પોચા સાહેબ લેંઘાના પાંયસા ઉપર ચડાવીને ટેબલ પર બેઠા હતા. છોલાયેલા ગોઠણ પર સ્પિરીટવાળું રૂનું પોતું ફેરવતા નર્સ ચંપાએ પૂછ્યું,"આમ કેવી રીતે પડ્યા સાહેબ? મોઢું ને ઢીંચણ બેઉ છોલાયા છે એટલે મોંભરીયા પડ્યા લાગો છો." પોચા સાહેબ જવાબ આપે એ પહેલાં એમના ગોઠણમાં લ્હાઈ ઉઠી. મોંમાંથી દર્દનો ઉંહકારો નીકળી ગયો. પોચા સાહેબને ટેબલ પર સુવડાવીને ચંપાએ નાક પર રૂનું મુકતા કહ્યું,"સુઈ જાવ. નાક પણ છોલી નાંખ્યું છે. થોડું બળશે તો ખરું, પણ મટાડવા માટે ઘાવ સાફ કરવો પડે ને." ડો. લાભુ રામાણી એ જ વખતે દવાખાનામાં આવી પહોંચ્યા. એમણે પોચા સાહેબનો કેસ જોઈને કહ્યું."એમને ધનુરનું ઈન્જેક્શન પણ આપી દેજે ચંપા." "ના ના..મને ઈન્જેક્શન ના આપો. મને કંઈ ધનુર બનુંર ના થાય. થોડો છોલાયો છું એમાં કંઈ ધનુર નો થાય" પોચા સાહેબને ઈન્જેક્શનનો બહુ ડર લાગતો હતો. ડોક્ટરની વાત સાંભળીને તેઓ ગભરાયા. "એમ ના ચાલે. ઈન્જેક્શન તો લેવું જ પડે. ચાલો લેંઘો ઉતારીને ઊંધા સુઈ જાવ." ચંપાએ જરા કડકાઇથી કહ્યું. "પણ મને ક્યાં લોઢું વાગ્યું છે. ધનુર તો લોઢું વાગે તો જ થાય. મારે કંઈ ઈન્જેક્શન નથી લેવું ભાઈસાબ." પોચા સાહેબ કરગર્યા."લોઢું વાગે તો જ ધનુર થાય એવું ન હોય સાહેબ. તમે ધૂળમાં પડ્યા છો એટલે ધનુર થાવના ચાન્સ રહે. ચાલો જીદ ન કરો અને ઊંધા સુઈ જાવ." ડોકટરે કહ્યું."પણ ઊંધું શું કામ સૂવું? હું કહું છું કે મારે ઈન્જેક્શન નથી લેવું. તમે લોકો દર્દીની ઈચ્છા વિરુદ્ધ જઈ ન શકો સમજ્યા?" પોચા સાહેબ ખીજાયા.'આ તમારી નિશાળ નથી તે તમે કહો એમ થાય. દર્દીની સારવાર કેમ કરવી તે ડોક્ટરને ખબર જ હોય. આમાં દર્દીની ઈચ્છા પ્રમાણે કરવાનું ન હોય. ચાલો જાતે જ ઊંધા સુઈ જાવ, નહિતર અમારે સુવડાવા પડશે." ચંપાએ ડોળા કાઢ્યા. પોચા સાહેબ પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નહિ. છતાં એમણે દલીલ ચાલુ રાખતા કહ્યું, "જો બેન તું બહુ કહે છે તો હું ઈન્જેક્શન લઈ લઈશ. પણ હાથમાં આપી દે ને! ઊંધો શા માટે સુવડાવે છે?" "ધનુરનું ઈન્જેક્શન હાથમાં ન અપાય. કુલા પર જ આપવું પડે. ચાલો લેંઘો ઢીલો કરીને સુવો ઊંધા."ચંપાએ ઈન્જેક્શન તૈયાર કરતા કહ્યું. નર્સ ચંપા આગળ પોતાનો પુષ્ઠભાગ ઉઘાડો કરતા પોચા સાહેબને શરમ આવતી હતી. થોડીવાર ચંપાને તાકી રહી એમણે નવું બહાનું કાઢ્યું,"પણ મારા ગોઠણ છોલાયા છે. ઊંધો સુવ તો ગોઠણ ટેબલ પર ઘસાશે ને મને દુઃખશે. અલી મને હેરાન શા માટે કરે છે? ભલી થઈને હાથ ઉપર દઈ દે ને!""તો ચાલો હું ગોઠણ પર ડ્રેસિંગ કરીને પાટો બાંધી આપું છું. પછી ઈન્જેક્શન આપીએ." ચંપાએ પોચા સાહેબની દલીલનો છેદ ઉડાડી દીધો. બંને ઢીંચણ પર પાટો બાંધીને ચંપાએ ઊંધા સુવાની આજ્ઞા કરી. એટલે પોચા સાહેબે ફરી રાગ અલાપ્યો, "ડોક્ટરને બોલાવ, હું તારા હાથે ઈન્જેક્શન નહિ લઉં. મેં સાંભળ્યું છે કે તારો હાથ બહુ ભારે છે." ચંપાને પોચા સાહેબની વાત જરાય ગમી નહિ. પોતાની આવડત પર કોઈ શંકા કરે એ કોને ગમે? "કોણે તમને આવું કહ્યું? પાંચ વર્ષથી આ દવાખાનામાં હું કામ કરૂં છું. બધા દર્દીઓને ઈન્જેક્શન હું જ આપું છું. હજી સુધી કોઈની ફરિયાદ નથી આવી. ડોકટર સાહેબ ઈન્જેક્શન આપશે તો મહિના સુધી ખુરશીમાં બેસી નહિ શકો. કારણ કે એમને જાડા કાચના ચશ્મા છે એટલે બરાબર દેખાતું નથી. ખોટી જગ્યાએ ક્યારેક ઈન્જેક્શન આપી દે છે. તભા શંકર ગોરને પૂછી જોજો. પાછું એમનો હાથ જ બહુ ભારે છે; મારો નહિ. કીડી ચટકો ભરે એટલી જ વેદના થશે. તમને ખબર પણ નહિ પડે, ચાલો હવે વધુ માથાકૂટ ન કરો." "ના ના..હું તો ડોકટરના હાથે જ ઈન્જેક્શન લઈશ. બયરાને કેમ કરીને કુલો બતાવવો.." પોચા સાહેબ જીદ પર આવી ગયા. ચંપાને હવે ખ્યાલ આવ્યો કે પોચા સાહેબને શું દુખાવો હતો! પણ એ આખરે એક નર્સ હતી. દવાખાનામાં આવતી પ્રત્યેક વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, એના માટે માત્ર એક દર્દી જ હતી. "આમાં આદમી કે બયરું એવું જોવાનું ન હોય. ઈન્જેક્શન આપવાનું કામ મારું છે. તમને શરમ લાગતી હોય તો આંખો બંધ કરી દેજો, પણ ઈન્જેક્શન તો હું જ આપીશ. ચાલો ઊંધા સુવો છો કે કમ્પાઉન્ડરને બોલાવું?" "ભારે કરી આણે તો.." કહી પોચા સાહેબ કમને લેંઘાનું નાડુ છોડીને ઊંધા સુઈ ગયા. ચંપાએ એક તરફથી લેંઘો નીચો કરીને પોચા સાહેબના પાશ્ચ્યાત પ્રદેશનો ઉપરનો હિસ્સો ખુલ્લો કર્યો. સ્પિરિટવાળું પોતું ફેરવીને ઈન્જેક્શનની સોય અડાડી તો પોચા સાહેબ શરીરને કડક કરી ગયા. "શરીર ઢીલુ રાખો..એકદમ ઢીલું. નહિતર દુઃખશે.." ચંપાએ કહ્યું.પોચા સાહેબે માંડ માંડ શરીર ઢીલું કર્યું. ચંપાએ ઈન્જેક્શન લગાવી દઈને કહ્યું,"ચાલો હવે ઊભા થઈ જાવ." પોચા સાહેબને ખબર પણ ન પડી કે ક્યારે ઈન્જેક્શન લાગી ગયું. કીડીએ સહેજ ચટકો ભર્યો હોય એટલી જ વેદના એમને થઈ હતી.લેંઘાનું નાડું બાંધતા પોચા સાહેબ બોલ્યા,"અલી નર્સબેન તેં ઈન્જેક્શન માર્યું છે કે ખાલી અડાડયું જ છે? મને તો કંઈ ખબર જ ન પડી!" "મેં તો મારુ કામ બરાબર કરી દીધું છે. હવે કોઈને કહેતા નહિ કે મારો હાથ ભારે છે." કહી ચંપા હસી પડી. "નહિ કહું.." કહી પોચા સાહેબ ડ્રેસિંગરૂમમાંથી બહાર નીકળ્યા. એમના નાક પર દવા લગાવેલી હતી એટલે એમનો દેખાવ બેડોળ લાગતો હતો. "તે આમ કેમ કરતા પડ્યા?" ડોકટરે પોચા સાહેબને એમની કેબિનમાં બોલાવીને પૂછ્યું."જવા દો ને ડોકટર..નિશાળના ગ્રાઉન્ડમાં છોકરાઓ દોડાદોડી કરતા હતા તે મને ઝપટે ચડાવી દીધો. હવે એ તો બાળકો કહેવાય, શું કરવું એમનું?" પોચા સાહેબે જવાબ આપ્યો."હા એમનું કંઈ ન થાય. લ્યો આ ટેબ્લેટ, જમીને સવાર સાંજ લઈ લેજો એટલે જલ્દી રૂઝ આવી જશે. અને આ મલમ છે એ ઘાવ પર લગાવજો. બને ત્યાં સુધી ગોઠણ ખુલ્લા રાખવા." કહી ડોકટરે દવાઓ આપી. "નિશાળમાં કંઈ ચડ્ડી પહેરીને તો જવાય નહિ ને! ખુલ્લા ગોઠણ કેમ રાખવા?" પોચા સાહેબે કહ્યું."હા એ પણ ખરું. ઘરે હોવ ત્યારે ખુલ્લા રાખજો. પણ હવે ધ્યાન રાખજો, સારું થયું કે કંઈ ભાંગતુટ નથી થઈ." ડોકટરે હસીને કહ્યું. પોચા સાહેબ લંગડાતી ચાલે દવાખાના બહાર નીકળ્યા. બાબુલાલ એમને બાઈક પર બેસાડીને ઘેર મૂકી આવ્યા. **** ધરમશી ધંધુકિયાએ છેક ઉપર સુધી છેડા અડાડીને આખરે હુકમચંદને જામીન અપાવ્યા. હુકમચંદને એ માટે પાંચ કરોડ ડિપોઝીટ કોર્ટમાં જમા કરાવવી પડી. હુકમચંદને જામીન મળ્યા છે એ સમાચાર જેવા ગામમાં પહોંચ્યા કે તરત જ આખું ગામ બસસ્ટેન્ડ પર જમા થઈ ગયું. સ્કીમમાં રૂપિયા ગુમાવનાર દરેક જણ ખૂબ ગુસ્સે હતો. હુકમચંદને વજુશેઠે ફોન કરીને કહ્યું હતું,"જીવતા રહેવું હોય તો ગામમાં પગ નો મુકશો. કોઈ સગાને ત્યાં આશરો લઈ લેજે હુકમ.'' પણ હુકમચંદ ગામમાં જ આવવાનો હતો. વજુશેઠ આખરે તો હુકમચંદના જાતભાઈ હતા એટલે એમને ચિંતા થઈ રહી હતી.સૌએ લોભ અને લાલચથી સ્કીમમાં પૈસા રોક્યા હતા. પૈસા ડૂબશે નહિ એની કોઈ ગેરેન્ટી હુકમચંદે તો આપી નહોતી. છતાં ગામ એને જ જવાબદાર માનતું હતું અને આજે મારી નાખવા તત્પર થયું હતું. બસસ્ટેન્ડ પર માહોલ ખૂબ ગરમ હતો. હુકમચંદનો બચાવ કરી શકે એવું કોઈ ત્યાં હાજર નહોતું. ભાભા, તખુભા, પોચા સાહેબ અને વજુશેઠ વગેરેએ કાયદો હાથમાં ન લેવા લોકોને સમજાવ્યા. ડોકટર લાભુ રામાણી પણ સમયનો તકાજો પારખીને બસસ્ટેન્ડ પર આવી ગયા. પણ લાકડીઓ પછાડતા લોકોને સમજાવી શકાય તેમ નહોતું. કારણ કે એ લોકો કોઈ વાત કાને ધરવા તૈયાર જ નહોતા. હબો અને નગીનદાસ, ચંચો, જાદવો, ખીમો ને ભીમો, રઘલો વગેરે પણ હુકમચંદને ખોખરો કરવાના મૂડમાં હતા."તખુભા, આપણી નજર સામે આખું ગામ ભેગું થઈને હુકમચંદને ધોકાવે એ આપણાથી સહન નહિ થાય હો. મારા બેટાઓને મફતમાં રૂપિયા ડબલ કરવા'તા. પહેલા તો બહુ સારું લાગ્યું. હવે મારવા ઉતરી પડ્યા. તમે કંઈક કરો..હજી તમારી હાક તો વાગશે." ભાભાએ કહ્યું."હું બંધુક લઈને સભામાં આવ્યો'તો તે શું થિયું'તું ઈ તમે ચ્યાં નો'તું જોયું. આ ભામ આપડું કંઈ માને એમ નથી. હુકમચંદને વજુશેઠે ફોન કરીને કય દીધું છે કે ભલો થયન આંય નો આવતો. પણ ઈનેય માર ખાવો છે તો આપણે શું કરી શકીએ. જે થાય ઈ જોયા કરો. ભલે થોડોક ઠમઠોરે. પછી આપણે આડા પડીને બચાવી લેશું. ગામ દાઝ તો ઉતાર્યા વગર રેવાનું નથી ગોર." તખુભાએ કહ્યું."માળો હુકમચંદ ભાયડો તો કહેવાય હો. ખબર સે કે ગામ મારવા ઊભું છે તોય સામી છાતીએ આવે છે બોલો. બીજો કોઈ હોય તો ગામમાં પગ મૂકે ખરો?" પોચા સાહેબે નાક પર મારેલી પટ્ટી સરખી ચોંટાડતા કહ્યું. 'હા હો, પોચા માસ્તર તમારી વાત સાચી છે. હુકમાને ઠામકી બીક નથી. મને લાગે છે કે પોલીસ રક્ષણ સાથે લઈને આવશે. ઈમ ઈ હુકમો કાચી માટીનો નથી. આ બધા ભલે લાકડીઓ પછાડે છે પણ એક આંગળી પણ કોઈ અડાડી નથી શકવાનું, જોઈ લેજો." વજુશેઠે સોપારીનો ભૂકો મોઢામાં મમળાવતા કહ્યું. "પોલીસ હાર્યે હોય કે લસકર હોય.. અમે હુકમાને ખોખરો કર્યા વગર્ય મેલવાના નથી હમજયા? એકવાર બસમાંથી ઉતરે એટલી જ વાર છે."વજુશેઠની વાત સાંભળીને ભીમાએ લાકડી પછાડી. ટોળાને કહે છે કે મોં માથું હોતું નથી. આગળની રાતે, ગામમાં હુકમચંદ આવે છે એ વાત વંટોળીયાની જેમ ફરી વળી હતી. પણ હુકમચંદ ક્યારે અને કેવી રીતે આવવાનો છે એની કોઈને ખબર નહોતી. હુકમચંદના વફાદાર જગો અને નારસંગ, જીપ લઈને હુકમચંદને લેવા ગયા હશે એ વાત કોઈએ વિચારી નહોતી. બસ, એકબીજા પાછળ દોરવાઈને સ્કીમમાં છેતરાયેલા લોકો બસસ્ટેન્ડે ભેગા થયા હતા. માત્ર ટેમુ અને બાબો જ એ ટોળામાં સામેલ નહોતા. બપોરના બાર વાગ્યા સુધી લાકડીઓ પછાડીને સૌ થાક્યા. દસ વાગ્યાની ને અગિયાર વાગ્યાની બે બસો બોટાદથી આવીને ધંધુકા અને રાણપુર ગઈ. પણ એકેય બસમાંથી હુકમચંદ ઉતર્યો નહિ. તખુભા, ભાભા, પોચા સાહેબ અને વજુશેઠ વગેરે કંટાળીને ઘરે જતા રહ્યાં. છેક બપોરે 'ફાટણીયો.. મરવાનો થિયો સે ઈની ખબર્ય પડી જઈ એટલે નો આયો. પણ જય જય ને ચ્યાં જાવાનો સે.. આજ નય તો કાલ્ય આવહે તો ખરો જ ને. હાલો હવે ઘરભેળા થાવ.' એમ બબડતા બધા વિખેરાયાં. ગામની હવા ખૂબ ગરમ હતી. હુકમચંદ એમ હાથમાં આવી જાય એવો મૂર્ખ નહોતો. ગામ એની રાહ જોતું રહ્યું. પણ હુકમચંદ તો આગળની રાતે જ આવીને એના ઘરમાં આરામથી ઊંઘી ગયો હતો. જગો અને નારસંગ રાતે જ હુકમચંદને લઈ આવ્યા હતા!હુકમચંદ હવે કયો દાવ રમવાનો છે એની કોઈને ખબર નહોતી.(ક્રમશ:)