મને એ સમયે ભગવાન જાણે મારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા હોય એવું લાગતું હતું. મેં બહાર આવીને તમને કહ્યું કે તેઓ માની ગયા છે હું એક વાગ્યે આવીશ. એમણે એમ કહ્યું છે કે અત્યારે તમે શરૂ કરો બીજું વર્ષ શરૂ થશે ત્યારે સમય વિશે નક્કી કરીશું. અત્યારે એમણે મને ભણાવવા આવવાનું શરૂ કરી દેવાનું કહ્યું છે. અને પગાર પણ જે પ્રમાણે બીજી બધી શાળા આપે છે તે પ્રમાણે આપવાનું કહ્યું છે. મારે કાલથી જ અહીં આવવું પડશે. ને તમે કહ્યું હતું કે સારું તારાથી થતું હોય તો મને કંઈ વાંધો નથી. ઘરે આવીને મમ્મીને કહ્યું કે મને બીજી શાળામાં પણ નોકરી મળી ગઈ છે મારે હવે બપોરે દિકરાને ઘરે મૂકીને પાછું તરત જ બીજી શાળાએ જવા માટે નીકળી જવું પડશે. મમ્મીએ કહ્યું કે સારું તું તારે જજે દિકરાની ફિકર ન કરતી. હું સાચવી લેવા. હું બીજા દિવસે ટયુશન કરાવવા ગઈ ત્યાં આચાર્યને કહ્યું કે મને તમે કહ્યું હતું એ શાળામાં નોકરી મળી ગઈ છે. મારે આજથી જ ત્યાં જવાનું છે. તો એમણે પૂછ્યું કે તમે દિકરાને ક્યાં મૂકશો ? તો મેં એમને મેં કહ્યું કે દિકરાને ઘરે મૂકીને હું પાછી આવીશ. એમને જરા નવાઈ લાગી અને કહ્યું કે તમે દિકરાને કોઈ ડે કેર માં મૂકી દો સાંજે લેતા જજો ગામ સુધી જઈને પાછું કેમ આવવું છે ? પણ મેં ના પાડી કે ના. દિકરાને હું આવી રીતે ના મૂકી શકું. એ દિવસથી મારી દોડધામ શરૂ થઈ ગઈ. હું દિકરાને ઘરે મૂકવા આવી. જમવાનો સમય ન હતો. મારે પેલી બસ વળીને આવે એ પકડવાની હતી. એટલે મેં મારા જમવાનાનો ડબ્બો ભરી લીધો અને તરત જ પાછી નીકળી ગઈ. દિકરો જરા હઠે ભરાયો કે હું એને મૂકીને ન જાઉં પણ એને સમજાવીને મમ્મી પાસે મૂકીને હું નીકળી ગઈ. જલ્દીથી બસ સ્ટોપ સુધી પહોંચી ગઈ. જરા વાર ઊભી રહી એટલે બસ આવી ગઈ અને હું એ બસમાં બેસી ગઈ. બીજી શાળા શહેરના મુખ્ય રસ્તાથી ઘણી અંદર હતી એટલે હું મુખ્ય રસ્તા પર ઉતરી ગઈ અને ત્યાંથી ચાલતી શાળાએ પહોંચી ગઈ. બરાબર એક વાગી ગયો હતો. શાળામાં પહેલો પિરિયડ પૂરો થઈ ગયો હતો અને મેં બીજા પીરીયડથી છોકરાઓને ભણાવવાનું શરૂ કરી દીધું. ચાર પીરીયડ પછી રિસેષ પડી ત્યારે મેં મારું જમવાનું ખાધું. ત્યાં બીજા શિક્ષકો સાથે મળી, થોડી વાતચીત થઈ ને ફરીથી ક્લાસ શરૂ થઈ ગયા. પાંચ વાગ્યે શાળા છૂટી ને ત્યાંથી ફરીથી ચાલતી હું મુખ્ય રસ્તા સુધી પહોંચી ને ત્યાં થોડી વાર ઊભી રહી એટલે ગામ તરફ જતી બસ આવી ને એ બસમાં હું બેઠી ત્યારે મને જરા હાશ વળી. લગભગ પચ્ચીસ મિનિટ થાય ત્યાંથી ગામ સુધી પહોંચવામાં. સવારની દોડધામ પછી મને આ સમય ખૂબ જ સારો લાગ્યો હતો. આમ પણ પહેલેથી જ મારે સાંજે ભાખરી સિવાય બીજું કંઈ કરવાનું ન હોય એટલે સાંજની રસોઈની ફિકર તો હતી નહીં. ગામ આવતા હું બસમાંથી ઉતરી તો તમે દિકરા સાથે બસ સ્ટોપ પર આવીને ઊભા હતા મને લેવા માટે. મને ખૂબ જ સારું લાગ્યું હતું. ઘરે આવીને થોડી વાર દિકરા સાથે સમય વીતાવ્યો ને જમીને પરવારતા રાત પડી ગઈ. આ મારો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. થાકવાનું મને પરવડે એમ ન હતું. કારણ કે જો બીજી શાળાની નોકરી ન સ્વીકારું તો પછીના વર્ષે તો ટયુશન બંધ થઈ જવાના હતા. એક રીતે જોવા જઈએ તો મારી કમાણી બંધ થઈ જાય. અને ધીરે ધીરે આપણે જે શાંતિથી જીવતા થયા હતા એ શાંતિ ફરીથી છીનવાઈ જાય. અને એટલે જ નક્કી કર્યું હતું કે થાકવું તો બિલકુલ નથી. અને એમાં મને તમારો પૂરો સહકાર મળ્યો. તમારી જ્યારે બપોર પાળીની નોકરી હોય ત્યારે તમે મને અને દિકરાને લેવા દિકરાની શાળાએ આવી જતા જેથી અમારે બસની રાહ ન જોવી પડે અને ચાલવું ન પડે. અને પછી ઘરેથી બસ સ્ટોપ સુધી પણ મને મૂકી જતા. આમ, આપણા બંનેની સમજદારીથી આપણું જીવન હવે સ્થિર થવા માંડ્યું હતું.