"આ નંબર?" જોસેફ હેબતાઈ ગયો.
જોસેફ હજી તો કંઈ સમજી શકે એ પહેલાં જ એ યુવતી અદૃશ્ય થઈ ગઈ. જોસેફ ને એ નંબર યાદ હતો. જોસેફ પોતાની કાર ને બાજુમાં લઈ જઈને પછી એ નંબર પર ફોન કરે છે.
"હું આપનો શુભચિંતક વાત કરી રહ્યો છું. તમારી દીકરી હમણાં થોડી ક્ષણો પહેલાં જ આ પુલ પાસે ગમખ્વાર અકસ્માતમાં ઘવાઈ છે. જેને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી છે."
"શું? કોણ?" સામે ના છેડે થી પ્રશ્નો ની ઝડી વરસાવતા એક અવાજને વધુ કંઈ ખબર પડે એ પહેલા જ જોસેફ ગભરાઈ ગયો અને મોબાઈલ ફોન ઓફ કરી દીધો.જોસેફ ખુબ ટેન્શનમાં કાર ચલાવી પોતાના ઘરમાં પહોંચી ગયો.
રાત પડવા આવી હતી પણ જોસેફ નું મગજ કામ કરતું ન હતું. જોસેફ ને તો આજે કામ કરવા જવા માટે પણ મન ન હતું. વારંવાર જોસેફ ને એ જ ઘવાયેલી યુવતી દેખાઇ રહી હતી.
"આ શું શક્તિ છે? શું હું મૃતાત્માઓ નો અવાજ સાંભળી શકું છું? શું હું એકલો જ તેમની સાથે વાતચીત કરી શકું છું?પણ આ તો શક્તિ છે કે દુર્ભાગ્ય છે?" જોસેફ પોતાની જાતને કહી રહ્યો હતો.
એ જ વખતે દરવાજા પર ટકોરા પડ્યા. ટેક્સી ડ્રાઈવરે જોસેફને પુછ્યું:
"હવે તો શાંત ને? આજે તો તમને કોઈ હેરાન નહીં કરે. પણ હજી તૈયાર નથી."
"બસ આજે તબિયત સારી નથી.પણ થોડીવાર રાહ જોવો હું આવું જ છું." જોસેફ તૈયાર થવા ગયો.
જોસેફ ફટાફટ કપડા બદલીને પોતાની સાથે સફરજન લઈ લે છે.ટેકસી માં બેસીને જોસેફ સફરજન ખાઈ રહ્યો હતો તો ટેક્સી ડ્રાઈવરે પુછ્યું:
"આજે ખાવાનું પણ નથી ખાધું? તબિયત તો ઠીક નથી લાગતી."
"બસ કંઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. ભગવાન બસ મુક્તિ આપી દે." જોસેફ ના મોઢે થી આ શબ્દો નીકળ્યા અને અચાનક જ ટેક્સી ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી.
"જો આ બધા વિચારો રાખવા હોય તો સેના માટે કામ જ ન કરાય. મૃત્યુ તો સૌથી સહેલી વસ્તુ છે. પોતાના પરિવાર માટે જીવો." ટેક્સી ડ્રાઈવરે કહ્યું.
"એ લોકો માટે જ તો હજી સુધી ઝઝૂમી રહ્યો છું." જોસેફે જણાવ્યું.
થોડીવાર પછી જ જોસેફ ફેક્ટરીમાં પહોંચી ગયો. ડોક્ટર પ્રતિભાએ આજે સમય પહેલા જ ભોંયરામાં પ્રવેશ કરીને બધી જ સિસ્ટમ ચાલુ કરી દીધી હતી. જોસેફ જેમ જ દરવાજો ખોલે છે તો ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું:
"આજ થી તો શાંતિ મળી ને તને. મહિપાલ સિંહ નામનો કાંટો જ દૂર કરી દીધો. "
"એક રીતે સારું થયું અને એક રીતે ખરાબ પણ." જોસેફે જણાવ્યું.
"હવે શું ખરાબ થયું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.
"આજે હું પોતાની જાતને લાગણીઓ થી હળવો કરવા માટે ચર્ચ ગયો હતો. હું ત્યાં ખુબ જ ખુશ હતો. પણ ત્યાં થી પાછા આવતી વખતે ફાધર બોલ્યા કે મારી અંદર એક સુષુપ્ત શક્તિ જાગૃત થઈ ગઈ છે." જોસેફે કહ્યું.
"શું? કેવી શક્તિ?" ડોક્ટર પ્રતિભા ને આશ્ચર્ય થયું.
"એ જ કહી રહ્યો છું. હું જ્યારે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એક ઘવાયેલી યુવતી મને રસ્તા માં બોલાવી રહી હતી. એનો અવાજ મને સ્પષ્ટ રીતે સંભળાતો હતો. એણે પોતાના અકસ્માત વિષે તેના ઘરે માહિતી આપવા માટે મને કહ્યું હતું." જોસેફે જણાવ્યું.
"આ તો સારું કહેવાય ને?" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"પણ એ યુવતી તો મૃત્યુ પામી ચુકી હતી. થોડીવાર પછી જ એનો મૃતદેહ મારી નજર ની સામે જ એમ્બ્યુલન્સ દ્વારા પસાર થયો. એ મારી સામે જ ઊભી હતી!! હું આ ઘટના ભુલી જ નથી શકતો." જોસેફે જણાવ્યું.
"તને કોઈ ભ્રમ થયો હશે. આ શક્ય ન હોય." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
" મને એના ઘરનો ફોન નંબર કોણ આપે? મેં તો જાણ કરીને ફોન સ્વીચ ઓફ કરી દીધો.એ હજી ય સ્વીચ ઓફ જ છે." જોસેફ ગભરાઈ ગયો.
"આ તો ખરેખર વિચિત્ર વાત છે. જો તું મૃતાત્માઓ ના અવાજ સાંભળી શકે છે તો તું અશ્ર્વય ધ્વનિ સાંભળવા લાયક બની ગયો છે. કારણકે આવા કોઈ પણ અવાજ કે સ્પંદનો અશ્ર્વય ધ્વનિ ની રેન્જમાં જ આવે છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"પણ હું શું કરું?" જોસેફે પુછ્યું.
" આ તાકાતથી તો આપણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ. આજથી આપણે ટેસ્ટ કેસ પર જરા જુદી રીતે પ્રયોગ કરીશું." ડોક્ટર પ્રતિભા તો ખુબ ખુશ થાય છે.
"આ તમને ખુશી ની વસ્તુ લાગે છે. મારી પરિસ્થિતિ હું જ સમજી શકું છું." જોસેફે જણાવ્યું.
"આ તો ખરેખર વિજ્ઞાન માટે એક ઐતિહાસિક કદમ હશે કે જ્યાંથી એક માણસ અશ્ર્વય ધ્વનિ સાંભળવા લાયક બની ગયો." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"આ વાત હજી કોઈ ને ખબર નથી." જોસેફે જણાવ્યું.
" એ ખબર પણ ન પડવી જોઈએ. મારું મગજ ખુબ ઝડપથી વિચાર કરી રહ્યું છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"આજે ટેસ્ટ કેસ પહેલા તારી પર જ અશ્ર્વય ધ્વનિ નો પ્રયોગ કરવા માગું છું." ડોક્ટર પ્રતિભાએ અચાનક જ નવો ઓર્ડર આપ્યો.
"શું?" જોસેફ હેબતાઈ ગયો.
"હું ફક્ત એક બે અવાજ ના સ્પંદનો જ પેદા કરીને જોઈશ કે તું આરામથી સાંભળી શકે છે ને?" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"ઠીક છે." જોસેફ પણ હામી ભરી દે છે.
ટેસ્ટ કેસ ની જગ્યાએ જોસેફ પોતાની સાથે હેડ ફોન અને જરૂરી સાધનો રાખીને અવાજ રહિત રૂમમાં પહોંચી ગયો. આ પ્રયોગ વખતે ડોક્ટર પ્રતિભાએ બીજું કોઈ જ ન હોય એ વાતની ખાસ તકેદારી રાખી હતી.
ડોક્ટર પ્રતિભાએ રેકોર્ડ રૂમમાં પહોંચી સૌથી પહેલાં જોસેફ ને હેડ ફોન પહેરવા માટે ઈશારો કર્યો. જોસેફ તરત જ હેડ ફોન પહેરી લે છે. ડોક્ટર પ્રતિભાએ પોતાના દ્વારા કરવામાં આવતા અવાજને રેકોર્ડર અને ફયુઝન જનરેટર સાથે જોડી દે છે.
"હાય જોસેફ.." ડોક્ટર પ્રતિભાએ ટેસ્ટ અવાજ કર્યો.
"હાય ડોક્ટર એકદમ સ્પષ્ટ અવાજ છે." જોસેફ જણાવે છે.
"હવે હું ટયુનિગ ફોર્ક વડે અશ્ર્વય ધ્વનિ સ્પંદનો પેદા કરીને પછી જ્યારે ૨૦ હર્ટઝ કરતા ઓછી તરંગ ધ્વનિ પેદા થાય એટલે તારી પાસે સ્થળાંતર કરીશ. કોઈ પણ ક્ષણે તને તકલીફ થાય તો મને કહેજે. " ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"જી ડોક્ટર. હું સમજી ગયો." જોસેફ અંગુઠો બતાવે છે.
ડોક્ટર પ્રતિભાએ ટયુનિગ ફોર્ક વડે ધીમે ધીમે સ્પંદનો પેદા કરીને રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું. તેમને તો આ સ્પંદન સંભળાય નહીં એટલે ધીમે ધીમે ફયુઝન જનરેટર પર એ અવાજ ના ઈલેક્ટ્રોનિક સિગ્નલ વડે તરંગ ધ્વનિ માપી રહ્યા હતા.
જોસેફ પણ તૈયાર જ હતો. થોડીવાર પછી જ ડોક્ટર પ્રતિભા ને ૧૮ હર્ટઝ ની તરંગ ધ્વનિ પેદા થઈ એમ ખબર પડતા જ તેમણે આ ધ્વનિ તરંગો જોસેફ પાસે સ્થળાંતર કર્યો.
જોસેફ પણ હાથ બતાવી કંઈક સંભળાય છે એમ ઈશારો કરી પછી હેડ ફોન કાન પર મુકે છે. શરૂઆતમાં તો ટયુનિગ ફોર્ક ના સ્પંદનો જ સંભળાય છે. પછી અચાનક જ ડોક્ટર પ્રતિભા જે સ્પંદનો મોકલી રહ્યા હતા એ આંતરીને કોમ્પ્યુટર બીજી તરંગ ધ્વનિ પર પહોંચી જાય છે.
ડોક્ટર પ્રતિભાને તો ૧૮ હર્ટઝ જ બતાવતું ફયુઝન જનરેટર બીજા વિશ્વ સાથે જોડાયેલું હતું.