Dhwani Shastra - 5 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 5

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 5

ચારેય તરફ ધડાકા સાથે ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. જોસેફ ખુબ જ થાકી ગયો હતો. તેના મગજમાં બસ પોતાના પરિવાર ની જ છબિ દેખાય રહી હતી. એ ક્યારે ઊંઘી ગયો તેને જ ખબર ન પડી.

એ રાત્રે ભારતે પણ વળતો જવાબ આપતા મિસાઈલ હુમલા કરીને પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડ્યું.બન્ને દેશમાં ઘણા નાગરિકોના પણ મૃત્યુ થયા. જોસેફ જ્યારે સવારે ઊઠ્યો તો પોતાની જાતને સરકારી ગેસ્ટ હાઉસ ના જ એક રૂમમાં જોવે છે.

એ પછી યાદ કરે છે કે મોડી રાત્રે તેને પોલીસ જીપ અંહી જ મુકી ગઈ હતી. જોસેફે સૌથી પહેલાં જ સમાચાર જોવા માટે ટી.વી ચાલુ કર્યું તો બન્ને પક્ષે ડ્રોન તેમજ મિસાઈલ હુમલાઓ થવાથી જે નુકસાન થયું હતું એ જોઈ જોસેફ રડવા લાગ્યો.

"યુધ્ધ કોઈ પણ દિવસ સારું નથી. પણ જે પરિવારને તકલીફ આપે એ બધા આતંકવાદીઓ નો નરસંહાર તો જરૂરી હોય. " જોસેફ પોતાની જાતની સાથે વાતચીત કરી રહ્યો હતો.

એ જ વખતે તેનો મોબાઈલ વાગ્યો. જોસેફે પોતાના મોબાઈલ તરફ જોયું તો તેની ઓફીસમાં થી જ ફોન હતો.સામે છેડે તેનો બોસ ડોક્ટર મજમુદાર હતો.

"જોસેફ ક્યાં છે? તારા પરિવારની સાથે જે થયું એ જાણીને મને ખુબ જ દુ:ખ થયું. પણ તારે હમણાં જ નોકરી પર આવવું પડશે. મને દિલ્હી થી રક્ષા મંત્રાલયની નોટિસ આવી હતી." ડોક્ટર મજમુદારે જણાવ્યું.

"સર હું હમણાં જ ટ્રેનમાં નીકળી જાઉં છું. સાંજ સુધીમાં હું પહોંચી જાઉં પછી કાલે ઓફીસમાં આવીશ." જોસેફે જણાવ્યું.

"ના સાંજે જ ઓફીસ માં તું હાજર હોવો જોઈએ. " ડોક્ટર મજમુદારે ફોન મુકી દીધો.

"શું થયું?" જોસેફે પુછ્યું.

પણ ડોક્ટર મજમુદારે ફોન મુકી દીધો. ડોક્ટર મજમુદાર ભારતીય સેના ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સિનિયર વૈજ્ઞાનિક તરીકે વર્ષોથી કાર્યરત હતા. તેઓ એક અલગ જ પ્રકારના વૈજ્ઞાનિક હતા. 

આમ તો સેના માટે કોઈ પણ નવા પ્રકારના હથિયારો બનાવવાની વાત હોય તો ડોક્ટર મજમુદાર સૌથી મોખરે હોય. એ કડક અને ચુસ્ત શિસ્ત પાલનના પણ હઠાગ્રહી હતા.જોસેફ તેમની સાથે છેલ્લા દસ વર્ષથી ધ્વનિ ઈજનેર તરીકે જોડાયેલો હતો.

"જો ડોક્ટર મજમુદારે બોલાવ્યું હશે તો જરૂર કોઈ મહત્વની વાત હશે. મારે હમણાં જ નીકળી જવું પડશે." જોસેફે મનોમન વિચાર કરીને પછી તરતજ રેલવે સ્ટેશન તરફ જવા નીકળી ગયો.

જોસેફ ટ્રેન માં બેસીને હજી થોડા દિવસ પહેલા ની જ ઘટનાઓ યાદ કરવા લાગ્યો. ડોક્ટર મજમુદારને પોતે કેવી મુશ્કેલીથી સમજાવીને રજા માટે ફરવા આવ્યો હતો અને અચાનક જ બધું બદલાઈ ગયું.

જોસેફ થોડા કલાકો પછી જ દેહરાદૂન પહોંચી ગયો. દેહરાદૂન એટલે ઉતરાખંડ રાજ્યની રાજધાની. દેહરાદૂન ની અંદર મસુરી તરફ જતા રસ્તામાં ભારતીય સેનાના શસ્ત્ર સરંજામ બનાવવા માટેની મોટી રિસર્ચ લેબોરેટરી અને પ્લાન્ટ હતો.

જોસેફ ના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. ડોક્ટર મજમુદાર સમયના પાક્કા હોવાથી પોતાની નિયત જગ્યાએ પહોંચી ગયા હતા. જોસેફ થોડીવાર પછી જ દેહરાદૂન મસુરી રોડ પર સ્થિત ભારતીય સેનાની શસ્ત્ર સરંજામ બનાવવા માટે ની ફેક્ટરી પાસે પહોંચી ગયો.

જોસેફ નું આઈ કાર્ડ તેમજ બીજા આઈ.ડી જોઈને તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. જોસેફ આમ તો ત્યાં જ નોકરી કરતો પણ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી સુરક્ષા સાથે જરા પણ બાંધછોડ ન હતી.

ડોક્ટર મજમુદારે ફોન કરીને જોસેફ ને પુછ્યુ:
"ક્યાં પહોંચ્યો?"

"સર બસ દસ મિનિટ થશે. હું કેમ્પસમાં પ્રવેશ કરી ચુકયો." જોસેફ ફટાફટ ભાગ્યો.

બહારથી આવનારા કોઈ પણ આગંતુક ને આ જગ્યા કોઈ જંગલ જેવી જ લાગે. મસુરી ની ગિરિમાળા ની તળેટીમાં ઘટાદાર વૃક્ષો ની જાળમાં કોઈને ગંધ પણ ન આવે કે અંહી ભારતીય સેનાની મહત્વની ફેક્ટરી હતી.

જોસેફ થોડીવાર પછી જ એક અંધારી કોટડીમાં પહોંચી ગયો. અંહી ડોક્ટર મજમુદાર પહેલા થી જ તેની રાહ જોઈ તૈયાર હતા.અંધારી કોટડીમાં અચાનક જ એક પાસવર્ડ દબાવતા જ બીજી દુનિયામાં પ્રવેશ થયો.

આમ તો એ કોટડી બહાર થી કોઈ દુકાન જેમ જ લાગતી પણ એ પાસવર્ડ નાખતા જ જાણે કોઈ ગુપ્ત જગ્યા પર પહોંચી ગયા એવી સીડીઓ ની હારમાળા શરૂ થઈ.જોસેફ માટે આ કોઈ નવી વાત ન હતી.

"જોસેફ જલ્દી.." ડોક્ટર મજમુદાર ભોંયરામાં એક મોટા હોલમાં બેસી ગયા.

જોસેફે પણ તેની જગ્યા લઈ લીધી. પ્રોજેકટર દ્વારા જન ગણ મન નું પઠન થયા પછી સામે ના સ્ક્રીન પર વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ભારતીય સેના ના પ્રમુખ હાજર થયા.

"જય હિન્દ સૈનિકો અને ભારતીય સેના ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો. આપ સૌને ખબર જ હશે કે આ મીટિંગ શું કામ બોલાવવામાં આવી છે.

આપણા દેશમાં હાલ યુધ્ધ નો માહોલ છે. પાકિસ્તાન પોતાના ડ્રોન તેમજ મિસાઈલ થી સતત આપણા દેશ પર આક્રમણ કરવાનો‌ પ્રયત્ન કરી રહ્યું છે. આપણે પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. 

પણ જેમ તમે જાણો જ છો કે મિસાઈલ થી ગમે તેટલો અચુક નિશાન લગાવવામાં આવે પણ ઘણા નિર્દોષ નાગરિકો પણ તેનો ભોગ બની જાય છે. આપ સૌ વૈજ્ઞાનિકો‌ છો. આપણા સૈનિકો પણ એ જ રીતે મિસાઈલો ના ભોગ બને છે.

હું આપ સૌને એવા નવા પ્રકારના શસ્ત્રો બનાવવા માટે કહું છું કે જેનાથી આપણે પોતાના સૈનિકોની ઓછા માં ઓછી શહાદતથી જ દુશ્મન ને હંફાવી શકીએ. આપ સૌને એકવીસમી સદીમાં પ્રયોગ કરવામાં આવતા નવા નવા પ્રકારના હથિયારો વિષે તો માહિતી છે જ.

ઘણા દેશોમાં રાસાયણિક હથિયારો તો ઘણા દેશોમાં જૈવિક હથિયારો બનાવવાની કામગીરી ચુપચાપ ચાલી રહી છે. પણ આપણે શું એવું કંઈક નવું ન બનાવી શકાય કે જેનું દુશ્મન પાસે તોડ જ ન હોય."

અચાનક જ જોસેફે પોતાના હાથને ઊંચો કર્યો.ડોકટર મજમુદાર પણ હતપ્રભ બની જાય છે.

"આપ કોણ?" સેના પ્રમુખે સવાલ કર્યો.

"સર હું જોસેફ એક ધ્વનિ ઈજનેર છું. હું માનું છું કે અવાજ ની અંદર ઘાતક શક્તિ હોય છે. જે અવાજ આપણને ગમે તો આપણે એની સાથે ગમે તે રીતે મજા કરી શકીએ પણ જો આ જ અવાજ ઘાતકી બને તો?" જોસેફે જણાવ્યું.

"શું?" પ્રમુખ કંઈ સમજી ન શક્યા.

"હું પ્રતિધ્વનિ શસ્ત્ર વિષે માહિતી આપવા માંગું છું. " જોસેફે ચોખવટ કરી.

"એ શું?" પ્રમુખે સવાલ કર્યો.

"જો કોઈ અવાજ સાંભળીને જ માણસ ચીડિયો બની જાય અથવા આત્મહત્યા કરવા માટે પ્રેરિત થાય અથવા પોતાના મગજ પર નિયંત્રણ ગુમાવી બેસે તો?" જોસેફે જણાવ્યું.

"આ બધું શક્ય છે?" પ્રમુખ સહિત ડોક્ટર મજમુદારે પ્રશ્ન કર્યો.

"ધ્વનિ કરતા પણ વધારે ઘાતક હોય છે પ્રતિધ્વનિ." જોસેફે સમજાવ્યું.

"તમે આ પ્રકારનું શસ્ત્ર બનાવી મને બતાવો. પછી અંતિમ નિર્ણય સરકાર લેશે." પ્રમુખે જણાવ્યું.

"થેન્કયુ સર." જોસેફે જણાવ્યું.

ડોક્ટર મજમુદારે પણ આખી વાતચીત સાંભળી. પણ એ ચુપચાપ જ રહ્યા. અચાનક જ જોસેફ નીચે બેસી ગયો.

"હવે શાંતિ ને?" ડોક્ટર મજમુદારે જણાવ્યું.

"કેમ? " જોસેફે પુછ્યું.

"એક નાનકડા બાળકની જેમ આખી મિટિંગમાં ઊ‌ભો‌‌ થનાર તું એકલો જ હતો." ડોક્ટર મજમુદારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"સર મને કંઈ યાદ નથી." જોસેફ માથું પકડી હતાશ થઈ  જાય  છે.