જોસેફ અચાનક જ ફોટાઓ જોઈને ગળગળો થઈ ગયો. એ બધું હજી સરખી રીતે ભુલ્યો પણ ન હતો અને કુદરત દર નાની નાની ઘટનાઓથી તેને બધું યાદ અપાવતી હતી. અઠવાડિયા થી વધુ સમયથી ઘર બંધ હોવાથી ખુબ જ ગંદું થઈ ગયું હતું. જોસેફે સૌથી પહેલાં તો પોતાના સામાન ને બાજુએ મૂકીને મુખ્ય રૂમમાં લાઈટ પંખા ચાલુ કરીને પછી થોડી સાફ સફાઈ કરીને પોતાના બેડ પર ચાદર બદલી.
એ દરેક નાની નાની ઘટનાઓથી પોતાની જાતને સંભાળી ગમે તેમ રસોડામાં પાણી ને બધું ભરી લે છે. ઘરમાં જ પડ્યા થોડા નાસ્તાને ખાઈ પછી જોસેફ બેડ પર સુઈ ગયો અને પોતાની આંખો બંધ કરીને પત્ની, પુત્રી અને પુત્રને વારંવાર યાદ કરી રડવા લાગ્યો.
ગાઢ નિદ્રામાં જોસેફે પોતાની જાતને એ ધ્વનિ રૂમમાં જ જોઈ. એ અલગ અલગ ઉપકરણો વાપરીને ધ્વનિ પર પ્રયોગો કરી રહ્યો હતો. જોસેફ હજી ગાઢ નિદ્રામાં જ હતો ત્યારે અચાનક જ શસ્ત્ર ફેક્ટરી થી ફોન આવ્યો.
"સર જલ્દી આવો. ડોક્ટર મજમુદારે આત્મહત્યા કરી છે." સિક્યોરિટી ગાર્ડ નો અવાજ સાંભળી જોસેફ ગભરાઈ ગયો.
"શું? એ તો મોડી રાત્રે ઘરે હશે." જોસેફે પુછ્યું.
"ના સર. એ તો તમારી ઓફીસ માં ભોંયતળિયે કોઈ કારણસર રાત્રે આવ્યા અને પછી અંહી જ મૃત્યુ પામ્યા. પોલીસ પહોંચી ગઈ છે અને તમારી જ રાહ જોવે છે." સિક્યોરિટી ગાર્ડૅ જણાવ્યું.
જોસેફ તો શું પ્રતિભાવ આપે એ વિચાર કર્યો વગર જ સીધો પોતાની કાર લઈને ફેક્ટરી જવા માટે નીકળી ગયો. જોસેફ સમજી શકતો ન હતો કે અચાનક જ આ બધું શું થયું?
ફેક્ટરી ના મુખ્ય દરવાજા પાસે દેહરાદૂન પોલીસ ની જીપ ઊભી હતી. આમ તો આ સેના માટે શસ્ત્ર સરંજામ બનાવતી ફેક્ટરી હોવાથી ખુબ સઘન સુરક્ષા હેઠળ હતી પણ આ કેસ તો કદાચ પોલીસ જ હાથમાં લેતી.
આઈ.ડી ની ચકાસણી કરી લીધા પછી જ જોસેફને ફેક્ટરીમાં પ્રવેશ આપવામાં આવ્યો. જોસેફ ફટાફટ પોતાની ઓફીસ તરફ પહોંચી ગયો તો એ જોયું કે પોલીસ ટીમ સાથે જ સેના ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
જોસેફે સેના અધિકારીઓ સાથે વાતચીત કરીને પોતાનો પરિચય આપી પછી ડોક્ટર મજમુદાર વિષે જોઈતી માહિતી આપી. પોલીસ ટીમ ના વડા મહિપાલ સિંહ ઘટના સ્થળે થી ફરીને સીધા જોસેફ પાસે પહોંચી ગયા.
"મારું નામ મહિપાલ સિંહ છે. હું આ કેસ ને જોઈ રહ્યો છું. શું તમે મને ડોક્ટર મજમુદાર વિષે માહિતી આપી શકો?" મહિપાલ સિંહે પુછ્યું.
"સર હું આ ફેક્ટરીમાં ધ્વનિ ઈજનેર તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્યરત હતો. ડોક્ટર મજમુદાર આપણા દેશના અગ્રણી ધ્વનિ ઈજનેર અને રિસર્ચ વૈજ્ઞાનિક હતા. તેઓ લગભગ પચીસ વર્ષ થી વધુ સમયથી આ ફેક્ટરી સાથે સંકળાયેલા હતા.
હું તેમના આસીસ્ટનટ તરીકે કામ કરતો હતો. હજી ગઈ કાલ રાત્રે જ હું દેહરાદૂન પાછો ફર્યો. " જોસેફે જણાવ્યું.
"ક્યાં ફરવા ગયા?" મહિપાલ સિંહે પ્રશ્ન કર્યો.
"સર એ ન જ પુછો તો સારું." જોસેફ નો અવાજ રૂંધાય ગયો.
"કેમ શું થયું?" મહિપાલ સિંહે ફરીથી પુછ્યું.
"સર હું કાશ્મીરમાં ફરવા ગયો હતો અને મારા પરિવાર ને ગુલમર્ગ ની આતંકવાદી ઘટનામાં ગુમાવીને આવ્યો." જોસેફ રડવા લાગ્યો.
"આઈ એમ સોરી." મહિપાલ સિંહે માફી માંગી જોસેફ ના ખભે હાથ મૂક્યો.
"આ ઓફીસ માં શું કામ થતું હતું?" મહિપાલ સિંહે પુછ્યું.
"સર આ શસ્ત્રો બનાવતી ફેક્ટરી હતી તો અમે ધ્વનિ ઈજનેર તરીકે દેશ માટે નવી મિસાઈલો તેમજ ઘાતક શસ્ત્રો વિષે રિસર્ચ કરી સેના માટે ઉપયોગી થાય એવા શસ્ત્રોનો વિકાસ કરવાનું કામ કરતા હતા. " જોસેફે જણાવ્યું.
"પણ જે પ્રમાણે તેમણે આત્મહત્યા કરી છે એ જોઈને તો કોઈ અજ્ઞાત રહસ્ય આ આત્મહત્યા ની પાછળ હોય એમ લાગે છે." મહિપાલ સિંહે જણાવ્યું.
"સર મને એ વિષે ખબર નથી. જ્યાં સુધી હું ઘટના સ્થળે ન જાઉં ત્યાં સુધી કંઈ ન કહી શકાય." જોસેફે જણાવ્યું.
મહિપાલ સિંહ જોસેફને તેની ઓફીસમાં નીચે ના ભાગે લઈ ગયો. જોસેફે એક એક ડગલું ભરતા એક વાત તો સમજી લીધી હતી કે જે ભોંયરામાં એ ગયો હતો એ ખુબ જ રહસ્યમય વાતો થી ભરપુર હતું.
"આ દરવાજા પાછળ એક નાની પ્રયોગશાળા અને ખુબ જુની ધ્વનિ ચેમ્બર છે. તમને આ વિષે કોઈ માહિતી છે?" મહિપાલ સિંહે જોસેફને ભોંયરામાં આવેલી પ્રયોગશાળા અને ઓરડા વિષે પુછ્યું.
"સર આ દરવાજો તો બંધ જ રહેતો હતો. હું પહેલા ક્યારેય અંહી આવ્યો નથી. મને કંઈ ખબર નથી." જોસેફે જણાવ્યું.
"ઠીક છે. અંદર આવ." મહિપાલ સિંહે જોસેફને અંદર બોલાવ્યો.
જે ગત રાત્રે એણે પ્રયોગશાળા જોઈ હતી એ કરતા આ તો સાવ જ બદલાઈ ગયું હતું. ચારેય તરફ નાના મોટા સ્ક્રીન તેમજ ટેપ રેકોર્ડર અને ધ્વનિ નિયંત્રણ તેમજ માપણી માટે ના યંત્રો હતા. જોસેફ તો ડઘાઈ ગયો કે એક રાત માં જ આટલો બધો ફેરફાર કેવી રીતે શક્ય બને?
"આ અમુક ધ્વનિ ના ગ્રાફ છે કે જે ડોક્ટર મજમુદાર ના હાથમાં હતા. એ કોઈ રિસર્ચ કરવા માટે રાત્રે અંહી આવ્યા હતા. આ ગ્રાફ શું છે?" મહિપાલ સિંહે જોસેફને પુછ્યું.
જોસેફે ગ્રાફ જોયો તો એ ધ્વનિ ઉત્પન્ન કરી પછી તેના પ્રવાહ નું પૃથક્કરણ કરતો ગ્રાફ હતો. પણ એ ગ્રાફ અધુરો હતો. ખુબ જ ઓછી રેન્જ ની ધ્વનિ વિશે નો આ ગ્રાફ હતો.
"શું છે?" મહિપાલ સિંહે પુછ્યું.
"સર આ તો ઓછી ગતિએ ઉત્પન્ન થતા ધ્વનિ નું પ્રસાર માપતા ગ્રાફ છે. આ કામ તો અમે શસ્ત્રો ને રડાર થી કેમ બચાવવા એ બધા ના અભ્યાસ માટે કરીએ છીએ. પણ અંહી કોઈ પ્રયોગશાળા હતી એ મને ખબર નથી." જોસેફે જણાવ્યું.
"ઠીક છે. પણ અંદર આવ." મહિપાલ સિંહે હાડપિંજર વાળા રૂમમાં પ્રવેશ કરવા ઈશારો કર્યો.
જોસેફ તો હાડપિંજર વિષે જાણતો જ હોવાથી એ જેમ જ અંદર પ્રવેશ કરે છે તો ચીસ પાડી ઊઠયો. હાડપિંજર ની જગ્યાએ જ ડોક્ટર મજમુદાર કાનમાં હેડફોન ભરાવીને ટેબલ પર માથું ઢાળીને પડ્યા હતા.
તેમના શરીર પર ક્યાંયે કોઈ જાતના શારિરીક સંઘર્ષ કે ઘર્ષણ ના નિશાન ન હતા. પણ તેમની આંખો કોઈ જાતની પ્રતિક્રિયા વગરની ક્રોધિત મુદ્રામાં હતી અને બન્ને કાન થી લોહી નીકળીને નીચે જામી ગયું હતું.
"સર? શું થયું?" જોસેફ તો મૃતદેહ ની દશા જોઈ હચમચી ઊઠ્યો.
"મને ખબર નથી કે તમે આ ભોંયરામાં શું કરો છો? પણ આ ડોક્ટર મજમુદાર કોઈ પ્રયોગો કરતા જ મૃત્યુ પામ્યા હતા. જો શક્ય હોય તો તપાસ કરો કે આ પ્રયોગ શું છે? " મહિપાલ સિંહે સમજાવ્યું.
"જોસેફ.. જોસેફ.." અચાનક જ જોસેફ ને લાગ્યું કે કોઈ તેને બોલાવી રહ્યું હતું. મહિપાલ સિંહ ની વાતો તેને સંભળાતી જ નહીં.
"હેલ્લો જોસેફ.." મહિપાલ સિંહે જોસેફને ધક્કો માર્યો.
"હા સર. હું સાંભળી રહ્યો હતો." જોસેફે જણાવ્યું.
"તને એક પણ શબ્દ ખબર નથી કે જે મેં કહ્યું. મેં તને આ હેડફોન પહેરીને આ ધ્વનિ સાંભળવા માટે કહ્યું." મહિપાલ સિંહે જણાવ્યું.
"ના.ના." જોસેફને કોઈ અજાણી શક્તિ ચેતવણી આપી રહી હતી.