14. શોધખોળ
અમે પુરુષો, કેટલીક હવે બચેલી પ્રૌઢ એટલે જ પૂરી અનુભવી અને માયાળુ મહિલાઓ સાથે મળીને કામ કરવા લાગ્યાં.
ક્યાંકથી કોઈ લાકડાં વીણી લાવે, કોઈ પ્લેનની અણીદાર બ્લેડ ભરાવી લાકડાં ફાડે, કોઈ વેલાઓ તોડતું જાય અને કોઈ ગાંઠો મારી લાકડાં બાંધી, સાથે ક્યાંયથી પણ અમારા સામાનમાંથી મળે એવો પ્લાસ્ટીકનો ટુકડો બાંધતું જાય. આમ ટ્રાયલ એરર કરતાં આખરે અમારી ટુકડીએ તરાપા બનાવ્યા.
એક વાર બનાવ્યું એટલે ફાવટ આવી ગઇ. બીજા બે તરાપા બનાવ્યા.
અમે ત્રણ ટુકડીઓ બનાવી ટાપુ આસપાસ અલગ અલગ દિશાઓમાં જવાનું નક્કી કર્યું. કેટલાક લોકો ટાપુની અંદર ઊંડે ગયા અને અમને પ્લેનમાંથી મળેલાં પતરાંનો ઢોલ બનાવી કોઈ ઝાડની ડાળીથી એને વગાડી દૂર સુધી જાય તો દરિયા પાસે ઊભી સંદેશ આપવા પ્રયત્નો કરવા લાગ્યા.
ક્યારેક કોઈ વિમાન આ ટાપુ ઉપરથી, ઘણી નીચી ઊંચાઈએથી પસાર થયું પણ ખરું પણ એ કદાચ દક્ષિણ ધ્રુવ તરફ એન્ટાર્ટિકા પર રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોનું હશે. દેખાવમાં જ કોઈ એરલાઈનનું નહોતું લાગ્યું. અમારી ટુકડીએ એનું ધ્યાન ખેંચવા અગ્નિ પ્રગટાવ્યા, કપડાં ફરકાવ્યાં પણ એનું ધ્યાન ગયું નહીં. બને કે અમને ગોતવાની કાર્યવાહીનું જ કોઈ વિમાન હોય પણ આવી જગ્યાએ ટાપુ છે એ જ એમના નકશામાં ન હોય.
એક ટુકડીને તો જેકપોટ લાગ્યો. કોઈ જગ્યાએ જંગલી કેળનાં વન મળ્યાં! ખાવા માટે કશું ઠીકઠાક મળ્યું. એ જ રીતે ક્યાંક પાઈનેપલ ને મળતી વસ્તુ મળી પણ એ ખાધા પછી ખાનારા ની તબિયત બગડી એટલે એ જવા દીધું. સડેલા બટાકા ડુંગળી અમે નજીક રેતાળ જમીનમાં દાટી દીધેલ એ પણ ઊગી નીકળ્યાં.
બીજી ટુકડી ટાપુની બહારની તરફ પ્રદક્ષિણા કરતી હતી. એને કોઈ હરિયાળી અને પ્રમાણમાં સપાટ જગ્યા દેખાઈ એટલે ત્યાં અમારો વસવાટ શિફ્ટ કરવો એમ નક્કી કર્યું.
પણ ત્યાં રહી શક્યા નહીં. ત્યાંથી ભલે દૂર, પેલા આદિવાસીઓની સાવ થોડી જગ્યામાં ખીચોખીચ વસેલી વસાહત નીકળી. એ લોકોએ તીર છોડ્યાં પણ આ ટુકડી સાવધ હતી, તીર ચુકાવી તરાપા બીજી બાજુ વાળી લીધા. હા, એમાં તીરનાં ઉપરનાં અણીદાર હુક અને યોગ્ય રીતે માછલી પકડવાનાં હુક પણ મળ્યાં! એ કદાચ અમારી જેમ બીજું કોઈ અહીં એમનું શિપ ભાંગતાં કે ભૂલું પડી આવ્યું હશે અને આદિવાસીઓએ કદાચ એમને મારી નાખ્યા હશે. આ આદિવાસીઓને માછલી પકડવાના હુક બનાવતાં આવડે એ વાતમાં માલ નહીં.
અમને તો અત્યાર પૂરતું માછલી પકડી ખાવા મળશે! સાથે ઊગી ગયેલા બટાકા અને ડુંગળીઓ. એની હવે આમારા બચેલા લોકોમાં જ એક વયસ્ક માજી મલેશિયામાં બોટનીનાં પ્રાધ્યાપક નીકળ્યાં એમણે વ્યવસ્થિત ક્યારાઓ કરી એક રીતે ખેતી ની જેમ વાવતાં શીખવ્યું. એમની રીતે ખૂબ ઝડપથી બટાકા ડુંગળી ઊગવા માંડ્યાં.
ત્રીજી ટુકડી બીજી થી ઊંધી દિશામાં જતી આવતી હતી. સવારે લાલ આકાશ થાય એટલે નીકળે અને સૂરજ નમે એટલે પાછાં. એમને ટાપુની ચોક્કસ ધારે ધારે જ ફરવાનું હતું એટલે ભુલા પડે એમ ન હતું. એમણે ટાપુનો ચાંચ જેવો ભાગ દરિયામાં દૂર સુધી લંબાતો જોયો પણ ત્યાં ઘોર જંગલો હતાં. ત્યાં જતા તો રહીએ પણ ત્યાંથી પણ કોઈ મદદ મળશે એવું લાગ્યું નહીં. વખત આવે એ ભાગ કામચલાઉ જેટી તરીકે ઉપયોગમાં લેવાય એમ લાગ્યું.
ત્યાં પણ એમણે ઝાડનાં થડ લાઇનબંધ ખોડી અહીં કોઈ માણસો આસપાસ છે એની જાણ કરવાની નિશાની બનાવી.
હું અને કો પાઇલોટ વિમાન પાસે રહી જે કાંઈ અમારા સરસામાનમાં બચ્યું એની ચોકીમાં અને સંદેશ વ્યવહારની સિસ્ટમ ચાલુ કરવામાં રહ્યા. એમાં મને ભેજવાળું, ચૂંથાઈ ગયેલ એક મેન્યુઅલ જેવું મળ્યું જેમાં કોઈ વાયરીંગ ડાયેગ્રામ જેવું લાગ્યું. અમે બંનેએ એક બીજાની સામે જોયું અને અમુક વાયરો જોડાય તો? એમ વિચારી પ્રયત્ન કરવા લાગ્યા.
ક્રમશ: