ફોઈએ કહ્યું ઘર ખાલી કરાવવા તું આવજે. પણ મારી પ્રેગ્નન્સીના કારણે મેં ના પાડી કે હું સામાન પેક કરાવી આપું પણ સામાન ચઢાવવા ઉતારવાનું કામ ન કરી શકું. એટલે એમણે બાજુવાળા કાકીને બોલાવ્યા હતા પણ એમ ન કહ્યું કે તારી મમ્મીને મોકલજે. અને જ્યારે ઘર ખાલી કર્યું ત્યારે એમણે તમને બોલાવ્યા હતા અને ત્રણ પેટીઓ હતી એ આપણા ઘરે મુકાવવાની અને હીંચકા વગેરે જે સારો સામાન હતો એ બાજુમાં કાકાને ત્યાં આપવાનો એમ કહ્યું હતું. તમને એ સમયે પણ ખરાબ લાગ્યું હતું કે કાકાને ત્યાં તો હીંચકો, કબાટ બધું જ છે તો ફોઈએ એમ કેમ ન કહ્યું કે તારા ઘરે હીંચકો નથી તો હીંચકો તું રાખજે અને કાકાને ત્યાં જ્યારે એ સામાન ઉતાર્યો ત્યારે કાકાએ પણ એમ ન કહ્યું કે અમારે ત્યાં તો છે આ તું તારા ઘરે જ રાખ. આમ પણ એ તમારા ઘરનું જ કહેવાય. પણ કાકાએ બધો જ સામાન એમના ઘરમાં રાખી લીધો. એ દિવસે તમને અને મમ્મીને ખૂબ ખોટું લાગ્યું હતું કે આ તો બધું આપણા ઘરનું કહેવાય અને એમને આપી દીધું. પણ ફોઈએ કહ્યું હતું એટલે આપી જ દેવું પડે. આમ કરતાં મારી ડિલીવરીનો સમય નજીક આવી રહ્યો હતો ને શાળામાં દિવાળી વેકેશન પડી ગયું. મને ડિલીવરીની તારીખ એ જ ગાળાની આપી હતી એટલે હું દિકરાને લઈને મારા પિયર રહેવા ચાલી ગઈ હતી. એ વર્ષે ભાઈબીજના દિવસે તમે એકલા જ દિકરાને મારા ઘરેથી લઈને બેનના ઘરે ગયા હતા અને સાંજે પાછા મારા ઘરે દિકરાને મૂકી ગયા હતા. ને તમારા ગયા પછી મારા કાકીએ તરત જ કહ્યું હતું કે તું તો તારી નણંદના ઘરે આટલું બધું મોકલાવે તો આજે તારી નણંદે તારા માટે મિઠાઈ પણ ન મોકલાવી ? પણ મેં ત્યારે તો એમને કહી દીધું કે અમે ત્યાં જમવા જઈએ ત્યારે ક્યારેય પણ ત્યાંથી કંઈ લાવતા નથી. પણ મનમાં તો કાકીના સવાલથી વિચારો ઉદભવ્યા જ હતા. કે સાચી વાત છે આપણે તો બેન બળેવ વખતે આવે ત્યારે એમના સસરા, સાસુ, દાદી સાસુ, ફોઇસાસુ, બનેવી બધાને જે ભાવતું હોય તે બધી જ વસ્તુ મોકલીએ છીએ તો આજે હું ભાઈબીજ જમવા ન જઈ શકી તો એ મિઠાઈ તો મોકલી જ શકતા હતા મારા માટે. પણ મેં એ વાત પણ તમને કરી ન હતી. ને બીજા દિવસે મેં દિકરીને જન્મ આપ્યો. આપણા ઘરે ફોન હતો એટલે તમને ફોનથી જ જાણ કરી દીધી. ને તમે મમ્મીને લઈને આવ્યા હતા. મમ્મીએ મને એ જ દિવસે પૂછ્યું હતું કે તું હોસ્પિટલથી તારા પિયર જ જશે ને ? પણ મેં ના પાડી કે હું તો આપણા ઘરે જ આવીશ. કારણ કે અમારું ઘર નાનું અને મારા દાદીની તબિયત પણ સારી રહેતી ન હતી. એટલે ઘરે મમ્મી બધું જ ન કરી શકે. મારા કાકી તો આમ પણ કોઈ દિવસ મમ્મીને મદદ કરાવતા જ હતા પણ એ દાદીની સેવા પણ ન કરતા હતા. એટલે મેં કહી દીધું કે હું આપણા ઘરે જ આવીશ. અને વળી, જો હું મારા ઘરે જાઉં તો દિકરીને અગિયારમા દિવસે રમાડવાનું મમ્મી ગોઠવી દે જેના માટે ફરી પાછું મારા પપ્પાએ બધી ગોઠવણ કરવી પડે કારણ કે મમ્મી તો ફરી પાછા બધા જ સગા વહાલાને ભેગા કરે દિકરા વખતે કર્યું હતું એમ. ને હું પપ્પા પર બીજી વખત એ બોજો નાખવા માગતી ન હતી. ને બીજા દિવસે હોસ્પિટલથી સીધી હું આપણા ઘરે જ આવી ગઈ. મને ખબર હતી કે મમ્મીએ મને બીજું સંતાન લાવવાની ના પાડી હતી એટલે એ મારું કે દિકરીનું કંઈ પણ કામ કરે. એટલે હું માનસિક રીતે તૈયાર હતી બધું જ કામ જાતે કરવા માટે.