હું દિકરાને લઈને ઘરે આવી. આખા રસ્તે મારા મગજમાં એક જ વિચાર હતો કે હવે આગળ શું થશે ? તમે નોકરી પરથી ઘરે આવી ગયા પછી મેં તમને બધી વાત કરી. મને કંઈ પણ સાચી સલાહ આપવાની કે વ્યવસ્થિત આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તમે કોઈ જ વાત ન કરી. બસ એટલું કહી દીધું કે તારે જે કરવું હોય તે કર. ને તમે ફળિયામાં નીકળી ગયા. હું તમને જોતી જ રહી ગઈ. એક બાજુ તમે એમ કહેતા હતા કે મારે નોકરી તો કરવી જ પડશે. હવે જ્યારે નોકરી માટે હું તમારી પાસેથી કંઈક મદદ માગી રહી હતી તો તમે ચાલ્યા ગયા. હું ઘરમાં વિચારતી રહી કે હવે શું કરું ? જો હું અત્યારે બીજી શાળાની નોકરી સ્વીકારું તો મારો દિકરો જે સવારે ઘરેથી નીકળે તે છેક સાંજે મારી બીજી શાળાની નોકરી પતે ત્યારે મારી સાથે ઘરે આવે. પણ ત્યાં સુધી એને મારી સાથે રાખું તો એનું રમવાનું, ખાવાનું, સૂવાનું બધું જ અટવાઈ જાય. હજી બે ત્રણ મહિના આ શાળામાં ટયુશન ચાલે છે તે તો ચાલવાના જ એટલે રૂપિયા તો મળશે પણ પછી શું ? હું ઘરે બેસી જવા તો એ જ મહેણાં ટોણા ફરી પાછા શરૂ થઈ જશે એ બીક મને સતાવતી હતી. મમ્મીને પણ વાત કરી એમણે પણ કહી દીધું કે તારે જે કરવું હોય તે કર. એ આખી રાત હું વિચારતી રહી કે હવે શું કરું ? સવાર થતાં હું દિકરાને લઈને શાળાએ જવા નીકળી ગઈ. આખા રસ્તે મારા મગજમાં એ જ વિચારો ચાલતા હતા. હું દિકરાને એની શાળાએ મૂકીને ટયુશન કરાવવા નીકળી ગઈ. ત્યાં આચાર્ય એ મને પૂછ્યું કે પછી શું નક્કી કર્યું ? મેં એમને કહ્યું કે મને બે ત્રણ દિવસનો સમય આપો. હું કહું તમને. એ દિવસે દિકરાને લઈને જ્યારે હું બસમાં આવી તો એ બસના કંડક્ટરને મેં પૂછયું કે આ બસ વળતા ફરી ક્યારે અમારા ગામ પાસેથી પસાર થાય. એમણે મને સવા બારનો સમય કહ્યો. એટલે મેં વિચાર્યું કે હું દિકરાને ઘરે મૂકીને તરત ફરી આ વસ પકડી લઉં તો બીજી શાળાએ પહોંચતા મને એક વાગી જાય. પછી મેં નક્કી કર્યું કે હું એકવાર એ શાળાએે જઈને મળી આવું પછી નક્કી કરું કે શું કરવું છે. તમે નોકરી પરથી આવ્યા પછી મેં તમને કહ્યું કે હું આવું વિચારું છું. પણ જો એ લોકોને મારા એક વાગ્યે પહોંચવાથી કંઈ તકલીફ ન હોય તો. અને એ પણ આ બે ત્રણ મહિના. પછી જો તેઓ શાળા સવારની કરવા તૈયાર હોય તો આ નોકરી સ્વીકારાય નહીંતર ના પાડવી પડે. અને તમે માની ગયા. આપણે બીજા દિવસે એ શાળાએ ગયા. બિલકુલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં હતી એ શાળા. એકવાર તો તમે ના પણ પાડી કે રહેવા દે નથી જવું મળવા માટે. પણ મેં કહ્યું કે જવામાં શું વાંધો છે ? એવું લાગે તો ના પાડી દઈશું. અને આપણે ત્યાં ગયા. એ સમયે આપણને એ શાળાના સંચાલિકા મળ્યા. એમણે કહ્યું કે માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન ભણાવવાનું છે. એ તો મારા પસંદગીના વિષય હતા એમાં મને કંઈ તકલીફ પડે એવું હતું જ નહીં. પણ મેં એમને આપણી સમસ્યા વિશે વાત કરી અને કહ્યું કે હું એક વાગ્યે આવી શકું અને એ પણ આ બે ત્રણ મહિના પૂરતું. પછી જો તેઓ સવારની શાળા કરે તો જ મને ફાવશે એમ કહી દીધું. એમણે કહ્યું કંઈ વાંધો નહીં તમે અત્યારે તો શરૂ કરો પછી આવતા વર્ષનું આપણે નક્કી કરીશું. મને એ સમયે હું જ્યાં ટયુશન કરાવતી એ શાળાના આચાર્ય અને બીજી શાળાના આ સંચાલિકા જાણે ભગવાનના અવતાર હોય એમ લાગ્યું કારણ કે બંને મારી બધી જ શરત મંજૂર રાખતા હતા.