મમ્મીની ઇચ્છા તો ન હતી કે હું હોસ્પિટલ થી સીધી આપણા ઘરે આવું પણ મેં ના પાડી દીધી હતી કે હું મારા ઘરે નહીં જાઉં. અને હું દિકરીને લઈને સીધી આપણા ઘરે જ આવી. મને કમને પણ મમ્મીએ મારો એ નિર્ણય માનવો પડ્યો. આમ પણ મમ્મી મને કંઈ કામ કરવા તો દેતા જ ન હતા એટલે મને આરામ ન મળે એવું તો હતું નહીં. જે દિવસે હોસ્પિટલથી આવી એ જ દિવસે રાતે મમ્મીએ આપણા દિકરાને કહ્યું કે હવે તું રાતે મમ્મી સાથે ન સૂતો. એકલો સૂઈ જા. મને મમ્મીની એ વાત જરા પણ ન ગમી. આજ સુધી દિકરો મારા વગર સૂતો જ નથી તો આમ અચાનક એકલા સૂવાનું કહે તો એ કેવી રીતે સૂઈ જાય ? દિકરાએ ના પાડી કે ના હું તો મમ્મી સાથે જ સૂઈ જવા. મેં પણ કહ્યું કે રહેવા દો એ મારી સાથે જ સૂઈ જશે. તો એ સમયે એમણે એમનો અત્યાર સુધીનો મારા પરનો બધો ગુસ્સો દિકરા પર ઉતાર્યો. દિકરાને વગર કારણે એટલું બધું બોલી દીધું કે દિકરો ડધાઈ જ ગયો. કહે કે એકલા ન સૂવું હોય તો મારી સાથે સૂઈ જાય એમ કહું છું તો એને મારી સાથે સૂવામાં શું વાંધો છે ? દિકરો તો હજી પાંચ વર્ષનો એ કેવી રીતે સમજે મેં એમને કહ્યું કે આજ સુધીમાં તમે કોઈ દિવસ દિકરાને તમારી પાસે સુવાડ્યો નથી તો આમ અચાનક એ તમારી સાથે કેવી રીતે સૂઈ જાય ? એને મારી સાથે જ સૂવા દો હું બધું સંભાળી લઈશ. તમે પણ એ સમયે ઘરે જ હતા. એક પણ શબ્દ તમે મમ્મીને કહ્યો નહીં. મને ખબર જ ન પડતી હતી કે જ્યાં કહેવા જેવું હોય ત્યાં પણ તમે કેમ કંઈ નથી કહેતા ? હજી દિકરાને વેકેશન હતું એટલે શાળાએ જવાની તકલીફ ન હતી. બીજા દિવસે સવારે હું ઊઠી એટલે મમ્મીએ કહી દીધું કે તું તારું અને દિકરીનું જ કામ કર બીજું બધું હું કરી લેવા. મને ખબર હતી કે એ આમ જ કહેવાના છે. મેં કંઈ પણ બોલ્યા વગર દિકરીને નવડાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું અને પછી દિકરીને માલિશ કરવા બેસી ગઈ. દિકરો પણ મારી પાસે બેસી ગયો. મારાથી એ કામ ન થાય એવું તો હતું નહીં કારણ કે બેનની બંને ડિલિવરી વખતે એની સાથે હું રહી હતી એટલે મને તો ખબર જ હતી કે કેવી રીતે કરવાનું છે. મેં તો શાંતિથી દિકરીને માલિશ કરી ને એને તડકામાં થોડી વાર મૂકી તો દિકરો કહે મને પણ માલિશ કરી આપ. મેં એને પણ માલિશ કરી આપ્યું. પછી દિકરીને નવડાવીને એને બરાબર હોસ્પિટલ વાળા બાંધે એમ બાંધીને સૂવડાવી દીધી ને પછી દિકરાને નવડાવીને તૈયાર કર્યો અને છેલ્લે હું નાહીને તૈયાર થઈ. મમ્મીને એ સમયે નવાઈ લાગી કે આને તો બધું જ આવડે છે. પણ કંઈ બોલ્યા નહીં. ને એ દિવસે સાંજે બેનનો ફોન આવ્યો કે વેકેશન છે તો અમે ફરવા જવાના છે તો અગિયારમા દિવસે દિકરીને દોરડા બાંધવા નહીં અવાશે. એટલે મમ્મીએ એમને એમ કહ્યું કે તું છઠ્ઠીના દિવસે દોરડા બાંધી જા. મને આ ન ગમ્યું કે તેઓ દસમા દિવસે જ ફરવા જવા નીકળવાના હતા અને એ પણ પોતાની ગાડીમાં. તો અગિયારમા દિવસે દોરડા બાંધીને નીકળી જતે તો શું વાંધો આવતે? પણ આ વિચાર અને સવાલ મારા મનમાં જ રહી ગયો. બેને કહ્યું કે એ છઠ્ઠીના દિવસે દોરડા બાંધવા આવે પણ ભાઈને લેવા મૂકવા મોકલજે મને લેવા મૂકવા આવવાવાળું કોઈ નથી. અને મમ્મીએ તમને પૂછ્યા વગર હા પાડી દીધી કે સારું ભાઈ આવશે તને લેવા અને પછી મૂકી પણ જશે.