"પણ સર આમાં મારી કોઈ જ ભુલ નથી. હું ખબર નહીં કેમ જાતે જ આ બધું કહેવા લાગ્યો." જોસેફે જણાવ્યું.
"પણ હવે તું શું કરીશ?" ડોક્ટર મજમુદારે પુછ્યું.
"આવિષ્કાર જ આવશ્યકતા ની જનની છે. એ પ્રમાણે જ મારે ગમે તે રીતે મારે આવું કોઈ શસ્ત્ર વિકસિત કરવું જ પડશે." જોસેફે જણાવ્યું.
"કોઈ છે તો નહીં ને ઓનલાઈન?" ડોક્ટર મજમુદારે પુછ્યું.
"ના સર. " જોસેફે જણાવ્યું.
"મને વચન આપ કે હું જે માહિતી તને આપવા જઈ રહ્યો છું એ વિષે તું કોઈને કંઈ પણ નહીં કહે. " ડોક્ટર મજમુદારે વચન માગ્યું.
"આ ધ્વનિ શસ્ત્ર એક કલ્પના નથી પણ હકીકત છે." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
"શું સર?" જોસેફ હતપ્રભ બની ગયો.
"એ કેવી રીતે શક્ય બને કે તારી કલ્પના શક્તિ તને આ હકીકત ની નજીક લેતી આવી." ડોક્ટર મજમુદારે પુછ્યું.
"સર મને ખરેખર ખબર નથી કોણે આ વિચાર મગજમાં રોપીને આ વાત બહાર કઢાવી." જોસેફે જણાવ્યું.
"ચાલ.." ડોક્ટર મજમુદાર જોસેફને પોતાની પાછળ આવવા માટે સમજાવે છે.
જોસેફ ઘણા વર્ષોથી આ જ બિલ્ડિંગમાં નોકરી કરી રહ્યો હતો પણ ડોક્ટર મજમુદાર આજે પહેલીવાર જ તેને એક નવા રસ્તા પર લઈ જઈ રહ્યા હતા. જે દરવાજો કદાચ વર્ષોથી બંધ હતો એ દરવાજો ખોલવો એટલું સહેલું ન હતું.
"ધક્કો માર.." ડોક્ટર મજમુદારે ઈશારો કર્યો.
ડોક્ટર મજમુદાર અને જોસેફ એક પછી એક એમ ધક્કો મારતા દરવાજો કડડ..કડડ...એમ અવાજ સાથે ખુલી ગયો. દરવાજા ની અંદર લાઈટ પણ ન હતી. દરવાજો ખુલવાથી દુર્ગંધ પ્રસરી ગઈ.
ડોક્ટર મજમુદારે તો પોતાની જાતને સંભાળી લીધી પણ જોસેફ તો ઉલ્ટીઓ જ કરવા લાગ્યો.
"અરે જોસેફ પોતાની જાતને સંભાળ.." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
દરવાજા ની અંદરની તરફ જાણે અલગ જ વિશ્વ હતું. મોબાઈલ ની લાઈટથી જ્યારે ડોક્ટર મજમુદારે અજવાળું કર્યું તો જોસેફ તો એ દૃશ્યો જોઈને ડઘાઈ જ ગયો. ચારેય તરફ કાચ થી ઢાંકીને રાખવામાં આવેલો લગભગ મોટો ઓરડો કે જેની દીવાલો પર ફોમ હતું. આ કોઈ સામાન્ય ઓરડો ન હતો.
"સર આ તો ધ્વનિ નિયંત્રણ કક્ષ જેવી રચના છે." જોસેફે જણાવ્યું.
"હા તું સાચો છે. આ એક જ ધ્વનિ નિયંત્રણ કક્ષ જ છે. પણ હજી સુધી તને અંહીની હકીકત ખબર નથી." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
"શું હકીકત છે?" જોસેફે પુછ્યું.
ધ્વનિ નિયંત્રણ કક્ષ જેવા ઓરડામાં ચારેય તરફ જુદા જુદા મશીનો મુકવામાં આવ્યા હતા. આ મશીનો ખુબ જુના હતા પણ હજીય વપરાશમાં હોય એમ લાગતા હતા. એ કક્ષ નો દરવાજો પાછળ બીજી તરફ ખુલતો હતો.
જોસેફને ડોક્ટર મજમુદાર એ તરફ લઈ ગયા. સાંકળ થી આખો દરવાજો બંધ કરી રાખવામાં આવ્યો હતો. ડોક્ટર મજમુદારે જુના ટેબલ ના ખાનામાંથી એક ચાવી કાઢીને પછી સાંકળ ખોલીને તાળું ખોલ્યું.
જોસેફ તો હજી સુધી હતપ્રભ જ હતો. એણે પોતાના સપનાં માં પણ વિચાર કર્યા ન હતો કે આવો કોઈ કક્ષ તેના જ ઓફીસ માં હશે. બીજો દરવાજો ખુલતા જ જોસેફ ની ચીસ નીકળી ગઈ.
"શું થયું?" ડોક્ટર મજમુદારે પુછ્યું.
"સર..સર..એ ખુરશી પર." જોસેફ રૂમમાં એક ટેબલ પાસે રાખેલી ખુરશી પર મુકેલ એક હાડપિંજર ને જોઈ ગભરાઈ ગયો.
એ હાડપિંજર કોઈ સામાન્ય હાડપિંજર જેમ ન હતું. તેના કાનની ઉપરની તરફના બન્ને હાડકાઓ ટુટી ગયા હતા. તે કેટલા વર્ષોથી ત્યાં જ હતું એ ફક્ત ડોક્ટર મજમુદારને જ ખબર હતી.
"આ શું છે?" જોસેફે હતપ્રભ બની પુછ્યું.
"આ એક બહુ જુની વાત છે. પણ તું જે મીટિંગ માં બોલ્યો હતો એ સત્ય હતું." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
"એટલે સર?" જોસેફ સમજી ન શક્યો.
"આ કોઈ હાડપિંજર નથી પણ એક સમયે જીવતો જાગતો માણસ હતો. તેના કાન અને મસ્તિષ્ક તરફ નજર નાખ. એ બન્ને હાડકાઓ ટુટી ગયા હતા. હાથ ની આંગળીઓ ચિત્ર વિચિત્ર રીતે મરડાઈ ગઈ હતી." ડોક્ટર મજમુદારે હાડપિંજર ની તરફ દર્શાવીને કહ્યું.
"અને આ શું?" જોસેફ ટેબલ પર મુકવામાં આવેલ જુના જમાનામાં વાપરવામાં આવતા ટેપ રેકોર્ડર અને વોકમેન જેવા સાધનો તરફ ઈશારો કરી પુછે છે.
"આ જુના જમાનાની ટેકનોલોજી હતી. આજે પણ તને કદાચ એ અવાજ સાંભળવા મળે." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
જોસેફ તો હવે કંઈ પણ કહી શકે એ પરિસ્થિતિમાં જ ન હતો. એ કઈ વ્યક્તિ નું હાડપિંજર હતું? એ કેવી રીતે મૃત્યુ પામ્યો હશે? ધ્વનિ ઈજનેર તરીકે ડોક્ટર મજમુદાર જ આ પ્રયોગ કરી રહ્યા હતા? આવા અનેક સવાલો તેના મગજમાં ચાલી રહ્યા હતા.
"ચલો હવે મોડું થઈ ગયું." ડોક્ટર મજમુદારે જોસેફને સમજાવ્યું.
"હા સર. " જોસેફ ચુપચાપ પોતાની સાથે ટેપ રેકોર્ડર ની અંદર ભરાવેલી કેસેટ લઈ લે છે.
"ના જોસેફ ના. મારી સાથે હોશિયારી ન કર." ડોક્ટર મજમુદારે જણાવ્યું.
"હું કાલે તને રાત્રે અંહી લેતો આવીને બધું જ સમજાવીશ." ડોક્ટર મજમુદારે આગળ વધાર્યું.
"પણ સર?" જોસેફને તો આજે આવવું જ ન હતું.
"ડોક્ટર.. ડોક્ટર..." અચાનક જ બહુ ઓછી તીવ્રતા ધરાવતા અવાજ જાણે જોસેફ ને સંભળાયો.
"સર કોઈક આપને બોલાવી રહ્યું હતું." જોસેફે જણાવ્યું.
"આ એક ખતરનાક જગ્યા છે. ચલો હવે.." ડોક્ટર મજમુદારે તરત જ જોસેફ નો હાથ ઝાલીને એ દરવાજા પર સાંકળ વાસી દીધી.
"સર શું થયું?" જોસેફ કંઈ પણ સમજી નથી શકતો.
"તને ખબર નથી." ડોક્ટર મજમુદારે ફટાફટ સીડીઓ ચઢતા ચઢતા જોસેફને ધમકાવીને ઝડપથી બહાર નીકળવા સમજાવ્યો.
"જોસેફ.. જોસેફ.." અચાનક જ જોસેફ ને પોતાના નામની બુમો સંભળાતી હતી.
"સર.. મને કોઈ બોલાવે છે." જોસેફે જણાવ્યું.
"એ બધું જ વહેમ છે." ડોક્ટર મજમુદારે બહાર પહોંચી જુના મુખ્ય દરવાજાને લોક કરી દીધો. જોસેફ ને કોઈ ગુઢ રહસ્ય લાગ્યું પણ ડોક્ટર મજમુદારે કોઈ માહિતી ન આપતા કાલ સુધી રાહ જોવા માટે સમજાવ્યું.
કેમ્પસ થી બહાર નીકળતા વખતે જ ડોક્ટર મજમુદાર બીજા બધા સાથે જાણે કંઈ થયું જ ન હતું એ પ્રકારનું વર્તન કરતા હતા. પણ જોસેફ સ્તબ્ધ હતો. હમણાં જ પોતાના પરિવાર ને ગુમાવી પછી ધ્વનિ શસ્ત્ર ની વાત વિચારતા આવડી મોટી ગુથ્થી પોતાની ઓફીસમાં જ હોવાની વાત એ સમજી શક્યો ન હતો.
"સર સવારે મળીને તપાસ કરીશું." જોસેફે જણાવ્યું.
પણ ડોક્ટર મજમુદાર તો માથું હલાવીને પોતાની કારમાં ઘરે જવા માટે નીકળી ગયા. હજી તો ડોક્ટર મજમુદાર પોતાની કારમાં અડધે રસ્તે જ પહોંચી શક્યા હતા કે અચાનક જ કારમાં વાગતા ગીતમાં એક ખાસ પ્રકારની ધ્વનિ વાગવા લાગી.
ડોક્ટર મજમુદારે પહેલા તો ધ્યાન ન આપ્યું પણ ગીતો બંધ થઈ જતાં એમણે જુદા જુદા રેડિયો સ્ટેશન પર ગીતો માટે ટ્યુન કરવા માટે પ્રયત્ન કર્યો તો કોઈ જાતનો અવાજ જ આવતો ન હતો.
"આ શું થયું? લાગે છે રેડિયો બગડી ગયો. કાલે સવારે જ રિપેરિંગ કરાવવું પડશે." ડોક્ટર મજમુદારે પોતાની જાતની સાથે વાતચીત કરતા કહ્યું.
આ તરફ જોસેફ એકલો જ પોતાના ઘરે પહોંચ્યો તો જાણે પોતાની જાતને શું સજા આપવી એ વિચાર કરીને હજી તો ઘરનો દરવાજો ખોલ્યો તો અચાનક જ હવાથી તેના પરિવાર સાથેના ફોટા દરવાજા આગળ હતા.