Dhwani Shastra - 13 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 13

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 13

"જો પહેલા તો‌ સાવ સામાન્ય ધીમા અવાજે આપણે કેસ ને પુછીને કે શું સંભળાય છે એ કહેવું પડશે એમ કહીને ધીમે ધીમે ધ્વનિ સાવ સામાન્ય થી ઊંચે લઈ જઈશું. એ પછી જ હું જ્યારે કહીશ ત્યારે જ ટયુનિગ ફોર્ક નો‌ પ્રયોગ કરજે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

જોસેફ પણ હામી ભરી દે છે. પહેલા સાવ જ સામાન્ય અવાજ સાથે શરૂઆત કરવામાં આવી. ડોક્ટર પ્રતિભાએ હેડ ફોન પહેરાવીને ટેસ્ટ કેસ તરફ અવાજ સંભળાય તેમ વ્યવસ્થા કરી.

"શું તને કોઈ અવાજ સંભળાય છે?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

કેસ કોઈ જાતનો જવાબ નથી આપતો. ડોક્ટર પ્રતિભાએ ફરી પ્રયત્ન કર્યો પણ કેસ હલતો પણ નથી. તેનું મોઢું ખુલ્લું હતું પણ એ કોઈ પ્રતિભાવ આપતો ન હતો.ડોકટર પ્રતિભાએ ઈશારો કરી એક અધિકારીને બોલાવ્યો.

જોસેફ ને ઈશારો કરી સામાન્ય અવાજ રેકોર્ડ કરવામાં માટે કહેવામાં આવ્યું અને ગરમ ગરમ ચીપિયો કેસ ના બન્ને હાથ પાસે તૈયાર રાખવામાં આવ્યો.

"શું તને કોઈ અવાજ સંભળાય છે?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

કેસ તરફથી કોઈ જવાબ નથી. ડોક્ટર પ્રતિભાએ ઈશારો કર્યો. અધિકારીએ ગરમાગરમ ચીપિયો કેસ ની બન્ને હથેળીઓ માં લગાડી દીધો.

"આહ..આહ..." કેસ ચીસો પાડી ઊઠ્યો. આ તરફ જોસેફ ને તો કંઈ સંભળાતું નથી ફક્ત કેસ તડપતો હોય એમ દેખાતું હતું.

ત્યારે જ સવારે છ વાગ્યા નો એલાર્મ વાગ્યો. ડોક્ટર પ્રતિભાએ ફટાફટ જ કેસ ને દીવાલ વાળા રસ્તે પાછો મોકલવા માટે તૈયારી કરી. જોસેફ ને ઈશારો કરી રેકોર્ડ રૂમમાંથી બહાર આવીને પોતાની પાસે બોલાવ્યો.

"તે કંઈ સાંભળ્યું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"ના. મને અંદર જરા પણ અવાજ આવ્યો નથી. પણ હવે શું? " જોસેફે પુછ્યું.

"બસ તું ચુપચાપ પોતાના ઘરે નીકળી જા. ટેક્સી ડ્રાઈવર તને મુકતા આવશે. " ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"પોલીસ ને શું જવાબ આપવો?" જોસેફે પુછ્યું.

"આ તો તારે જ વિચાર કરવો પડશે. રોજ રાત્રે આમ જ આવવાનું હશે. પણ હું મહિપાલ સિંહને તો જોઈ લઈશ."ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"એ કેવી રીતે?" જોસેફ જાણવા માંગે છે પણ અચાનક જ ટેક્સી ડ્રાઈવર તરીકે સેના અધિકારી જે હતો એ કહે છે કે હવે સમય‌ નથી અને જોસેફને ફટાફટ કેમ્પસ ખાલી કરવા માટે સમજાવે છે.

આ તરફ જોસેફ પણ ટેક્સી માં જેમ જ બેસીને પોતાના ઘરમાં પહોંચી જાય છે તો પહેલા તો ટેક્સી ડ્રાઈવર જ તેને સમજાવે છે.

"તારા ઘરમાં કોઈ છે." 

"તમને કેમ‌ ખબર?" જોસેફ ને આશ્ચર્ય થયું.

"ગઈકાલે રાત્રે જ્યારે હું અંહીથી નીકળ્યો ત્યારે દરવાજો બંધ કરીને ગયો હતો પણ અત્યારે દરવાજો ખુલ્લો છે. એ પણ અડધો ખુલ્લો.. હું આવું છું." ટેક્સી ડ્રાઈવર સમજી ગયો.

જેમ જ ટેક્સી ડ્રાઈવર સહિત જોસેફ તેના ઘરમાં પ્રવેશ કરે છે તો મહિપાલ સિંહ તેમની સામે ઊભો થયો અને કહેવા લાગ્યો:
"  તમે લોકો પોતાની જાતને પોલીસ ને હવાલે કરી દો. તમે કોઈ મોટા ષડયંત્ર ની ગોઠવણ માં છો." 

"શું ષડયંત્ર?" ટેક્સી ડ્રાઈવર ના સ્વાંગ માં સેના અધિકારીએ કહ્યું.

"એ તો ખબર પડશે." મહિપાલ સિંહે જણાવ્યું.

"સર હું તો મારા કામથી ફેક્ટરીમાં ગયો હતો. " જોસેફે જણાવ્યું.

"તને તો પોલીસ સ્ટેશનમાં લઈ જઈને બે ડંડા મારીને બધું બહાર કઢાવીશ." મહિપાલ સિંહ આટલું કહીને જોસેફને પકડવા જ જતો હતો અને ટેક્સી ડ્રાઈવરે પોતાના ખિસ્સા તરફ હાથ જ વધાર્યો કે મહિપાલ સિંહનો‌ ફોન વાગ્યો.

"હેલ્લો સર. હું તો એક કેસ ની તપાસ કરવા માટે આવ્યો છું." મહિપાલ સિંહે પહેલી જ લાઈન કીધી.

સામે છેડે પોલીસ કમિશનર ગરમ થઇ ગયા. 

"જે કામ કરવાનું છે એ કરતા નથી. હમણાં જ જોસેફ નું ઘર ખાલી કરી કેમેરા હટાવ. બાકી તને સસ્પેન્ડ કરી નાખીશ. આજથી તને દેહરાદૂન સેન્ટ્રલ જેલમાં ઓફીસર તરીકે નિમણૂક આપવામાં આવે છે." પોલીસ કમિશનરે ફોન મુકી દીધો.

ટેક્સી ડ્રાઈવરે પણ પોતાના ખિસ્સામાં જતા હાથને રોકી દીધા.જોસેફે પણ રાહતનો શ્વાસ લીધો. મહિપાલ સિંહે ફોન ગુસ્સે થી નીચે ફેંકી દીધો.

"હું જાણું છું કે આ બધા માટે કોણ જવાબદાર છે. એ વ્યક્તિ પડદા પાછળ જ રહીને આ બધું કરાવી રહી છે પણ હું ય મહિપાલ સિંહ છું. વખત આવ્યે જ પોલીસ કમિશનર ને પોતાના ભુલ નો અહેસાસ થશે." 

ટેક્સી ડ્રાઈવર તો ચુપચાપ જ જવા લાગ્યો અને મહિપાલ સિંહે જોસેફના ઘરના મુખ્ય દરવાજા પર લગાડેલો કેમેરા પણ ખોલી નાખવા માટે આદેશ આપી દીધો. જોસેફ ને મનોમન શાંતિ થઈ.

આજે ઘણા દિવસો પછી જોસેફ ચર્ચ જવા માટે વિચાર કરે છે. આમ‌ તો પરિવાર સાથે એ લગભગ દર રવિવારે ચર્ચ જતો જ હતો પણ આજે તેને અંદરથી ઈચ્છા થતી હતી.

ચર્ચ માં પહોંચી તેણે ફાધર આગળ પોતાની મનની વાત જણાવતા કહ્યું:
"છેલ્લા દસ થી બાર દિવસ કદાચ મારી જીંદગીમાં સૌથી મુશ્કેલ રહ્યા. એક તરફ પરિવાર થી વિખુટા પડયા નો આઘાત અને બીજી તરફ વિચિત્ર ઘટનાઓ મારા જીવનમાં બનવા લાગી.

આજે ઘણા દિવસો પછી પોલીસ ની પકડ ઢીલી થતાં હું શાંત મને ભગવાન આગળ મારી પરિસ્થિતિ નું વર્ણન કરવા માટે આવ્યો છું. "

ફાધર ખુબ જ શાંતિથી તેની વાતો સાંભળી પછી જોસેફ ને એકલો મુકી દે છે. જોસેફ ભગવાન આગળ મન ભરીને રડે છે.તેની અંદર જે પણ લાગણીઓ હતી એ બધી જ એ આંસુઓ રૂપે ભગવાનની સમક્ષ રડી પછી હળવો બની જાય છે.

ફાધર થોડીવાર પછી જ જોસેફના ખભે હાથ મૂકીને કહે છે:
" ભગવાન આગળ તારી બધી જ લાગણીઓ પ્રકટ થઈ ચૂકી છે. આપણે બાળક જ છીએ. જો ભગવાન આગળ પોતાની જાતને ખાલી ન કરીએ તો બીજે ક્યાં કરી શકીએ?

હું સમજી શકું છું કે તારી સાથે ખુબ જ ખરાબ થયું. પણ‌ એ સમયે જ તારી અંદર એક સુષુપ્ત શક્તિ પણ જાગૃત થઈ ગઈ છે. એ શક્તિ વિષે તને જાતે જ ખબર પડશે. તું સાચા રસ્તે જ આગળ વધજે. બાકી સમય પર છોડી દેજે." 

જોસેફ કંઈ વધારે વાતચીત ન કરી શકતા પછી ચર્ચ માં થી નીકળતા વખતે જ ભગવાન ને નમન કરે છે તો કોઈ તેને બોલાવી રહ્યું હોય એમ ભાસ થાય છે. પણ આજુબાજુ કોઈ જ નથી હોતું.

થોડા આગળ રસ્તે જતાં જોસેફ ને કોઈ યુવતી ચીસો‌ પાડતી હોય એમ ભાસ થાય છે. જોસેફ અચાનક જ પોતાની કાર રોકીને ઉતરી ગયો.

એ બહાર નીકળી ચારે તરફ જોવે છે પણ કોઈ નથી હોતું. એ ફરીથી પોતાની કાર ચાલુ કરે છે તો કોઈ તેના નામે ચીસ પાડીને બોલાવી રહ્યું હતું.

"કોણ?" જોસેફ જોવે છે તો અચાનક જ કાર ની બહાર એક ઘવાયેલી યુવતી ઊભી હતી.

"મારો અકસ્માત થયો છે. મારા પરિવાર ને જલ્દી થી જાણ‌ કરો." જોસેફ હેબતાઈ ગયો અને કાર નો દરવાજો ખોલી એ યુવતી ને પાસે જવા લાગ્યો કે અચાનક જ સામે થી એમ્બ્યુલન્સ આવી રહી હતી.

જોસેફ બે ઘડી માટે તો રોકાઈ ગયો. એમ્બ્યુલન્સ ની અંદર નજર કરતા જોસેફ હેબતાઈ ગયો.

"શું જોવો છો? એ હું જ છું. આ રહ્યો મારો ઘર નો નંબર.." એ યુવતીએ કહ્યું.