"જોસેફ આ શું કરી રહ્યો છે? હું પણ ન બચી શક્યો." ડોક્ટર મજમુદાર નો અવાજ પારખી જતા જોસેફ પોતાની જાતને સંભાળી નથી શકતો.
આ તરફ ડોક્ટર પ્રતિભાને બધું જ સામાન્ય લાગતા તે જોસેફ ને હાથ ના ઈશારે થી બધું સામાન્ય છે એમ પુછે છે તો જોસેફ કોઈ ઈશારો નથી કરતો. ધીમે ધીમે સ્પંદનો ની ગતિ વધતી જાય છે. ડોક્ટર પ્રતિભાએ તરત જ કોમ્પ્યુટર બંધ કરીને ફટાફટ જોસેફ ના રૂમ તરફ આગળ વધી ત્યાં સુધી તો જોસેફ બેભાન બની ગયો હતો.
"જોસેફ.. જોસેફ.."ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ ના કાનથી હેડ ફોન દૂર કરી પછી તેને ચકાસણી કરી જોયો તો એ બેભાન થઈ ગયો હતો.
"આ બચી ગયો. " ડોક્ટર પ્રતિભાએ તરત જ ફોન કરી મદદ મંગાવી.
જોસેફ ને ઉપર ઓફીસ માં લઈ જવામાં આવ્યો. જોસેફ પર પાણી નાખીને પછી ગ્લુકોઝ અપાતા એ ભાનમાં આવ્યો. ડોક્ટર ની હાજરીમાં જ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
"કેમ છે?" ડોક્ટર પુછે છે.
"બસ હું ઠીક છું. પણ તમે?" જોસેફ ડોક્ટર ને ઓળખી ન શકયો.
"એ છે ડોક્ટર રસ્તોગી. " ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"હા હું અંહી સેના અધિકારી તરીકે ફરજ બજાવું છું. પણ સેના હોસ્પિટલમાં ડોક્ટર છું. જે પ્રયોગો તમે કરી રહ્યા છો એ માટે ડોક્ટર ની હાજરી જરૂરી છે." ડોક્ટર રસ્તોગી એ સમજાવ્યું.
"સર આ ઠીક છે ને?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.
"એ આમ તો ઠીક છે. પણ એક દિવસ નો આરામ આપી શકો." ડોક્ટર રસ્તોગીએ જણાવ્યું.
ડોક્ટર રસ્તોગી ની સલાહ પર ડોક્ટર પ્રતિભા ટેક્સી ડ્રાઈવર ને કહીને જોસેફને તેના ઘરે મુકવા માટે આદેશ આપીને પોતે એ રાતની બધી જ ધ્વનિ તરંગો ના ગ્રાફ લઈને પોતાની ઓફીસમાં જવા નીકળી જાય છે.
"પોતાની જાતને શું ય સમજે છે? બે સેકન્ડ પણ અશ્ર્વય ધ્વનિ સ્પંદનો સાંભળી ન શકયો અને કહે છે કે મારી પાસે જોરદાર શક્તિ આવી છે." ડોક્ટર પ્રતિભાએ પોતાની સાથે જ વાતો કરતા કહ્યું.
એ ધ્વનિ તરંગો ના ગ્રાફ જોતા જોતા અચાનક જ રોકાઈ ગયા. તેમણે જે અશ્ર્વય ધ્વનિ સ્પંદનો પેદા કર્યો હતા એ બધા ના ગ્રાફ એક જ જેવા હતા પણ છેલ્લે જ અલગ પ્રકારના સ્પંદનો પેદા થયા હતા અને વિપુલ માત્રામાં હતા. તેમનો ઉદ્ગમસ્થાન પણ અકલ્પનીય હતું.
"આ અશ્ર્વય ધ્વનિ સ્પંદનો ક્યાંથી આવ્યા? મને તો ખબર જ નથી. કદાચ જોસેફ આટલી વિપુલ માત્રામાં આ સ્પંદનો સાંભળી ન શકયો." ડોક્ટર પ્રતિભાએ પોતાની જાતને કહ્યું.
આ તરફ જોસેફ પણ ઘરમાં પહોંચી સુઈ ગયો. એ ખુબ જ થાકી ગયો હતો. તેને કોઈ જાતની ખબર ન હતી. પણ તેના ઘરની બહાર ડોક્ટર પ્રતિભાએ એક સેના અધિકારીને સતત તેની પર ચોકસી રાખવા માટે મુક્યો હતો.
ડોક્ટર પ્રતિભાએ પોતાના જુના મિશનમાં પણ પ્રયોગો કર્યા હતા. પણ આ તો કંઈક અલગ હતું. ડોક્ટર પ્રતિભાએ એ આખો દિવસ પોતાની પાસે રાખેલી જુની ચોપડીઓ થી ધ્વનિ તરંગો વિષે માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો પણ આટલી વિપુલ માત્રામાં તરંગો નો ઉદ્ગમસ્થાન વિષે કોઈ માહિતી ન હતી.
મહિપાલ સિંહ પણ પોલીસ કમિશનર ની ઓફીસ માં પ્રવેશ કરતા જ પોતાનો અણગમો વ્યક્ત કરતા હોય એ રીતે તેમની સામે જોઈ કહે છે:
"ડોક્ટર પ્રતિભાએ રક્ષા મંત્રાલયને જાણ કરી મારી બદલી કરાવી છે ને?"
"તને કેવી રીતે ખબર?" પોલીસ કમિશનરે પુછ્યું.
"સર મારી દાઢી પણ એમ જ સફેદ નથી થઈ. કંઈક બહું જ ખતરનાક એ શસ્ત્ર ફેક્ટરીમાં થઈ રહ્યું હતું અને હું તેને નડી રહ્યો હતો." મહિપાલ સિંહે જણાવ્યું.
"એ તો સમય આવ્યે જોઈ લેશું." પોલીસ કમિશનરે જણાવ્યું.
એ જ વખતે પોલીસ ઇન્સ્પેકટર કોઈ ફાઈલ લઈને પ્રવેશ કરે છે. મહિપાલ સિંહ સહી કરીને જવાની તૈયારી કરતો હતો એ જ વખતે પોલીસ ઇન્સ્પેકટર કહે છે:
"સર ગઈકાલે દેહરાદૂન થી દિલ્હી જતા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં યુવતી નું આકસ્મિક મૃત્યુ થયું.એ યુવતી ના પરિવારને આ અકસ્માત ની માહિતી એક અજાણ્યા શખ્સે આપી હતી. પણ એ શખ્સ બીજું કોઈ નહીં પણ જોસેફ છે."
"કોણ? જોસેફ?" મહિપાલ સિંહ ના કાન સરવા થયા.
"એમાં શું તકલીફ છે?" પોલીસ કમિશનરે પુછ્યું.
"સર એ યુવતી પાસે અકસ્માત વખતે કોઈ જાતનું આઈ.ડી હતું જ નહીં અને જોસેફ તેને ઓળખતો પણ ન હતો.એ ફોન નંબર તેને ક્યાંથી મળ્યો?" પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું.
"આ તો ગંભીર વિષય છે. શું જોસેફ નો હાથ હશે?" મહિપાલ સિંહે આશંકા વ્યક્ત કરી.
"ના.આ તો એક હીટ એન્ડ રન કેસ છે. જોસેફ ની કાર તો ક્યાંય દૂર હતી. પણ આ નંબર જોસેફ ને કેવી રીતે મળ્યો એ વિષે કંઈ ખબર નથી પડતી." પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું.
"એક કામ કરો. જોસેફ ને હમણાં છોડી દો." પોલીસ કમિશનરે જણાવ્યું.
"સર આ સારો આઈડિયા આપ્યો. " પોલીસ ઇન્સ્પેકટર કહીને નીકળી ગયો.
"સર એ જોસેફ ને થર્ડ ડિગ્રી આપો તો બધું જ પોપટ ની જેમ બોલશે." મહિપાલ સિંહે જણાવ્યું.
"જોસેફ ની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા સખત નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ફક્ત તને કહ્યું છે કે તું આ બધા થી દૂર રહેજે. " પોલીસ કમિશનરે જણાવ્યું.
"ઠીક છે સર." મહિપાલ સિંહે જણાવ્યું.
જોસેફ તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો એ વખતે જ તેના દરવાજા પર ટકોરા પડ્યા. જોસેફ ઊઠીને જોવે છે તો બપોરે બે વાગ્યા નો સમય હતો.
"અત્યારે કોણ હશે?" જોસેફ ને આશ્ચર્ય થયું.
દરવાજો ખોલતા જ સામે એક પચીસ વર્ષની ગોર વર્ણ ધરાવતી યુવતી ઊભી હતી. એ પોતાના હાથમાં બેગ સાથે હતી.
"જી તમે કોણ?" જોસેફ યુવતી ને જોઈ પુછે છે.
"મારું નામ ત્રિશલા છે. હું આપની નવી પાડોશણ છું. હમણાં જ સામાન શિફ્ટ કર્યો હતો એટલે ઘરમાં કંઈ ખાવાનું ન હતું તો કંઈક ખાવા મળશે? આપની પત્ની ને કહેશો?" એ યુવતી અચાનક જ ઘણું બધું કહી ગઈ.
જોસેફ હેબતાઈ ગયો. એ યુવતી ને શું જવાબ આપવો એ ન સુઝતા જોસેફ દરવાજા પાસે જ યુવતી ને ઊભા રહેવાનો ઈશારો કરી પછી પોતાના ઘરમાં રાખેલા સફરજન લઈ તેને આપી આવે છે.
"હેલ્લો.." એ યુવતી કંઈક આગળ બોલી શકે એ પહેલાં જ જોસેફ દરવાજો બંધ કરી દે છે.
"હે ભગવાન!! કેવો વિચિત્ર માણસ છે?" ત્રિશલા પગ પછાડીને સફરજન લઈ નીકળી ગઈ.
જોસેફ પણ હવે પોતાના ઘરની ડોર બેલ અંદરથી સ્વીચ ઓફ કરી પાછો સુઈ જાય છે.
જોસેફ ને ઊંઘમાં પોતે જાણે કેટલો બધો થાકી ગયો હતો એવો સતત એહસાસ થયો. ડોક્ટર પ્રતિભા પણ પોતાની ઓફીસમાં બેસીને એ સ્પંદનો ના ઉદ્ગમસ્થાન વિષે માહિતી મેળવવા નો પ્રયત્ન કરી રહ્યા હતા.
"જોસેફ આ બધું છોડી દે." અચાનક જ એક અવાજ જોસેફ ને ઊઠાડી દે છે. રાત ના નવ વાગ્યા હતા. ટેક્સી ડ્રાઈવર ટેક્સી લઈને જોસેફ ના ઘરની બહાર ઊભો હોર્ન મારતો હતો.આખા દિવસ ની થાકેલી ત્રિશલા હોર્ન નો અવાજ સાંભળી અકળાય જાય છે.
" એ ટેકસી હોર્ન ન માર. આ કોઈ હોર્ન મારવાનો સમય છે."