટું ફળિયામાં કોઈ પૂછે તો કહેતા કે સારું એ ત્યાં ગયો તો નહીંતર રમકડાં માટે બંને જણા લડ્યા કરતે. મને એમની આ વાત જરા પણ ગમી ન હતી. દિકરો તે નાનો હતો. ભાણો એનાથી મોટો પણ આમ તો એ પણ નાનો જ કહેવાય. મમ્મીએ બંનેને સમજાવીને સાથે રમાડવા જોઈતા હતા પણ એમણે તો ફક્ત ભાણા પર જ વધારે ધ્યાન આપ્યું. દિકરો મારા ઘરે રહ્યો એનો એમને જરા પણ હરખશોક ન હતો. મેં પણ વાતને વધારે ધ્યાન પર લીધી નહીં. અને દિકરો આવી ગયો એટલે એને શાળાએ કેવી રીતે લઈ જવો એ વિચારવાનું હતું. પણ તમે કહ્યું કે હું મારી શિફ્ટ બદલાવી દઈશ એટલે એને લાવવા લઈ જવાનો પ્રશ્ન ન રહે. આમ હવે વધારે કંઈ વિચારવાનું ન હતું. મારી રજા હજી ત્રણેક મહિના તો ચાલવાની હતી. પણ મારી શાળાના સંચાલકે કહ્યું હતું કે તમે વચ્ચે વચ્ચે આવીને દસમા ધારણ વાળાને ભણાવી જજો તમારો પગાર આપણે ચાલુ રાખીશું. પણ હજી દિકરી ઘણી નાની એટલે મેં એમને કહ્યું હતું કે દિકરી ત્રણ મહિનાની થશે પછી હું આવીને કરાવી દઈશ અને એમણે એ માટે પણ હા પાડી. આ બધું થયું પણ આપણે કોઈ પાસે પૈસા માગવા પડ્યા ન હતા. મારી ડિલીવરીનો ખર્ચ પણ આપણે જ આપ્યો હતો છતાં આપણને કંઈ તકલીફ ન પડી. હા, એના માટે આપણે બધા સામાજિક ખર્ચાઓ સાથે પણ થોડી બચત કરતા હતા જેથી પાછળથી કંઈ તકલીફ ન પડે. પણ આપણે બધું જ સંભાળી લીધું હતું. આ વાતથી તમને પોતાને પણ સારું લાગતું હતું કે આપણે કોઈ પાસે પૈસા માગવા પડતા ન હતા. ત્રણેક મહિના પછી મારે શાળાએ  જવાનું હતું. તમે તમારી નોકરીની શિફ્ટ બદલાવી ને આટલા દિવસ દિકરાની શાળાનો સમય સચવાય ગયો હતો. આટલા દિવસ ઘરે રહી તો મમ્મીએ એમના ભૂતકાળની વાતો કરી. આમ તો થોડી વાતો પપ્પા જીવતા હતા ત્યારે એમણે કરી જ હતી પણ એ સિવાયની બીજી વાતો મમ્મીએ કરી કે એ ખૂબ નાના હતા  ત્યારે એમના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હતા. એ એમના ફોઈને ત્યાં મોટા થયા હતા. એમના ફોઈની દિકરી બાજુમાં કાકાને ત્યાં પરણાવી હતી પણ લગ્નના થોડા જ સમયમાં એનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે બંને ધરવાળા એકબીજાને ઓળખતા હતા એટલે મમ્મીના લગ્ન પપ્પા સાથે કરાવ્યા. પણ એમને ખબર ન હતી કે બાજુવાળા કાકા જે પપ્પાના સગા કાકા હતા એ પપ્પાને ઘરમાં નોકરની જેમ રાખતા હતા.