તને મેસેજ કર્યા પછી મોબાઈલ નું નેટ બંધ કર્યું મોબાઈલ પર્સમાં નાખી પર્સ ડેકીમાં મૂકી અને ગાડીને સેલ્ફ માર્યા. ગરબાની રોનક તો હજુ જામી જ હતી પણ રાત્રે લગભગ પોણા બે થવા આવ્યા હતા એટલે ઘરે પહોંચવાની ઉતાવળ હતી.દર વર્ષની જેમ એક જ રસ્તા ઉપર હું જતી અને એક જ રસ્તા ઉપર આવતી ડર નામની ચીજ મને હજુ સુધી આવી નહોતી. બિન્દાસ રીતે હું મારી ગાડી લઈને નીકળી ગઈ. હજુ ઘણી જગ્યાએ ગરબાઓ ચાલુ હતા. ગરબાના ગીત સાંભળ્યું ને એટલે જાણે માતાજી દોડીને પગમાં આવી જાય એવી રીતે મારા પગ થીરકતા હોય છે ગાડી ચલાવતા ચલાવતા હું મારા ગરબા ની ધુનમાં જ મસ્ત રીતે જઈ રહી હતી.
ત્યાં જ એક નદીનો રસ્તો આવ્યો અને ત્યાં ચાર પાંચ આધેડ વયના પુરુષો બેઠા હતા. મારું ધ્યાન તેના ઉપર હતું જ નહીં હું મારી ધૂનમાં જ ગાડી ચલાવે જતી હતી તેમાંથી એકે સીટી મારી મારુ ધ્યાન તેના ઉપર ગયું અને ફરી હું મારા મસ્ત મગન ગરબાના ધૂનમાં જ ગાડી ચલાવે રાખી પણ જ્યારે પાછળથી અભદ્ર શબ્દો સંભળાયા ત્યારે મન થયું કે નીચે ઉતરીને બધાને એક એક તમાચો લગાવી દઉં. આમ જો કે મેં બ્લેક બેલ્ટની એક્ઝામ આપેલી છે. હજુ આગળ ચાલીને તો એ ચારેય આધેડ પોતાની બાઈક ઉપર મારી પાછળ પાછળ આવતા હતા. મેં મારી ગાડીની સ્પીડ વધારી દીધી ત્યારનો તને એક અનુભવ કહું કે જ્યારે એણે મારો પીછો કરવાનું શરૂ કર્યું ને ત્યારે જ મારા પેટમાં એક હિલોળે મારતો હતો મારા હાથ ધ્રુજી રહ્યા હતા. શરીરમાં કંપન આવી રહ્યો હતો. છતાં પણ હું મારી ગાડીનું સ્ટેરીંગ મૂકી ના શકી એ જેટલા નજીક આવતા હતા ને ત્યારે એવું થતું હતું કે ગાડી અને હું બંને પડી જશું પણ મેં અંદરો અંદર મન મજબૂત કરીને ગાડીની સ્પીડ વધારે જતી હતી પણ મારી પાસે એકટીવા હતું અને તેમની પાસે બાઈક હતી એટલે બંને બાજુ તે ચારે આધેડ મારી આસપાસ આવી ગયા ત્યારે લાગ્યું કે આ ભૂખ્યા વરુ કઈ રીતે હરણીનો શિકાર કરતા હશે અને એક જાતનો ડર કે હવે જિંદગીનો છેલ્લો દિવસ છે એવું વિચારીને હું મારી ગાડી ચલાવી જતી હતી પણ આધેડ વયના પુરુષો જાણે તેમને શિકાર મળ્યો હોય એ રીતે મારી તરફ ઘુરી ઘુરી ને જોતા હતા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરતા હતા...
વાહનોની આવન જાવન ચાલુ હતી પણ એટલી નહીં ઓછી અમુક એવી જગ્યા ઉપર એ લોકો મારી તરફ ઘસી આવતા હતા છતાં ગાડી મેં મારી સ્પીડમાં ચાલુ રાખી. જ્યારે મારી સોસાયટીનો વળાંક આવ્યો ત્યારે મારી જ સોસાયટીના ચાર પાંચ યુવકો ત્યાં બેઠા હતા તે યુવકોને જોઈને મને શાંતિ થઈ અને જેવી જ મારી ગાડી સોસાયટીમાં ટન લીધી એવું જ એ લોકો ત્યાંથી પાછા વળી ગયા...
એક એવો ડર જે જિંદગીમાં ક્યારેય ન ભુલાય એવો હતો. આમ તો બધી જ આઝાદી સ્ત્રીઓને આપેલી છે. તેમની સુરક્ષા માટેની વ્યવસ્થા કરેલી છે. સ્ત્રી પોતે સક્ષમ છે પોતાની જાતની રક્ષણ કરવા માટે પણ જ્યારે આવો સમય આવે છે. ત્યારે એક પુરુષની તેને જરૂર પડે છે આ સલામતીની ભાવના કહો તો એ અથવા એક મનોબળ કહો તો એ પણ છે એટલે જેમ સ્ત્રી શક્તિ છે તેમ પુરુષ એ શક્તિનો સ્ત્રોત છે..
હજુ સ્ત્રી નિર્ભય રીતે ફરી શકે તેવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે શું લાગે છે તમને બધાને....
🌹 રાધે રાધે 🌹